Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર ઉપલા મથાળેથી ૧૨૦૮ પૉઇન્ટ બગડ્યું

પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર ઉપલા મથાળેથી ૧૨૦૮ પૉઇન્ટ બગડ્યું

Published : 13 October, 2026 11:45 AM | IST | Mumbai
Anil Patel

આર.કે. ફૅશનમાં સવાસાત ટકાની લિસ્ટિંગ લૉસઃ હિન્દુસ્તાન યુનિલીવર, મૅક્સ હેલ્થકૅર તથા NTPCમાં પણ નવા નીચા ભાવ

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સ લગભગ ૩ વર્ષના તળિયે, ગ્રેમાર્કેટ ખાતે જિયો પ્લૅટફૉર્મમાં પ્રીમિયમ વધીને ૧૮૨ રૂપિયાનું ઃ પુનાવાલા ફિનકૉર્પનો નફો વધીને પાંચગણો થયો, શૅર અડધો ટકો ઘટીને બંધ ઃ સ્વરાજ એન્જિન્સમાં ૯૯ ગણા વૉલ્યુમે ૩૦૨ રૂપિયાની તેજી ઃ સબસિડિયરીના બહેતર ગાઇડન્સિસ પાછળ ૬૩ મૂન્સ સાડાસાત ટકા મજબૂત ઃ પરિણામની પૂર્વસંધ્યાએ તાતા ઍલેક્સી ડિમાન્ડમાં ઃ આર.કે. ફૅશનમાં સવાસાત ટકાની લિસ્ટિંગ લૉસઃ હિન્દુસ્તાન યુનિલીવર, મૅક્સ હેલ્થકૅર તથા NTPCમાં પણ નવા નીચા ભાવ

બ્રેન્ટ ક્રૂડ ૧૦૬ ડૉલરની પાર થઈ આ લખાય છે ત્યારે એમ ટકો વધી ૧૦૬ ડૉલરની અંદર ચાલે છે. મોટા ભાગનાં એશિયન બજારોની સપ્તાહની શરૂઆત ઘટાડાથી થઈ છે. સાઉથ કોરિયા પોણાચાર ટકા, ઇન્ડોનેશિયા અઢી ટકા, ચાઇના અડધા ટકા નજીક ડાઉન હતું. જપાન, તાઇવાન, થાઇલૅન્ડ નજીવા નરમ હતાં. સિંગાપોર સાધારણ તો હૉન્ગકૉન્ગ નામનું સુધર્યું છે. યુરોપ બહુધા અડધો-પોણો ટકો રનિંગમાં ઉપર દેખાયું છે. ડૉલર સામે ગગડતા રૂપિયાને ટેકો આપવા રિઝર્વ બૅન્કે ચાલુ વર્ષનો ત્રીજો બૂસ્ટર ડોઝ જારી કર્યો છે. એના પગલે રૂપિયો ડૉલર સામે ૯૬.૭૪ના આગલા બંધના મુકાબલે મજબૂતીમાં ૯૫.૫૦ થઈ રનિંગમાં ૯૫.૭૮ રહ્યો છે. બૂસ્ટર ડોઝનો પાવર થોડાક દિવસ ચાલશે. ત્યાર પછી રૂપિયો ફરી વાર ગગડવા માંડશે એ વાત નક્કી છે. અમારાં સૂત્રો ત્રણ-ચાર માસમાં ડૉલર દીઠ ૧૦૦નો ભાવ જુએ છે. ઘરઆંગણે ગત માસમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવાનો વૃદ્ધિદર ૫.૫૪ ટકા નોંધાયો છે જે ૨૩ માસની ટોચ છે. રિઝર્વ બૅન્કે ફુગાવાલક્ષી પરિબળોને ધ્યાનમાં લઈ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. એના પગલે મોટા ભાગની બૅન્કોએ ધિરાણદર વધારી દીધો છે. થાપણદર વધારવાની પહેલ કોણ કરે છે એની રાહ જોવાય છે. ગોલ્ડમૅન સાક્સે વર્ષ ૨૦૨૭ માટે ક્રૂડમાં ઍવરેજ પ્રાઇસનો અંદાજ ૮૫ ડૉલરથી વધારી ૯૦ ડૉલર કર્યો છે. સ્થિતિ બદતર બને તો આ રેટ ૧૨૫ ડૉલર પણ રહી શકે છે એવી જીભ કચરી છે. દેશમાં ઠેર-ઠેર આક્રોશ અને અશાંતિનો નવો દોર શરૂ થઈ ગયો છે. સ્થિતિ જલદી થાળે પડવાની નથી અને આ બધી વાર્તાનો સાર એક જ છે બજાર વધુ બગડશે.



સેન્સેક્સ ગઈ કાલે ૨૯૯ પૉઇન્ટ પ્લસ, ૭૨,૭૭૧ ખૂલી છેવટે ૫૪૮ પૉઇન્ટ જેવા ઘટાડે ૭૧,૯૨૫ નજીક તથા નિફ્ટી ૧૫૭ પૉઇન્ટ બગડી ૨૨,૩૬૩ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૭૨,૮૮૪ થયેલો સેન્સેક્સ લપસણીની ચાલમાં ત્યાંથી ૧૨૦૮ પૉઇન્ટ ગગડી નીચામાં ૭૧,૬૭૬ થયો હતો. કસીનો-સેશનમાં આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૧,૭૭૩ તથા નિફ્ટી ૨૨,૩૦૯ની અંદર હતો. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૯૫ શૅર સામે ૧૭૯૬ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૧૩,૦૦૦ કરોડ વધી ૪૬૫.૪૫ લાખ કરોડ થયું છે. 


નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૭ ટકા, બજાજ ઑટો ૨.૬ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અને ભારત ઇલેક્ટ્રિકલ ૧.૬ ટકા તથા BSE લિમિટેડ ૧.૩ ટકા વધી મોખરે હતા. સામે સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રિકલ ૧.૪ ટકા, મહિન્દ્ર ૦.૮ ટકા, કોટક બૅન્ક ૦.૭ ટકા, HCL ટેકનો અડધો ટકો પ્લસ આપી વધવામાં આગળ હતા. અત્રે ITC સવાત્રણ ટકા, ટેક મહિન્દ્ર ૩ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૧ ટકા, લાર્સન ૧.૯ ટકા તથા સ્ટેટ બૅન્ક પોણાબે ટકા બગડી હતી. નિફ્ટીમાં અપોલો હૉસ્પિટલ ૩.૨ ટકા, ITC ૩ ટકા, ટેક મહિન્દ્ર ૨.૯ ટકા, લાર્સન બે ટકા અને મૅક્સ હેલ્થકૅર બે ટકા ડાઉન હતી. 
રિલાયન્સ ૧૧૫૩ની લગભગ ૩ વર્ષની બૉટમ બતાવી એક ટકો ઘટી ૧૧૫૯ બંધ આવી છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૮૧૮ની સવાસાત વર્ષની નીચી સપાટી નોંધાવી બે ટકા ઘટી ૧૮૨૨, મૅક્સ હેલ્થકૅર ૮૫૪ની પચીસ મહિનાની બૉટમ બનાવી ૧.૭ ટકા ઘટી BSEમાં ૮૬૯ તો NTPC ૩૦૫ના ૧૯ માસના વર્સ્ટ લેવલે જઈ નજીવા ઘટાડે ૩૧૦ બંધ થઈ છે. ગેલન્ટ ઇસ્પાત ૧૬૪ ગણા ચિક્કાર કામકાજે ૨૦ ટકાની તેજીમાં ૬૦૫ થઈ ૬૦૧ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બની છે. ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ સવાપંદર ટકા, કાર ટ્રેડ સવાઆઠ ટકા અને તાતા કેમિકલ્સ ૮.૧ ટકા ઝળકી હતી. 

રિવર્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ અૅવન્યુઝ AIમાં ખરાબી 


ગઈ કાલે SME કંપની આર.કે. ફૅશન ઍક્સેસરીઝ ૧૦ના શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થઈ ઉપરમાં ૧૫ થયા બાદ ગગડી દોઢ રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં NSE ખાતે ૮૦ ખૂલી ૭૬ બંધ રહેતાં ૭.૩ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૩૫ કરોડનો આ IPO રીટેલમાં ૩.૧ ગણા સહિત કુલ પોણાત્રણ ગણો ભરાયો હતો. દરમ્યાન આગલા દિવસે એટલે કે શુક્રવારે જે ૩ SME IPO લિસ્ટેડ થયા હતા એમાં ૧૯૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૩૨ બંધ થયેલી એકમે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૪૨ના બેસ્ટ લેવલે જઈને ૩ ટકા વધીને ૨૩૯, પેરામાઉન્ટ સિન્ટેક્સ જે ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ સામે બિલોપાર, ૧૦૯ બંધ થઈ હતી એ ગઈ કાલે ૧૦૪ નીચેના નવા તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ તો ૭૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૫૯ની અંદર બંધ આવેલી TNA સૉલ્યુશન્સ ગઈ કાલે ૩.૬ ટકાના ઘટાડે ૫૭ નજીક બંધ થઈ છે. 

અમદાવાદી જોજો લિમિટેડ શૅરદીઠ એક બોનસમાં બોનસ-બાદ થતાં ગઈ કાલે બે ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૬ વટાવી છેવટે ત્યાં જ બંધ રહી છે. મુંબઈના ઘાટકોપર-વેસ્ટની વનક્લીક લૉજિસ્ટિક્સ ઇન્ડિયા બે શૅરદીઠ એકના બોનસમાં ૧૫મીએ એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ઉપર ૪૫૫ બતાવી સવા ટકો વધી ત્યાં જ હતો. કંપની ઑક્ટોબર ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવથી ૧૦ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી. અગાઉ ઇન્ફીબીમ અવેન્યુઝ તરીકે ઓળખાતી ગાંધીનગર, ગીફ્ટ સિટીની ઍવન્યુઝ AI લિgsટેડ એકના શૅરના ૧૦ રૂપિયાના શૅરમાં રિવર્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૫ થયા બાદ ૭.૪ ટકા ખરડાઈ ૧૩.૮૧ બંધ થઈ છે. અમદાવાદી સમર (Samor) ૧૫મીએ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૧૧૦ની ૨૫ માસની ટોચે જઈ ૧૦ ટકા ઊછળી ૧૧૦ બંધ રહી છે. 

બૅન્ગલોરની ઓલા ઇલેક્ટ્રિક ૨૫ શૅરદીઠ બે શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૭ના ભાવથી રાઇટ ઇશ્યુમાં આજે, મંગળવારે એક્સ રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૬ નજીક જઈ દોઢ ટકા વધી ૩૫ હતો. ૧૦૦૦ કરોડનો આ રાઇટ ઇશ્યુ ૨૨મીએ ખૂલશે. માથા કરતાં મોટી પાઘડી પહેરી PRની હાઇપના જોરમાં હાઈ પ્રોફાઇલ બનેલા ભાવિશ અગરવાલની ઓલા ઇલેક્ટ્રિક ૧૦ના શૅરદીઠ ૭૬ના ભાવથી ઑગસ્ટ ૨૦૨૪માં ૬૧૪૬ કરોડનો IPO લાવી હતી. એમાં ૬૪૬ કરોડ ઑફર ફૉર સેલના હતા. પ્રમોટર ભાવિશ અગરવાલના ઘરમાં એમાંથી ૨૮૮ કરોડ ગયા હતા. સ્થાપનાથી માંડી અત્યાર સુધી સતત લૉસમાં રહેલી ઓલા ઇલેક્ટ્રિકની ગત વર્ષની ખોટ ૧૮૩૩ કરોડ હતી. છેલ્લાં ૪ વર્ષની એની કુલ નેટ લૉસ ૭૧૬૫ કરોડ વટાવી ગઈ છે. ચાલુ વર્ષે બીજી માર્ચના રોજ ભાવ ૨૧ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયો હતો. થાણેની કૉન્ટિનેન્ટલ કન્ટ્રોલ્સ પાંચ શૅરદીઠ ૧૬ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ ૧૯૬૬ લાખના રાઇટ ઇશ્યુમાં બુધવારે એક્સ રાઇટ થશે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૪ થઈ ત્યાં જ બંધ હતો. 

પરિણામના વસવસામાં ડી-માર્ટ ખરડાઈને ૪૩ માસના તળિયે 
ડી-માર્ટ ફેમ અૅવન્યુ સુપરમાર્ટ‍્સ ૧૭.૮ ટકા વધારામાં ૧૯,૬૪૪ કરોડ આવક ઉપર સાડાઆઠ ટકા વધારામાં ૭૪૩ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. શૅર ગઈ કાલે ૩૩૫૧ની ૪૩ માસની બૉટમ બનાવી ૪.૫ ટકા કે ૧૫૮ રૂપિયા ખરડાઈ ૩૩૬૨ બંધ રહ્યો છે. ઈ-કૉમર્સ કંપની મિશો લિમિટેડના તાજેતરમાં આયોજિત મેગા બ્લૉકબસ્ટર સેલને જબ્બર પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલે શૅર સવાયા કામકાજે ઉપરમાં ૨૪૫ની ૧૦ માસની ટોચે ગયા બાદ પ્રૉફિટ બુકિંગમાં નીચામાં ૨૨૯ થઈને એક ટકા ઘટીને ૨૩૦ થયો છે. ૬૩ મૂન્સ ટેક્નૉલૉઝિસની સબસિડિયરી ૬૩ સેટ્સ સાઇબર ટેકમાં ચાલુ વર્ષ માટેનું રેવન્યુ ગાઇડન્સિસ ૩૫૦ કરોડથી વધારીને ૬૦૦ કરોડ કરવામાં આવ્યું છે. આના પગલે ૬૩ મૂન્સનો શૅર નબળા બજારમાં દસ ગણા કામકાજે ઉપરમાં ૮૬૦ વટાવી અંતે સાડાસાત ટકાની મજબૂતીમાં ૮૨૨ થયો છે. IT ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૭ ટકા કે ૧૮૭ પૉઇન્ટ ડાઉન હતો. મોટા ભાગના શૅર માઇનસ હતા. ૬૩ મૂન્સ ઉપરાંત ઑનવર્ડ ટેક્નૉલૉઝિસ છગણા કામકાજે ૮ ટકાના જમ્પમાં ૩૩૨, નેટવેબ ટેકનો બમણા વૉલ્યુમે ૫૦૫૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૬.૧ ટકા કે ૨૮૯ રૂપિયા ઊચકાઈ ૫૦૧૦ તો મૅપ માય ઇન્ડિયા સાડાચાર ટકા વધી ૯૧૦ હતી. તાતા ઍલેક્સીનાં રિઝલ્ટ આજે આવશે. શૅર ગઈ કાલે સાડાત્રણ ગણા કામકાજે ઉપર ૩૨૯૦ થઈ ૩.૯ ટકા કે ૧૨૨ રૂપિયા વધી ૩૨૫૫ બંધ હતો. 
સ્વરાજ એન્જિન્સ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૬ ટકા વધારામાં ૬૩૫ કરોડની આવક ઉપર ૨૨ ટકા વૃદ્ધિદરથી ૬૦૬૦ લાખ નેટ પ્રૉફિટ દર્શાવાતાં ભાવ ૯૯ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૩૯૫૦ થશ ૮.૮ ટકા કે ૩૦૨ રૂપિયાની તેજીમાં ૩૭૩૯ બંધ આવ્યો છે. વૉટરવેઝ લિઝરની ત્રિમાસિક આવક ૩૦ ટકા વધી ૧૩૩ કરોડ થતાં કંપની ૮૯૦ લાખની નેટ લૉસમાંથી ૫૮૫ લાખના નફામાં આવી છે. શૅર ઉપર ૧૧૦ થઈ ૩.૮ ટકા વધી ૧૦૫ થયો છે. પુનાવાલા ફિનકૉર્પની આવક સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૭૦ ટકા વધીને ૨૬૨૫ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૭૪ કરોડની સામે તગડા જમ્પમાં ૩૭૫ કરોડ નોંધાયો છે. શૅર ૨૬ ગણા કામકાજે ઉપરમાં ૪૮૪ થયા બાદ પ્રૉફિટ બુકિંગના જોરમાં નીચે ૪૪૨ બતાવી અડધો ટકો ઘટી ૪૪૬ રહ્યો છે. દરોડાના અહેવાલમાં ખરડાયેલી પ્રાઇસ ફોક્સ સાડાપાંચ ગણા કામકાજે ઉપર ૩૦૩ થઈ આઠેક ટકાના બાઉન્સબૅકમાં ૨૮૨ બંધ રહી છે.  

મુલુંડની એચડી ફાયર સહિત આજે ૩ ભરણાં
આજે, મંગળવારે નવાં ૩ ભરણાં ખૂલશે. મેઇન બોર્ડમાં મુંબઈના મુલુન્ડ-વેસ્ટની એચડી ફાયર પ્રોટેક્ટ પાંચના શૅરદીઠ ૨૭૧ની અપરબૅન્ડમાં ૭૧૨ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ IPO કરવાની. ફાયર પ્રોટેક્શનને લગતાં ઇક્વિપમેન્ટ્સ તેમ જ સિસ્ટમ્સ બનાવે છે. આયાત કરીને વેચે છે. ગત વર્ષે ૧૨ ટકા વધારામાં ૫૦૫ કરોડ આવક ઉપર ૬ ટકા વધારામાં ૧૧૭ કરોડ નજીક નફો કર્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૧૧૪ કરોડની આવક ઉપર ૨૪ કરોડ જેવો નફો બતાવ્યો છે. કંપનીની આવકમાં ૪૨ ટકા ફાળો ટ્રેડિંગનો છે. ગ્રેમાર્કેટમાં ૮૦થી શરૂ થયેલું પ્રીમિયમ નીચામાં ૬૩ થયા બાદ ઉપર ૮૬ બતાવી હાલ ૮૧ ચાલે છે. 

SME સેગમેન્ટમાં થાણેના બેલાપુર CBD ખાતેની રવિતા એન્જિનિયરિંગ સર્વિસીસ પાંચના શૅરદીઠ ૧૧૨ની અપરબૅન્ડમાં ૧૧૬ કરોડનો NSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની HVAC સિસ્ટમ્સ, સેન્ટ્રલ એસી, ચિલર પ્લાન્ટ્સ, ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્રેસર્સ, કુલિંગ ઇક્વિપમેન્ટ્સ ઇત્યાદીનું પ્રોક્યોરમેન્ટ, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટેની એન્જિનિયરિંગ સર્વિસીસ પૂરી પાડે છે. ગત વર્ષે ૧૫૪ ટકા વધારામાં ૨૭૮ કરોડની આવક ઉપર ૧૩૭ ટકા વૃદ્ધિદરથી ૨૮ કરોડ નફો બનાવી દીધા પછી ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં ૯૭ કરોડ આવક અને ૧૦ કરોડ પ્લસનો નફો દર્શાવ્યો છે. છેલ્લા ૩ માસમાં દેવું ૧૯ કરોડથી વધી ૩૧ કરોડ નજીક ગયું છે. બે વર્ષ પૂર્વે, ૨૦૨૩-૨૪માં આવક માત્ર ૧૩૫૩ લાખ અને નફો દોઢ કરોડ હતો. ઇશ્યુમાંથી ૭૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૨થી શરૂ થઈ ઘટતું રહી હાલ ૮ થઈ ગયું છે. કલકત્તાની વૈભવ વ્યાપાર પાંચના શૅરદીઠ ૫૪ની અપરબૅન્ડમાં ૪૨ કરોડનો NSE SME IPO મંગળવારે કરવાની છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની ડિજિટલ લૅન્ડિંગ કંપની છે જે નોકરિયાત તથા નાના સ્વરોજગાર ધારકોને પર્સનલ લોન આપે છે. ગત વર્ષે ૪૮ ટકા વધારામાં ૩૭૬૪ લાખની આવક ઉપર ૩૩ ટકા વૃદ્ધિદરથી ૧૯૭ લાખ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષના પ્રથમ ૩ માસમાં કંપનીએ ૧૮૧૫ લાખની આવક ઉપર ૩૦૧ લાખ નફો દેખાડી દીધો છે. દેવું ૩૮ કરોડ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. દરમ્યાન જિયો પ્લૅટફૉર્મમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ હાલમાં ૧૮૨ ચાલે છે. ઇશ્યુની તારીખ, સાઇઝ તેમ જ પ્રાઇસ બૅન્ડ વિધિવત જાહેર થવા બાકી છે. 

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 11:45 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK