Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > હવે વરસાદ, ક્રૂડ અને મોંઘવારી બજાર માટે ચિંતાનાં પરિબળો

હવે વરસાદ, ક્રૂડ અને મોંઘવારી બજાર માટે ચિંતાનાં પરિબળો

Published : 08 June, 2026 09:31 AM | IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટ પાસે દોડવા માટે નક્કર કારણો નથી : સરકાર અને રિઝર્વ બૅન્કનાં રાહતનાં પગલાં છતાં FII હજી સમય લેશે : શૅરબજારની ચાલ સામે હાલના સંજોગો સતત કંઈક ને કંઈક નવાં પરિબળો ઊભાં કરી રહ્યા છે જેથી એની અનિશ્ચિતતા હેમખેમ રહી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વિદેશી રોકાણકારોના એકધારા નેટ વેચાણને પરિણામે શૅરબજાર કેટલું નીચે ગયું છે એ જાહેર છે ત્યારે હવે સરકારે વિદેશી રોકાણકારોને રિઝવવા અથવા આકર્ષવા તેમને ચોક્કસ પ્રકારની કરરાહતો અને સરળ સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ માટેની પ્રોસેસ અમલમાં મુકાઈ છે, રિઝર્વ બૅન્કે પણ આ વિષયમાં શુક્રવારે ચોક્કસ જાહેરાત કરી હતી. બીજી બાજું, નાણાકીય વર્ષ ૨૦૨૬માં GDP ગ્રોથ રેટ પણ ધારણાથી અલગ રહીને ૭.૭ ટકા જેવો ઊંચો અને ક્વૉર્ટરલી (જાન્યુઆરીથી માર્ચ-’૨૬) રેટ ૭.૮ ટકા જેવો ઊંચો રહ્યો છે. જોકે હવે એ ધીમો પડવાની શક્યતા છે. અત્યારે તો બજારની ચાલને અસર કરે એવાં વિવિધ પૉઝિટિવ અને નેગેટિવ અથવા જોખમી બની શકે એવાં પરિબળો મોજૂદ છે.

FII શું જોઈ રહ્યા છે?



ભારતીય શૅરબજારમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FII) સતત નેટ સેલર બન્યા રહીને બજારને નોંધપાત્ર નીચે લઈ ગયા છે જેનાં વિવિધ કારણો રહ્યાં, પરંતુ એમાંથી અમુક કારણ હવે અટકવા યા બંધ થવાની તૈયારીમાં છે. ખાસ કરીને યુદ્ધનું કારણ. ખેર, હજી પણ આમ તો આ અધ્ધર ગણાય. તેમ છતાં, જો ખરેખર આ કારણો પૂરાં થઈ જાય પછી પણ FIIનો રોકાણપ્રવાહ ભારતમાં ઝડપી બનશે ખરો? આ સવાલના જવાબમાં અધૂરપ છે, કેમ કે ભારતીય બજારમાં હાલ કેટલીક અધૂરપ છે, ગ્લોબલ રોકાણકારોને હજી વૅલ્યુએશન ઊંચા લાગે છે જેમાં વિદેશી-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રોકાણ કરવા વધુ ઉત્સુક છે એવા સેક્ટરમાં ભારત હજી બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ સેક્ટર છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડકટર્સ, ચિપ્સ, ઇલેક્ટ્રિકલ વાહનો વગેરે. એથી જ આપણે ગયા વખતે વાત કરી એમ ગ્લોબલ ઇન્વેસ્ટર્સનો પ્રવાહ તાઇવાન અને સાઉથ કોરિયાની બજારો તરફ વળતો-વધતો ગયો છે. આ બન્ને બજારોના માર્કેટકૅપ ભારતીય બજાર કરતાં ઉપર નીકળી ગયા છે. ભારતમાં આ સેક્ટર્સમાં રોકાણપ્રવાહ વધે, મજબૂત કૉર્પોરેટ હાઉસિસ આ સેક્ટર્સમાં રોકાણ કરવા સક્રિય બને તો ગ્લોબલ રોકાણકારો અહીં પણ રોકાણ વાળી કે વધારી શકે છે. સરકાર પણ આ વિષયમાં વધુ રસ લઈ નક્કર પગલાં ભરે અને એને પ્રોત્સાહન આપે એ સમયની માગ છે. US માર્કેટમાં પણ AI સેક્ટર સ્ટૉક્સમાં તેજી ખરી. અલબત્ત, આ તેજીની રૅલી કેટલી પાકી અને નક્કર એની સામે પણ સવાલો તો છે. જ્યારે કે FII ભારતીય અર્થતંત્રમાં લૉન્ગ ટર્મનો આશાવાદ ધરાવતા હોવાનું ચોક્કસ માની શકાય.  


ભારત માટે સિટી ગ્રુપના સંકેત

તાજેતરમાં બૅન્ક ઑફ અમેરિકા ગ્લોબલ રિસર્ચના હેડ દ્વારા એવો અભિપ્રાય વ્યક્ત કરાયો છે કે આગામી સમયમાં વેસ્ટ એસિયા ક્રાઇસિસના ઉકેલ સાથે અને AIમાં જંગી રોકાણપ્રવાહ સાથે ભારતને લાભ થવાની આશા છે. અલબત્ત, ભારત સરકારે ચોક્કસ આર્થિક સુધારા પણ કરવાના થશે, પરંતુ જો US-ઈરાન વિવાદ ચાલતો રહ્યો કે વધ્યો તો ભારતીય માર્કેટના વૅલ્યુએશન વધી શકશે નહીં, ઉપરથી ડાઉન પણ થઈ શકે. બધું બરાબર પાર ઊતર્યું તો નિફ્ટી વર્ષના અંતે ૨૬,૨૦૦ સુધી જઈ શકે. ઇમરજિંગ માર્કેટ્સમાં એસિયન ક્રાઇસિસના અંતનો સૌથી વધુ લાભ ભારતને મળવાની ધારણા છે.


SIP પડી રહ્યા છે મંદ

શૅરબજાર છેલ્લાં દોઢ-બે વર્ષથી હાલકડોલક રહેતાં મ્યુચ્યુઅલ ફંડ્સના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના વળતરને અસર થઈ છે, જે નીચે ગયા છે. પરિણામે પ્રાપ્ત ડેટા મુજબ SIPનો પ્રવાહ ઘટ્યો છે, નવા પ્લાનમાં ઘટાડો થયો છે અને ઘણા પ્લાન અટકાવી દેવાયા છે. લોકોએ SIP માર્ગે રોકાણ ઓછું કર્યું છે. ગયા મહિને નવા અકાઉન્ટ્સ ખૂલવાની સંખ્યા સામે બંધ થવાની સંખ્યા વધુ રહી છે. જોકે નિષ્ણાતોના મતે રોકાણકાર વર્ગ જો માત્ર મંદી જોઈને આમ કરી રહ્યો હોય તો એ ભૂલ કરી રહ્યો છે. ખરેખર તો આ સમયમાં રોકાણ વધારવું જોઈએ, કારણ કે અત્યારે ઓછાં રોકાણ સાથે યુનિટ્સ વધુ મળી શકે એમ હોય છે. વાસ્તવમાં મંદી એ તો રોકાણનો ઉત્તમ સમય ગણાય.

બજાર દિશા વિના વધ-ઘટના જ દોરમાં

વીતેલા સપ્તાહમાં અનિશ્ચિતતા વચ્ચે બજારની ચાલ અધ્ધર જ રહી હતી. એ નોંધવું રસપ્રદ છે કે બજાર ઘટે છે ત્યારે વૅલ્યુ બાઇંગ આવી જાય છે. મંદીનાં વળતાં પાણી થયાં હોય એવું લાગ્યા કરે, પરંતુ વિશ્વાસનો અભાવ હજી ઊભો જણાય છે. મંગળવારે બજાર જે રીતે ઘટીને રિકવર થઈ બંધ રહ્યું એ યુદ્ધ વિવાદ અંત તરફ આગળ વધી રહ્યો હોવાનો સંકેત આપતું હતું. જોકે બીજા જ દિવસે એટલે કે બુધવારે બજારે આરંભ જ કરેક્શન સાથે કર્યો હતો, જે માટે યુદ્ધનું ટેન્શન અને પ્રૉફિટ બુકિંગ કારણ બન્યાં હતાં, પરંતુ બજાર બંધ થતાં પહેલાં નોંધપાત્ર રિકવરી આવી ગઈ હતી જેનું કારણ વૅલ્યુ બાઇંગ હતું. બજાર માને છે કે યુદ્ધનો તનાવ આજે નહીં તો કાલે પતી જશે, જે માર્કેટ માટે સારા સંકેત કહી શકાય. ગુરુવારે આવા જ સંકેતને કારણે માર્કેટ ઘડ્યા બાદ નોંધપાત્ર રિકવર થયું હતું.

રિઝર્વ બૅન્કનાં ચિંતા સાથેનાં પગલાં

દરમ્યાન શુક્રવારે રિઝર્વ બૅન્કે એની નાણાનીતિની જાહેરાતમાં બજારને યોગ્ય લાગે અને ઇકૉનૉમીને ટેકો આપે તેમ જ રોકાણકારોનો વિશ્વાસ વધારે એવાં પગલાં જાહેર કર્યાં હતાં જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયા નહીં, વિદેશી રોકાણપ્રવાહ ભારતમાં વધે એ માટે કદમ ભર્યાં, મોંઘવારીની અને ક્રૂડના ભાવની ચિંતા વ્યક્ત કરીને રૂપિયાના ઘસાતા મૂલ્યને રોકવાના પગલાં પણ માંડ્યાં તેમ છતાં, બજારે એને બહુ પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો નહી, કેમ કે રિઝર્વ બૅન્કે ગ્રોથ રેટ ધીમો પડીને નીચે જવાની ધારણા મૂકી હતી. આ સાથે ચોમાસાની અને સંભવિત મોંઘવારીની ચિંતા પણ દર્શાવી હતી. આ અણસાર આમ તો બજાર માટે ચિંતાના જ ગણાય જેથી હાલના સંજોગોમાં બજારને ગતિ મળે એવી શક્યતા જૂજ છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

મે મહિનાનું ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન વર્ષાનું વર્ષ ધોરણે ૩.૨ ટકા જેટલું વધ્યું છે.

વ્યવહારુ ખર્ચ આયોજનને પગલે દેશની ફિસ્કલ ડેફિસિટ ૪.૪ ટકાના સ્તરે રહી છે.

ભારત-US વેપાર કરાર હવે ફાઇનલ થવાની નજીક પહોંચી ગયાની જાહેરાત કેન્દ્રીય વેપારપ્રધાન પીયૂષ ગોયલે કરી છે.

જપાનનું જાણીતું અને વિશાળ ફાઇનૅન્શિયલ ગ્રુપ MUFG ભારતમાં ૨૩૦૦ કરોડથી વધુ રૂપિયાનો રોકાણ પ્લાન કરી રહ્યું છે જે શરૂઆતી તબક્કામાં હોય એવા ફિનટેક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.

વધતી જતી પ્રીમિયમની આવક અને ઇન્વેસ્ટમેન્ટની આવકને પરિણામે લાઇફ ઇન્શ્યુરન્સ કૉર્પોરેશન (LIC)નો માર્ચ અંતનો નફો ૨૩ ટકા વધ્યો છે. જોકે રાજેશ એક્સપોર્ટ્સનો મામલો ગંભીર બન્યો છે જેમાં LICનું ૧૦ ટકાથી વધુ રોકાણ છે.

ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત ફાઇનૅન્શિયલ સેક્ટરના સ્ટૉક્સ વેચી રહ્યા હોવાનું નોંધાયું છે.

વેસ્ટ એસિયા ક્રાઇસિસ, ભૂરાજકીય તનાવ અને રૂપિયાની એકધારી નબળાઈ છતાં ભારતીય કંપનીઓનું વિદેશોમાં રોકાણ વધ્યું છે, એપ્રિલમાં આ રોકાણ વધીને ૩.૩૭ અબજ ડૉલર થયું છે.

ભારતમાં બૉટલિંગ બિઝનેસમાં વ્યસ્ત કોકો કોલા કંપની IPO લાવવાનો પ્લાન કરી રહી છે જે આ બજારમાંથી એક અબજ ડૉલરથી વધુ રકમનું ભંડોળ ઊભું કરવા ધારે છે.

અમેરિકા ભારત સાથે AI અને સેમિકન્ડકટર્સ સંબંધી સહયોગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હોવાના અહેવાલ છે.

US તરફથી ભારતમાં આવતાં સીધાં વિદેશી રોકાણમાં ૨૦૨૬માં વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ બમણું થયું છે.

રાજેશ એક્સપોર્ટ્સનો ૧૫ લાખ કરોડથી વધુ રકમનો ગંભીર ગોટાળો ચર્ચામાં અને વિવાદમાં છે. સેબી આમાં શું બહાર કાઢે છે અને ઍક્શન લે છે એ જોવાનું રહ્યું. 

વિશેષ ટિપ: સમજો તો શૅરબજાર માટે બૂરા સમાચાર રોકાણકારો માટે સારા સમાચાર ગણાય, કેમ કે આ સમયમાં ભાવો નીચે-નીચે જતા રહે છે અને એ ખરીદીની ખરી તક બને છે, પરંતુ વિવેકબુદ્ધિ સાથે જ આ નિર્ણય લેવાય; સમજણ વિના ભારે પડી શકે.  

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 09:31 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK