સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૫૮૮ પૉઇન્ટની ખરાબી બાદ નીચલા મથાળેથી ૨૦૨૨ પૉઇન્ટ બાઉન્સબૅક થઈ ૧૮૫ પૉઇન્ટના સુધારા સાથે અપવાદ : વૈશ્વિક સોનું ત્રણથી સાડાત્રણ ટકા તથા ચાંદી ૬ ટકાથી વધુ ડાઉન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- ડૉલર સામે રૂ ૧૨ વર્ષના મોટા એકદિવસીય ઉછાળામાં ૯૨.૮૨ થઈ પોણાબે ટકા મજબૂતીમાં ૯૩.૧૦ની આસપાસ
- IT ઇન્ડેક્સ ૮૦માંથી ૬૪ શૅરના સથવારે અઢી ટકા નજીક પ્લસ
- ઓલા ઇલેક્ટ્રિક વૉલ્યુમ સાથે સવાનવ ટકાની તેજીમાં બંધ, પાવરિકાનું લિસ્ટિંગ ડલ નીવડ્યું
ટ્રમ્પે તેમની આદત પ્રમાણે ફરી એક વાર ટ્રૅક બદલ્યો છે. સીઝફાયરની ચાલુ વારતા છોડીને આ માણસ ફરીથી યુદ્ધની લવારીએ ચડ્યો છે. બુધવારની રાતે ટેલિવિઝન પર ૧૯ મિનિટના રાષ્ટ્રજોગ પ્રવચન દરમ્યાન ટ્રમ્પે યુદ્ધ વધુ ઉગ્ર બનાવવાની વાતો કરતાં ઈરાનને પથ્થરયુગમાં હડસેલી દેવાનો ઇરાદો જાહેર કર્યો છે. આ સાથે જ જે શાંતિ-પ્રયાસ સતેજ બની રહ્યા હતા એનો ભુક્કો બોલી ગયો છે. હાર્યો જુગારી બમણું રમવાના મૂડમાં છે. ટ્રમ્પ બમણું રમે કે ત્રણ ગણું રમે એનો વાંધો નથી. તકલીફ એક જ છે. આમાં સૌથી વધુ ગુમાવવાનું આપણે છે. યુદ્ધવિરામની આશામાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૯૯ ડૉલરની અંદર ગયું હતું એ ટ્રમ્પની ભવાઈના પગલે ૧૦૮ ડૉલર થઈ ગયું છે. હજી ઑર ભડકો થશે. શૅરબજારોમાં બુધવારે જે મજબૂત સુધારો થયો હતો એ એપ્રિલફૂલ પુરવાર થયો છે.
વળતા દિવસે તમામ અગ્રણી વૈશ્વિક શૅરબજારો ડૂલ થયાં છે. ગઈ કાલે એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાપાંચ ટકા, જપાન પોણાત્રણ ટકા, તાઇવાન ૧.૯ ટકા, હૉન્ગકૉન્ગ ૦.૭ ટકા, ઇન્ડોનેશિયા દોઢ ટકો, ચાઇના પોણો ટકો, સિંગાપોર પોણો ટકો અને ઑસ્ટ્રેલિયા સવા ટકો ડાઉન થયું છે. આગલા દિવસે પોણાબેથી પોણાત્રણ ટકાની તેજી દાખવનાર યુરોપનાં બજારો ગઈ કાલે રનિંગમાં એકથી દોઢ ટકો માઇનસ થયાં છે. હાજર સોનું ત્રણ ટકાથી વધુ ગગડીને ૪૬૧૦ ડૉલર, કૉમેક્સ ગોલ્ડ ચારેક ટકા તૂટીને ૪૬૨૬ ડૉલર, તો કૉમેક્સ સિલ્વર સાત ટકાની ખરાબીમાં ૭૧ ડૉલરની અંદર આવી ગઈ હતી. હાજર ચાંદી પોણાછ ટકાની ખુવારીમાં ૭૦.૮૫ ડૉલર ચાલતી હતી. લંડન ધાતુબજારમાં કૉપર, નિકલ, ઍલ્યુમિનિયમ તથા ઝિન્ક વાયદો એકાદ ટકાથી માંડી બે ટકા પર ગયા છે. બિટકૉઇન ૬૯,૦૯૩ ડૉલરથી ઘટી ૬૬,૫૯૫ ડૉલરે ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૫૦,૦૨૨ થઈ રનિંગમાં ૪૨૫૬ પૉઇન્ટ ખરડાઈ ૧,૫૧,૨૫૬ દેખાયું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા દિવસના ૧૧૮૭ પૉઇન્ટના સુધારા સામે પ્રારંભિક નબળાઈમાં ગઈ કાલે ૮૭૨ પૉઇન્ટ નીચે તથા નિફ્ટી ૩૪ પૉઇન્ટના સુધારામાં ૨૨,૭૧૩ બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૧,૫૪૬ અને ઉપરમાં ૭૩,૫૬૮ દેખાયો હતો. પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૬૬ શૅર સામે ૧૨૬૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩૬,૦૦૦ કરોડના વધારામાં ૪૨૨.૩૭ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૨ ટકા જેવા સુધારા સામે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૬ શૅરના ઘટાડામાં ૦.૨ ટકા કે ૧૦૦ પૉઇન્ટ પ્લસ તથા PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી પાંચ શૅરના ઘટાડે ૦.૪ ટકા કપાયો છે. નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૧૯માંથી ૯ શૅરના ઘટાડા વચ્ચે ફ્લૅટ હતો. અન્યમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૦.૮ ટકા, ઑટો ઇન્ડેક્સ ૦.૭ ટકા, પાવર અને યુટિલિટીઝ બેન્ચમાર્ક ૦.૩ ટકા આસપાસ, ઑઇલ-ગૅસ પોણો ટકો, એનર્જી ઇન્ડેક્સ ૦.૭ ટકા, હેલ્થકૅર પોણો ટકો, નિફ્ટી ફાર્મા એક ટકો ઘટ્યા હતા. IT ઇન્ડેક્સ ૬૯૧ પૉઇન્ટ જેવો વધ્યો હતો અને એના ૮૦માંથી ૬૪ શૅર પૉઝિટિવ ઝોનમાં બંધ થયા છે. બજાર આજે શુક્રવારે ગુડ ફ્રાઇડે નિમિત્તે રજા પાળશે.
ટૉપ ગેઇનર્સમાં મેઇન બેન્ચમાર્ક ખાતે રહેશે ITનો દબદબો
ગઈ કાલે HCL ટેક્નૉલૉજીઝ સાડાત્રણ ટકા વધીને ૧૪૦૨ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. ટેક મહિન્દ્ર ૨.૭ ટકા, ઇન્ફોસિસ બે ટકાની નજીક તથા TCS પોણાબે ટકા વધીને સુધારામાં મોખરે હતી. આ ચાર IT શૅર બજારને કુલ ૧૭૧ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા છે. વિપ્રો બે ટકા જેવી વધી ૧૯૫ની નજીક રહી છે. લાટિમ ૧૯૮ રૂપિયા કે પોણાપાંચ ટકા ઊંચકાઈ છે. HDFC બૅન્ક સવા ટકો વધીને બજારને સૌથી વધુ ૧૧૫ પૉઇન્ટ ફળી છે. બજાજ ફાઇનૅન્સ એક ટકાથી વધુ, મારુતિ સુઝુકી એકાદ ટકો, ટાઇટન પોણો ટકો, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા, હિન્દાલ્કો સવા ટકો, નેસ્લે ૦.૯ ટકા પ્લસ હતી.
નિફ્ટી ખાતે અઢી ટકાથી વધુની નરમાઈમાં આઇશર તો સેન્સેક્સ ખાતે અઢી ટકા નજીકના ઘટાડે એશિયન પેઇન્ટસ ટૉપ લૂઝર બની છે. એટર્નલ બે ટકાથી વધુ, સનફાર્મા પોણાબે ટકા, NTPC ૧.૩ ટકા, બજાજ ઑટો દોઢ ટકા નરમ હતી. રિલાયન્સ સવા ટકાની નરમાઈમાં ૧૩૫૧ બંધ આપીને બજારને ૧૦૩ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્શિયલ એક ટકો ઘટીને ૨૨૯ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ અડધો ટકો તો અદાણી પોર્ટ્સ પોણો ટકો માઇનસ હતી.
લેટન્ટ વ્યુ ૨૦ ટકાની તેજીમાં ૩૧૩ નજીક જઈને ૧૯.૭ ટકાના જમ્પમાં ૩૧૨ બંધ આપી એગ્રુપમાં મોખરે હતી. વીમાર્ટ રીટેલ ૧૨.૯ ટકાના ઉછાળે ૫૪૬ વટાવી ગઈ છે. સ્પેન્સર્સ સવાઆઠ ટકા ઊંચકાઈ હતી. ઓલા ઇલેક્ટ્રિક ત્રણ ગણા વૉલ્યુમે સવાનવ ટકાની તેજીમાં ૨૮ પર બંધ આવી છે. ગણેશા ઇકોસ્ફિયર પોણાનવ ટકા તથા ઝગલ પ્રી-પેઇડ સવાઆઠ ટકા આગળ વધી હતી. યુનાઇટેડ બ્રુઅરીઝ સવાછ ટકા તથા એસઆરએફ સાડાપાંચ ટકા બગડી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતા.
લખનઉની સેફ્ટી કન્ટ્રોલ ઍન્ડ ડિવાઇસિસ સોમવારે મૂડીબજારમાં
બજાર આજથી ત્રણ દિવસ રજામાં છે. સોમવારે લખનઉ ખાતેની સેફ્ટી કન્ટ્રોલ ઍન્ડ ડિવાઇસિસ ૧૦ના શૅરદીઠ ૮૦ની અપરબૅન્ડમાં કુલ ૪૮ કરોડ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં બે કરોડના શૅર માર્કેટ-મેકર માટે રખાયા છે. રીટેલ પોર્શન ૩૬ ટકા, HNI માટે ૧૫.૨ ટકા તથા QIB પોર્શન ૪૮.૯ ટકા છે. જૂન ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપની EPC સેગમેન્ટમાં છે. ઇશ્યુમાંથી ૬ કરોડ દેવાની પરતચુકવણીમાં તથા ૩૧૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. કંપનીએ ગયા વર્ષે ૧૨૬ ટકાના વધારામાં ૧૦,૩૫૦ લાખની આવક તથા ૧૨૪ ટકાના વૃદ્ધિદરમાં ૮૯૯ લાખ નેટ નફો બતાવી દીધા પછી ચાલુ વર્ષે પ્રથમ ૧૦ મહિનામાં ૬૮૫૧ લાખની આવક પર ૮૫૨ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે, દેવું ૩૯૧૮ લાખનું છે. હાલ પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૬.૫ ટકા છે એ ઇશ્યુ બાદ ઘટીને ૪૬.૪ ટકા થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી સેન્ટ્રલ માઇન પ્લાનિંગ ગઈ કાલે ૨.૭ ટકા ઘટી ૧૫૬ તથા સ્પેશ્યલિટી મેડિસિન્સ અડધો ટકો સુધરી ૧૨૭ બંધ થઈ છે.
સુરતની RB ડેનિમ્સ બે શૅરદીઠ એક બોનસ તથા બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૧૯.૫૦નું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. B2B સૉફ્ટવેર બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ઉપરમાં ૩૧.૫૪ થઈ પાંચ ટકા ઊછળી ત્યાં જ હતી. નવી દિલ્હીની અવાકસ અપેરલ્સ એક શૅરદીઠ ત્રણ બોનસમાં ૭ એપ્રિલે એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૮ બનાવી ૧.૮ ટકા વધી ત્યાં જ હતો. ૮ સપ્ટેમ્બરે ભાવ ૫૦ના તળિયે હતો. ફેસવૅલ્યુ પાંચની છે. અગાઉ ડેક્કન બેરિંગ્સ તરીકે ઓળખાતી સતાણી બેરિંગ્સમાં શૅરવિભાજન માટે બોર્ડ-મીટિંગ મળવાની છે. શૅર રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં છે. ભાવ ૩૦ માર્ચે ૨૯૩ બંધ થયો હતો.
અમીરચંદમાં લિસ્ટિંગ લૉસ, હાઇનેસનું ધારણાથી નબળું લિસ્ટિંગ
મેઇનબોર્ડમાં ગઈ કાલે ૩ IPO લિસ્ટેડ થયા છે. નરીમાન પૉઇન્ટ ખાતેની પાવરિકા લિમિટેડ પાંચના શૅરદીઠ ૩૯૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થઈને એક રૂપિયો થયા બાદ છેલ્લે ચાલતા ૧૦ના પ્રીમિયમ સામે ૩૭૫ ખૂલી ઉપરમાં ૩૯૭ અને નીચામાં ૩૬૫ બતાવી ૩૯૦ બંધ થતાં સવા ટકો લિસ્ટિંગ લૉસ ગઈ છે. ૧૧૦૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં માત્ર ૧૬ ટકા ભરાયો હતો. હૈદરાબાદી સાંઈ પેરન્ટલ્સનો પાંચના શૅરદીઠ ૩૯૨ના ભાવનો, ગ્રેમાર્કેટ ખાતે પહેલેથી ઝીરો પ્રીમિયમવાળો ઇશ્યુ લિસ્ટિંગમાં ગઈ કાલે ૪૦૫ ખૂલી ઉપરમાં ૪૧૬ અને નીચામાં ૪૦૦ થઈ ૪૦૬ બંધ રહેતાં અેમાં ૩.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે નવી દિલ્હીની અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૧૨ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઉપરમાં ૮ થયા બાદ છેલ્લે બોલાતા સાડાત્રણ રૂપિયાના પ્રીમિયમ સામે ૧૯૫ ખૂલી ઉપરમાં ૧૯૮ અને નીચામાં ૧૭૫ થઈ ત્યાં જ બંધ આવતાં ૧૭.૨ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. SME સેગમેન્ટમાં અંધેરી-ઈસ્ટની હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઉપરમાં ૩૦ થયા બાદ છેલ્લે બોલાતા ૨૭ના પ્રીમિયમ સામે BSEમાં ૧૨૫ ખૂલી ઉપરમાં ૧૩૧ અને નીચામાં ૧૨૫ થઈ ૧૨૯ બંધ થતાં આઠેક ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. દરમ્યાન રાજસ્થાના જયપુર ખાતેની SME કંપની એમિયાક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડ સાથે ૩૧૭૫ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલના અંતે કુલ ૩૫ ટકા ભરાયો છે. ૨૭ માર્ચે ખૂલેલા આ ઇશ્યુની તારીખ લંબાવીને ૮ એપ્રિલ કરવામાં આવી છે. ગ્રેમાર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી.
ટ્રમ્પની ટૅરિફની ધમકીમાં ફાર્મા શૅરોમાં નરમાઈ
ભાવઘટાડા માટે કરાર નહીં કરનારી દવા-કંપનીઓ પર ટ્રમ્પે ૧૦૦થી ૨૦૦ ટકાની ટૅરિફ નાખવાની ધમકી આપી છે. આને પગલે જાણીતી કંપનીઓના શૅરમાં નબળાઈ વર્તાઈ છે. સનફાર્મા નીચામાં ૧૬૩૫ થઈ ૧.૭ ટકા ઘટી ૧૬૯૯ રહી છે. બાયોકૉન ચારેક ટકા, ટૉરન્ટ ફાર્મા ૨.૮ ટકા, એમક્યૉર ફાર્મા અઢી ટકા, ઍક્યુટાસ કેમિકલ્સ ૯.૩ ટકા કે ૨૧૬ રૂપિયા, કોરોના રેમેડીઝ ૨.૮ ટકા, જેબી કેમિકલ્સ અઢી ટકા, ડિવીઝ લૅબ પોણો ટકા, ગ્લેનમાર્ક ફાર્મા અડધો ટકો, વનસોર્સ ૨.૮ ટકા, SME ફાર્મા અડધો ટકો, ન્યુલૅન્ડ લૅબ દોઢ ટકો, ઇપ્કા લૅબ બે ટકા ડાઉન હતી. સુવેન લાઇફ સાડાછ ટકા ઊંચકાઈ ૧૬૭ થઈ છે. ડૉ. રેડ્ડીઝ લૅબ નીચામાં ૧૧૬૭ થઈ પોણો ટકો વધી ૧૨૧૮ રહી છે.
બૅન્કિંગના ૪૧માંથી ૨૪ શૅર પ્લસ થયા છે. કરુર વૈશ્ય બૅન્ક સાડાછ ટકા ગગડી ૨૭૩ બંધ હતી. બંધન બૅન્ક એક ટકો, DCB બૅન્ક સવા ટકો, કર્ણાટક બૅન્ક ૧.૧ ટકા, ફેડરલ બૅન્ક અડધો ટકો, જમ્મુ-કાશ્મીર બૅન્ક પોણો ટકો, ઇન્ડસઇન્ડ બૅન્ક પોણો ટકો, ઇન્ડિયન બૅન્ક બે ટકા, બૅન્ક ઓફ ઇન્ડિયા ૧.૭ ટકા, કૅનેરા બૅન્ક સાધારણ, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭ ટકા, કૅનેરા બૅન્ક સાધારણ, બૅન્ક ઑફ બરોડા એક ટકો, AU બૅન્ક પોણો ટકો, ફીનો પેમેન્ટ બૅન્ક બે ટકા બગડી હતી. સેન્સેક્સ ખાતે ICICI બૅન્ક ૦.૩ ટકા, સ્ટેટ બૅન્ક નહીંવત્, ઍક્સિસ બૅન્ક ૦.૭ ટકા, HDFC બૅન્ક સવા ટકો, કોટક બૅન્ક અડધો ટકો વધી હતી. આ બૅન્કો બજારને કુલ ૧૭૨ પૉઇન્ટ ફળી છે. આગલા દિવસના ઉછાળા બાદ BSE લિમિટેડ અડધો ટકો ઘટી ૨૮૫૧ હતી. MCX સવા ટકો, કેપ્રિગ્લોબલ ૫.૮ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ એક ટકો, સેન્ટ્રમ કૅપિટલ ૫.૨ ટકા, પ્રાઇમ સિક્યૉરિટીઝ એક ટકો ડાઉન હતી. NSDL બે ટકા વધીને ૮૬૧ રહી છે. ફાઇવ પૈસા કૅપિટલ અઢી ટકા ઊંચકાઈ ૨૭૬ હતી. ઇસફ બૅન્ક ૪.૬ ટકા વધી ૨૩.૫૦ થઈ છે. કૅપિટલ સ્મૉલ બૅન્ક પણ ચાર ટકાની મજબૂતીમાં ૨૩૮ હતી.
