Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટ ટ્રેન્ડ પૉઝિટિવ : ચોક્કસ પરિબળો ધ્યાનમાં રાખી સિલેક્ટિવ બનવું જરૂરી

માર્કેટ ટ્રેન્ડ પૉઝિટિવ : ચોક્કસ પરિબળો ધ્યાનમાં રાખી સિલેક્ટિવ બનવું જરૂરી

Published : 10 August, 2026 09:00 AM | IST | Mumbai
Jayesh Chitalia

ગ્લોબલ સિચુએશન, ક્રૂડ, ડૉલર-રૂપી, કૉર્પોરેટ અર્નિંગ્સને ધ્યાનમાં રાખીને આગળ વધવું ઃ અચાનક સર્જાતી રૅલી પાછળ ઘેલા ન થવું ઃ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે લાર્જકૅપ અને SIP રોકાણમાં શાણપણ રહેશે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં રોકાણકારો માટે માર્ગદર્શક બને એવો એક અભ્યાસપૂર્ણ અહેવાલ બહાર આવ્યો છે જે મુજબ લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સે અત્યારના ટૂંકા ગાળાના શોરબકોરની ઉપેક્ષા કરવી જોઈશે. ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન વાજબી સ્તરે આવી ગયાં છે અને લાર્જકૅપ સ્ટૉક્સમાં રોકાણનો ઉત્તમ સમય છે. સૌથી મહત્ત્વના મુદ્દામાં અભ્યાસ કહે છે કે જ્યારે પણ માર્કેટ લાંબા ગાળાના કન્સોલિડેશન બાદ પાછું ફરે છે ત્યારે ઊંચું વળતર આપતું હોવાનું નોંધાયું છે. આ અભ્યાસ DSP મ્યુચ્યુઅલ ફન્ડનો છે. અલબત્ત, આમ થશે જ અેની ખાતરી ન આપી શકાય, પરંતુ સંકેતો આવું સૂચવે છે. એક સમયે વૅલ્યુએશન વધુ પડતાં ઊંચાં ગયાં હતાં યા કહો કે ખેંચવામાં આવ્યાં હતાં, હવે અે વાજબી લેવલે આવ્યાં હોવાનું માની શકાય. ઊંચાં વૅલ્યુએશન સમયે બજાર છોડી ગયેલા લોકો પાછા આવવા લાગ્યા છે. માર્કેટ યુફોરિયા કરતા આવા સમયમાં ભાવો રિઝનેબલ બને ત્યારે રોકાણકારો ખરીદી માટે સક્રિય થતા હોય છે જે સમય લાંબા ગાળાના રોકાણમાં માનતા વર્ગ માટે આવી ગયો કહી શકાય. 

લાર્જકૅપ સ્ટૉક્સ બહેતર ચોઇસ
આ સમયમાં સ્મૉલકૅપ-મિડકૅપ સ્ટૉક્સ કરતાં લાર્જકૅપ સ્ટૉક્સમાં રોકાણ વધુ સલાહભર્યું રહેશે. લાર્જકૅપ સ્ટૉક્સ નીચા ભાવે બહેતર વળતરની સંભાવના સાથે મળી રહ્યા છે. આનો એક સંકેત એ સમજવાનો છે કે સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સનો પોર્ટફોલિયો વધી ગયો હોય તો અેમાંથી બહાર નીકળી લાર્જકૅપ તરફ વળવા જેવું છે. આ કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ મુખ્ય આધાર છે, જ્યારે કે સ્મૉલ અને મિડકૉપ સ્ટૉક્સ સુધ્ધાં અેની પાત્રતા કરતાં વધુ વધી ગયા હતા. DSP મ્યુચ્યુઅલ ફન્ડનો અભ્યાસ સ્પષ્ટતા સાથે જણાવે છે કે આ કોઈ આગાહી નથી, પરંતુ ઇતિહાસના આધારે કરાયેલી ધારણા છે. જેમણે લાંબા ગાળાના અભિગમ સાથે વિવિધ સંજોગોમાં રોકાણ જાળવી રાખ્યું છે તેમણે આવા સમયમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ વધારવામાં પણ સાર ગણાય. 



ટ્રેન્ડ અને વૅલ્યુએશન સામે હજી સવાલ
ગયા સપ્તાહનો પ્રથમ દિવસ ઉછાળા સાથે શરૂ થયો હતો. યસ, ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII)નો પાછો ફરી રહેલો પ્રવાહ બજારને બુસ્ટ આપવામાં કારણ બન્યો હતો. જોકે સોમવારથી લાગુ થયેલી નવી ઑક્શન સિસ્ટમમાં છેલ્લી મિનિટોમાં ચોક્કસ કથિત ગરબડ સર્જાતાં કન્ફ્યુઝન ઊભું થયું હતું. મંગળવારે બજાર પ્રૉફિટ બુકિંગને લીધે સાધારણ નીચે ગયું અને બુધવારે અને ગુરુવારે પણ રિકવરીનો દોર જ ચાલુ રહ્યો હતો. જોકે શુક્રવારે કરેક્શન સાથે માર્કેટ બંધ થયું હતું, પરંતુ જ્યારથી બજારમાં સમયના ફેરફાર સાથે નવી ઑક્શન સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી ઇન્ડેક્સની વધઘટમાં નવાઈ લાગે અેવો ફરક જોવા મળ્યો છે. ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે મોટો ગૅપ જોવાયો છે. આ વિષય માર્કેટ અને રેગ્યુલેટર માટે સવાલ ઊભા કરે છે. આ નવી કલોઝિંગ ઑક્શન સિસ્ટમ ખરેખર કોના હિતમાં છે એ હજી સ્પષ્ટ થયું નથી એવું બજારનો વર્ગ માને છે.  દરમ્યાન ટ્રમ્પે ઈરાન સાથેની સમજૂતી માટે વધુ એક વાર આશાવાદ વ્યકત કર્યો હતો. 
આપણે ગયા વખતે વૅલ્યુએશનની વાત કરતાં કહ્યું હતું કે ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન આકર્ષક બન્યાં છે, સપ્ટેમ્બર ૨૦૨૪માં અે ૨૪ ગણા વધી ગયાં હતાં, જેની સામે હાલના ભાવ મહત્તમ વાજબી સ્તરે આવ્યા કહેવાય છે. આને કારણ જે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ અહી ડાઇવર્ટ થયો છે, સાઉથ કોરિયા અને તાઇવાનની માર્કેટમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટૉક્સ પાછળનું ઘેલું પૂરું થયું છે જેણે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વર્ગને પાછા વાળવામાં ભૂમિકા ભજવી છે.


ધ્યાન રાખવા જેવા મુદા
વર્તમાન ટ્રેન્ડ પર નજર કરીને બજારની ચાલને સમજવાનો પ્રયાસ કરીએ તો આ પરિબળો ધ્યાનમાં લેવાં પડે. બજાર રિકવરી તરફ આગળ વધી રહ્યું છે ખરું, પરંતુ સાવચેતી સાથે અને ધીમી ગતિએ. કૉર્પોરેટ અર્નિંગ્સ, ક્રૂડ ઑઇલના ભાવ તેમ જ ગ્લોબલ સંજોગોની ગતિવિધિ પર નિરીક્ષણ જરૂરી છે. રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં ફેરફાર ભલે ન કર્યો, પણ અર્થતંત્રનાં અન્ય પરિબળો પર પણ નજર આવશ્યક છે. સેન્સેક્સ અને નિફ્ટી લાર્જ સ્ટૉક્સમાં રિકવરી થઈ છે, સ્થાનિક રોકાણકારોનો સેકન્ડરી અને પ્રાઇમરી માર્કેટમાં રસ વધવા લાગ્યો છે, આ સાથે વિદેશી રોકાણકારો પણ ભારતીય માર્કેટમાં નેટ બાયર્સ બનવા લાગ્યા છે.

સ્ટૉક્સ સ્પેસિફિક અભિગમ
હવે પછીની માર્કેટ કરતાં સ્ટૉક્સની ચાલ કંપની પરિણામોને આધારે વધુ રહેશે. અર્નિંગ્સ નબળાં હશે અેમાં કરેક્શન અવશ્ય જોવા મળશે. રિઝર્વ બૅન્કની ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીએ એકંદરે રાહત આપી છે, હવે યુએસ ફેડરલ રિઝર્વ પર નજર રહેશે. જિયો પૉલિટિકલ સિચુએશન અને ડૉલર મૂવમેન્ટ તથા વિદેશી રોકાણપ્રવાહ બજારને ચલાવશે યા અટકાવશે. હજી ક્યાંક ચોક્કસ સ્ટૉક્સમાં વૅલ્યુએશન હાઈ જણાતાં અેમાં કરેક્શન આવી શકે. જોકે આ સાથે વૅલ્યુ બાઇંગ પણ રહેશે. ઇન્વેસ્ટર્સ સ્ટૉક્સ સિલેક્ટિવ બનવાનું વધુ પસંદ કરશે. લાર્જકૅપ સ્ટૉક્સ વધુ ચાલશે, જ્યારે સ્મૉલ અને મિડકૅપ ધીમાં યા વૉલેટાઇલ રહી શકે. બૅન્કિંગ-ફાઇનૅન્શિયલ સેક્ટર, કૅપિટલ ગુડ્ઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આકર્ષણ રહેશે. IT સેક્ટરની ગતિ અમેરિકનની ડિમાન્ડ કેવી રહે છે અેના પર નિર્ભર રહેશે.


બજારનો મોટો ટેકો ફન્ડ્સ
ભારતની ગ્રોથ સ્ટોરી બેટર ગણાય છે, જેમ કે સ્થાનિક વપરાશદર મજબૂત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચનું જોર, ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ, સતત ડિજિટાઇઝેશન અને મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે આવતો નાણાપ્રવાહ બજારનો મોટો સપોર્ટ બની રહે છે. ખાસ કરીને SIP પ્રવાહ અકબંધ છે અને રહેવો પણ જોઈએ. લાંબા ગાળાના રોકાણકારોએ આ શિસ્ત જાળવી રાખવામાં સાર અને શાણપણ છે. પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ રાખવો અને તેજીના નામે દોડતા સ્ટૉક્સ પાછળ ગાંડાની જેમ ન દોડવું સલાહભર્યું છે. વર્તમાન સંજોગો વચ્ચે-વચ્ચે વૉલેટિલિટી અને અનિશ્ચિતતાનાં દર્શન કરાવ્યાં કરશે. ખરા સમયે ખરીદીની તક ઉપાડવા કે અેનો લાભ લેવા અમુક કૅશ હોલ્ડિંગ આવશ્યક સમજવું રહ્યું. બાય ધ વે, માર્કેટ પાસે આ વરસે બહુ મોટા વળતરની આશા રાખવી નહીં.

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત
 સેબી પોર્ટફોલિયો મૅનેજર્સને ઓવરસીઝ માર્કેટમાં લિસ્ટેડ થનાર સ્ટૉક્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવાનું વિચારતું હોવાના અહેવાલ છે. 
 BSEએ તાજેતરમાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (રિટ્સ) ઇન્ડેક્સ લૉન્ચ કર્યો છે જે રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને ટ્રેક કરશે. આ સેક્ટરમાં રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારોને આ ઇન્ડેકસ મારફત એક નવી તક ઉપલબ્ધ થશે. 
 મિરાઈ એસેટ્સ મ્યુચ્યુઅલ ફન્ડના નામે બોગસ વૉટ્સઅૅપ ગ્રુપ ફરી રહ્યું છે અને રોકાણકાર વર્ગને ગેરમાર્ગે દોરી રહ્યું હોવા પ્રત્યે મિરાઈ એસેટ મૅનેજેમન્ટ કંપનીએ પોતે જ ધ્યાન દોર્યું છે. 
 સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ભારતની પ્રથમ બૅન્ક બની છે જેનો કુલ બિઝનેસ ૧૦૦ ટ્રિલ્યન રૂપિયાથી વધુ થયો છે. તેની ડિપૉઝિટસ ૬૦ ટ્રિલ્યન રૂપિયા અને ધિરાણ ૫૦ ટ્રિલ્યન રૂપિયા થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 09:00 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK