RBIએ રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ગઈ કાલે એના રેપોરેટમાં ૦.૨૫ ટકા ઘટાડો કરીને દર ૫.૫ ટકાથી ઘટાડીને ૫.૨૫ ટકા કર્યો છે. આ નિર્ણયથી હોમલોન અને કારલોન સહિત તમામ લોન પર ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI)માં ઘટાડો થશે. આ નિર્ણયથી લોકોનાં ખિસ્સાંમાં પૈસા બચશે, બજારમાં ખરીદશક્તિ વધશે અને ભારતીય અર્થતંત્રની ગતિ ઝડપી બનશે.
RBIની મૉનિટરી પૉલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠક બાદ RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ઉપરોક્ત જાહેરાત કરી હતી. તેમની જાહેરાતમાં વૃદ્ધિને વેગ આપવાનાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને રૂપિયાના મૂલ્યમાં ડૉલર સામે થઈ રહેલા ઘટાડા અંગેની ચિંતાઓને દૂર કરવામાં આવી હતી. MPCની ત્રણ દિવસની બેઠક દર બે મહિને RBIની વ્યૂહરચના નક્કી કરવા માટે યોજાય છે. RBI MPCની બેઠક બુધવારથી શરૂ થઈ હતી.
ADVERTISEMENT
જોકે આગામી દિવસોમાં બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટી શકે છે. જ્યારે બૅન્કો લોન સસ્તી કરશે ત્યારે તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર પણ ઘટાડશે. ફુગાવામાં ઘટાડા બાદ RBIએ ફેબ્રુઆરીથી ત્રણ હપ્તામાં રેપોરેટમાં કુલ એક ટકાનો ઘટાડો કર્યો છે. જોકે પાછલા બે હપ્તા માટે રેપોરેટ ૫.૫ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો. ઑક્ટોબરમાં ફુગાવો એક દાયકાના સૌથી નીચા સ્તરે ૦.૨૫ ટકા પર પહોંચી ગયો હતો અને જથ્થાબંધ ભાવમાં ૧.૨૧ ટકાનો ઘટાડો થયો હતો.


