ડૉલર સામે રૂપિયામાં ઑલટાઇમ વર્સ્ટ લેવલની હૅટ-ટ્રિક : HDFC અને ICICI બૅન્કના ભારમાં બૅન્ક નિફ્ટી માઇનસ ઝોનમાં : એશિયન બજાર બહુધા નરમ, યુરોપ ખાતે રનિંગમાં મજબૂતી : ગ્રેમાર્કેટ ખાતે ઇનોવિઝનમાં ડિસ્કાઉન્ટ વધ્યું, સેન્ટ્રલ માઇન પ્લાનિંગમાં પ્રીમિયમ ઘટ્યું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વૉર વધતું જાય છે. ખુવારી વકરી રહી છે. અમેરિકા વધુ ને વધુ એકલુ પડવા માડ્યું છે. હોર્મુઝના મામલે સાથે મળીને ઈરાનને સીધું કરવા ટ્રમ્પની માગણીને જપાન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટલી, ઑસ્ટ્રેલિયા સહિત લગભગ તમામ સાથી દેશોએ ઠુકરાવી દીધી છે. દરમ્યાન ઈરાની હુમલાના પગલે કતરની ૧૭ ટકા એલએનજી કૅપિસિટી પાંચ વર્ષ માટે બેકાર થઈ ગઈ છે, કતરને વર્ષેદહાડે ૨૦ અબજ ડૉલરનો માર પડી ચૂક્યો છે. લગભગ બે સપ્તાહના યુદ્ધમાં અમેરિકાને જેટલો ખર્ચ કરવો પડ્યો છે એ નાસાના આખા વર્ષના ખર્ચથી પણ વધુ છે. ઑઇલ ક્રાઇસિસ આગામી સમયમાં આખી દુનિયાની ઊંઘ હરામ કરવાની છે એ હવે સૌ સ્વીકારે છે. યુદ્ધે ચડેલા ટ્રમ્પ હવે ઑઇલ-ફીલ્ડસને ટાર્ગેટ નહીં કરવા ઈરાન-ઇઝરાયલને સમજાવવા મથામણ કરી રહ્યા છે. આગલા દિવસે ૧૧૫ ડૉલર પાર થયેલું બ્રેન્ટ ક્રૂડ ગઈ કાલે નીચામાં ૧૦૫ ડૉલર બતાવી ૧૦૭ ડૉલર ઉપર ચાલતું હતું. આગલા દિવસે ૪૬૦૦ ડૉલર થયેલું કૉમેક્સ ગોલ્ડ બે ટકા વધીને ૪૭૦૦ ડૉલરની અંદર તો હાજર સોનું સવા ટકો વધીને ૪૭૦૩ ડૉલર જોવાયું છે, ચાંદી નીચલા મથાળેથી અઢી ટકા સુધી ૭૩ ડૉલર હતી. લંડન ધાતુબજારમાં કૉપર, ઍલ્યુમિનિયમ, ઝિન્ક તથા નિકલ વાયદા બેથી ચાર ટકા બગડ્યા છે. નીચામાં ૬૯,૮૫૧ ડૉલર થયેલો બિટકૉઇન એકાદ ટકો સુધરી ૭૦,૬૪૨ ડૉલર હતો. બહુમતી એશિયન બજાર ગઈ કાલે પણ નરમ હતાં. ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ ૦.૯ ટકા, સિંગાપોર તથા તાઇવાન અડધો ટકો ઘટ્યા છે. થાઇલૅન્ડ એક ટકો તો સાઉથ કોરિયા સાધારણ સુધર્યું છે. જપાન અને ઇન્ડોનેશિયા રજામાં હતા. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી અડધો ટકો તો અન્ય બજાર એકથી દોઢ ટકો પ્લસ હતી.
ઘરઆંગણે આગલા દિવસના લગભગ ૨૫૦૦ પૉઇન્ટના કડાકા બાદ સેન્સેક્સ ૩૫૨ પૉઇન્ટ ઉપર ૭૪,૫૫૯ ખૂલી છેવટે ૩૨૬ પૉઇન્ટ સુધરી ૭૪,૫૩૩ તથા નિફ્ટી ૧૧૨ પૉઇન્ટ વધીને ૨૩,૧૧૪ ઉપર બંધ થયો છે. આરંભથી અંત સુધી સતત પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ૭૫,૨૮૬ તથા નીચામાં ૭૪,૩૮૫ થયો હતો. આ એક પ્રકારનો નીચલા મથાળેથી આવતો ટેક્નિકલ સુધારો છે. એમાં ચેનલિયા હેડલાઇન્સ કહે છે તે ‘બુલ્સ ફાઇટ બૅક’ જેવું કાંઈ નથી. બકવાસ કરવા સિવાય તેમને કશું આવડતું નથી. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૩૧ પૉઇન્ટ કે ૦.૦૪ ટકા તથા નિફ્ટી ૩૭ પૉઇન્ટ કે ૦.૨ ટકા નરમ થયો છે. ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે નિફ્ટી ફાર્મા બે ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ, FMCG અડધો ટકો, PSU બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા, કૅપિટલ ગુડ્સ નહીંવત્, પાવર ઇન્ડેક્સ એકાદ ટકા, યુટિલિટીઝ એક ટકો, એનર્જી એક ટકો, ઑટો ઇન્ડેક્સ પોણો ટકો, મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, ટેલિકૉમ એક ટકા વધ્યો હતો. IT ઇન્ડેક્સ ૨.૧ ટકા કે ૫૭૫ પૉઇન્ટ સુધર્યો છે. એના ૭૭માંથી ૪૬ શૅર પ્લસ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા નરમ તથા નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડથમાં NSE ખાતે વધેલા ૧૮૮૪ શૅર સામે ૧૩૩૭ જાતો નરમ હતી. માર્કેટ કૅપ ૩.૦૮ લાખ કરોડ વધીને ૪૨૯.૨૧ લાખ કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
સેન્સેક્સમાં તાતા સ્ટીલ તો નિફ્ટીમાં JSW સ્ટીલ ટૉપ ગેઇનર બની
નિફ્ટી ખાતે ગઈ કાલે હિન્દાલ્કો અઢી ટકા પીગળી ૮૭૪ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બની હતી. સેન્સેક્સમાં HDFC બૅન્ક ટૉપ લૂઝર બની બજારને ૨૪૮ પૉઇન્ટ નડી છે. અન્યમાં ભારત ઇલે. એક ટકા, HDFC લાઇફ દોઢ ટકા, ONGC ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકા નજીક ડાઉન હતી. ટેક મહિન્દ્ર સવા ત્રણ ટકા ઊંચકાઈ બન્ને બજારમાં ઝળકી છે. JSW સ્ટીલ સવાત્રણ ટકા, ઇન્ફોસિસ ૨.૯ ટકા, તાતા સ્ટીલ ૩.૨ ટકા, કોલ ઇન્ડિયા ત્રણ ટકા, ટ્રેન્ટ ૨.૬ ટકા, અબજ ઑટો બે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, સનફાર્મા ૧.૯ ટકા, આઇશર ૧.૯ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકો, સિપ્લા ૧.૪ ટકા, અપોલો હૉસ્પિટલ દોઢ ટકા, NTPC ૧.૯ ટકા, HCL ટેક્નો પોણાબે ટકા, TCS ૧.૪ ટકા, એટર્નલ દોઢ ટકો અપ હતી. રિલાયન્સ ઉપરમાં ૧૪૩૦ વટાવી બે ટકા વધી ૧૪૧૪ના બંધમાં બજારને ૧૬૭ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્શ્યલ નજીવી નરમાઈ દાખવી ૨૩૯ હતી. અલ્ટ્રાટેક ૧.૪ ટકા પ્લસ થઈ છે. લાર્સન ૩૪૩૫ નજીકના બંધમાં ફ્લૅટ હતી.
વેલસોલ એનર્જી ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૪ ઉપર બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ રહી છે. ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ સૉલ્યુશન્સ ૩૨ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાના ઉછાળામાં ૨૫૧ વટાવી ગઈ છે. કુદ્રમુખ આયર્ન ઓર અર્થાત્ KIOCL ૨૦ ટકાની સર્કિટમાં ૩૬૯ વટાવી સવા ચૌદ ટકાના જમ્પમાં ૩૫૨ નજીક સરકી છે. હૅપીએસ્ટ માઇન્ડ પોણાઅગિયાર ટકા તો ઓલેક્ટ્રા ગ્રીન સાડાનવ ટકા મજબૂત બની છે. એકમે સોલર ૬ ટકા ખરડાઈને ૨૪૬ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર થઈ છે. JSW હોલ્ડિંગ્સ ૫.૧ ટકા કે ૮૨૨ રૂપિયાના કડાકામાં ૧૫,૧૮૦ બંધ હતી. પેટ્રોનેટ એલએનજીમાં ગલ્ફ વૉરના પગલે માનસ ખરડાયેલું હોવાથી ભાવ ૫.૧ ટકા ગગડી ૨૫૭ થયો છે. MCX ૧૧૪ રૂપિયા કે સાડાચાર ટકા ગગડીને ૨૪૧૫ની અંદર રહી હતી.
ટિપ્કો એન્જિનિયરિંગનો ૮૯ના ભાવનો SME IPO સોમવારે
સોમવારે SME સેગમેન્ટમાં હરિયાણાના સોનીપતની ટિપ્કો એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૮૯ની અપર બૅન્ડમાં કુલ ૬૦૫૫ લાખ રૂપિયાનો BSE SME IPO લાવશે. એમાંથી ૧૨ કરોડ ઑફર ફોર સેલના છે. ઇશ્યુમાં માર્કેટ મેકર માટે ૯ કરોડના શૅર અલગ રખાયા છે. QIB પોર્શન ૪૩.૩ ટકા છે. રીટેલ પોર્શન ૨૯.૯ ટકા છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની વિવિધ ઉદ્યોગો માટે મશીનરી બનાવે છે. ગયા વર્ષે ૨૧ ટકા વધારામાં ૧૩૩ કરોડ પ્લસની આવક ઉપર ૮૫ ટકા વૃદ્ધિદરથી ૧૫૬૧ લાખ નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૯ મહિનામાં આવક ૮૬૨૫ લાખ અને નફો ૧૩૧૯ લાખ કર્યો છે. દેવું ૩૭૫૨ લાખ છે. ઇશ્યુમાંથી ૩૦ કરોડ દેવાની પરત ચુકવણીમાં જશે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૨૦૭૭ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ શૂન્યથી બે રૂપિયા જેવી છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
ગઈ કાલે મેઇન બોર્ડમાં કોલ ઇન્ડિયાની માલિકીની સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ઍન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ (CMPDI)નો બેના શૅરદીઠ ૧૭૨ની અપરબૅન્ડમાં ૧૮૪૨ કરોડનો પ્યૉર ઑફર ફોર સેલ ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧૧ ટકા સહિત કુલ ૬ ટકા જ ભરાયો છે. પ્રીમિયમ દોઢ રૂપિયો ચાલે છે. અમદાવાદની દવાઓનું વેચાણ કરતી કંપની સ્પેશ્યાલિટી મેડિસિન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડમાં ૨૯૧૪ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૭ ટકા સહિત કુલ ૮૧ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. હરિયાણાના ગુડગાવની નોવસ લૉયલ્ટીનો ૧૦ના શૅરદીઠ ૧૪૬ની અપરબ બૅન્ડ સાથે ૬૦૧૫ લાખ રૂપિયાનો BSE SME IPO એના છેલ્લા દિવસે રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ ૧.૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પહેલેથી કામકાજ નથી.
HDFC બૅન્ક સતત બીજા દિવસે ઘટીને બજારને સૌથી વધુ નડી
બૅન્કના કામકાજનાં ધોરણો મારી નૈતિકતા સાથે મેળ ખાતા નથી એવી સ્ફોટક રજૂઆત સાથે અતનુ ચક્રવર્તીએ આપેલા રાજીનામાને પગલે HDFC બૅન્ક અને એનું સમગ્ર પીઆર ડૅમેજ કન્ટ્રોલમાં લાગી ગયું છે. બ્રોકરેજવાળા ૧૧૦૦થી ૧૨૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી કરવા માંડ્યા છે. આમ છતાં ગઈ કાલે શૅર સવાબે ગણા કામકાજ સાથે નીચામાં ૭૭૮ થઈ ૨.૪ ટકા વધુ ઘટીને ૭૮૦ બંધ થયો છે. એના ભારમાં પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૮ શૅર વધવા છતાં ૪ પૉઇન્ટ જેવો નરમ રહ્યો છે. HDFC બૅન્કની ૫૦.૨ ટકા માલિકી સબસિડિયરી HDFC લાઇફ પોણાબે ગણા કામકાજે નીચામાં ૬૨૨ થઈ ૧.૬ ટકા ઘટી ૬૨૩ હતી. ICICI બૅન્ક ૦.૪ ટકા નરમ તો સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા પ્લસ હતી. કોટક બૅન્ક અડધો ટકો ઘટી છે. ઍક્સિસ બૅન્ક નહીંવત્ નરમ રહી છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૮ શૅર વધ્યા હતા. બારમાંથી બાર સરકારી બૅન્ક વધી છે. ખાનગી ૨૦ બૅન્કમાંથી ૧૦ શૅર માઇનસ હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩ ટકા, યુનિયન બૅન્ક ૩.૩ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૪.૨ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૬.૮ ટકા મજબૂત હતી. સૂર્યોદય બૅન્ક અઢી ટકા, CSB બૅન્ક ૩.૬ ટકા, કરુર વૈશ્ય ૨.૮ ટકા બગડી હતી.
IT ઇન્ડેક્સ ૭૭માંથી ૪૬ શૅરના સથવારે ૨.૧ ટકા કે ૫૭૫ પૉઇન્ટ સુધર્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી સરેરાશ કરતાં ૭૦ ટકા કામકાજે ૨.૮ ટકો વધીને ૧૨૫૪ બંધ હતો. TCS ૧.૪ ટકા, HCL ટેક્નો ૧.૭ ટકા, ટેક મહિન્દ્ર ૩ ટકા, વિપ્રો સવા ટકો પ્લસ હતો. સાઇડ શૅરોમાં નેટવર્ક પીપલ બમણા કામકાજે ઉપરમાં ૧૧૪૫ બતાવીને સાડાસાત ટકા ઊંચકાઈ ૧૧૧૦ થઈ છે. TVS ઇલેક્ટ્રૉનિક્સ સાડાપાંચ ટકા, મેપમાય ઇન્ડિયા ૬.૮ ટકા, નિન્ટેક સિસ્ટમ્સ સાડાછ ટકા, સાસ્કેન ૫.૫ ટકા, હૅપીએસ્ટ માઇન્ડ ૧૦.૭ ટકા, તાતા એલેક્સી ૪.૬ ટકા, સિલ્વર ટચ પાંચ ટકા, હેક્સાવેર ૪ ટકા ઝળકી હતી. ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ૯૩.૭૭ નજીક નવી સૌથી નીચી સપાટીએ ગયો છે.
એથનૉલની થીમમાં ૩૪માંથી ૩૦ શુગર શૅર મજબૂત
આગલા દિવસે સાડાસાત ટકાની લિસ્ટિંગ લૉસમાં ૧૧૩ બંધ થયેલી ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસ ગઈ કાલે ઉપર ૧૨૦ બતાવી સવાબે ટકા વધીને ૧૧૫ બંધ થઈ છે. દરમ્યાન જેનો ૧૦ના શૅરદીઠ ૫૧૯ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૩૧૯ કરોડનો ઇશ્યુ બીજી ટ્રાયલમાં પાસ થયો હતો એ ઇનોવિઝનનું લિસ્ટિંગ હવે સોમવારે લઈ જવાયું છે. ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ વધીને ૮૮ રૂપિયા થયા પછી હાલમાં એ ૯૧ રૂપિયા બોલાય છે. મેટ્રોપૉલિશ હેલ્થકૅર એક શૅરદીઠ ૩ બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૪૭૪ થઈ ૩.૭ ટકા ઘટીને ૪૩૯ રહી છે. મહારાષ્ટ્ર એપેક્સ કૉર્પોરેશન શૅરદીઠ એક પ્રમાણે ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટમાં એક્સ રાઇટ થતાં નીચામાં ૫૫.૭૬ થઈ ૧૭ ટકા તૂટી ૫૬ બંધ હતી. ક્લીચ ડ્રગ્સ શૅરદીઠ એક બોનસમાં ૨૪મીએ બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ૩૨૧ થઈ ૧.૧ ટકા ઘટીને ૩૧૭ હતો. કલકત્તાની TIL લિમિટેડ ૬૪ શૅરદીઠ ૧૧ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૬૫ના ભાવે રાઇટ ઇશ્યુમાં સોમવારે એક્સ રાઇટ થશે. ભાવ ગR કાલે ઉપરમાં ૧૯૪ થR દોઢ ટકા ઘટી ૧૮૮ બંધ હતો. ૨૦૨૫ની ૧ જુલાઈએ શૅર ૪૦૫ના શિખરે હતો.
ક્રૂડના વધતા ભાવની આડઅસરમાં એથનૉલ કંપનીઓ લાભમાં રહેવાની ગણતરી પાછળ શુગર શૅર એકંદર ડિમાન્ડમાં છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૪માંથી ૩૦ શૅર મીઠા બન્યા છે. ઉત્તમ શુગર ઉપરમાં ૨૩૪ વટાવી ૧૩.૩ ટકાની તેજીમાં ૨૨૪ હતી. અવધ શુગર ૬.૭ ટકા, દાલમિયા શુગર સવા છ ટકા, મગધ શુગર ૬.૭ ટકા, દ્વારકેશ શુગર ૫.૪ ટકા, ધામપુર શુગર ૪.૭ ટકા, ઉગર શુગર ૩.૯ ટકા, શ્રી રેણુકા શુગર ૪.૨ ટકા, મવાણા શુગર ૫.૨ ટકા, ત્રિવેણી એન્જિનિયરિંગ ૫.૨ ટકા, બજાજ હિન્દુસ્તાન ૩.૩ ટકા ઊંચકાઈ હતી.
