પૉઝિટિવ ઓપનિંગ બાદ ૪૩૦ પૉઇન્ટ્સ ઘટી ત્યાંથી ૭૦૦ પૉઇન્ટ્સ બાઉન્સ થઈ સેન્સેક્સ છેવટે યથાવત્ : નફામાં નબળાઈના કારણે જિયો ફાઇનૅન્શિયલ નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર : રિલાયન્સનાં પરિણામ ૨૪મીએ, શૅર નહીંવત્ નરમ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- ત્રણ દાયકા બાદ બોનસ માટે બોર્ડ મીટિંગમાં ટ્રેન્ટ બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની
- આઇટી ઇન્ડેક્સના ૮૦માંથી ૧૨ શૅર પ્લસ, ૬૩ મૂન્સ ટૉપ ગેઇનર
- માર્કેટ-બ્રેડ્થ નરમ
યુદ્ધનો અંત નજીકમાં હોવાની ટ્રમ્પની લવારી ચાલુ છે. નેવલ-બ્લૉકેડ કે દરિયાઈ નાકાબંધીનાં નખરાં પણ ચાલુ છે. એના ભાગરૂપ અમેરિકાએ એક ઈરાનિયન જહાજ સીઝ કર્યું છે. લેબૅનનના કિસ્સામાં ૧૦ દિવસનો યુદ્ધવિરામ જાહેર કર્યાના વળતા દિવસે જ ઇઝરાયલે ત્યાં ફરી હુમલા ચાલુ કરી દીધા છે. ઈરાન ગિન્નાયું છે. હોર્મુઝ ખાડી ફરી બંધ કરી દીધી છે. શાંતિ વાર્તા માટે ટ્રમ્પે અમેરિકન ટીમ ઇસ્લામાબાદ રવાના કરી દીધી છે. ઈરાને ફરી એક વખત મંત્રણાના ટેબલ ઉપર આવવાનો ઇનકાર કરી દીધો છે. બે સપ્તાહના સીઝફાયરની મુદત બુધવારે પૂરી થાય છે. શાંતિ-શાંતિના રાગડા તાણતા રહીને અમેરિકા તેમ જ ઇઝરાયલ અશાંતિ ચાલુ રહે એવા કારસા કર્યે જાય છે. આ માહોલ જોતાં સ્પષ્ટ છે કે વાતો ગમે એટલી થાય, શાંતિ હમણાં આવવાની નથી. શાંતિ પહેલાં નિર્ણાયક યુદ્ધ આવી પડે તો ય નવાઈ નથી.
ટેન્શન વધતાં ૯ ટકા ગગડી ૯૦ ડૉલરે પહોંચી ગયેલું બ્રેન્ટ ક્રૂડ ઝડપી વધારામાં ૯૮ ડૉલર નજીક પહોંચી ૯૬ ડૉલર આસપાસ આવી ગયું છે. હાજર સોનું પોણો ટકો ઘટી ૪૭૯૪ ડૉલર, કોમેક્સ ગોલ્ડ ૪૮૦૮ ડૉલર તથા કોમેક્સ સિલ્વર ત્રણ ટકા ગગડી ૮૦ ડૉલર અંદર આવી ગઈ છે. બિટકૉઇન સવા ટકા જેવા સુધારે ૭૪,૬૭૪ ડૉલર જોવાયો છે. તમામ અગ્રણી એશિયન બજાર હળવા સુધારામાં બંધ થયાં છે, ઇન્ડોનેશિયા પોણો ટકો નરમ હતું. હૉન્ગકૉન્ગ એક ટકા, ચાઇના પોણો ટકો, જપાન અડધા ટકાથી વધુ, તાઇવાન અને સાઉથ કોરિયા અડધા ટકા નજીક પ્લસ હતાં, યુરોપ રનિંગમાં પોણાથી દોઢ ટકો ડાઉન હતું. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૩૩૩ પૉઇન્ટ્સ ઘટીને ૧,૭૨,૬૦૬ ચાલતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૨.૯૩ના આગલા બંધ સામે નીચામાં ૯૩.૨૩ થઈ ૯૩.૨૧ દેખાયો છે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી ૧૪૦ પૉઇન્ટ્સ જેવા સુધારામાં ૭૮,૬૩૩ ખૂલી અંતે ૨૭ પૉઇન્ટ્સ સુધરી ૭૮,૫૨૦, નિફ્ટી ૧૧ પૉઇન્ટ વધી ૨૪,૩૬૫ ગઈ કાલે બંધ રહ્યો છે. શૅરઆંક પૉઝિટિવ ઓપનિંગ બાદ નીચામાં ૭૮,૨૦૩ તથા ઉપરમાં ૭૮,૯૪૨ થયો હતો. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ બની છે. NSEમાં વધેલા ૧૨૬૨ શૅર સામે ૨૦૪૫ કાઉન્ટર નરમ હતાં. માર્કેટક.પ ૪૦૦૦ કરોડ વધીને ૪૬૫.૬૮ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના નામપૂરતા સુધારા સામે પાવર ઇન્ડેક્સ સવા ટકો, યુટિલિટીઝ ૦.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ સાધારણ, નિફ્ટી મીડિયા પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, નિફ્ટી એનર્જી પોણો ટકો વધ્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૭૭,૧૫૦ની નવી ઑલટાઇમ હાઈ બતાવીને અડધા ટકાની આગેકૂચમાં ૭૬,૫૩૩ થયો છે. મેટલ ઇન્ડેક્સ ૪૨,૫૧૨ની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ ૧૬૦ પૉઇન્ટ્સની નરમાઈમાં ૪૨,૨૫૬ રહ્યો છે. વેદાન્ત ૨.૨ ટકા, નાલ્કો ત્રણ ટકા, હિન્દાલ્કો અઢી ટકા ડાઉન હતા. જિંદલ સ્ટીલ ૧૨૯૭ના શિખરે જઈ દોઢ ટકો વધી ૧૨૮૮ થયો છે. આઇટી બેન્ચમાર્ક પોણો ટકો ઘટ્યો છે. એના ૮૦માંથી ૧૨ શૅર સુધર્યા હતા. ૬૩ મૂન્સ દોઢા કામકાજે ઉપરમાં ૭૨૩ વટાવી ૫.૬ ટકાની તેજીમાં ૭૦૦ હતો. ૩૦ માર્ચના રોજ ભાવ ૪૬૫ના ૧૭ મહિનાના તળિયે ગયો હતો.
અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી એનર્જી નવા શિખરે
તાતા ગ્રુપની ટ્રેન્ટ લગભગ દાયકા બાદ બોનસ માટે બોર્ડ મીટિંગની જાહેરાતમાં ઉપરમાં ૪૨૭૮ નજીક જઈ સવાત્રણ ટકા કે ૧૩૭ રૂપિયા ઊંચકાઈ સેન્સેક્સ-નિફ્ટીમાં ઝળકી છે. JSW સ્ટીલ ૨.૮ ટકા વધી ૧૨૭૪ હતી. સ્ટેટ બૅન્ક સવાયા વૉલ્યુમે ૧૧૨૧ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અઢી ટકા વધી ૧૧૦૭ બંધમાં બજારને ૯૬ પૉઇન્ટ્સ ફળી છે. ICICI બૅન્કના અડધા ટકાના સુધારાથી એમાં બીજા ૫૧ પૉઇન્ટ્સનો વધારો થયો છે. ભાવવધારાનો બોજ ગ્રાહકો ઉપર નાખવાની જાહેરાતમાં એશિયન પેઇન્ટ્સ ૨.૨ ટકા વધી ૨૫૧૬ હતી. એટર્નલ ૦.૯ ટકા, NTPC ૧.૧ ટકા, બજાજ ફાઇનૅન્સ એક ટકો, ઇન્ડિગો ૦.૯ ટકા, મહિન્દ્ર અડધો ટકો સુધરી છે. ગ્રાસિમ દોઢ ટકા ઊંચકાઈ ૨૭૬૦ હતી. શ્રીરામ ફાઇનૅન્સ પોણો ટકો, કોલ ઇન્ડિયા ૦.૭ ટકા, ઓઇશર પોણો ટકો અપ હતી. અદાણી એન્ટરપ્રાઇઝ અડધો ટકો અને અદાણી પોર્ટ્સ ૦.૩ ટકા વધી છે. અદાણી પોર્ટ્સ ઇન્ટ્રા-ડેમાં ૧૬૦૧ નજીક નવા શિખરે ગઈ હતી. અદાણી પાવર ૨૦૭ ઉપર નવી વિક્રમી સપાટી નોંધાવી સવા ટકો વધી ૨૦૧ તો અદાણી એનર્જી ૧૨૯૧ની નવી મલ્ટિયર ટૉપ દેખાડી ૦.૪ ટકા ઘટી ૧૨૫૪ રહી છે. અદાણી ગ્રીન ૧૧૯૫ની ૧૬ માસની ટોચે જઈ અઢી ટકા વધી ૧૧૫૪ થઈ છે. અદાણી ટોટલ બે ટકા નરમ હતી.
નબળા નફામાં જિયો ફાઇનૅન્શિયલ ૨.૮ ટકા બગડી નિફ્ટીમાં ઘટાડામાં મોખરે હતી. હિન્દાલ્કો સવાબે ટકા, તાતા મોટર પૅસેન્જર સવા ટકો, HDFC લાઇફ એક ટકેે, સિપ્લા એકાદ ટકો, કોટક બૅન્ક ૦.૯ ટકા હતી. ત્રિવેણી ટર્બાઇન ૨૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૦૬ વટાવી ૧૨.૨ ટકાની તેજીમાં ૫૭૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે રહી છે. ઝી એન્ટરપ્રાઇઝ ૮.૨ ટકા, કિર્લોસ્કર ન્યુમેટિક્સ ૭.૩ ટકા, બલરામપુર ચીની ૬.૨ ટકા મજબૂત થઈ છે. GMDC તાજેતરની તેજી બાદ ૫.૭ ટકા ગગડીને ૬૯૧ હતી. થૉમસ કુક ૫.૨ ટકાની નબળાઈમાં ૧૦૫ રહી છે.
ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સનો ૧૨૨ ટકા નફો વધ્યો, શૅર ઘટીને બંધ
રાજકોટની એનલોન હેલ્થકૅર શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૨૪મીએ એક્સ બોનસ અને એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૯ વટાવી બે ટકા વધી ૧૪૫ બંધ થયો છે. હૈદરાબાદની અગાઉ બાયોગ્રીન પેપર્સ તરીકે ઓળખાતી સ્ટ્રીંગ મેટા વર્સિસ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૨૪મીએ એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટે ૮૦ની અંદર વર્ષના તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ હતો. ૨૩ ઑક્ટોબર ૨૦૨૫માં ભાવ ૩૨૪ના શિખરે હતો.
નવા શિખરની હારમાળામાં BSE લિમિટેડ ૩૫૭૦ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છેવટે પોણાબે ટકા ઘટીને ૩૪૭૧ બંધ થઈ છે. MCX લિમિટેડ ઉપર ૨૮૯૫ બતાવી નહીંવત્ સુધરીને ૨૮૫૮ હતી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જનાં રિઝલ્ટ ૨૩મીએ છે ત્યારે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરફથી માર્કેટ કોપલિંગ ડ્રાફ્ટ જારી થતાં કંપનીનું રેવન્યુ રિસ્ક ઊભું થતાં શૅર ૩ ગણા કામકાજે નીચામાં ૧૨૪ થઈ પોણાઆઠ ટકા બગડી ૧૨૫ બંધ થયો છે. NSDLનાં રિઝલ્ટ ૩૦મીએ છે. શૅર ઉપરમાં ૯૪૭ થઈ પોણાબે ટકા નરમાઈમાં ૯૨૩ નજીક થયો છે. CDSL ૧૪૦૧ વટાવ્યા બાદ દોઢેક ટકા ઘટીને ૧૩૭૦ હતી.
ગ્રોફેમ બિલિયન બ્રેઇન્સ ગૅરેજ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૮૧ ટકા વધારામાં ૧૫૩૬ કરોડની આવક ઉપર ૧૨૨ ટકા વૃદ્ધિદરથી ૬૮૬ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાતાં ભાવ ઉપરમાં ૨૦૫ વટાવી છેલ્લે એક ટકો ઘટીને ૧૯૬ રહ્યો છે. સરકારી કંપની ભેલ દ્વારા સ્ટ્રૉન્ગ ઑર્ડર બુક સાથે બહેતર બિઝનેસ અપડેટ જારી થતાં શૅર ૩૩૪ની ૨૧ મહિનાની નવી ટૉપ બનાવી પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૩૨૫ થયો છે. ૨૯ ઑગસ્ટે ભાવ ૨૦૫ના વર્ષના તળિયે હતો.
પરિણામના પગલે HDFCમાં પીછેહઠ, ICICI બૅન્ક સુધારામાં
HDFC બૅન્ક તરફથી માર્ચ ક્વૉર્ટરમાં સવાત્રણ ટકા વધારામાં ૩૩,૦૮૦ કરોડની આવક ઉપર ૯.૧ ટકા વૃદ્ધિદરમાં ૧૯,૨૨૧ કરોડ ચોખ્ખો નફો હાંસલ કરી શૅરદીઠ ૧૩ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર સોમવારે ૮૦૯ થઈ અડધો ટકો ઘટી ૭૯૫ બંધ થયો છે. ખાનગી ક્ષેત્રની અન્ય અગ્રણી બૅન્ક ICICI તરફથી ૮.૪ ટકાના વધારામાં ૨૨,૯૭૯ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર સાડાઆઠ ટકા વધારામાં ૧૩,૭૦૨ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૧૨ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૭૬ થઈ અડધો ટકો વધી ૧૩૫૬ હતો. રિલાયન્સનાં પરિણામ ૨૪મીએ જાહેર થવાનાં છે. શૅર ઉપરમાં ૧૩૭૩ થઈ ૦.૨ ટકા ઘટીને ૧૩૬૨ રહ્યો છે. જિયો ફાઇનૅન્શિયલે ૧૦૬ ટકાના વધારામાં ૧૦૧૮ કરોડથી વધુની ત્રિમાસિક આવક હાંસલ કરી છે, પરંતુ નેટ નફો ૧૩.૯ ટકા ઘટી ૨૭૨ કરોડ થયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૩૪ બતાવી ૨.૮ ટકા ઘટીને ૨૩૭ બંધ હતો.
તાતા ગ્રુપની ૩૭ ટકા માલિકીની ટ્રેન્ટ લિમિટેડનાં રિઝલ્ટ બાવીસમીએ છે. એમાં બોનસ અને રાઇટ ઇશ્યુનો એજન્ડા પણ સામેલ કરાયો છે. કંપનીએ છેલ્લે સપ્ટેમ્બર ૧૯૯૬માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૨૭૮ થઈ ૩.૩ ટકા વધી ૪૨૪૩ થયો છે. આઇટી અગ્રણી HCL ટેક્નૉલૉજીઝ પરિણામની પૂર્વ સંધ્યાએ ઉપરમાં ૧૪૫૦ થઈ એક ટકો ઘટી ૧૪૨૮ રહી છે તો જેનાં રિઝલ્ટ બાવીસમીએ છે એ ટેક મહિન્દ્ર અડધો ટકો ઘટી ૧૫૦૪ હતી. જ્યારે ઇન્ફોસિસ ઉપરમાં ૧૩૨૫ થઈ અડધો ટકો ઘટી ૧૩૧૨ બંધ આવી છે. એનાં પરિણામ ૨૩ એપ્રિલે છે. TCS ઉપરમાં ૨૫૯૪ બતાવી નહીંવત્ ઘટાડે ૨૫૭૮ રહી હતી. વિપ્રો આગલા દિવસની પોણાત્રણ ટકાની નરમાઈ બાદ એક ટકો ઘટી ૨૦૨ થયો છે.
ભાવવધારાની જાહેરાતમાં એશિયન પેઇન્ટ્સ વધીને બંધ
રિલાયન્સ ગ્રુપની મીડિયા કંપની નેટવર્ક૧૮ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં પોણાદસ ટકા વધારામાં ૬૧૬ કરોડની આવક દર્શાવાઈ છે, પણ નેટલૉસ અગાઉના ૨૯૦૯ લાખથી વધીને ૨૯૬૧ લાખ થઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૫.૬૨ થઈ એક ટકો ઘટી ૩૬ હતો. યસ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ માર્ચ ક્વૉર્ટરમાં ૧૬ ટકા વધીને ૨૬૩૮ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૪૫ ટકાના વધારામાં ૧૦૬૮ કરોડ વટાવી ગયો છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૨૦.૮૨ થઈ પોણાબે ટકા ઘટી ૧૯.૮૫ રહ્યો છે. રિલાયન્સ જેમાં સહ-પ્રમોટર્સ તરીકે બાવન ટકા પ્લસનો હિસ્સો ધરાવે છે એ હૅથવે કેબલની ત્રિમાસિક આવક ૬.૪ ટકા વધી ૫૪૬ કરોડ થઈ છે, નફો ૬૭.૭ ટકા ગગડીને ૧૧૨૫ લાખે આવી ગયો છે. શૅર સાડાચાર ટકા તૂટી ૧૧ બંધ થયો છે. ફેસવૅલ્યુ બેની છે.
કાચા માલના ભાવવધારાના પગલે એશિયન પેઇન્ટ્સ દ્વારા પાંચમી મેથી અમલી બને એ રીતે એની પ્રોડક્ટ્સના વેચાણભાવ પાંચથી ૭ ટકા વધારવાનું નક્કી થયું છે. અગાઉ કંપનીએ એપ્રિલથી ૬થી ૮ ટકાનો ભાવવધારો અમલી બનાવ્યો હતો. શૅર ગઈ કાલે નીચામાં ૨૪૫૭ થયા બાદ ૨.૨ ટકા વધી ૨૫૧૬ બંધ થયો છે. કોલ ઇન્ડિયા દ્વારા જારી થયેલા ૩૪૯૦ કરોડના ટેન્ડરમાં રિલાયન્સની સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન રીન્યુએબલ એનર્જી બેસ્ટ બીડર તરીકે બહાર આવતાં સ્ટર્લિંગ વિલ્સનનો શૅર ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૨૨૭ બતાવી ૯ ટકાની તેજીમાં ૨૧૨ બંધ રહ્યો છે. કંપનીનાં પરિણામ ૨૩મીએ જાહેર થવાનાં છે. કૉન્કૉર્ડ બાયોટેકમાં સિટી ગ્રુપ તરફથી ૧૬૮૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૧૧૯૦ કરવામાં આવી છે. શૅર ગઈ કાલે ૧૧૦૨ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૦૫૪ થઈ સવા ટકો ઘટી ૧૦૬૮ બંધ થયો છે.
