Indian Rice Export: પુરવઠામાં ખેંચને લીધે ચાલુ સપ્તાહે ભારતીય ચોખાના નિકાસ ભાવ વધીને એક વર્ષની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા છે. બીજી તરફ ઇન્ડિયન વેધર ડીપાર્ટમેન્ટ જણાવે છે કે ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં ૧૬ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
પ્રતીકાત્મક તસવીર
Indian Rice Export: ઑલરેડી ડુંગળી અને ખાંડના વધતા ભાવે ભારતના સામાન્ય લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. હવે તો દાઝ્યા પર ડામ દેવાતો હોય તેવા રિપોર્ટ્સ મળી રહ્યા છે. આ વર્ષે સરેરાશ કરતાં પણ વરસાદ ઓછો થયો છે. જેને કારણે ખેડૂતો જોઈએ તેટલા પ્રમાણમાં ઉનાળુ પાક લઈ શક્યા નથી. પુરવઠામાં ખેંચને લીધે ચાલુ સપ્તાહે ભારતીય ચોખાના નિકાસ ભાવ વધીને એક વર્ષની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા છે. બીજી તરફ ઇન્ડિયન વેધર ડીપાર્ટમેન્ટ જણાવે છે કે ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતાં ૧૬ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વરસાદ ઓછો જ રહે તેવી શક્યતા છે. આમ, વરસાદમાં થયેલ ઘટને લીધે ઉનાળુ પાકના ઉત્પાદનમાં પણ છે સારોએવો ઘટાડો થઈ શકે છે.
બ્રોકન રાઈસનો ભાવ વધ્યો
ADVERTISEMENT
ભારતમાં ચાલુ સપ્તાહે પાંચ ટકા બ્રોકન રાઈસ (Indian Rice Export)નો ભાવ વધીને ૩૭૧-૩૭૭ ડોલર પ્રતિ ટન થયો છે, જે ગયા સપ્તાહે ૩૬૯-૩૭૫ ડોલર હતો. થાઇલેન્ડમાં આ જ ચોખાનો ભાવ ગયા અઠવાડિયાના ૪૮૩-૪૮૫ ડોલર હતો જે વધીને ૪૮૮ ડોલર પ્રતિ ટન થઈ ગયો છે. આવનાર સમયમાં પણ આ ચોખાનું પ્રોડક્શન ઓછું રહેવાની આશંકામાં તેના ભાવ ઊંચકાઈ રહ્યા છે. વિયેતનામમાં આ ચોખાનો ભાવ ૪૪૦-૪૪૫ ડોલર પ્રતિ ટન પર સ્ટેબલ રહ્યો છે. કોલકાતાના એક વેપારીએ જણાવ્યું હતું કે, "વરસાદની ખાધમાં વધારો થયો છે. અને તેને કારણે જ પાક ઉત્પાદનમાં ભારે ઘટ જોવા મળશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ટૂંકમાં આ બધાને કારણે કિંમતો ઊંચકાઇ રહી છે.
હવે તો એકાદ અઠવાડિયામાં ઉનાળુ પાકની લણણી પણ પૂરી થશે, એટલે...
હાલમાં ઉનાળુ અને શરદ ઋતુમાં જે પાક (Indian Rice Export) લેવાય એની લણણી લગભગ એકાદ અઠવાડિયામાં પૂરી થઈ જશે. જેનાથી બજારમાં સ્થાનિક પુરવઠામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે, માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ ઉનાળુ પાકની લણણી કરવાનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, આ કારણોસર પણ પાકના પુરવઠામાં ધટાડો થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ફિલિપિન્સ ચોખાના ઇમ્પોર્ટને વધારી રહ્યું છે પરંતુ તે વિયેતનામને બદલે બીજા જ દેશો પાસેથી ખરીદી કરી રહ્યું છે.
સ્થાનિક બજારમાં ચોખાના વધી રહેલા ભાવ (Indian Rice Export) પર અંકુશ લાદવા માટે બાંગ્લાદેશ સરકારે સુગંધિત ચોખાના નિકાસને ઘટાડીને અડધો કરી દીધો છે. સરકારે અગાઉ ૪૫,૨૭૦ ટન સુગંધિત ચોખાની નિકાસ કરવાની પરમીશન આપી હતી. પરંતુ ૩૦ ઓગસ્ટ સુધી માત્ર ૨,૪૧૯ ટન જ નિકાસ થઈ શકી હતી. નવા નિયમો હેઠળ નિકાસ માટે ન્યૂનતમ ભાવ ૧.૬૦ ડોલર પ્રતિ કિલો નક્કી કરાયો છે. કસ્ટમ ક્વોલિટી ચેક અને નિકાસ દ્વારા થનારી આવકને દેશમાં પાછી લાવવી ફરજિયાત કરી દેવામાં આવી છે.
