Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સાંકડી રેન્જમાં અથડાઈ બજાર ફ્લૅટ બંધ, માર્કેટ બ્રેડ્થ નબળી

સાંકડી રેન્જમાં અથડાઈ બજાર ફ્લૅટ બંધ, માર્કેટ બ્રેડ્થ નબળી

Published : 17 July, 2026 10:22 AM | IST | Mumbai
Anil Patel

નફામાં નબળાઈ આવતાં ICICI લોમ્બાર્ડ બે વર્ષના તળિયે જઈ સાડાદસ ટકા લથડી : સારાં રિઝલ્ટમાં MRPL ઊછળી, એની હૂંફમાં ચેન્નઈ પેટ્રો પણ ઑલટાઇમ હાઈ થઈ : એન્જલ વનનો નફો બમણો થવા છતાં શૅર અઢી ટકા ડાઉન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. કલ્યાણ જ્વેલર્સ ૨૦૦ રૂપિયાની તેજી બાદ ૬ દિવસ પછી પ્રથમ વાર સાધારણ નરમ
  2. ITC હોટેલ્સ પરિણામ પછી ખરડાઈને સવાપાંચ ટકા ડૂલ : પરિણામની પૂર્વસંધ્યાએ રિલાયન્સ સુસ્ત
  3. બંધ બજારે વિપ્રોનાં ઢીલાં પરિણામ, શૅર રિઝલ્ટ પૂર્વે પોણાબે ટકા પ્લસ

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલુ અથડામણ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ સહેજ ઘટી ૮૫ ડૉલર અંદર આવ્યું છે. એશિયન બજારો મિશ્ર રહ્યાં છે. સાઉથ કોરિયા અૅન્ટિ-કલાઇમેક્સ જારી રાખતાં પોણાસાત ટકા બગડી ૬૮૨૦ થયું છે. જપાન ત્રણ ટકા, ચાઇના બે ટકા નજીક તો સિંગાપોર સામાન્ય નરમ હતું. હૉન્ગકૉન્ગ સવા ટકો તો ઇન્ડોનેશિયા એક ટકો પ્લસ થયું છે. યુરોપ રનિંગમાં બહુધા અડધાથી પોણો ટકો ડાઉન હતું. ડૉલર સામે રૂપિયો ૯૬.૨૭ના આગલા બંધ સામે ૯૬.૩૮ થઈ ૯૬.૩૫ દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૨૯૦૭ પૉઇન્ટ વધી ૧૭,૮૧,૧૯૩ ચાલતું હતું. બિટકૉઇન એકાદ ટકો ઘટી ૬૪,૧૩૯ ડૉલર ક્વોટ થતો હતો.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૦૩ પૉઇન્ટ પ્લસ, ૭૭,૩૮૮ ખૂલી છેવટે માંડ દોઢ પૉઇન્ટ જેવા નામજોગ સુધારામાં ૭૭,૧૮૭ તથા નિફ્ટી પોણાછ પૉઇન્ટ ઘટીને ૨૪,૦૭૩ નીચે બંધ થયો છે. બજારમાં વધઘટની રેન્જ ૫૦૦ પૉઇન્ટ જેવી સાંકડી હતી. શૅરઆંક ઉપર ૭૭,૫૮૦ અને નીચામાં ૭૭,૦૮૬ થયો હતો. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માર્કેટકૅપ ૩૧,૦૦૦ કરોડ ઘટી ૪૮૦.૭૨ લાખ કરોડ રહ્યું છે. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૦૭ શૅર સામે ૧૬૭૩ કાઉન્ટર ઘટ્યાં છે.



સેન્સેક્સ નિફ્ટી ખાતે ઇન્ડિગો ૧.૮ ટકા વધી ટૉપ ગેઇનર તો એટર્નલ પોણાત્રણ ટકા ઘટી ટૉપ લુઝર બની છે. HCL ટેક્નૉલૉજીઝ તથા બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા નજીક, મારુતિ ૧.૪ ટકા, મહિન્દ્રા સવા ટકો, ITC એક ટકો પ્લસ હતી. સામે SBI લાઇફ ૨.૪ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ એક ટકો, બજાજ ફીનસર્વ અને શ્રીરામ ફાઇનૅન્સ એક ટકા નજીક નરમ હતી. ૧૮મીએ પરિણામ છે ત્યારે HDFC ૦.૯ ટકા તથા અૅક્સિસ બૅન્ક ૦.૬ ટકા ઘટી છે. ICICI બૅન્ક નજીવી સુધરી હતી. રિઝલ્ટની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ત્રણ ગણા વૉલ્યુમે માંડ અઢી રૂપિયા ઘટી ૧૨૯૩ થઈ છે. TCS અને ઇન્ફોસિસ અડધા ટકા આસપાસ સુધરી હતી. વિપ્રો પરિણામપૂર્વે પોણાબે ટકા વધી ૧૭૮ બંધ હતો. બંધ બજારે કંપનીએ ૧૦.૬ ટકા વધારામાં ૨૪,૪૭૯ કરોડની આવક તથા ૦.૬ ટકા વધારામાં ૩૩૫૨ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ બે રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. બજારની એકંદર ધારણા ૨૪,૪૭૬ કરોડની આવક તથા ૩૪૪૨ કરોડના નેટ નફાની હતી. ટેક મહિન્દ્રા પરિણામપૂર્વે ૧.૨ ટકા વધી ૧૫૧૬ બંધ થઈ હતી. બજાજ બંધ થયા પછી એણે ૧૮ ટકા વધારામાં ૧૫,૭૧૨ કરોડની આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૧૪૬૫ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. ટેક મહિન્દ્રામાં વિશ્લેષકોની અપેક્ષા ૧૫,૪૨૨ કરોડની આવક તથા ૧૬૦૭ કરોડના ચોખ્ખા નફાની હતી. જિયો ફાઇનૅન્શિયલ પરિણામપૂર્વે ૦.૪ ટકાની કમજોરીમાં ૨૩૬ નીચે બંધ રહી છે.


‘એ’ ગ્રુપમાં ગ્રાઇન્ડ વેલ નોર્ટન સાતગણા કામકાજે ૨૪૬૪ના શિખરે જઈ સાડાઅઢાર ટકા કે ૩૭૯ રૂપિયા ઊછળી ૨૪૩૨ બંધ આપી ઝળકી હતી. શૅર બજાર બંધ થવાના ટાંકણે માંડ ૧૦ મિનિટમાં ૨૦૬૮થી ઊછળી ૨૪૬૪ થઈ ગયો હતો. ‌ણિઝલ્ટ ૨૪મીએ છે. ABB સાડાછ ટકા કે ૪૬૫ રૂપિયા તથા ડિકસન ટેક્નૉલૉજી ૬.૧ ટકા કે ૮૩૬ રૂપિયા ઊંચકાઈ હતી. આગલા દિવસનો હીરો નુવોકો વિસ્ટા સવાપાંચ ટકા ગગડી ૩૫૭ રહ્યો છે.

મહારાષ્ટ્રની કેલિબર માઇનિંગ ૪૨૪ના ભાવે ઇશ્યુ કરશે


આજે, શુક્રવારે મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની કેલિબર માઇનિંગ અૅન્ડ લૉજિસ્ટિકસ ૧૦ના શૅરદીઠ ૪૨૪ની અપરબૅન્ડમાં ૫૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૪૫૦ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરવાની છે. QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. કંપની મુખ્યત્વે કોલ એકસ્ટ્રક્શન તેમ જ કોલસાની હેરફેર કે લૉજિસ્ટિક્સ સંબંધી સર્વિસિસ પૂરાં પાડે છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૭ ટકા વધારામાં ૧૬૮૫ કરોડ જેવી આવક પર ૨૦ ટકા વધારામાં ૧૫૮ કરોડ નજીક નેટ નફો મેળવ્યો છે. દેવું વર્ષમાં ૬૪૯ કરોડથી વધીને ૧૦૫૮ કરોડ થઈ ગયું છે. ઇશ્યુમાંથી ૨૦૮ કરોડ દેવાની ચુકવણીમાં તથા ૧૬૭ કરોડ નવી મશીનરી ખરીદવામાં વપરાશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ શૂન્યથી માંડી ૪૨ પૈસાની રેન્જમાં છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૫૫૯૪ લાખથી વધી ૬૫૩૮ લાખ થશે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૭.૬નો પી/ઇ બતાવે છે. આની સામે ૧૩,૬૪૫ કરોડની આવક ઉપર ૧૨૮ કરોડ નફો કરનારી ભારત કોકિંગ કોલ હાલ ૩૭ રૂપિયામાં મળે છે. એનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવે ૧૦૬૯ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ જાન્યુઆરી ૨૦૨૬માં આવ્યો હતો. આ કંપનીએ આગલા વર્ષે ૧૪,૪૦૧ કરોડની આવક ઉપર ૧૨૪૦ કરોડ નેટ નફો કર્યો હતો. ગ્રેમાર્કેટ ખાતે કેલિબર માઇનિંગમાં પ્રીમિયમ ૮૦થી શરૂ થઈ ઉપર ૧૦૨ થયા બાદ હાલમાં ૧૦૦ ચાલે છે. 

દેવસન કૅટલિસ્ટમાં તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો

ચાલુ ભરણામાં ગઈ કાલે મેઇન બોર્ડ ખાતે SBI ફન્ડ્સ મૅનેજમેન્ટનો એકના શૅરદીઠ ૫૭૪ના ભાવનો ૯૮૧૩ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં દસેક ગણા સહિત કુલ ૪૩ ગણા પ્રતિસાદમાં તથા અમદાવાદી અલ્પાઇન ટેક્સવર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૧૨૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૧.૪ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટ ખાતે SBI ફન્ડ્સમાં હાલ ૯૩નું અને અલ્પાઇનમાં એકનું પ્રીમિયમ ચાલે છે. SME કંપની મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૩૩૧ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૬૦ કરોડનો BSE SME IPO રીટેલમાં ૨૧૨ ગણા સહિત કુલ ૨૧૮ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ ૪૦૦ બોલાયું છે. કલકત્તાની સોટફીન ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૮૭ની અપરબેન્ડ સાથે ૯૦ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૫ ટકા સહિત કુલ ૨૩ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૨ બોલાય છે.

ગઈ કાલે મેઇન બોર્ડમાં કલકત્તાની લેસર પાવર પાંચના શૅરદીઠ ૨૧૪ની ઇશ્યુ પ્રાઇસને ગ્રેમાર્કેટ ખાતે ૨૮થી શરૂ થઈ નીચામાં ૧૫ થયા બાદ વધી છેલ્લે બોલાતા ૪૨ના પ્રીમિયમ સામે ૨૬૯ ખૂલી ૨૬૩ બંધ રહેતાં ૨૨.૮ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. તો સુરેન્દ્રનગરની SME કંપની દેવસન કૅટલિસ્ટ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ અને ૮થી શરૂ થઈ ઉપર ૫૧ થયા બાદ છેલ્લે બોલાતા ૪૯ના પ્રીમિયમ સામે ૧૯૬ ખૂલી ૨૦૬ બંધ આવતાં ૭૪.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. લુધિયાણાની હૅપી સ્ટીલ્સ ૧૦ના શૅરદીઠ ૬૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ૮થી શરૂ થઈ ઉપર ૧૪ થયા બાદ છેલ્લે ચાલતા ૧૦ના પ્રીમિયમ સામે ૬૮ ખૂલી ૬૮.૫૦ બંધ થતાં પોણો ટકો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈના વિલે પાર્લેની કુસુમગર લિમિટેડ એકના શૅરદીઠ ૪૧૯ની ઇશ્યુ પ્રાઇસ સામે આગલા દિવસે મઝેદાર લિસ્ટિંગ ગેઇનમાં ૬૦૪ બંધ થયા પછી ગઈ કાલે નીચામાં ૫૮૫ થઈ અઢી ટકા ઘટીને ૫૮૮ રહી છે. 

પેટીએમમાં મેઇડન બોનસ માટે ૨૦મીએ બોર્ડ મી‌ટિંગ, શૅર નરમાઈમાં બંધ

પેટીએમવાળી વન ૯૭ કૉમ્યુનિકેશન્સ તરફથી પરિણામ માટે નિર્ધારિત ૨૦મીની બોર્ડ મીટિંગમાં મેઇડન બોનસનો મુદ્દો પણ સામેલ કરાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૯૭ થઈ અડધો ટકો ઘટીને ૧૩૬૧ બંધ થયો છે. દેશના રોકાણકારો માટે હોનારત પૂરવાર થયેલી આ કંપની નવેમ્બર ૨૦૨૧માં એકના શૅરદીઠ ૨૧૫૦ની લૂંટમાર પ્રાઇસથી ૧૦ હજાર કરોડની OFS સહિત કુલ ૧૮,૩૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. લિસ્ટિંગમાં શૅર ડિસ્કાઉન્ટમાં સરી પડ્યા પછી એ દિવસે એટલે કે ૨૦૨૧ની ૧૮ નવેમ્બરે ઉપરમાં BSE ખાતે ૧૯૬૧ અને NSEમાં ૧૯૫૫ બોલાયો હતો એ ઑલટાઇમ હાઈ છે. શૅર ત્યાંથી વધ-ઘટે ઘસાતો રહી ૨૦૨૪ની ૬ મેએ ૩૧૦ થઈ ગયો હતો, જે એનું વર્સ્ટ લેવલ છે. મુંબઈની ફ્રેદુન ફાર્માસ્યુટિકલ્સ એક શૅરદીઠ બેના મેઇડન બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ૯૯૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સાડા પાંચ ટકાની મજબૂતીમાં ૯૯૪ થઇ છે. ઇન્ડિયન ટોનર્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઇકાલે ઉપર ૨૯૪ થઈ ૪.૮ ટકા તૂટી ૨૭૮ હતો.

સિટી ગ્રુપના એગ્રેસિવ બુલિશ-વ્યુમાં સળંગ છ દિવસની આગેકૂચમાં ૩૫૪થી વધીને આગલા દિવસે ૫૪૫ બંધ થયેલી કલ્યાણ જ્વેલર્સ ગઈ કાલે ૫૫૫ની લગભગ ૧૧ માસની ટોચે જઈ સામાન્ય નરમાઈમાં ૫૪૭ થઈ છે. તો થંગમયિલ જ્વેલરી ૬૭૧૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાત્રણ ટકા કે ૨૧૩ રૂપિયા ગગડી ૬૩૯૭ હતી. ટાઇટનનાં રિઝલ્ટ ૭ ઑગસ્ટે છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૬૬૯ બતાવી એક ટકો વધી ૪૬૨૫ થયો છે. સીનિક (Ceenik) એક્સપોર્ટ્સ ત્રણ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૨૪૯ થઈ ત્યાં જ બંધ રહી છે.

HDFC લાઇફની ત્રિમાસિક નેટ પ્રીમિયમ ઇન્કમ ૧૫ ટકા વધી ૧૬,૭૨૮ કરોડ તથા નેટ નફો ૧૧.૫ ટકા વધી ૬૧૧ કરોડ આવ્યો છે. નોમુરાએ ૭૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર ઉપરમાં ૫૮૮ થઈ ૫૬૮ના લેવલે ફ્લૅટ હતો. ICICI પ્રુ લાઇફ ૩.૨ ટકા, SBI લાઇફ અઢી ટકા, મેક્સ લાઇફ સવાબે ટકા ગઈ કાલે નરમ હતી.

MRPLમાં રિઝલ્ટ પાછળ સવાદસ ટકાનો ઉછાળો આવ્યો

ONGCના ૭૧.૬ ટકા તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમના ૧૭ ટકા હોલ્ડિંગવાળી MRPL દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૧૨૦ ટકા વધારામાં ૩૮,૨૫૪ કરોડની આવક ઉપર ૪૭૨ કરોડના વનટાઇમ ગેઇનની હૂંફમાં ૨૭૧ કરોડની નેટ લોસ સામે ૯૪૬ કરોડ નેટ નફો હાંસલ કરાયો છે. સરવાળે શૅર ૧૭ ગણા વૉલ્યુમે ૧૭૮ વટાવી ૧૦.૨ ટકાના જમ્પમાં ૧૭૪ થયો છે. ચેન્નઈ પેટ્રો.નાં રિઝલ્ટ ૨૩મીએ છે. એ ૧૨૭૯ના શિખરે જઈ સવાસાત ટકા ઊંચકાઈ ૧૨૪૧ રહ્યો છે. HDFCની ૭૪ ટકા માલિકીની HDB ફાઇનૅન્શિયલ તરફથી જૂન ક્વૉર્ટરમાં ૨૦ ટકા વધારામાં ૨૫૦૯ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૩૮ ટકા વૃદ્ધિદરથી ૭૮૫ કરોડ નેટનફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૭૮૬ થઈ અડધો ટકો ઘટીને ૭૪૮ હતો.

ICICI-લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યૉરન્સની ત્રિમાસિક નેટ પ્રીમિયમ ઇન્કમ પોણાસોળ ટકા વધી ૫૯૫૦ કરોડ થઈ છે, પરંતુ નેટ નફો ૪૬ ટકા ગગડી ૪૦૩ કરોડ આવ્યો છે. એમાં શૅર ચાર ગણા કામકાજે ૧૫૪૪ની પચીસ માસની બૉટમ બનાવી સાડાદસ ટકા કે ૧૯૧ રૂપિયા ખરડાઈ ૧૬૨૩ થયો છે. રિલાયન્સની નેટવર્ક-૧૮ દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૧૦ ટકાના વધારામાં ૫૧૬ કરોડની આવક ઉપર અગાઉ ૧૫૦ કરોડના વનટાઇમ ગેઇનના પગલે થયેલા ૧૪૯ કરોડ નેટ નફા સામે આ વેળા ૩૮ કરોડથી વધુની નેટ લોસ બતાવાઈ છે. શૅર નીચામાં ૩૦ થઈ ૩ ગણા કામકાજે સાડાચાર ટકા બગડીને ૩૦.૩૦ બંધ થયો છે.

એન્જલ-વનની આવક ૨૫.૪ ટકા વધી ૧૪૩૦ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૧૦૨ ટકા વધી ૨૩૧ કરોડ વટાવી ગયો છે. શૅર ચાર ગણા વૉલ્યુમે ઉપર ૩૫૫ થઈ અઢી ટકા ઘટીને ૩૩૫ હતો. જનાસ્મૉલ ફાઇનૅન્સ બૅન્કે ૩૩ ટકા વધારામાં ૭૮૨ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૫૨ ટકા વધારામાં ૧૫૫ કરોડ ચોખ્ખો નફો કરતાં શૅર ૫૨૦ ઉપર નવી ટૉપ બનાવી એક ટકો સુધરી ૪૯૭ હતો. હિમાદ્રિ સ્પેશ્યાલિટી કેમિકલ્સે ૨૮ ટકા વધારામાં ૧૪૩૨ કરોડની આવક ઉપર ૨૬.૩ ટકા વૃદ્ધિદરથી ૨૨૯ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. ભાવ ત્રણ ગણા કામકાજે ૭૩૪ના શિખરે જઈ છ ટકા વધી ૭૨૨ બંધ આવ્યો છે.

HDFC એસેટ મૅનેજમેન્ટ કંપનીએ સાડાતેર ટકા વધારામાં ૧૧૦૦ કરોડ નજીકની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૮૩૭ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૨૭૩૭ થઈ ૪.૭ ટકા ગગડી ૨૬૦૨ રહ્યો છે. ITC હોટેલ્સની ત્રિમાસિક આવક ૧૪.૮ ટકા વધી ૯૩૬ કરોડ થઈ છે. નેટ નફો ૩૫.૫ ટકા વધી ૧૮૦ કરોડ આવ્યો છે. શૅર ૧૮૬ની ઇન્ટ્રા-ડે હાઈથી પરિણામ બાદ ગગડી ૧૭૩ થઈ સવાપાંચ ટકા ખરડાઈ ૧૭૪ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 10:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK