બજાજ ઑટો સવા વર્ષની ટૉપ બનાવી ૧૪૯ રૂપિયા પ્લસ, લાર્સનમાં નવાં શિખર જાહેર : પીએસયુ બૅન્ક નિફ્ટી બૅક-ટુ-બૅક તમામ શૅરની આગેકૂચમાં નવા બેસ્ટ લેવલે : ભાવવધારાના પગલે ગૉડફ્રે ફિલિપ્સે ૨૦ ટકા કે ૪૧૨ રૂપિયાની તેજીનો કશ માર્યો : પરિણામનો વસવસો જાળવી રાખતાં ફર
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- પરિણામનો વસવસો જાળવી રાખતાં ફર્સ્ટક્રાય નવા તળિયે જઈને A ગ્રુપમાં ટૉપ લૂઝર બની
- SRF લિમિટેડમાં ૩ ટકા માલ વેચવાના નિર્ણયમાં કામા હોલ્ડિંગ્સ ૬ ટકા વધી
- એન્વિડિયા સાથેના સહયોગમાં નેટવેબ ૨૭૪ રૂપિયા ઊછળી
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટની મુદત લંબાવીને ૨૧ ફેબ્રુઆરી કરાઈ છે. આ સમિટથી દેશને ખરેખર કેટલો લાભ થશે એની સાચી ખબર સમય આવ્યે પડશે, પરંતુ કૅબિનેટ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જાહેરમાં માગેલી માફી તેમ જ ગઇગોટિયા પ્રકરણ મોટા ઉપાડે યોજાયેલી આ સમિટ વિશે ઘણુંબધું કહી જાય છે. ક્રિકેટ-મૅચનાં આયોજન કરવા અને AI સમિટનાં આયોજન કરવાં એ બન્ને ખાસ્સી જુદી બાબત છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના ક્ષેત્રે વિશ્વસ્તરીય સમિટનું આયોજન કરવાની લાગતા-વળગતા સત્તાવાળા એટલે કે સરકારની ત્રેવડ નથી એ વાત ફરી એક વખત પુરવાર થઈ છે.
દરમ્યાન સેન્સેક્સ આગલા બંધથી ૧૦૨ પૉઇન્ટ પ્લસ ૮૩,૫૫૩ ખૂલી છેવટે ૨૮૩ પૉઇન્ટની આગેકૂચમાં ૮૩,૭૩૪ તથા નિફ્ટી ૯૪ પૉઇન્ટ વધીને ૨૫,૮૧૯ બુધવારે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર નીચામાં ૮૩,૧૬૨ થયું હતું. છેલ્લો દોઢ કલાક વન-વે મજબૂતીનો હતો જેમાં શૅરઆંક ઉપરમાં ૮૩,૭૭૦ દેખાયો હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં વધેલા ૧૭૧૫ શૅર સામે ૧૪૫૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૭૭ લાખ કરોડના ઉમેરામાં ૪૭૧.૮૮ લાખ કરોડ થયું છે. લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે, IT અપવાદ હતું. પીએસયુ બૅન્ક નિફ્ટી ૯૬૪૭ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી બારમાંથી બાર શૅરની આગેકૂચમાં ૧.૩ ટકા વધી ૯૬૨૬ થયો છે.
ADVERTISEMENT
મેટલ ઇન્ડેક્સ સવા ટકો, FMCG ૧.૨ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૯ ટકા, નિફ્ટી ડિફેન્સ પોણા ટકા જેવો પ્લસ હતો. HDFC લાઇફ ૩.૩ ટકા વધીને ૭૨૯ બંધમાં નિફ્ટી ખાતે મોખરે હતી. તાતા સ્ટીલ ૨.૯ ટકા વધીને ૨૦૯ બંધમાં સેન્સેક્સમાં ઝળક્યો છે. રિલાયન્સ સવા ટકો સુધરી ૧૪૪૧ બંધ થતાં બજારને ૧૦૫ પૉઇન્ટ મળી ગયા હતા. સ્ટેટ બૅન્ક અડધો ટકો સુધારામાં ૧૨૧૯ રહી છે. ઍક્સિસ બૅન્ક દોઢ ટકો વધીને ૧૩૭૭ હતી. લાર્સને ૪૩૩૫ની નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરી એક ટકાની આગેકૂચમાં ૪૩૨૫ બંધ આપ્યો છે. ITC ૨.૨ ટકા, મહિન્દ્ર સવા ટકો, બજાજ ફાઇનૅન્સ એક ટકો, તાતા કન્ઝ્યુમર ૧.૭ ટકા, નેસ્લે ૧.૧ ટકા, ગ્રાસિમ સવા ટકો વધી હતી. બજાજ ઑટો બમણા કામકાજે ૧૦,૦૦૬ની નવી ટૉપ બનાવી દોઢ ટકા કે ૧૪૯ રૂપિયા વધી ૯૯૭૮ થયો છે.
ONGC શૅરદીઠ સવાછ રૂપિયાના ઇન્ટરિમમાં એક્સ ડિવિડન્ડ થતાં સવાસાત રૂપિયા કે ૨.૭ ટકા ગગડી ૨૬૪ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સ ખાતે ટેક મહિન્દ્ર તથા એટર્નલ ૧.૬ ટકા નજીકની નરમાઈમાં ઘટાડામાં અગ્રક્રમે હતી. ઇન્ફી ૧.૪ ટકા બજારને સૌથી વધુ ૫૭ પૉઇન્ટ નડી છે. અદાણી પોર્ટ્સ સવા ટકો, HCL ટેક્નો ૧.૨ ટકા, TCS પોણો ટકો, વિપ્રો પોણા બે ટકા નજીક, અદાણી એન્ટર ૧.૪ ટકા, કોલ ઇન્ડિયા પોણા ટકાથી વધુ નરમ હતી.
સિગારેટના ભાવ વધારામાં ગૉડફ્રે ફિલિપ્સ ૨૦ ટકાનો લાંબો, ઊંડો કશ ખેંચતાં ૪૧૨ રૂપિયાના ઉછાળે ૨૪૮૦ નજીક બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. રત્નમણિ મેટલ પાંચેક ગણા કામકાજે સવા સોળ ટકાએ ૩૪૮ના જમ્પમાં ૨૫૦૦ વટાવી ગઈ છે. જ્યોતિ સ્ટ્રક્ચર સાડાદસ ટકા, ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ ૯ ટકા, નેટવેબ પોણા નવ ટકા ઊંચકાઈ હતી. પરિણામનો વસવસો જાળવી રાખતાં ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇન બીઝ સૉલ્યુશન્સ ૨૧૧ નીચે ઑલટાઇમ બૉટમ બનાવી છ ટકા બગડી ૨૧૬ના બંધમાં એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. હેક્સાવેર ચાર ટકા, IIFL કૅપિટલ સાડાત્રણ ટકા તથા શર્દા ક્રૉપકેમ ૩.૪ ટકા ગગડી હતી.
ક્વૉલિટી વૉલ્સ નીચલી સર્કિટે નવા તળિયે જઈને પાંચ ટકા ઊંચકાયો
SRF લિમિટેડની પ્રમોટર્સ કામા હોલ્ડિંગ્સ તરફથી કંપનીમાં એના ૫૦.૩ ટકા જેવા હોલ્ડિંગમાંથી ૩ ટકા હિસ્સો ઓપન માર્કેટમાં માર્ચ ૨૭ સુધીમાં વેચવાનું નક્કી થયું છે. SRFનો શૅર આગલા દિવસની ૩.૭ ટકાની નબળાઈ બાદ ગઈ કાલે નીચામાં ૨૬૯૯ થઈ ૦.૪ ટકા ઘટી ૨૭૩૩ બંધ હતો. સામે કામા હોલ્ડિંગ્સ ૪.૪ ટકાની મંગળવારની મજબૂતી બાદ ગઈ કાલે ઉપરમાં ૨૯૩૯ થઈને ૨૮૧૧ રહી છે. દિલીપ બિલ્ડકોનને ગુજરાત સરકારના નર્મદા પાણીપુરવઠા યોજનામાં જારી કરેલા ૭૦૨ કરોડના ટેન્ડરમાં લોએસ્ટ બિડર જાહેર કરાઈ છે. શૅર ગઈ કાલે ઉપર ૪૬૪ થઈ ૩.૭ ટકા વધીને ૪૫૧ હતો. સેઇલ તરફથી બર્નપુર ખાતે કેપ્ટિવ પાવર પ્લાન્ટ માટે ભેલને કૉન્ટ્રૅક્ટ આપવાનો ઇરાદો જાહેર થયો છે. કૉન્ટ્રૅક્ટ ૧૨૦૦થી ૧૫૦૦ કરોડનો છે. ભેલનો શૅર ઉપરમાં ૨૬૬ થઈ અડધો ટકો ઘટીને ૨૬૧ રહ્યો છે. હેલ્થકૅર ગ્લોબલ એન્ટર. તરફથી ૪૨૫ કરોડનો રાઇટ કરવાનો નિર્ણય લેવાયો છે. એની વિગત હવે પછી જાહેર કરાશે. શૅર ગઈ કાલે ઉપર ૬૨૮ થઈ સવા ત્રણ ટકા વધીને ૫૯૭ રહ્યો છે.
ખરાબ પરિણામ પછી સતત બે દિવસ લગભગ ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને બંધ રહેલી ઈઝી ટ્રિપ પ્લાર્ન્સ ગઈ કાલે ઉપરમાં ૧૦.૫૭ થઈ દોઢ ટકો વધીને ૯.૬૪ રહી છે. કંગાળ પરિણામમાં નેટ લૉસ આવક કરતાં વધી જવાથી એમ્કે ગ્લોબલ અને કોટક ઇન્સ્ટા, ઇક્વિટીઝ તરફથી ૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી સેલના કૉલ છૂટતાં બે દિવસથી ઑલટાઇમ તળિયા બનાવતી ઓલા ઇલેક્ટ્રિક ગઈ કાલે ઉપરમાં ૨૯.૩૫ થઈ પોણો ટકો સુધરી ૨૮.૨૨ થઈ છે. હિન્દુસ્તાન યુનિલીવરના આઇસક્રીમ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી ક્વૉલિટી વૉલ્સ આગલા દિવસે પાંચ ટકા નીચલી સર્કિટમાં ૨૮ના તળિયે બંધ થયા પછી બુધવારે નીચલી સર્કિટે ૨૬.૬૪ બતાવી પાંચ ટકા વધીને ૨૯ ઉપર હતી. ફર્સ્ટક્રાય ફે બ્રેઇનબીઝ પરિણામના આંચકામાં બે દિવસની બૂરાઈ આગળ વધારીને ગઈ કાલે ૨૧૧ના તળિયે જઈને ૬.૧ ટકા ગગડી ૨૧૬ રહી છે.
માથે શૅર-વિભાજનમાં ટાઇટન બાયોટેક નવી ટોચે જઈને ૯ ટકા તૂટી
નવી દિલ્હીની મરુશિકા ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૧૧૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે છેલ્લે શરૂ થયેલા બેના પ્રીમિયમની સામે NSE ખાતે આજે લિસ્ટેડ થવાનો છે.
મુંબઈના અંધેરીની ગાર્મેન્ટ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૧૬ના ભાવનો ૪૯ કરોડનો BSE SME IPO ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ચાર ગણા સહિત કુલ સાડાપાંચ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. મહારાષ્ટ્રના લાતુર ખાતેની ઑઇલ એકસ્ટ્રક્શન કંપની યશ તેજ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ આશરે ૮૯ કરોડનો BSE SME ઇશ્યુ એના પ્રથમ દિવસે ગઈ કાલે રીટેલમાં ૩૮ ટકા સહિત કુલ ૨૨ ટકા ભરાયો છે, પ્રીમિયમ ઝીરો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી મુંબઈના ગોરેગામની AI કંપની ફ્રૅક્ટલ ઍનલિટિક્સ ગઈ કાલે ઉપરમાં ૯૧૫ થઈ બે ટકા ગગડી ૮૭૦ નજીક તથા નવી દિલ્હીની આય ફાઇનૅન્સ ઉપર ૧૪૧ બતાવી ૪.૪ ટકા તૂટી ૧૨૯ બંધ થઈ છે.
નવી દિલ્હીની બેઝલ ઇન્ટરનૅશનલ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૪૨ બતાવી ૩.૭ ટકા વધી ૩૮.૫૩ હતી. ટાઇટન બાયોટેક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૨૦મીએ એક્સસ્પ્લિટ થવાની છે. ભાવ ૧૪૬૦ના શિખરે જઈને ૯ ટકા તૂટી ૧૨૯૫ થયો છે. ૧૯ જૂને શૅર ૩૭૪ નીચે વર્ષના તળિયે હતો. સાધના નાઇટ્રોકેમ એક શૅરદીઠ આઠના પ્રમાણમાં એક રૂપિયાના શૅરદીઠ ભાવોભાવ રાઇટ ઇશ્યુમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ૧.૬૬ રૂપિયા થઈ દસ ટકા વધી ત્યાં જ હતી. અગાઉ ABC ગૅસ ઇન્ટરનૅશનલ તરીકે ઓળખાતી મુંબઈની ઑનિક્સ સોલર ૧૦૩ શૅરદીઠ ૨૩ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૫૪૬ના ભાવે રાઇટમાં બુધવારે એક્સ રાઇટ થઈ છે. શૅર રિસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં છે. ભાવ ૧૬મીએ ૭૨૯ની ટોચે બંધ હતો. ૧૩ મે ૨૦૨૫ના રોજ શૅર ૧૬૦ના વર્ષના તળિયે હતો. સોમવારે ૭૨૯ની ઑલટાઇમ હાઈ બની હતી. કંપનીએ ગયા વર્ષે ૨૯૩૯ લાખની આવક ઉપર ૧૪૫ લાખ નેટ નફો કર્યો છે. શૅરદીઠ કમાણી ૭.૩૪ રહી છે. હાલ પ્રમોટર્સ પાસે ૯૧.૩ ટકા માલ છે. ચેન્નઈની સિકાલ લૉજિસ્ટિક્સ પાંચ શૅરદીઠ ૧૧ શૅરના પ્રયાસમાં ૧૦ના શૅરદીઠ ૬૪ના ભાવથી રાઇટમાં ગઈ કાલે રાઇટ બાદ થઈ છે. શૅર ઉપરમાં ૭૨.૪૫ થઈ સાડાત્રણ ટકા તૂટી ૬૮ બંધ હતો. પહેલી મે ૨૦૦૬ના રોજ આ કંપની સાડાછની અંદર આવી ગયો હતો.
IT તેમ જ મેટલ શૅર આગલા દિવસથી રિવર્સ ટ્રેન્ડમાં
ITમાં બે દિવસનો બ્રેક લીધા પછી નરમાઈ ફરી શરૂ થઈ છે. આંક ગઈ કાલે નીચામાં ૩૧,૧૬૨ થઈ ૧.૧ ટકા કે ૩૫૫ પૉઇન્ટ ઘટી ૩૧,૬૨૫ બંધ હતો. અત્રે ૭૭માંથી ૪૬ જાતો ઘટી છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ બ્રોકરેજ હાઉસિસના બુલિશ વ્યુ વચ્ચે નીચે ૧૩૪૫ બતાવી સવા ટકો ઘટી ૧૩૭૩ તથા TCS ૦.૮ ટકાની નરમાઈમાં ૨૬૯૪ હતો. HCL ટેક્નો ૧.૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, વિપ્રો ૧.૮ ટકા અને લાટિમ ૨.૨ ટકા કે ૧૧૩ રૂપિયા ડૂલ થયો છે. સાઇડ કાઉન્ટર્સમાં હેક્સાવેર ૪.૧ ટકા, ઇન્ફોબિન્સ ૨.૮ ટકા, રેટગેઇન ૨.૮ ટકા, એક્સપ્લીઓ સૉલ્યુશન્સ અઢી ટકા, બિરલા સૉફ્ટ અઢી ટકા, ઑરેકલ બે ટકા અને પર્સિસ્ટન્ટ બે ટકા ડાઉન હતી. નેટવેબ અહીં ૮.૮ ટકા વધી ટૉપ ગેઇનર બની છે, અન્યમાં ઑરિએન્ટ ટેક્નો ૭.૪ ટકા, કે સૉલ્વ્સ ૫.૪ ટકા, ઑરિઅનપ્રો ૪.૮ ટકા, વકરાંગી ૩.૩ ટકા મજબૂત હતી. સામે મેટલ ઇન્ડેક્સ આગલા દિવસની નબળાઈ બાદ ગઈ કાલે ૧૩માંથી ૧૨ શૅરના બાઉન્સ બૅકમાં સવા ટકો સુધર્યો છે. તાતા સ્ટીલ ૨.૯ ટકા ઊંચકાઈ ૨૦૯ હતી. લૉઇડ્સ મેટલ્સ ૩ ટકા, જિંદલ સ્ટેનલેસ ૨.૩ ટકા, સેઇલ ૧.૧ ટકા, વેદાન્તા દોઢ ટકા, NMDC સવા ટકો, જિંદલ સ્ટીલ એક ટકો પ્લસ હતી. અદાણી એન્ટર ૧.૪ ટકા ઘટી ૨૨૧૦ રહી છે.
ઇલેક્ટ્રોડ્સ કંપની ગ્રેફાઇટ ઇન્ડિયા નવી ટોચે, HEGમાં મજબૂતી
રિઝર્વ બૅન્ક તરફથી ભારતી ઍરટેલની સબસિડિયર ઍરટેલ મનીને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની તરીકેનું લાઇસન્સ મળ્યું છે. ભારતી ઍરટેલનો શૅર ઉપરમાં ૨૯૨૯ થઈ ૨૦૨૦ના લેવલે ફ્લૅટ હતો. એક્સાઇઝનું ભારણ વધતાં સિગારેટના ભાવમાં વધારાની જાહેરાત પાછળ ITC આગલા દિવસનો ઉછાળો આગળ ધપાવતાં ગઈ કાલે ૩૩૩ થઈ સવાબે ટકા વધી ૩૩૨ રહ્યો છે. જ્યારે ગૉડફ્રે ફિલિપ્સ ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૨૪૮૧ બતાવી ૨૦ ટકા નજીક કે ૪૧૨ રૂપિયાની તેજીમાં ૨૪૮૦ થઈ છે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ૨૪૮ વટાવી અઢી ટકા વધીને ૨૪૫ હતી. એલિટકૉન ઇન્ટરનૅશનલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭૬ નજીક સરકી છેવટે ત્યાં જ રહી છે. યુબીએસ તરફથી ITCમાં ૩૯૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ જાહેર થઈ છે.
ઇલેક્ટ્રોડસ ઉત્પાદક HEG લિમિટેડના પ્રમોટર્સ દ્વારા ૧.૯૦ લાખ શૅર ઓપન માર્કેટમાંથી ખરીદાયા હોવાના અહેવાલ પાછળ ભાવ ગઈ કાલે બમણા કામકાજે ઉપરમાં ૫૬૦ થઈ સાડાપાંચ ટકા ઊંચકાઈ ૫૫૩ થયો છે. પિયર ગ્રુપમાં ગ્રેફાઇટ ઇન્ડિયા ૭૦૫ નજીકની નવી ટૉપ દેખાડી ત્રણેક ટકા વધીને ૬૯૪ હતી. અરબિંદો ફાર્માના તેલંગણ પ્લાન્ટને લઈને અમેરિકન FDA તરફથી ૯ ઑબ્ઝર્વેશન જાહેર થતાં શૅર સવાયા કામકાજે નીચામાં ૧૧૩૦ થઈ ૧.૧ ટકા ઘટી ૧૧૭૧ રહ્યો છે. નેટવેબ ટેક્નૉલૉજીઝ તરફથી એન્વિડિયાએ બનાવેલા ગિયરનો ઉપયોગ કરીને AI સુપર કૉમ્પ્યુટર સિસ્ટમ્સને લૉન્ચ કરવામાં આવતાં શૅર આઠ ગણા કામકાજે ઉપરમાં ૩૫૩૨ થઈ ૮.૮ ટકા કે ૨૭૪ રૂપિયાના જમ્પમાં ૩૩૭૩ થયો છે. નબળાં રિઝલ્ટ આપનારી એલજી ઇલેક્ટ્રૉનિક્સમાં ગોલ્ડમાન સાક્શ તરફથી ૧૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. શૅર ૧૫૭૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો સુધરી ૧૫૬૧ રહ્યો છે. એમ. એમ. ફૉર્જિંગ્સમાં આનંદ રાઠીવાળા ૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ છે, શૅર ૪૭૪ વટાવી ૩ ટકા વધીને ૪૭૨ થયો છે.
