Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અંબાણી-અદાણીની સંપત્તિએ તો સાઉદી અરેબિયાના GDP ને પણ પાછળ છોડ્યો!

અંબાણી-અદાણીની સંપત્તિએ તો સાઉદી અરેબિયાના GDP ને પણ પાછળ છોડ્યો!

Published : 12 August, 2026 12:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Hurun India Report 2026: ભારતના ટોચના ફેમિલી બિઝનેસની સંપત્તિ ડોલર ૧.૪૬ ટ્રિલિયન પહોંચી, સાઉદી અરેબિયાના GDP ને પણ પાછળ છોડ્યો; અંબાણી પરિવાર ભારતનો સૌથી ધનિક પરિવાર, અદાણી પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોની યાદીમાં ટોચ પર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતના ટોચના ૩૦૦ કૌટુંબિક વ્યવસાયો (ફેમિલી-ઓન્ડ બિઝનેસ)નું કુલ મૂલ્યાંકન રુપિયા ૧૩૮ લાખ કરોડ (ડોલર ૧.૪૬ ટ્રિલિયન) ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે, જે સાઉદી અરેબિયા, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને પોલેન્ડ જેવા દેશોના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં પણ વધુ છે. `૨૦૨૬ બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરૂન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસિસ` રિપોર્ટ (2026 Barclays Private Clients Hurun India Most Valuable Family Businesses` report) અનુસાર, અંબાણી પરિવારે ભારતના સૌથી મૂલ્યવાન બિઝનેસ ફેમિલી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ગૌતમ અદાણી પરિવાર પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોની શ્રેણીમાં મોખરે રહ્યો છે.

અંબાણી પરિવાર ટોચના સ્થાને યથાવત; પ્રથમ પેઢીની સંપત્તિમાં અદાણી આગળ



મૂલ્યાંકનમાં વાર્ષિક ધોરણે ૮.૫ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, મુકેશ અંબાણી(Mukesh Ambani) નો પરિવાર રુપિયા ૨૫.૮ લાખ કરોડ (ડોલર ૨૭૩ અબજ) ના કુલ મૂલ્યાંકન સાથે સતત ત્રીજા વર્ષે આ યાદીમાં પ્રથમ ક્રમે રહ્યો છે. પરંપરાગત વ્યાપારી ઘરાનાઓમાં કુમાર મંગલમ બિરલા પરિવાર રુપિયા ૮.૧૪ લાખ કરોડના મૂલ્યાંકન સાથે બીજા ક્રમે અને સજ્જન જિંદાલ પરિવાર રુપિયા ૮.૦૨ લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે છે.


પ્રથમ પેઢીના વ્યાપાર ક્ષેત્રે ગૌતમ અદાણી (Gautam Adani) નો પરિવાર રુપિયા ૧૯.૬ લાખ કરોડ (ડોલર ૨૦૮ અબજ) ના મૂલ્યાંકન સાથે ટોચ પર રહ્યો છે. ટેલિકોમ ક્ષેત્રના અગ્રણી સુનીલ ભારતી મિત્તલનો પરિવાર પ્રથમ પેઢીની શ્રેણીમાં બીજા ક્રમે અને સમગ્ર યાદીમાં રુપિયા ૧૨.૧ લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે દિલિપ સંઘવીનો પરિવાર (સન ફાર્મા) પ્રથમ પેઢીની સંપત્તિમાં રુપિયા ૪.૫૫ લાખ કરોડ સાથે ત્રીજા સ્થાને છે.

સંયુક્ત મૂલ્ય વિશ્વના મુખ્ય અર્થતંત્રો કરતાં પણ આગળ


હુરૂન ઇન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક એનાસ રહેમાન જુનાઇદે નોંધ્યું હતું કે જો ભારતનું ટોચનું ફેમિલી બિઝનેસ નેટવર્ક એક દેશ હોત, તો તે GDP ની દ્રષ્ટિએ વિશ્વની ૧૮મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોત. છેલ્લા બે વર્ષમાં ભારતના ટોચના ૩૦૦ કૌટુંબિક સાહસોએ તેમની કુલ માર્કેટ વેલ્યુમાં આશરે રુપિયા ૩૦ લાખ કરોડ ઉમેર્યા છે, જે દૈનિક સરેરાશ રુપિયા ૪,૦૭૬ કરોડના દરે વૃદ્ધિ દર્શાવે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ટોચના ૩૦૦ માંથી માત્ર ૧૦ બિઝનેસ પરિવારો જ કુલ મૂલ્યાંકનના ૫૧ ટકા એટલે કે રુપિયા ૭૦.૫ લાખ કરોડ હિસ્સો ધરાવે છે. વધુમાં, આ ૩૦૦ કૌટુંબિક વ્યવસાયોનું સંયુક્ત મૂલ્ય ૨૭.૫ ટકા વધ્યું છે, જેણે આ સમયગાળા દરમિયાન મોટા શેરબજાર સૂચકાંકો કરતાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

સંપત્તિનું સર્જન અને સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવનાર પરિવારો

વ્યક્તિગત પરિવારોમાં, સજ્જન જિંદાલ પરિવારે ત્રણ વર્ષના સમયગાળામાં સૌથી વધુ સંપત્તિ ઉમેરી છે. તેમની સંપત્તિ રુપિયા ૩.૩ લાખ કરોડ (૭૦ ટકાનો વધારો) વધીને રુપિયા ૮.૦૨ લાખ કરોડ થઈ ગઈ છે. અનિલ અગ્રવાલનો પરિવાર (વેદાંત) બીજા ક્રમે રહ્યો છે, જેણે પોતાની સંપત્તિમાં રુપિયા ૩.૦૩ લાખ કરોડનો (૨૧૨ ટકાનો ઉછાળો) ઉમેરો કરીને રુપિયા ૪.૪૫ લાખ કરોડ પહોંચાડ્યો છે.

શાહી એક્સપોર્ટસના આહુજા પરિવારે યાદીમાં સૌથી વધુ ૩૫૨ ટકાની ટકાવારી ગ્રોથ નોંધાવી છે, જેની સંપત્તિ વધીને રુપિયા ૩૭,૫૦૦ કરોડ થઈ છે. જ્યારે શશિકાંત ભાલચંદ્ર ગારવારેના પરિવારે (ગારવારે હાઇ-ટેક ફિલ્મ્સ) રેન્કિંગમાં સૌથી મોટો કૂદકો માર્યો છે, જે ૬૧ સ્થાન ઉપર આવીને રુપિયા ૧૫,૬૦૦ કરોડના મૂલ્યાંકને પહોંચ્યો છે.

આર્થિક પ્રભાવ અને પેઢીગત પરિવર્તનના વલણો

હુરૂન ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર આ કૌટુંબિક સાહસો દેશના અર્થતંત્ર પર મોટો પ્રભાવ ધરાવે છે. તેઓ વાર્ષિક રુપિયા ૫૬ લાખ કરોડની આવક ઉભી કરે છે અને રુપિયા ૧.૯ લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ ચૂકવે છે, જે ભારતના કુલ કોર્પોરેટ ટેક્સ કલેક્શનના લગભગ ૧૭ ટકા છે.

રિપોર્ટમાં પેઢીગત પરિવર્તનની વિગતો પણ આપવામાં આવી છે. હાલમાં આમાંથી ૭૦ ટકા વ્યવસાયો બીજી પેઢીના નેતાઓ દ્વારા, ૫૭ વ્યવસાયો ત્રીજી પેઢીના વારસદારો દ્વારા અને ૨૬ વ્યવસાયો ચોથી પેઢી કે તેથી વધુ સમયથી સફળતાપૂર્વક સંભાળવામાં આવી રહ્યા છે. મુંબઈ ૯૫ કંપનીઓ સાથે ભારતીય કૌટુંબિક વ્યવસાયોનું મુખ્ય વડું મથક બની રહ્યું છે, ત્યારબાદ નેશનલ કેપિટલ રીજન (NCR) ૫૮ અને કોલકાતા ૨૬ કંપનીઓ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK