Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઑલરાઉન્ડ નબળાઈ સાથે નિફ્ટીમાં ૨૬,૦૦૦નું લેવલ ગયું, મેટલમાં પીછેહઠ

ઑલરાઉન્ડ નબળાઈ સાથે નિફ્ટીમાં ૨૬,૦૦૦નું લેવલ ગયું, મેટલમાં પીછેહઠ

Published : 30 December, 2025 08:57 AM | IST | Mumbai
Anil Patel

પર્યાવરણને હાનિ બદલ તાતા સ્ટીલ સામે ૧૬૦ કરોડ ડૉલરની નુકસાનીનો નેધરલૅન્ડ્સ કોર્ટમાં દાવો: મિશ્ર ધાતુ નિગમ ૧૫૭ ગણા કામકાજે ૧૦.૫ ટકા તેજીમાં એ-ગ્રુપ ખાતે ઝમકમાં : સરકારની કુલ ૪૪,૭૦૦ કરોડની બે સ્કીમ પાછળ શિપબિલ્ડિંગ શૅર પ્રારંભિક મજબૂતી દાખવી મોળા પડ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. સાઉથ કોરિયા, તાઇવાન તથા પાકિસ્તાની શૅરબજાર નવા શિખર સાથે મજબૂત
  2. બોનસની રેકૉર્ડડેટ માથે હોઈ એ-વન લિમિટેડમાં ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક
  3. MCX નવી વિક્રમી સપાટી બનાવીને ૯૭ રૂપિયા નરમ

સાઉથ કોરિયન શૅરબજારે નવા સપ્તાહની શરૂઆત મજબૂતીથી કરી છે. કોસ્પી ઇન્ડેક્સ સવાબે ટકા ઊછળીને ૪૨૨૦ ઉપર નવી ટોચે બંધ થયો છે. આ સાથે ૨૦૨૫માં ત્યાંનું બજાર ૭૫.૮ ટકા વધી ગયું છે. તાઇવાનીઝ ટવેચી ઇન્ડેક્સ પણ ૨૮,૮૪૧ની નવી ઊંચી સપાટી બતાવી એકાદ ટકો વધી ૨૮,૮૧૧ હતો. ઇન્ડોનેશિયા એક ટકો વધ્યું હતું. ચાઇના અને સિંગાપોર ફ્લૅટ હતા. સામે હૉન્ગકૉન્ગ પોણો ટકો તથા જપાન અને થાઇલૅન્ડ અડધા ટકા આસપાસ નરમ હતા. પાકિસ્તાની શૅરબજાર પોણાબે લાખ પૉઇન્ટ ભણી ગતિમાન છે. કરાચી ઇન્ડેક્સ ગઈ કાલે ૧,૭૪,૪૧૨ની લાઇફટાઇમ ટૉપ બનાવી રનિંગમાં ૧૩૧૨ પૉઇન્ટ વધીને ૧,૭૩,૭૧૩ દેખાયો છે. યુરોપ રનિંગમાં લગભગ સપાટ જણાયું છે. બિટકૉઇન બે ટકા જેવા સુધારામાં ૮૯,૬૫૯ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટક્રૂડ એકાદ ટકો સુધરી ૬૧.૩૦ ડૉલર હતું. હાજર સોનું સવા ટકો, કૉમેક્સ ગોલ્ડ એક ટકો અને કૉમેક્સ સિલ્વર બે ટકાની નરમાઈમાં અનુક્રમે ૪૪૭૨ ડૉલર, ૪૫૦૪ ડૉલર તથા ૭૫.૭૦ ડૉલર દેખાયા છે. પ્લેટિનમ સાડાસાત ટકા તૂટી ૨૨૭૫ ડૉલરે આવી ગયું છે. લંડન ધાતુ બજારમાં કૉપર તેમ જ ઍલ્યુમિનિયમ પોણો ટકો પ્લસ હતાં.

ઘરઆંગણે સેન્સેક્સ ૩૬ પૉઇન્ટની પરચૂરણ નરમાઈમાં ૮૫,૦૦૫ નજીક ખૂલી છેવટે ૩૪૬ પૉઇન્ટના ઘટાડામાં ૮૪,૬૯૫ તથા નિફ્ટી ૧૦૦ પૉઇન્ટની નબળાઈમાં ૨૫,૯૪૨ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટ નેગેટિવ બાયસમાં ખૂલ્યા પછી પૉઝિટિવ ઝોનમાં આવી ઉપરમાં ૮૫,૨૫૯ થયા પછી તરત માઇનસમાં આવી ગયું હતું. શૅરઆંક નીચામાં ૮૪,૬૩૮ થયો હતો. મોટા ભાગનાં સેક્ટોરલ નરમ હતાં. પાવર ઇન્ડેક્સ ૦.૯ ટકા, યુટિલિટીઝ ૦.૯ ટકા, રિયલ્ટી પોણો ટકા, ઑટો ઇન્ડેક્સ અડધો ટકા, કૅપિટલ ગુડ્સ પોણો ટકા, હેલ્થકૅર ૦.૬ ટકા, IT ઇન્ડેક્સ પોણો ટકો, સ્મૉલકૅપ પોણો ટકા ઘટ્યો છે. ખરાબ માર્કેટબ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૨૨ શૅરની સામે ૨૧૮૮ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૧.૮૬ લાખ કરોડ ઘટીને ૪૭૨.૧૦ લાખ કરોડ રહ્યું છે.



તાતા સ્ટીલ સામે નેધરલૅન્ડ ખાતે પર્યાવરણને હાનિ બદલ ૧૬૦ કરોડ ડૉલરની નુકસાનીના વળતરનો કેસ માંડવાની કારવાઈ હાથ ધરાઈ છે. આમ છતાં શૅર ૧.૮ ટકા વધીને ૧૭૨ બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બન્યો એ નવાઈ કહેવાય. એશિયન પેઇન્ટ્સ એક ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૭ ટકા, ગ્રાસિમ ૦.૯ ટકા પ્લસ હતી. અદાણી પોર્ટ્સ ૨.૨ ટકા ગગડી ટૉપ લૂઝર બની છે. HCL ટેક્નો ૧.૯ ટકા, પાવરગ્રીડ ૧.૯ ટકા, ટ્રેન્ટ ૧.૪ ટકા, અપોલો હૉસ્પિટલ ૧.૧ ટકા, ભારત ઇલે. સવા ટકા, ભારતી ઍરટેલ ૧.૧ ટકા, ટીસીએસ ૦.૯ ટકા, ઇન્ફી ૦.૬ ટકા ડાઉન હતી. રિલાયન્સ ૦.૯ ટકા ઘટીને ૧૫૪૫ થઈ બજારને ૭૮ પૉઇન્ટ નડી છે. વિપ્રો ૦.૮ ટકા ઘટી હતી.


મિશ્રધાતુ નિગમ ૧૫૭ ગણા કામકાજે ૩૬૪ થઈ ૧૦.૫ ટકાની તેજીમાં ૩૫૨ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતી. MMTC ૮.૫ ટકા, જયબાલાજી ૯ ટકા, કૉફી ડે અન્ટર ૭.૬ ટકા મજબૂત બની છે. KNR કન્સ્ટ્રક્શન્સ સાડાછ ટકા બગડી ૧૬૭ બંધ થઈ છે. આઇઆરએફસી ૫.૩ ટકા, રેલ વિકાસ નિગમ ૫.૪ ટકા અને પીસી જ્વેલર્સ પાંચેક ટકા ડૂલ થઈ હતી. K&R રેલ એન્જિનિયરિંગ ૧૧ ટકાની આગેકૂચમાં ૪૫ થઈ છે. ફ્લેવર્ડ કૉન્ડોમ ઉત્પાદક આનોન્દિતા મેડિકૅર ૯૫૩ના શિખરે જઈને ૧.૭ ટકો વધીને ૯૨૬ તો ક્યુપિડ ૪૯૩ની નવી ટોચે જઈ સવા ટકો વધી ૪૮૫ બંધ આવી છે.

આજે પાંચ ભરણાં લિસ્ટેડ થશે, શ્યામ ધાણીમાં ૭૦નું પ્રીમિયમ


આજે મેઇન બોર્ડના એક સહિત કુલ પાંચ ભરણાં લિસ્ટેડ થશે જેમાં ગુજરાતના અમદાવાદની ગુજરાત કિડની, હૈદરાબાદની દાચીપલ્લી પબ્લિશર્સ અને EPW ઇન્ડિયા, જ્યપુરની શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝ તથા કલકત્તાની સનડ્રેક્સ ઑઇલ સામેલ છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે શ્યામ ધાણી ફૅન્સીમાં છે. એમાં ૭૦ પ્રીમિયમ બોલાય છે. હૈદરાબાદી EPW ઇન્ડિયામાં અઢી અને દાચીપલ્લીમાં બે પ્રીમિયમ ચાલુ થયું છે. સનડ્રેકસમાં ઝીરો અને ગુજરાત કિડનીમાં પણ ઝીરો પ્રીમિયમ છે. દરમ્યાન બૅન્ગલોરની e2E ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ની ઇશ્યુ પ્રાઇસવાળો કુલ ૮૪૨૨ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૧૧૦ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ સહેજ ઘટીને ૧૪૩નું છે.

અગાઉ એ-વન એસિડ લિમિટેડ તરીકે ઓળખાતી અમદાવાદી એ-વન લિમિટેડ એક શૅરદીઠ ૩ના બોનસમાં બુધવારે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ૫ ટકા ઊછળીને ૧૮૪૦ બંધ થયો છે. કંપનીએ અગાઉ જુલાઈ-૨૧માં ૨૦ શૅરદીઠ ૩નું મેઇડન બોનસ આપ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૮ની આખરમાં તે ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૧૮ કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી. ઇશ્યુ ૧.૮ ગણો ભરાયો હતો. ૨૦૧૮ની ૧૦ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૬૧.૨૫ બંધ થયો હતો. ૨૦૧૯ની પહેલી માર્ચે ભાવ ૪૨ની અંદર ઑલટાઇમ તળિયે તો ૨૦૨૫ની ૨૮ નવેમ્બરે એમાં ૨૮૧૬ની ઑલટાઇમ હાઈ બની હતી. શૅર ૨૮ જાન્યુઆરીએ ૩૮૫ના વર્ષના તળિયે હતો.

પેસ્ટિસાઇડ્સ કંપની NACL ઇન્ડસ્ટ્રીઝની બોર્ડ મીટિંગ ૩૧મીના રોજ રાઇટ ઇશ્યુ માટે મળવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૭૦ વટાવી દોઢ ટકો ઘટીને ૧૬૫ રહ્યા છે. ફેસવૅલ્યુ એકની છે. પહેલી ઑગસ્ટના રોજ ભાવ ૩૦૯ના શિખરે હતો. MCXમાં શૅર-વિભાજનની રેકૉર્ડડેટ બે જાન્યુઆરી નજીક આવી રહી છે. ભાવ ૧૧,૨૧૮ની વિક્રમી સપાટીએ જઈને ૦.૯ ટકા ઘટીને ૧૦,૯૬૨ બંધ થયો છે.

ચાંદીની સાથે મેટલ ઇન્ડેક્સ પણ નવા શિખરે જઈને રેડ ઝોનમાં બંધ

વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૮૦ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ થતાં ઈલૉન મસ્ક તરફથી વધતા ભાવ વપરાશકાર ઉદ્યોગોને હાનિ કરશે એવી ચિંતા દર્શાવાઈ છે. ઈલૉન મસ્ક જેવો માણસ ચિંતા વ્યક્ત કરે એટલે એની તાત્કાલિક અસર થાય જ, મસ્કનું માન રાખતાં ચાંદી ઉપલા મથાળેથી ગગડીને રનિંગમાં ૭૬ ડૉલર જોવાઈ છે. ઘરઆંગણે ચાંદી ૨.૫૪ લાખ રૂપિયાના શિખરે જઈને ત્યાંથી આઠ ટકા તૂટી ૨.૩૩ લાખે આવી ગઈ હતી. આની આડ અસરમાં હિન્દુસ્તાન ઝિન્કનો શૅર ઉપરમાં ૬૫૬ની નવી ઊંચી સપાટીએ ગયા બાદ પટકાઈને ૬૧૪ થયા બાદ અંતે ત્રણેક ટકા ઘટીને ૬૧૮ બંધ થયો છે. વેદાન્તા ૬૧૬ની સર્વોચ્ચ સપાટી દેખાડી નીચામાં ૫૯૦ થઈ સવા ટકો ઘટીને ૫૯૩ તથા હિન્દાલ્કો ૮૯૧ નજીકની લાઇફટાઇમ હાઈથી પાછો પડી ૮૬૧ બતાવી પોણો ટકો ઘટીને ૮૬૫ રહ્યા છે. સાથોસાથ મેટલ ઇન્ડેક્સ પણ ૩૬,૧૯૨ ઉપર ઑલટાઇમ હાઈ બનાવીને નીચામાં ૩૫,૪૫૭ થયા બાદ અંતે ૮૮ પૉઇન્ટ ઘટીને ૩૫,૫૭૦ જોવાયો છે. એના ૧૩માંથી ૬ શૅર પ્લસ હતા. તાતા સ્ટીલ પોણાબે ટકા, સેઇલ દોઢ ટકા, જિંદલ સ્ટીલ અડધો ટકો અપ હતી, નાલ્કો ૩૧૩ની વિક્રમી સપાટી નોંધાવી નીચામાં ૨૯૯ થયા બાદ બે ટકા ઘટીને ૩૦૧ રહી છે. હિન્દુસ્તાન કૉપર આઠ ગણા તગડા વૉલ્યુમે આગલા બંધથી ૧૫ ટકાની તેજીમાં ૫૪૬ નજીક નવી દોઢ દાયકાની ટૉપ હાંસલ કરીને ત્યાંથી લથડી ૪૭૫ થયા બાદ છેવટે અઢી ટકાની આગેકૂચમાં ૪૮૭ હતી.

મિનરલ્સ શૅરમાં કચ્છ મિનરલ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૫.૭૦ થઈ ત્યાં જ બંધ થઈ છે ગોવા કાર્બન અઢી ટકા વધીને ૩૯૭ હતી. GMDC ઉપરમાં ૬૧૮ બતાવીને અડધો ટકો સુધરી ૫૯૨ હતી. ગ્રેવિટા ઇન્ડિયા ઉપરમાં ૧૯૧૪ થયા બાદ નીચામાં ૧૮૧૮ દેખાડી સવા ટકો ઘટીને ૧૮૪૯ રહી છે. ઓરિસ્સા મિનરલ્સ ૩ ટકા નજીક ડાઉન થઈ છે.

રેલવે શૅર બે દિવસની ફૅન્સી બાદ પ્રૉફિટ-બુકિંગમાં ડાઉન

જોન કોકરીલ ઇન્ડિયામાં રમેશ દામાણી તથા ચેતન શાહે સાથે મળીને ૫૨,૫૦૦ શૅર ઓપન માર્કેટમાંથી શૅરદીઠ આશરે ૪૭૦૫ના ભાવે લીધા હોવાના અહેવાલમાં ભાવ ગઈ કાલે ઉપરમાં ૫૪૮૮ થઈને ત્રણેક ટકા કે ૧૪૬ રૂપિયા ઊંચકાઈને ૫૧૯૯ બંધ આવ્યો છે. સરાકેર શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે કુલ ૪૪,૭૦૦ કરોડની બે યોજના જાહેર કરી છે. એના પગલે મઝગાંવ ડોક ગઈ કાલે ઉપરમાં ૨૬૩૫ વટાવી નજીવો ઘટી ૨૫૩૮, કોચિન શિપયાર્ડ ૧૬૮૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એકાદ ટકો ઘટીને ૧૬૩૬ તથા ગાર્ડન રિચ ઉપરમાં ૨૫૮૦ બનાવીને અડધો ટકો ઘટીને ૨૪૮૪ બંધ થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી બુલ રનમાં રહેલી નૉલેજ મરીન એન્જિનિયર વર્કસ નીચામાં ૧૭૮૭ દેખાડી પાંચ ટકા તૂટીને ૧૭૯૦ હતી. ડ્રેજિંગ કૉર્પોરેશન ઉપરમાં ૧૦૩૧ નજીક ગયા બાદ ૩.૭ ટકા ઘટીને ૯૭૩ હતી. જહાજી કંપની શિપિંગ કૉર્પોરેશન ચાર ટકાની મજબૂતીમાં ૨૩૪ થઈ છે. જીઈ શિપિંગ ૧૧૧૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો વધીને ૧૧૦૫ રહી છે.

છેલ્લા બે દિવસથી ઝમકમાં રહેલા રેલવે શૅરોમાં ગઈ કાલે પ્રૉફિટ બુકિંગનો માહોલ હતો. રેલ વિકાસ નિગમ ઉપરમાં ૪૦૧ થયા બાદ ૫.૩ ટકા ઘટીને ૩૬૭, આઇઆરએફસી ૧૩૭ વટાવીને ૫.૩ ટકા ગગડી ૧૨૬, ઇસ્કૉન ઇન્ટર ૧૮૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૪ ટકા ગગડી ૧૭૩, રાઇટ્સ અઢી ટકા ઘટીને ૨૪૬, રેલટેલ કૉર્પોરેશન ઉપરમાં ૩૮૮ નજીક જઈને દોઢ ટકો ઘટી ૩૭૨, ટીટાગર રેલ સવા ટકો સુધરી ૯૦૮, ટેક્સમાકો રેલ અઢી ટકા ઘટીને ૧૩૭, જ્યુપિટર વેગન્સ ત્રણેક ટકા બગડીને ૩૩૭ તથા હિન્દુસ્તાન રેક્ટિફાયર્સ ૧૫૪૮ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ પોણાબે ટકા ઘટીને ૧૪૮૯ રહી છે.

૩ ક્વૉર્ટરથી વેચાણના આંકડા ઇન્ફ્લેટેડ અપાયા હોવાની હાઇકલની કબૂલાત

નરીમાન પૉઇન્ટ ખાતેની ફાઇન કેમિકલ્સ બનાવતી કંપની હાઇકલ લિમિટેડે સેલ્સ તથા માર્કેટિંગ વિભાગના પર્સોનલ તરફથી વેચાણના આંકડા ખોટા કે ગેરમાર્ગે દોરનારા અપાયા હોવાની જાણ કરાઈ છે. ઇન્ટરનલ ફૅક્ટ ફાઇન્ડિંગ રિવ્યુમાં બહાર આવેલી હકીકત પ્રમાણે છેલ્લાં ૩ ક્વૉર્ટરથી આવા ખોટા અને મોટા વેચાણના આંકડા અપાતા હતા. જૂન ૨૦૨૫ના ક્વૉર્ટરમાં આવું વેચાણ આશરે ૮૧ કરોડનું હોવાનું તથા એની અગાઉનાં બે ક્વૉર્ટરનું વેચાણ બે-બે ટકા ઇન્ફ્લેટેડ હોવાનું માલૂમ પડ્યું છે. કંપનીના ફન્ડની કોઈ ગોલમાલ થઈ નથી. શૅર ગઈ કાલે નીચામાં ૨૨૬ થઈ અઢી ટકા ગગડી ૨૨૮ બંધ રહ્યા છે. ૨૪ નવેમ્બરના રોજ શૅર ૨૧૭ના સાડાત્રણ વર્ષના તળિયે ગયો હતો. ૨૦૨૧ની બીજી ઑગસ્ટે ૭૪૨ની સર્વોચ્ચ સપાટી બની હતી. તો ૧૬ એપ્રિલે ચાલુ વર્ષે ૪૫૬નો બેસ્ટ ભાવ અહીં દેખાયો હતો. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે. બુકવૅલ્યુ ૯૭ નજીકની છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૮.૯ ટકા જેવું છે.

IT કંપની કોફૉર્જ તરફથી કૅલિફૉર્નિયા ખાતેની કંપની એન્કોરાને ૨૩૫ કરોડ ડૉલરની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુથી ટેકઓવર કરવાની જાણ કરાઈ છે. આ ટેક ઓવર બદલ કંપની શૅરદીઠ ૧૮૧૫ના ભાવથી પ્રેફરન્શિયલ ધોરણે શૅર ઇશ્યુ કરશે. એથી ઇક્વિટીમાં ૨૧ ટકા જેવો વધારો થશે, જ્યારે પંચાવન કરોડ ડૉલરની જોગવાઈ બ્રીજ લોન કે ક્વીપ રૂટથી થશે. કોફૉર્જનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૭૧૫ થઈ નજીવા સુધારામાં ૧૬૭૭ બંધ હતો. ભાવ વર્ષ પહેલાં ૨૦૦૩ ઉપરની ટોચે હતો. સોલરવર્ડ એનર્જીને NTPC રિન્યુએબલ તરફથી ૭૨૫ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળતાં ભાવ ૧૨૨ ગણા જંગી કામકાજે ઉપરમાં ૩૦૧ થઈ ૪ ટકાના ઉછાળે ૨૭૫ બંધ આવ્યો છે. શૅરમાં શુક્રવારે ૨૬૩ની વર્ષની બૉટમ બની હતી. સિગલ ઇન્ડિયાને મધ્ય પ્રદેશ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી ૧૦૮૯ કરોડનો કરાર પત્ર (લેટર ઑફ અવૉર્ડ) મળ્યો છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૭૪ નજીક જઈને ૩.૬ ટકા વધીને ૨૬૯ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 08:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK