Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ગૅસની ગડમથલમાં શૅરબજાર ૧૩૪૨ પૉઇન્ટ તૂટીને ૭૭,૦૦૦ નીચે

ગૅસની ગડમથલમાં શૅરબજાર ૧૩૪૨ પૉઇન્ટ તૂટીને ૭૭,૦૦૦ નીચે

Published : 12 March, 2026 09:11 AM | IST | Mumbai
Anil Patel

TCSમાં મલ્ટિયર તળિયાની હૅટ-ટ્રિક, ઑટો શૅરોની ગાડી ફરી બગડી : બૅન્કિંગમાં ખરાબી વચ્ચે કર્ણાટકા બૅન્ક ઝળકી : રેલવે સ્ટેશનો પરના કેટરિંગ યુનિટ્સમાં ગૅસને બદલે માઇક્રોવેવ, ઇન્ડક્શન કુકર્સ વાપરવાની IRCTCની સૂચના, ટીટીકે પ્રેસ્ટિજ, બટરફ્લાયના શૅર ઊંચકાયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


અત્યાર સુધીની પરિસ્થિતિનો તાળો મેળવીએ તો એક વાત બહુ સાફ છે. ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકા અને ટ્રમ્પ માટે એક દુઃસ્વપ્ન પુરવાર થઈ રહ્યું છે. આમાંથી કેમ બહાર નીકળવું એની મથામણ વધી ગઈ છે. બ્રેન્ટક્રૂડ ૮૮ ડૉલર નીચેના આગલા બંધથી વધીને બુધવારે પાંચેક ટકા વધીને ૯૩ ડૉલર નજીક ગયું છે. એશિયા ખાતે મોટા ભાગની બજારનો સુધારો આગળ વધ્યો છે. ઇન્ડોનેશિયા પોણો ટકો તથા હૉન્ગકૉન્ગ સાધારણ નરમ હતું. તાઇવાન ૪ ટકા, સાઉથ કોરિયા ૧.૪ ટકા, જપાન સવા ટકો અને અન્યત્ર નહીંવતથી સાધારણ સુધારો જોવાયો છે. યુરોપ રનિંગમાં એકથી દોઢ ટકો ડાઉન હતું. ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસા ઘટી ફરી એક વાર ૯૨ ઉપર આવી ગયો છે.

વૉરને કારણે ઘરઆંગણે સરકાર સબસલામત હોવાની હૈયા ધારણ આપે છે. પીયૂષ ગોયલ કહે છે કે ફ્યુઅલ અને LPGનો પૂરતો સ્ટૉક મોજૂદ છે, પરંતુ હકીકત સાવ અલગ છે. મોદી સરકાર અને તેના મિનિસ્ટર્સ આગવી દુનિયામાં જીવે છે. ગૅસના અભાવને લીધે નાની-મોટી સંખ્યાબંધ ફૅક્ટરીઓ બંધ પડવા માંડી છે. હોટેલોવાળા શટર પાડવાની વાતો કરે છે. સિલિન્ડરના બુકિંગ માટે લોકો ટળવળવા માંડ્યા છે. સ્ટા. પુઅર્સના મતે ફ્યુઅલના મુદ્દે ઇન્ડિયન ઇકૉનૉમી ઘણી અસુર​િક્ષત છે.



સેન્સેક્સ આગલા બંધથી ૩૩ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૭૮,૨૩૯ ખૂલી છેવટે ૧૩૪૨ પૉઇન્ટ તૂટી ૭૬,૮૬૪ની અંદર તો નિફ્ટી ૩૯૫ પૉઇન્ટ પટકાઈને ૨૩,૮૬૭ નીચે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૭૮,૩૨૪ થયેલું બજાર ત્યાંથી ૧૫૬૫ પૉઇન્ટ લથડી નીચામાં ૭૬,૭૫૯ દેખાયું હતું. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૩૯ શૅરની સામે ૧૮૭૦ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫.૩૨ લાખ કરોડ ઘટીને ૪૪૧.૯૦ લાખ કરોડ રહ્યું છે.


નિફ્ટી–સેન્સેક્સના ૧.૭ ટકા જેવા ઘટાડા સામે ઑટો ઇન્ડેક્સ ૩ ટકા કે ૧૮૧૩ પૉઇન્ટ, બૅન્ક નિફ્ટી ૨.૧ ટકા કે ૧૨૧૫ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૮ ટકા, ફાઇનૅન્સ બે ટકા, નિફ્ટી ડિફેન્સ પોણાબે ટકા, રિયલ્ટી ૧.૭ ટકા ડૂલ થઈ છે. IT ઇન્ડેક્સ સવા ટકો કટ થયો છે. બજાજ ફાઇનૅન્સ પાંચ ટકા તૂટીને ૮૯૩ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. HDFC બૅન્ક પોણાબે ટકા બગડી બજારને ૧૯૪ પૉઇન્ટ, ઍ​ક્સિસ બૅન્ક સવાચાર ટકા ખરડાઈ ૧૩૫ પૉઇન્ટ તથા ICICI બૅન્ક ૧.૪ ટકા ઘટીને ૧૦૭ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક બે ટકા તથા કોટક બૅન્ક સવાબે ટકા ડૂલ થઈ છે. ઇન્ફોસિસ દોઢ ટકો માઇનસ હતી. TCS ૨૪૬૧ની સાડાપાંચ વર્ષની નવી નીચી સપાટી નોંધાવી બે ટકા બગડી ૨૪૬૫ રહી છે. વિપ્રો અડધો ટકો સુધરી ૨૦૨ હતી. HCL ટેક્નો પોણો ટકો અને ટેક મહિન્દ્ર નહીંવત નરમ હતી.

લાર્સનમાં યુબીએસ દ્વારા ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૪૧૫૦ કરી દેવાઈ છે. શૅરઆંક એક ટકો ઘટીને ૩૮૩૮ હતો. ટ્રમ્પ તરફથી અમેરિકા ખાતે ૫૦ વર્ષમાં પહેલી ઑઇલ રિફાઇનરી નાખવાની જાહેરાત કરાઈ છે. ૩૦૦ અબજ ડૉલરના જંગી રોકાણથી બનનારી આ મહાકાય રિફાઇનરીમાં રિલાયન્સ ભાગીદાર બનવાની છે. શૅર જોકે ગઈ કાલે સવા ટકો ઘટીને ૧૩૯૧ બંધ થયો છે. જિયો ફાઇનૅન્સ ૧.૧ ટકા વધીને નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની છે. સેન્સેક્સમાં NTPC પોણો ટકો તથા સનફાર્મા ૦.૭ ટકા પ્લસ હતી. બાકીના ૨૮ શૅર ઘટ્યા છે. મહિન્દ્ર પોણાચાર ટકા, મારુતિ સુઝુકી ૨.૭ ટકા, આઇશર પોણાચાર ટકા, બજાજ ઑટો ૩ ટકા, TVS મોટર્સ પાંચેક ટકા, અશોક લેલૅન્ડ સાડાચાર ટકા, હ્યુન્દાઇ ૩.૮ ટકા, હીરો મોટો કૉર્પ ૨.૪ ટકા, તાતા પૅસેન્જર પોણાત્રણ ટકા ડાઉન હતી.


સરકારનો ગૅસ-સપ્લાય ઑર્ડર અદાણી ટોટલને જબરો ફળ્યો

સરકારે ગૅસ-સપ્લાય રેગ્યુલેશન ઑર્ડર જાહેર કર્યો છે. એના ભાગરૂપ ઘરગથ્થુ વપરાશ માટે એલપીજી તેમ જ પીએનજીના સપ્લાયને અગ્રીમતા અપાઈ છે. ત્યાં ક્ષેત્રને કેટલો ગૅસ આપવો એનું પ્રમાણ નક્કી કરાયું છે. આને પગલે ગઈ કાલે અદાણી ગ્રુપની અદાણી ટોટલ ૪૦ ગણા કામકાજમાં ઉપરમાં ૫૬૯ થઈ ૨૦ ટકાની તેજીમાં ત્યાંજ  બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. ગુજરાત સરકારની ૬૦.૯ ટકા માલિકીની ગુજરાત ગૅસ સાડાછ ગણા કામકાજે ઉપરમાં ૪૨૦ થઈ ૪.૩ ટકા વધીને ૩૯૧ હતી. ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૩.૨ ટકા વધીને ૧૬૩ તો મહાનગર ગૅસ ૧૦૭૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણો ટકો વધીને ૧૦૫૧ હતી. આગલા દિવસે જોરમાં રહેલા ખાતર ઉદ્યોગના શૅરોમાં સિલેક્ટિવ આકર્ષણ હતું. સરકારી ખાતર કંપની ફેક્ટ લિમિટેડ ૧૧.૫ ટકા વધીને ૮૮૬ થઈ છે. ખૈતાન કેમિકલ્સ ૩.૭ ટકા, પારાદીપ ફૉસ્ફેટ ૩.૯ ટકા, ભારત ઍગ્રિફર્ટ અઢી ટકા મજબૂત હતી. નૅશનલ ફર્ટિલાઇઝર આરસીએફ, કોરોમાંડલ ઇન્ટર, મદ્રાસ ફર્ટિલાઇઝર અઢીથી પાંચ ટકા ડાઉન હતી. દેશમાં LPGની સપ્લાયની તંગ સ્થિતિને ધ્યાનમાં લઈને IRCTC દ્વારા રેલવે સ્ટેશન ઉપર ચાલતા એના કેટરિંગ યુનિટ્સને ગૅસના ચૂલાના બદલે માઇક્રોવેવ ઓવન તથા ઇન્ડક્શન સ્ટવ વાપરવાની સૂચના અપાઈ છે. આને લીધે ઇન્ડક્શન કુકર્સ સહિત ઇલેક્ટ્રિક કિચન અપ્લાયન્સિસ બનાવતી કંપની ટીટીકે પ્રેસ્ટિજનો શૅર ૩૮ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૬૬ થઈ ૧૦.૪ ટકા ઊછળી ૫૩૫ થયો છે. બટરફ્લાય, ગાંધીમતી અપ્લાયન્સિસ ૭૧૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૨.૮ ટકા ઊંચકાઈ ૬૮૪ હતી. સ્ટોવ ક્રાફ્ટ ૧૧.૭ ટકાના જમ્પમાં ૫૪૫ હતી. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ ઉપરમાં ૩૦૭ થઈ સાડાચાર ગણા કામકાજે સવાત્રણ ટકા વધીને ૨૮૩ ઉપર રહી છે. ઇપેક ડ્યુરેબલ્સ છ ટકા વધીને ૨૬૫ બંધ આવી છે.

એક્સ રાઇટની પૂર્વસંધ્યાએ મારુતિ ઇન્ટીરિયર ઉપલી સર્કિટમાં

શુક્રવારે ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ એક શૅરદીઠ બે બોનસ તથા ઇક્લેરેક્સ સર્વિસિસ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થશે. ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ ગઈ કાલે ૪૬૫૦ થઈ ૪.૫ ટકા વધીને ૪૬૦૮ તથા ઇક્લેરેક્સ ઉપરમાં ૩૨૮૪ બતાવી અડધો ટકો ઘટીને ૩૧૧૯ બંધ રહી છે. નવી દિલ્હીની હિન્દુસ્તાન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦ના શૅરના બે રૂપિયાના વિભાજનમાં ૧૩મીએ એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ઉપર ૨૪૪૫ થઈને પોણાચાર ટકા તૂટી ૨૨૯૧ રહ્યો છે. અમદાવાદી પ્રભા એનર્જી ૧૪ શૅરદીઠ પાંચના પ્રમાણમાં શૅરદીઠ ૧૪૪ના ભાવે તથા BCC ફ્યુબા ઇન્ડિયા ૧૦ શૅરદીઠ ૩ના પ્રમાણમાં શૅરદીઠ ૭૫ના ભાવે રાઇટમાં એક્સરાઇટ થઈ છે. ભાવ ગઈ કાલે પ્રભા એનર્જીમાં ઉપર ૧૫૯ થઈ ૩.૫ ટકા ગગડી ૧૫૧ તથા BCC ફ્યુબામાં ઉપર ૧૪૪ થઈ પોણાસાત ટકા તૂટીને ૧૩૪ બંધ થયો છે.

ગુજરાતના વેરાવળની મારુતિ ઇન્ટીરિયર પ્રોડક્ટ્સ એક શૅરદીઠ ૩ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટમાં આજે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૨૪ વટાવી ત્યાં જ બંધ થયો છે. આ કંપની ફેબ્રુઆરી ૨૦૨૨માં ૧૦ના શૅરદીઠ ૫૫ના ભાવથી ૧૧ કરોડનો BSE SME IPO લાવી હતી. મુંબઈના અંધેરી ઈસ્ટની સુપ્રા પેસિફિક ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૪૯ શૅરદીઠ ૩૨ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવે રાઇટમાં આજે એક્સ રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૭ થયા બાદ નીચામાં ૨૪.૪૦ બતાવી ૬.૧ ટકા તૂટી ૨૫ હતો. કોચિની વર્ટેક્સ સિક્યૉરિટીઝ શૅરદીઠ એકના પ્રમાણમાં બેના શૅરદીઠ ભાવોભાવ રાઇટમાં એક્સ રાઇટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૪.૦૯ થઈ પાંચ ટકા વધીને ૪ હતી. આર.સિસ્ટમ્સ ઇન્ટર. બે દિવસના તગડા જમ્પ બાદ ગઈ કાલે ઉપરમાં ૩૨૫ વટાવી પ્રૉફિટ બુકિંગમાં ૨૯૬ થઈ સવાઆઠ ટકા ગગડી ૩૦૪ રહી છે. ૬૦૦ ટકાના ઇન્ટરિમમાં શૅર આજે એક્સ ડિવિડન્ડ થવાનો છે.

ગ્રેમાર્કેટમાં બે-તરફી તોફાન મચાવનારી સેડમેકમાં લિસ્ટિંગ ગેઇન

પુણેની સેડમેક મેક્ટ્રૉનિક્સ ૧૦ના શૅરદીઠ ૧૩૫૨ની ભારે ઇશ્યુ પ્રાઇસ તથા છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૫૧૦ ખૂલી ઉપર ૧૬૧૩ તથા નીચામાં ૧૪૨૫ થઈ ૧૪૫૨ બંધ થતાં ૭.૪ ટકા કે શૅરદીઠ ૧૦૦ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ૧૦૮૭ કરોડનું આખું ભરણું ઑફર ફોર સેલનું હતુ. ઇશ્યુમાં રીટેલ પોર્શન માત્ર ૨૦ ટકા તો HNI પોર્શન ૭૭ ટકા જ ભરાયો હતો, પણ QIB પોર્શન સાડાઆઠ ગણો છલકાતાં ઇશ્યુ કુલ ૨.૭ ગણો ભરાયો હતો. ગ્રેમાર્કેટમાં સેડમૅકના કિસ્સામાં અસાધારણ ઊથલપાથલ જોવાઈ છે. આવી વધઘટ નજીકના ભૂતકાળમાં ક્યારેય અમે જોઈ નથી. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૩૦થી થયા બાદ ત્રીજા દિવસે રેટ પાંચ થઈ સાતમા દિવસે ૧૭ના ડિસ્કાઉન્ટમાં સરી પડ્યો હતો. વળતા દિવસે ૩૦ રૂપિયા ડિસ્કાઉન્ટ ક્વોટ થવા માંડ્યું ત્યાંથી ફરી પ્રીમિયમ શરૂ થઈ રેટ ૭૩ થયો હતો. જે લિસ્ટિંગના આગલા દિવસે અંતે ઝીરો પ્રીમિયમમાં ફેરવાયો હતો. હાલ તો લિસ્ટિંગ સારા એવા પ્રીમિયમમાં થયું છે, પરંતુ જામતુ નથી. કશોક ખેલ દેખાઈ રહ્યો છે.

ગઈ કાલે મેઇન બોર્ડમાં હાલોલની રાજપૂતાના સ્ટેનલેસનો ૧૦ના શૅરદીઠ ૧૨૨ના ભાવનો ૨૫૫ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ત્રીસેક ટકા સહિત કુલ સવાગણો ભરાયો છે. પ્રીમિયમ ગગડી ઝીરો હતું. નવી દિલ્હીની ઇનોવિઝનનો ૧૦ના શૅરદીઠ ૫૪૮ની અપરબૅન્ડ સાથે ૩૨૩ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૨ ટકા ભરાયો છે. હાલ પ્રીમિયમ ૫૯ બોલાય છે. SME કંપની ઍપ્સિસ ઍરોકૉમનો ૧૦ના શૅરદીઠ ૧૧૦ની પ્રાઇસમાં ૩૫૭૭ લાખનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં પોણાચાર ગણા સહિત કુલ ૩ ગણો ભરાયો છે. ઍપ્સિસમાં પ્રીમિયમ ૯થી શરૂ થયા બાદ હાલ રેટ ૨૩ ચાલે છે. SME કંપની ઍલ્ફિન ઍગ્રો ઇન્ડિયાનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ પહેલેથી ઝીરો છે.

વૉટર-સપ્લાય અને મૅનેજમેન્ટ કંપનીઓના શૅરોમાં ભળતી તેજી

સરકારે ૮.૬૯ લાખ કરોડ રૂપિયાની કુલ જોગવાઈ સાથે જલજીવન મિશનને ડિસેમ્બર ૨૦૨૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે એના પગલે ગઈ કાલે પ્લાસ્ટિક પાઇપિંગ, સ્ટીલ પાઇપ, વૉટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના શૅરોમાં સિલેક્ટિવ ફેન્સી આવી છે. ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૫ વટાવી ત્યાં જ બંધ રહી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર હતી. જિંદલ સો ૧૯.૪ ટકાના જમ્પમાં ૧૯૮ થઈ છે. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ૧૦.૮ ટકા, એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ ૮ ટકા, આયોન એક્સચેન્જ ૮.૨ ટકા, ડેન્ટા વૉટર ૧૩.૨ ટકા, વાટેક વાબેગ ૪.૫ ટકા, જૈન ઇરિગેશન ૯.૩ ટકા, એસ્ટ્રલ લિમિટેડ ૫.૨ ટકા, પ્રિન્સપાઇપ્સ ૫.૩ ટકા, શક્તિ પમ્પ્સ ૭.૭ ટકા, અપોલો પાઇપ્સ ૧૦.૫ ટકા, રત્નમણિ મેટલ્સ ૪.૪ ટકા વધીને બંધ થઈ છે.

આગલા દિવસે કોઈ દેખીતા કારણ વગર ૨૦ ટકાની તેજીની સર્કિટ મારનારી ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ ગઈ કાલે વૉલ્યુમ સાથે નીચામાં ૪૪૭ થઈ સાડાછ ટકા ગગડી ૪૫૭ થઈ છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૬૩ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૯૨૨૦ થઈ ૭.૪ ટકા કે ૭૩૭ રૂપિયા ખરડાઈ ૯૨૬૦ રહી છે. કોલગેટ પામોલિવ સવાછ ગણા કામકાજે ૬.૭ ટકા કે ૧૪૮ રૂપિયાના ધબડકામાં ૨૦૫૪ બંધ આવી છે. ડોલ્ફિન ઑફ શોર એન્ટર ૧૩.૨ ટકાના કડાકામાં ૪૦૨ બંધ થઈ છે. આગલા દિવસે ૧૬૧૦ રૂપિયાની તેજી દર્શાવનારી ફોર્સ મોટર્સ અઢી ટકા કે ૫૮૭ રૂપિયા ઘટી ૨૧,૬૬૯ હતી. કેબલ કંપની પૉલિકૅબ ૫૦૬ રૂપિયાના મંગળવારના ધબડકાને આગળ વધારતાં ૩.૮ ટકા કે ૨૯૧ રૂપિયા ઘટી ૭૪૩૨ થઈ છે. KEI ઇન્ડસ્ટ્રીઝ પણ વધુ ૪.૭ ટકા કે ૨૧૪ રૂપિયા તથા ફિનોલેક્સ કેબલ્સ ૪.૪ ટકા ડાઉન હતી. હેક્સાવેર ટેક્નૉલૉજીઝ ૪૨૫ની ઑલટાઇમ નવી બૉટમ બનાવી ૩ ટકા ઘટી ૪૨૯ હતી. તાતા ટેક્નૉલૉજીઝ પણ ૫૫૫ના વર્સ્ટ લેવલે જઈને ૧.૮ ટકા ઘટી ૫૫૭ થઈ છે. કર્ણાટકા બૅન્ક ૨૩૩ નજીક નવી મલ્ટિયર ટૉપ હાંસલ કરી ૩.૨ ટકા વધી ૨૨૮ હતી. સ્ટરલાઇટ ટેક્નો ૧૯૪ના શિખરે જઈને ૫.૯ ટકા ઊંચકાઈ ૧૯૦ થઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 09:11 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK