ઈરાન યુદ્ધને કારણે ફૂડ-ફ્યુઅલ મોંઘાં થયાં, જોકે મોંઘવારી સતત સોળમા મહિને RBIના ૪ ટકાના ટાર્ગેટથી નીચે રહી : રિઝર્વ બૅન્કે FY27 માટે ફુગાવાનો અંદાજ વધારીને ૫.૧ ટકા કર્યો છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાનમાં વધતા તનાવ વચ્ચે ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે અને ઈંધણ મોંઘું થતાં જ અન્ય તમામ વસ્તુઓ મોંઘી બની ગઈ છે. એને પગલે મે મહિનામાં ભારતનો રીટેલ મોંઘવારીનો દર વધીને ૩.૯૩ ટકા પર પહોંચી ગયો છે. શુક્રવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ મહિનામાં ગ્રાહક (રીટેલ) ફુગાવો ૩.૪૮ ટકા નોંધાયો હતો. જોકે રાહતની વાત એ છે કે મોંઘવારીનો આ આંકડો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ૪ ટકાના અનુમાન કરતાં ઓછો રહ્યો છે. આ સતત સોળમો મહિનો છે જ્યારે દેશમાં મોંઘવારી RBIના ટાર્ગેટથી નીચે રહી છે, જે આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે રાહતરૂપ છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સંશોધિત કન્ઝમ્પ્શન બાસ્કેટ સાથે શરૂ કરાયેલી નવી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) સિરીઝ હેઠળ મે મહિનાનો આ આંકડો સૌથી ઊંચો છે.
મે મહિનામાં સરકારી તેલકંપનીઓએ ૪ વખત ઈંધણના ભાવ વધાર્યા હતા, જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ખાદ્ય ચીજોની મોંઘવારીમાં વધારો થયો છે. આ વૈશ્વિક દબાણને કારણે RBIએ ગયા અઠવાડિયે મળેલી મૉનેટરી પૉલિસી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૭ (FY27) માટે ફુગાવાનો અંદાજ અગાઉના ૪.૬ ટકાથી વધારીને ૫.૧ ટકા કરી દીધો છે.
