મૉર્ગન સ્ટૅનલીના બુલિશ વ્યુથી લીલા હોટેલમાં ઝમક, પીસી જ્વેલર્સ ASMમાં મૂકવામાં આવતાં શૅરમાં નરમાઈ : BSE લિમિટેડમાં છ ટકાનો ધબડકો, MCX ૨૪૬ રૂપિયા ખરડાઈ
પ્રતીકાત્મક તસવીર
મૉર્ગન સ્ટૅનલીના બુલિશ વ્યુથી લીલા હોટેલમાં ઝમક, પીસી જ્વેલર્સ ASMમાં મૂકવામાં આવતાં શૅરમાં નરમાઈ : BSE લિમિટેડમાં છ ટકાનો ધબડકો, MCX ૨૪૬ રૂપિયા ખરડાઈ : ડ્રીમફોક અને પ્રોટીન ઈ-ગવર્નનન્સ ઑલટાઇમ તળિયે, આલોક ઇન્ડસ્ટ્રીઝ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર, નવી મુંબઈની એસટન ફાર્મા આજે SME ઇશ્યુ લાવશે
ટ્રમ્પ તરફથી ૧૪ દેશો ઉપરના ટૅરિફની જાહેરાત થઈ ચૂકી છે. બાકીના દેશોનો વારો હવે નીકળશે. જપાન, સાઉથ કોરિયા અને મલેશિયા જેવા મિત્ર દેશો પર પચીસ ટકા ટૅરિફ લગાવાઈ છે એ જોતાં ભારતે મિત્ર ટ્રમ્પ પાસેથી ઝાઝી આશા રાખવાની જરૂર નથી. ૧૪ દેશોમાં લાઓસ તથા મ્યાનમાર પર ૪૦ ટકા, થાઇલૅન્ડ અને કમ્બોડિયા પર ૩૬ ટકા તો બંગલાદેશ અને સર્બિયા પર ૩૫ ટકા ડ્યુટી લદાઈ છે. હજી નવા કેવા ખેલ થાય છે એ જોવું રહ્યું. ટૅરિફની જાહેરાત પછી અમેરિકન શૅરબજાર એકાદ ટકો ઘટીને બંધ આવ્યું છે. એશિયા બહુધા ધીમા સુધારામાં બંધ હતું. સાઉથ કોરિયા પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ એક ટકો, ચાઇના પોણા ટકો વધ્યા હતા. થાઇલૅન્ડ ૦.૭ ટકા ઘટ્યું છે. જપાન અને સિંગાપોર સાધારણ સુધર્યાં છે. યુરોપ રનિંગમાં અતિ સાંકડી વધઘટે મિશ્ર જોવાયું છે. પાકિસ્તાની શૅરબજાર ઑલટાઇમ હાઈનો શિરસ્તો જાળવી રાખતાં ૧,૩૩,૩૭૦ના આગલા બંધ સામે રનિંગમાં ૧,૩૪,૨૦૦ના શિખરે જઈ ૭૫૨ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૩૪,૧૨૨ ચાલતું હતું. બિટકૉઇન ૧,૦૮,૪૭૧ ડૉલરે સ્થિર હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૯ ડૉલરની ઉપર દેખાતું હતું.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ પંચાવન પૉઇન્ટની પીછેહઠમાં ૮૩,૩૮૭ ખૂલી છેવટે ૨૭૦ પૉઇન્ટના સુધારામાં ૮૩,૭૧૨ તથા નિફ્ટી ૬૧ પૉઇન્ટ વધીને ૨૫,૫૨૨ બંધ થયો છે. મંગળવારે પણ બજારની ચાલ આખો દિવસ લગભગ સપાટ રહી હતી. શૅરઆંક નીચામાં ૮૩,૩૨૧ થયો હતો. છેલ્લો અડધો કલાક શાર્પ બાઉન્સબૅકનો હતો જેમાં શૅરઆંક ૮૩,૮૧૨ વટાવી ગયો હતો. રોકડું તથા બ્રૉડર માર્કેટ અન્ડર પર્ફોર્મ રહ્યું છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. NSEમાં વધેલા ૧૩૫૧ શૅર સામે ૧૫૬૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ૨૫,૦૦૦ કરોડ વધી ૪૬૧.૩૮ લાખ કરોડ રૂપિયા થયું છે. પ્રમાણમાં નીરસ કે ડલ માર્કેટમાં રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો, પાવર તથા બૅન્કેક્સ પોણા ટકા નજીક પ્લસ હતા. સામે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સવાબે ટકા અને હેલ્થકૅર બેન્ચમાર્ક પોણો ટકો કટ થયો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ યથાવત્ હતો.
મેઘના ઇન્ફ્રાકૉન શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં સવાચાર ટકાની તેજીમાં ૫૮૫ બંધ થઈ છે. રોટો પમ્પ એક શૅરદીઠ બે બોનસ, ડાયનેમિક કૅબલ્સ શૅરદીઠ એક બોનસ તથા આલ્કોસાઇન બે શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાની છે.
આઉટલુકના વસવસામાં ટાઇટનમાં ૨૨૬ રૂપિયાનો કડાકો
સેન્સેક્સના ૩૦માંથી ૧૮ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ વધેલા શૅરમાં કોટક મહિન્દ્ર બૅન્ક સાડાત્રણ ગણા કામકાજે સાડાત્રણ ટકા જેવી આગેકૂચમાં ૨૨૨૦ બંધ આપી મોખરે રહી બજારને ૯૭ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. HDFC બૅન્કના પોણા ટકાના સુધારાથી બજારને બીજા ૯૨ પૉઇન્ટ મળી ગયા હતા. અન્ય જાતોમાં એટર્નલ ૧.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ પોણાબે ટકા, NTPC દોઢ ટકાથી વધુ, ભારત ઇલેક્ટ્રિક સવાટકા નજીક, ગ્રાસિમ દોઢ ટકો, અદાણી પોર્ટ્સ એક ટકા નજીક પ્લસ હતો. રિલાયન્સ દોઢા વૉલ્યુમે નહીંવત્ ઘટી ૧૫૩૯ તથા જિયો ફાઇનૅન્સ સામાન્ય સુધારે ૩૨૯ બંધ રહી છે.
ટીસીએસનાં પરિણામ ૧૦મીએ છે. પરિણામ એકંદર સાધારણથી નબળાં હશે એમ મનાય છે. શૅર ગઈ કાલે સવાબે ગણા કામકાજે નજીવી નરમાઈમાં ૩૪૦૬ બંધ આવ્યો છે. તાતા ગ્રુપની ટાઇટન જૂન ક્વૉર્ટરનો બિઝનેસ આઉટલુક જાહેર થવાના પગલે છ ગણા કામકાજમાં નીચામાં ૩૪૩૫ થઈ સવાછ ટકા કે ૨૨૬ના ધબડકામાં ૩૪૪૦ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. એના લીધે સેન્સેક્સને ૭૮ પૉઇન્ટનો માર પડ્યો છે. માર્કેટકૅપની રીતે રોકાણકારોને ૨૦,૦૮૬ કરોડનો ફટકો પડ્યો છે. અન્યમાં ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, સિપ્લા દોઢ ટકો, બજાજ ઑટો દોઢ ટકા નજીક, ટ્રેન્ટ એક ટકો, હિન્દાલ્કો એક ટકા નજીક માઇનસ હતી.
ડિવીસ લૅબમાં HSBC તરફથી ૭૯૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી થતાં ભાવ ૭૦૭૮ નજીક નવી ટોચે જઈ અડધો ટકો વધી ૬૯૨૦ બંધ થયો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સમાં જેપી મૉર્ગને ૬૧૦૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર ગઈ કાલે નહીંવત ઘટાડે ૫૦૦૧ બંધ થયો છે. લીલા હોટેલ્સવાળી શ્લોસ બૅન્ગલોરમાં મૉર્ગન સ્ટૅનલીએ ૫૪૯ની ટાર્ગેટ પ્રાઇસથી લેવાની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે સવાપાંચ ટકાના જમ્પમાં ૪૨૮ વટાવી ગયો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ ૨૩ ગણા કામકાજે સાડાદસ ટકાની તેજીમાં બાવીસ ઉપર બંધ આપીને ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. ગ્રેબ્રિયલ ઇન્ડિયા પોણાઆઠ ટકા, કાર ટ્રેડ સવાસાત ટકા, લેમન ટ્રી તથા રેમન્ડ લાઇફ સ્ટાઇલ પોણાછ ટકા મજબૂત હતી. સર્દા મોટર પોણાસાત ટકા તૂટી ૧૧૩૮ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે.
નેક્ટર લાઇફ મુખ્ય ધંધો ૧૨૯૦ કરોડમાં વેચી મારશે, શૅરમાં કડાકો
જેન સ્ટ્રીટ સામે સેબીનાં શિક્ષાત્મક પગલાં પછી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વત્તેઓછે અંશે ડરનો માહોલ છે. વૉલ્યુમને માઠી અસર થવાની ભીતિ છે. ડેરિવેટિવ્ઝમાં ગેરરીતિ કે મૅનિપ્યુલેશનના મામલે જેન સ્ટ્રીટ પછી બીજા કેટલાક ખેલાડીઓનાં નામ બહાર આવશે એવી હવા છે. BSE લિમિટેડનો શૅર ફરી પાછો બગડીને ૨૩૯૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ છ ટકા કે ૧૫૯ રૂપિયાની ખરાબીમાં ગઈ કાલે ૨૪૭૭ બંધ થયો છે. કૅપિટલ માર્કેટ રીલેટેડ અન્ય શૅરમાં CDSL નીચામાં ૧૭૨૨ થઈ ૧.૪ ટકા ઘટી ૧૭૫૪, નુવામા વેલ્થ નીચામાં ૭૩૬૩ થઈ સામાન્ય ઘટાડે ૭૪૭૪, એન્જલવન ૨૬૦૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સાડાત્રણ ટકા ગગડી ૨૬૯૨, MCX ૨.૯ ટકા કે ૨૪૬ રૂપિયા ખરડાઈ ૮૪૯૯, અરમાન ફાઇનૅન્સ ૩.૪ ટકા ઘટી ૧૭૩૨ બંધ હતો. ૩૬૦ વન સવાબે ટકા અને IIFL કૅપિટલ ૧.૯ ટકા નરમ હતી.
નેક્ટર લાઇફ સાયન્સ તરફથી મેન્થૉલ બિઝનેસની ઍસેટ્સ સહિત ઍક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડીઅન્ટ્સ અને ફૉર્મ્યુલેશન્સના બિઝનેસને કુલ ૧૨૯૦ કરોડમાં વેચી મારવાનો નિર્ણય લેવાયો છે. કંપની આ નાણાંનો ઉપયોગ દેવાની પરત ચુકવણી અને નવા બિઝનેસમાં રોકાણ પાછળ કરશે. શૅર ગઈ કાલે બાવીસ ગણા વૉલ્યુમે ૨૦ ટકાના કડાકામાં ૧૮.૫૩ની ઐતિહાસિક નીચી સપાટી બનાવી ત્યાં જ બંધ થયો છે. કહેવાય છે કે આ બિઝનેસ જેને વેચવામાં આવ્યો છે એ સેફ લાઇનની સ્થાપના ૧૮ જૂને થયેલી છે. મતલબ કે માંડ વીસેક દિવસ જૂની કંપની છે. નેક્ટર લાઇફના શૅરની ફેસવૅલ્યુ એકની બુકવૅલ્યુ હાલ ૪૮ રૂપિયાની છે.
છેલ્લા કેટલાક દિવસથી વૉલેટિલિટી સાથે વધતા ભાવે સોમવારે ૧૯.૬૫ના શિખરે ગયેલી પીસી જ્વેલર્સને બજાર સત્તાવાળા તરફથી સાવચેતીના ભાગરૂપ શૉર્ટટર્મ એડિશનલ સર્વિલિયન્સ મેકૅનિઝમમાં મૂકવામાં આવી છે. એના પગલે શૅર અઢી ગણા વૉલ્યુમે ૧૦ ટકાની નીચલી સર્કિટે ૧૭ની અંદર જઈ અંતે ચાર ટકા તૂટી ૧૮ બંધ રહ્યો છે. ગયા વર્ષે ૩૦ ઑગસ્ટે ૨૨૨૫ના બેસ્ટ લેવલે ગયેલી પ્રોટીન ઈ-ગવર્નનન્સ ટેક્નૉલૉજીઝ પાંખા વૉલ્યુમે ૮૨૦ના વર્સ્ટ લેવલે જઈ ૦.૬ ટકાની નરમાઈમાં ૮૨૩ થઈ છે. ડ્રીમફોક સર્વિસિસ ૧૬૮ના ઑલટાઇમ તળિયે જઈ ત્રણ ગણા વૉલ્યુમે સવા ટકો લથડી ૧૭૭ હતી. આ શૅર ૬ સપ્ટેમ્બરે ગયા વર્ષે ૫૨૨ના શિખરે ગયો હતો.
ટ્રાવેલ ફૂડ સર્વિસિસમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ તૂટીને ૧૨ રૂપિયે
મેઇન બોર્ડમાં ટ્રાવેલ ફૂડ સર્વિસિસનો એકના શૅરદીઠ ૧૧૦૦ રૂપિયાના ભાવનો ૨૦૦૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૬ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ વધુ ખરડાઈ હાલમાં ૧૨ રૂપિયે આવી ગયું છે. નવી દિલ્હીની સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગ સ્પેસિસ જેવું વિચિત્ર નામ ધરાવતી કંપની ૧૦ના શૅરદીઠ ૪૦૭ની અપર બૅન્ડમાં ૧૩૭ કરોડ પ્લસની ઑફર ફૉર સેલ સહિત કુલ ૫૮૨ કરોડથી વધુના ઇશ્યુ સાથે ૧૦મીએ મૂડીબજારમાં આવવાની છે. સ્ટાફિંગ બિઝનેસમાં પ્રવૃત્ત આ કંપની સતત ખોટમાં છે. ગ્રે માર્કેટમાં હાલ ૨૭નું પ્રીમિયમ બોલાવાય છે.
SME સેગમેન્ટમાં અંધેરી ખાતેની મેટા ઇન્ફોટેકનો ૧૦ના શૅરદીઠ ૧૬૧ના ભાવનો ૮૦ કરોડનો BSE SME IPO આખરી દિવસે કુલ ૧૬૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૫૪થી ઘટી હાલ ૪૩ ચાલે છે. સોમવારે ખૂલેલો સ્માર્ટન પાવર સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯૦ ટકા તથા કેમકાર્ટ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૨૪૮ની અપર બૅન્ડવાળો ૮૦ કરોડનો ઇશ્યુ દોઢ ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી. ગ્લેન ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૫૯૮૬ લાખનો BSE SME ઇશ્યુ મંગળવારે પ્રથમ દિવસે દોઢ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૦ બોલાય છે.
આજે, બુધવારે નવી મુંબઈની એસટન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપર બૅન્ડમાં ૨૭૫૬ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. કંપનીમાં કશો દમ નથી. છેલ્લા સવા વર્ષની કામગીરીમાં આકસ્મિક જે ઝમક દેખાય છે એમાં વિશ્વાસ બેસતો નથી. ગ્રે માર્કેટમાં ૧૦નું પ્રીમિયમ ટકેલું છે. મેઇન બોર્ડની કલકત્તાની ક્રિઝાક લિમિટેડનું લિસ્ટિંગ આજે થવાનું છે. શૅરદીઠ ૨૪૫ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ પ્રીમિયમ ૩૯થી ઘટી ૩૧ થઈ ગયું છે.
સોમવારે લિસ્ટેડ થયેલા SME શૅરોમાં ગઈ કાલે પુષ્પા જ્વેલર સવાચાર ટકા વધીને ૧૨૨ ઉપર, સિલ્ફી ઓવરસીઝ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૫૪, માર્કે લુઆ ફૅશન્સ ૪.૨ ટકા ગગડી ૭૩ નજીક, વંદન ફૂડ્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૧૩ નીચે તથા સીડાર ટેક્સટાઇલ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૯ નજીક બંધ રહી છે.

