Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > સેન્સેક્સ એક લાખ થવાના વરતારાથી બજાર ૬૨૯ પૉઇન્ટ પોરસાયું, રિલાયન્સ રાજાપાઠમાં ટૉપ ગેઇનર

સેન્સેક્સ એક લાખ થવાના વરતારાથી બજાર ૬૨૯ પૉઇન્ટ પોરસાયું, રિલાયન્સ રાજાપાઠમાં ટૉપ ગેઇનર

27 May, 2023 02:03 PM IST | Mumbai
Anil Patel

ધારણા કરતાં સારા નફામાં સનફાર્મા પોણાત્રણ ટકા ઊછળ્યો, બજાજ ઑટો નવી ટોચે જઈને પાછો પડ્યો

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ઑટો તથા એફએમસીજી ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટીએ, આઇટીસી સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં નવા શિખરે : ધારણા કરતાં સારા નફામાં સનફાર્મા પોણાત્રણ ટકા ઊછળ્યો, બજાજ ઑટો નવી ટોચે જઈને પાછો પડ્યો : બ્લૉકડીલના પગલે જંગી વૉલ્યુમ સાથે સ્ટાર હેલ્થ ગગડ્યો, પૉલિસી બાઝાર ખરડાયો : ૧૮૨ કરોડના નફા સામે ૧૯૬ કરોડની ચોખ્ખી ખોટ થતાં ઝી એન્ટર. નવા તળિયે ગયો, પણ છેવટે તગડા ઉછાળે બંધ : ઇક્લેરેક્સ અને મેડપ્લસ રિઝલ્ટ પાછળ સેંકડાના ઉછાળે બંધ : એયુ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્કમાં નવાં ઊંચાં શિખર

જેફરીઝના ક્રીસ વૂડે કહ્યું છે, સેન્સેક્સ એક લાખ થઈ જશે. ટૂંકમાં વેલ, રાકેશ ઝુનઝુનવાલા નથી, પણ તેમની લેગસી અકબંધ છે. રાકેશ ઝુનઝુનવાલાએ તો આજથી ૭-૮ વર્ષ પહેલાં દાયકામાં નિફ્ટી સવા લાખ થઈ જવાની આગાહી કરી હતી. બોલે તો પોણાચાર લાખથી ચાર લાખનો સેન્સેક્સ થયો, કહેને મેં ક્યા હર્જ હૈ. માથા કરતાં મોટી પાઘડી પહેરી બિગ બુલ થઈને મહાલતા તે માણસની બજારના લેવલેને લગતી એક પણ આગાહી સાચી પડી નથી, એની અમને ખબર છે. આ ક્રીસ વૂડ પણ એજ લાઇનનો છે. આર્થિક પંડિતોના ભક્તિ સમૂહમાં આ ભાઈ ઘણા માનીતા છે. અમને એમાં કશું લેવા જેવું ક્યારેય દેખાયું નથી એ અલગ વાત છે. ક્રીસ વૂડે એક લાખનો સેન્સેક્સ ટૂંકમાં થવાનો વરતારો ભાખ્યો છે, પણ આ ટૂંકમાં એટલે શું એનો ફોડ પાડ્યો નથી. ટૂંકમાં, નો પર્યાય શૉર્ટ ટર્મ હોય તો આવતી દિવાળી સુધીમાં બજાર એક લાખ થવું જોઇએ, પણ નહીં થાય, એની અમને ખાતરી છે. જાન્યુ.-માર્ચના આર્થિક વિકાસદરના આંકડા ૩૧ મેએ સાંજે આવવાના છે. વિશ્લેષકો ૫.૧ ટકાના જીડીપી ગ્રોથની ધારણા લઈને બેઠા છે. હવામાન ખાતાએ ફરી વાર ફેરવીને તોળ્યું છે. મૉન્સૂન નૉર્મલ રહેવાની નવી આગાહી કરી છે. જોકે વરતારાની ભાષા ડિપ્લૉમેટનેય શરમાવે એવી છે. જૂનમાં ચોમાસું એકંદર કમજોર જશે અને આખી સીઝનમાં દેશનો નૉર્થ વેસ્ટ તેમ જ એની આસપાસના મધ્ય ભારતના ઘણા ખરા વિસ્તારમાં વરસાદની ખાધ રહેશે. આમ છતાં, સમગ્રપણે જોતાં મૉન્સૂન નૉર્મલ હશે. હવે આમાં શું સમજવું એ તમે નક્કી કરો યાર..


એશિયન બજારો શુક્રવારે મિશ્ર વલણમાં હતાં. હૉન્ગકૉન્ગ રજામાં હતું. તાઇવાન સવા ટકો તો ચાઇના અને જપાન સાધારણ સુધર્યા છે. સામે થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર ધીમા ઘટાડામાં બંધ થયાં છે. યુરોપ રનિંગમાં સામાન્ય ઘટાડો દર્શાવતું હતું, પરંતુ ઘરઆંગણે સેન્સેક્સ એક લાખના કૈફમાં ૬૨૯ પૉઇન્ટની મજબૂતીમાં ૬૨,૫૦૨ અને નિફ્ટી ૧૭૮ પૉઇન્ટ ઊંચકાઈ ૧૮,૪૯૯ બંધ આવ્યો છે. ૧૧૩ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ બજાર ક્રમશ: સતત વધતું રહી ઉપરમાં ૬૨,૫૩૦ વટાવી ગયું હતું. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૧૪૪ શૅર પ્લસ તો ૮૮૩ જાતો માઇનસ હતો. નિફ્ટીના તમામ અને બીએસઈ ખાતે લગભગ બધા બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં ગયા છે. એફએમસીજી તથા ઑટો ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. આઇટી ટેક્નો, રિયલ્ટી, મેટલ, એફએમસીજી, નિફ્ટી ફાર્મા, પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી હેલ્થકૅર જેવા આંક એકથી દોઢ ટકો મજબૂત હતા. નિફ્ટી મીડિયા ૨.૨ ટકા ઊછળ્યો છે. યુટિલિટી ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતો. ઑઇલ-ગૅસ અને પાવર ઇન્ડેક્સ નામપૂરતા માઇનસ હતા.


રિલાયન્સ રાજાપાઠમાં આવીને બજારને ૨૦૬ પૉઇન્ટ લાભદાયી બન્યો

સેન્સેક્સના ૩૦માંથી ૨૭ અને નિફ્ટી ૫૦માંથી ૪૩ શૅર વધ્યા છે. રિલાયન્સ લગભગ અઢી ગણા કામકાજમાં ઉપરમાં ૨૫૧૦ થઈ ૨.૮ ટકાની તેજીમાં ૨૫૦૬ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે, બજારને સર્વાધિક ૨૦૬ પૉઇન્ટ ફળ્યો છે. સનફાર્માએ ૧૮૦૮ કરોડની એકંદર ધારણા સામે ૧૯૮૪ કરોડના ત્રિમાસિક નફા સાથે સારાં પરિણામ જાહેર કરતાં શૅર ૯૩૭ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૯૭૬ વટાવી ૨.૭ ટકાની તેજીમાં ૯૭૧ થયો છે. હિન્દુ. યુનિલીવર બે ટકા, એચસીએલ ટક્નૉ બે ટકા, વિપ્રો ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર ૧.૬ ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકા, તાતા સ્ટીલ ૧.૪ ટકા, ટાઇટન ૧.૩ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૧, મારુતિ તથા ટીસીએસ એક ટકાથી વધુ, હિન્દાલ્કો અને દિવીઝ લૅબ ૨.૩ ટકા, યુપીએલ ૧.૮ ટકા, એસબીઆઇ લાઇફ દોઢ ટકા, તાતા કન્ઝ્યુમર્સ ૧.૨ ટકા, આઇશર એક ટકો વધ્યા છે. આઇટીસી સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૪૪૫ નજીક જઈ અડધો ટકો વધી ૪૪૪ જેવો બંધ થતાં એનું માર્કેટ કૅપ ૫.૫૧ લાખ કરોડને વટાવી ગયું છે. બજાજ ઑટો ૪૬૬૪ના નવા શિખરે જઈ અડધા ટકાના ઘટાડે ૪૬૧૭ હતો. ટીવીએસ મોટર્સ ૧૩૦૧ બતાવી નહીંવત સુધારે ૧૨૮૫ હતો. એબીબી ૪૦૧૨ના બેસ્ટ લેવલ બાદ ૧.૭ ટકાની મજબૂતીમાં ૪૦૦૯ ઉપર ગયો છે. ઓએનજીસી પરિણામ પૂર્વે ૧.૪ ટકા ઘટી નિફ્ટી ખાતે તો ભારતી ઍરટેલ ૦.૬ ટકાની પીછેહઠમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યા છે. ગ્રાસીમ પોણો ટકો ઘટી ૧૬૮૮ હતો. અદાણી ગ્રુપમાં અદાણી ટ્રાન્સ સાડાચાર ટકા, અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી ટોટલ ૪.૪ ટકા, અદાણી પાવર અડધો ટકો નરમ હતા. એનડીટીવી ૫ ટકાની ઉપલી સર્કિટ ચાલુ રાખી ૨૨૬ વટાવી ગયો છે.


પરિણામના વસવસામાં પેજ ઇન્ડ.માં ૩૬૫૭ રૂપિયાનું જોરદાર ગાબડું

ગઈ કાલે રોકડામાં મઝદા, ઇકો પ્લાસ્ટ, ન્યુકલીઅસ, ઉથુમ ઇન્વેસ્ટમેન્ટ, માહિતે ઇન્ડ, શ્રીક્રિશ્ના ઇન્ફ્રા, વેલીન્શીઆ ન્યુટ્રેશન, ડેલ્ટોન કેબલ્સ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. રિફેકસ રિન્યુ. ૫૬૩ની ટોચે જઈ ૧૯.૪ ટકાના જમ્પમાં ૫૬૧ હતો. મેડપ્લસ હેલ્થ સર્વિસિસ પરિણામ પાછળ સવાસત્તર ટકાની કે ૧૧૯ રૂપિયાની તેજીમાં ૮૦૯ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતો. ઇક્લેરેક્સનો ત્રિમાસિક નફો ૧૧.૬ ટકા વધી ૧૩૨ કરોડ વટાવી ગયો છે. શૅર ૧૩૦ રૂપિયા કે સવાનવ ટકા ઊછળી ૧૫૩૮ થયો છે. ઝી એન્ટરપ્રાઇઝીસ ૧૮૨ કરોડના નફામાંથી ૧૯૬ કરોડની ખોટમાં સરી પડતાં શૅર ૧૭૬ નીચે નવી પૉટમ બનાવી શાર્પ બાઉન્સબૅકમાં ૧૯૩ નજીક જઈ પોણાસાતેક ટકાની તેજીમાં ૧૯૧ નજીક બંધ આવ્યો છે. કેસર એન્ટર ૧૮.૭ ટકા, ટેક્નૉપેક ૧૭.૭ ટકા, આશાપુરા માઇન ૧૭ ટકા, એકેન્નીસ સૉફ્ટવેર ૨૦ ટકા તૂટ્યા છે. જૉકી બ્રૅન્ડથી બિઝનેસ કરતી પેજ ઇન્ડસ્ટ્રીજનો નફો ૫૯ ટકા ઘટી ૯૬૯ કરોડ નોંધાયો છે. એમાં શૅર ૩૪,૯૬૮ની વર્ષની બૉટમ બનાવી ૮.૯ ટકા કે ૩૬૫૭ રૂપિયાની ખુવારીમાં ૩૭,૪૮૨ બંધ રહ્યો છે. બ્લૉકડીલના પગલે જંગી વૉલ્યુમમાં સ્ટાર હેલ્થ સાડાઆઠ ટકાની ખરાબીમાં ૫૩૪ અને પૉલિસી બાઝાર પણ બ્લૉકડીલના કારણે ચિક્કાર કામકાજમાં નીચામાં ૫૯૬ થઈ ૨.૮ ટકા ઘટીને ૬૦૫ બંધ આવ્યો છે. વર્ધમાન સ્પે. સ્ટીલ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં સવાત્રણ ટકા વધી ૨૧૪ બંધ રહેતાં પહેલાં ૨૨૫ના બેસ્ટ લેવલે ગયો હતો. રાધિકા જ્વેલ ૧૦ના શૅરના બેમાં સ્પ્લિટ થતાં ૧૦ ટકા ઊછળી ૪૦ નજીક રહ્યો છે.

બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર વધ્યા, બૅન્ક નિફ્ટી નવા બેસ્ટ લેવલ ભણી

બૅન્ક નિફ્ટી બંધન બૅન્કના સવા ટકાના ઘટાડાને બાદ કરતાં બાકીના ૧૧ શૅરના સથવારે પોણો ટકો વધી ૪૪,૦૧૮ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો પ્લસ હતો. અત્રે ૧૨માંથી માત્ર ઇન્ડિયન બૅન્ક સાધારણ ઘટ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૩૦ શૅર વધ્યા છે. એયુ બૅન્ક પોણો ટકો, સૂર્યોદય બૅન્ક ૧.૭ ટકા, ઉજ્જીવન બૅન્ક ૨.૪ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક પોણાત્રણ ટકા, ઇક્વિટાસ બૅન્ક ૧.૪ ટકાની આગેકૂચમાં નવી ઊંચી સપાટીએ બંધ થયા છે. કર્ણાટકા બૅન્ક સાડાચાર ટકા, પંજાબ સિંધ બૅન્ક આશરે છ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૯ ટકા, આઇઓબી અને કૅનેરા બૅન્ક ૨.૪ ટકા મજબૂત હતા. સ્ટેટ બૅન્ક પોણો ટકો, કોટક બૅન્ક પોણા ટકાથી વધુ, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૧ ટકા અને ઍક્સિસ બૅન્ક ૦.૭ ટકા પ્લસ હતા.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૯૦ શૅરના સુધારામાં ૦.૭ ટકા વધ્યો છે. પૈસા લો ડિજિટલ ૧૦.૪ ટકા, જેએમ ફાઇ. સાત ટકા, એચડીએફસી અસેટ કૅનેજમેન્ટ સવાપાંચ ટકા, સાટિન ક્રેડિટ તથા મુથૂટ કૅપિટલ ૪.૧ ટકા, એંજલવન ૩.૬ ટકા, ક્રિસિલ ૩.૪ ટકા અને પીએનબી હાઉસિંગ ત્રણ ટકા ઊંચકાયા છે. સામે દૌલત અલ્ગો ૮.૭ ટકા, સ્ટાર હેલ્થ ૮.૫ ટકા, રેપ્કો હોમ ૪.૪ ટકા, મોનાર્ક નેટવર્થ સવાચાર ટકા ડાઉન હતા. હિસાબી પદ્ધતિમાં ફેરફારના કારણે નફામાં છ ગણો વધારો દર્શાવનારા એલઆઇસી ગુરુવારે દોઢેક ટકાના સામાન્ય સુધારા પછી ગઈ કાલે ૬૦૪ના લેવલે યથાવત્ રહી છે.

નફો ૭૬ ટકા વધતાં ન્યુક્લીઅસ સૉફ્ટવેર ૨૦ ટકા ઊછળી નવી ટોચે

ફ્રન્ટલાઇનની આગેવાની સાથે વ્યાપક સુધારામાં આઇટી ઇન્ડેક્સ ૧.૩ ટકા કે ૩૮૭ પૉઇન્ટ વધ્યો છે. ઇન્ફી ટીસીએસ એકાદ ટકો, એચસીએલ ટેક્નૉ બે ટકા, વિપ્રો ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકો, લાટિમ ૧.૯ ટકા મજબૂત હતા. ન્યુક્લીઅસ રિઝલ્ટના જોરમાં ૧૩૫ રૂપિયા કે ૨૦ ટકા ઊછળી ૮૦૯ના નવા શિખરે બંધ રહ્યો છે. સોનાટા સૉફ્ટવેર સવાપાંચ ટકા, ઓરિયન પ્રો પાંચ ટકા, કેલ્ટોન ટેક્નૉ આઠેક ટકા, ઝેનસાર સવાચાર ટકા, માસ્ટેક ૩.૯ ટકા અને કોફોર્જ પોણાચાર ટકાથી વધુ મજબૂત હતા. આગલા દિવસના ધબડકા પછી ૬૩ મૂન્સ અડધો ટકો ઘટીને ૧૬૩ની અંદર ગયો છે. એલાઇડ ડિજિટલ વધુ પોણાછ ટકા ધોવાઈને ૯૦ નજીક હતો. ટેલિકૉમમાં ઇન્ડ્સ ટાવર છ ટકા ઊંચકાયો છે. બાકી અત્રે ૧૬માંથી ૧૨ શૅર માઇનસ હતા. તાતા ઍલેક્સી ૨.૯ ટકા કે ૨૦૯ની તેજીમાં ૭૪૬૭ વટાવી ગયો છે.  એફએમસીજી આંક ૧૮,૧૩૮ના નવા બેસ્ટ લેવલે જઈ ૧.૩ ટકા વધી ૧૮,૧૨૭ તથા ઑટો ઇન્ડેક્સ ૩૨,૬૧૦ની વિક્રમી સપાટી બનાવી પોણો ટકો વધી ૩૨,૫૬૮ બંધ હતા. આ આંક ખાતે ક્યુમિન્સ ઇન્ડિયા પાંચ ટકા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ૨.૧ ટકા, મારુતિ સવા ટકો, એમઆરએફ ૧૧૧૮ રૂપિયા કે ૧.૨ ટકા, આઇશર અને બાલક્રિશ્ના ઇન્ડ. એક ટકો, ઍક્ટર ફૂડ્સ ૮.૬ ટકા, ટેસ્ટી બાઇટ ૬.૯ ટકા કે ૭૫૨ રૂપિયા, ગ્લોબસ સ્પિરિટ પોણાછ ટકા, ઝુઆરી ઇન્ડ. સાડાપાંચ ટકા, વરુણ બિવરેજીસ પોણાપાંચ ટકા, ઇમામી સવાચાર ટકા, મારિકો ત્રણ ટકા મજબૂત હતા. મેટલમાં નાલ્કો પાંચ ટકા, હિન્દાલ્કો સવાબે ટકા, જિંદાલ સ્ટીલ ૧.૯ ટકા, તાતા સ્ટીલ દોઢેક ટકો પ્લસ થયા છે. રિયલ્ટીમાં ફિનિક્સ પોણાછ ટકા ઊછળી ૧૪૭૯ વટાવી ગઈ છે. લોઢાની મેક્રોટેક સાડાપાંચ ટકા તથા ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ચાર ટકા ઊચકાયા હતા. ડીએલએફ ૪૮૪ની નવી ટૉપ બનાવી નજીવા સુધારે ૪૭૮ રહ્યો છે. પ્રેસ્ટિજ એસ્ટેટ ૪.૩ ટકા ગગડ્યો છે.

27 May, 2023 02:03 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK