Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > NSELના ટ્રેડર્સને મોટી રાહત : MMTCની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી

NSELના ટ્રેડર્સને મોટી રાહત : MMTCની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી

Published : 15 October, 2026 09:17 AM | Modified : 15 October, 2026 09:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૫૦ કરોડની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમના અમલનો માર્ગ મોકળો, ૫૬૮૨ ટ્રેડર્સને ક્લેમની સામે સેટલમેન્ટની રકમ મળશે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના ટ્રેડર્સ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ૧૯૫૦ કરોડ રૂપિયાની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમના અમલમાં રહેલા તમામ અવરોધો દૂર કર્યા છે. આ સ્કીમ 63 મૂન્સ ટેક્નૉલૉજીઝ (જૂનું નામ ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ) દ્વારા રજૂ કરવામાં આવી હતી.

જાહેર ક્ષેત્રની કંપની MMTC લિમિટેડે દાખલ કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી. નોંધનીય છે કે NSEL કેસમાં લેણદારોનાં નાણાં ચૂકવવાની દૃષ્ટિએ 63 મૂન્સે રજૂ કરેલી ૧૯૫૦ કરોડ રૂપિયાની સેટલમેન્ટ સ્કીમને અગાઉ મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીને પડકારતી MMTCની અપીલ પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે.
ન્યાયમૂર્તિ પી. એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ આલોક આરાધેની ખંડપીઠે નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના ૩૦ માર્ચના ચુકાદા સામેની MMTCની અપીલ ફગાવી દીધી હતી. મુંબઈના નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા સેટલમેન્ટ સ્કીમને આપવામાં આવેલી મંજૂરી બાબતે હસ્તક્ષેપ કરવાનો NCLATએ ઇનકાર કર્યો હતો.
નવેમ્બર ૨૦૨૫માં મુંબઈના NCLTએ ૧૯૫૦ કરોડ રૂપિયાની સેટલમેન્ટ સ્કીમને મંજૂરી આપી હતી. ૯૨ ટકાથી વધુ લેણદારોએ સ્કીમને સમર્થન આપ્યું હતું.
આ સ્કીમમાં ૫૬૮૨ નિર્ધારિત લેણદારો એટલે કે ટ્રેડર્સનો સમાવેશ થાય છે. તેમને તેમના ચકાસાયેલા દાવાની ઓછામાં ઓછી આશરે ૪૨ ટકા રકમ પરત મળવાની ખાતરી આપવામાં આવી છે.



EDને ૩૪૬૪ કરોડ રૂપિયાની જપ્ત મિલકતો વેચવાની મંજૂરી


દરમ્યાન આ કેસમાં જપ્ત કરવામાં આવેલી ૩૪૬૪ કરોડ રૂપિયાની મિલકતોનું વેચાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળની વિશેષ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને હાલમાં નિર્દેશ આપ્યો હતો.
રોકાણકારોને વહેલી તકે નાણાં પરત મળી શકે એ હેતુથી EDએ આવા વેચાણ સામે વાંધો ન હોવાનું જણાવ્યું હતું. EDના નિવેદન મુજબ મિલકતોના વેચાણમાંથી ૧૯૫૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રાપ્ત થાય તો વધારાની રકમ વિશેષ અદાલતની કસ્ટડીમાં રહેશે. કાર્યવાહીનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી આ રકમ અદાલત પાસે જમા રહેશે.
NSELમાં વર્ષ ૨૦૧૩માં પેમેન્ટ ડિફૉલ્ટની ઘટના બની હતી. આ કેસ સંબંધે EDએ અત્યાર સુધીમાં મિલકતોની કામચલાઉ ધોરણે જપ્તી કરવાના ૩૫ આદેશો જારી કર્યા છે. એણે આશરે ૩૪૬૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને વિશેષ અદાલતમાં ફરિયાદો તથા પૂરક ફરિયાદો પણ દાખલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK