Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સપાટ ચાલમાં બજાર ફ્લૅટ, આઇટીમાં નરમાઈ, એફએમસીજીમાં મજબૂતી

સપાટ ચાલમાં બજાર ફ્લૅટ, આઇટીમાં નરમાઈ, એફએમસીજીમાં મજબૂતી

Published : 08 July, 2025 08:20 AM | Modified : 09 July, 2025 06:59 AM | IST | Mumbai
Anil Patel

નિફ્ટી ખાતે ટૉપ-થ્રી ગેઇનર શૅર એફએમસીજી સેગમેન્ટના, ભારત ઇલેક્ટ્રિક બન્ને બજારમાં ટૉપ લૂઝર બની : અપોલો હૉસ્પિટલ નવા શિખર સાથે સુધારે બંધ, હ્યુન્દાઇમાં નરમાઈ અટકી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ટ્રાવેલ ફૂડને પ્રથમ દિવસે ૧૧ ટકાનો રિસ્પૉન્સ, પ્રીમિયમ ગગડીને ૧૬ રૂપિયા : નિફ્ટી ખાતે ટૉપ-થ્રી ગેઇનર શૅર એફએમસીજી સેગમેન્ટના, ભારત ઇલેક્ટ્રિક બન્ને બજારમાં ટૉપ લૂઝર બની : અપોલો હૉસ્પિટલ નવા શિખર સાથે સુધારે બંધ, હ્યુન્દાઇમાં નરમાઈ અટકી : સિડાર ટેક્સટાઇલ, પુષ્પા જ્વેલર અને માર્ક લુઆ ફૅશન્સમાં મોટા પાયે લિસ્ટિંગ લૉસ 


ટૅરિફના મામલે ટ્રમ્પે ઠરાવેલી ડેડલાઇન પૂરી થવામાં છે. હવે કયા દેશ સાથે કેવી ડીલ થઈ છે એ અનુસાર જે-તે દેશ માટે લાગુ પડનારી ટૅરિફની જાહેરાતની હારમાળા શરૂ થશે. ટ્રમ્પના ટૅરિફનો વિધિવત અમલ ૧ ઑગસ્ટથી થવાનો છે, મતલબ કે હવે પછીનાં ત્રણેક સપ્તાહ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક યા બીજી રીતે, સારા-નરસા કારણસર ટ્રમ્પ ચાચા છવાયેલા રહેવાના છે. વિશ્વનાં શૅરબજારોની હાલત પણ ટ્રમ્પની માનસિક સ્થિતિની માફક અસ્થિર જોવાશે. એશિયન બજારોએ નવા સપ્તાહનો આરંભ બહુધા સુધારાથી કર્યો છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયા અડધો ટકો, થાઇલૅન્ડ તથા સાઉથ કોરિયા સાધારણ, જ્યારે ચાઇના નામપૂરતું પ્લસ હતું. હૉન્ગકૉન્ગ તથા જપાન અડધો ટકો નરમ હતાં. યુરોપ રનિંગમાં નહીંવતથી સામાન્ય સુધારો દર્શાવતું હતું. જર્મન ડેક્સ પોણા ટકા નજીક મજબૂત હતો. બ્રેન્ટ ક્રૂડ સાધારણ સુધારે ૬૮.૭૫ ડૉલર ચાલતું હતું. બિટકૉઇન અડધા ટકાની નબળાઈમાં ૧,૦૮,૭૪૨ ડૉલર હતો. પાકિસ્તાની શૅરબજાર કોઈક અલગ ઓબિટમાં છે. કરાચી ઇન્ડેક્સ ૧,૩૧,૯૪૯ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૩૩,૮૬૨ની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ રનિંગમાં ૧૪૩૨ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૩૩,૩૮૧ જોવાયો છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન ૮ મેએ ત્યાં બજાર ગગડીને નીચામાં ૧,૦૧,૫૯૯ થઈ ગયું હતું.



ઘરઆંગણે સપ્તાહની શરૂઆત સાવ સપાટ ચાલ સાથે થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી માંડ ૩૫ પૉઇન્ટના ઘટાડે ૮૩,૩૯૮ ખૂલી છેવટે સાડાનવ પૉઇન્ટના ચિલ્લર સુધારામાં ૮૩,૪૪૨ બંધ થયો છે. નિફ્ટી ૨૫,૪૬૧ના આગલા લેવલે યથાવત બંધ રહ્યો છે. વધઘટની તદ્દન સાંકડી રેન્જ વચ્ચે બજાર દિવસનો મોટો ભાગ માઇનસમાં હતું. શૅરઆંક ઉપરમાં ૮૩,૫૧૭ અને નીચામાં ૮૩,૨૬૨ થયો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. NSEમાં વધેલા ૧૧૫૪ શૅરની સામે ૧૭૯૫ કાઉન્ટ ઘટ્યાં છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે માર્કેટકૅપ ૨૦ હજાર કરોડ રૂપિયા ઘટીને ૪૬૧.૧૩ લાખ કરોડ નોંધાયું છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસ ઝોનમાં બંધ હતાં. નિફ્ટી મીડિયા એક ટકો, ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકો, આઇટી ઇન્ડેક્સ પોણા ટકા નજીક, મેટલ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ, પીએસયુ ઇન્ડેક્સ અડધા ટકા નજીક નરમ હતા. સામે એફએમસીજી બેન્ચમાર્ક ૮૧માંથી ૪૭ શૅરના સથવારે દોઢ ટકો મજબૂત બન્યો છે. યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણો ટકો પ્લસ હતો. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૩ શૅરની નબળાઈમાં એક ટકાથી વધુ ડૂલ થયો છે.


પ્રાઇમરી માર્કેટમાં મેઇન બોર્ડની ટ્રાવેલ ફૂડ સર્વિસિસનો એક રૂપિયાના શૅરદીઠ ૧૧૦૦ની અપર બૅન્ડ સાથે ૨૦૦૦ કરોડ રૂપિયાનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૧ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા ૯૨થી શરૂ થયા હતા, રેટ ઝડપથી ગગડતો રહી હાલમાં ૧૬ રૂપિયા થઈ ગયો છે. SME સેગમેન્ટમાં હરિયાણાના ગુડગાવની સ્માર્ટન પાવર સિસ્ટમનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૧ ટકા અને મુંબઈના સાંતાકુઝ-ઈસ્ટની કેમકાર્ટ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૨૪૮ની અપર બૅન્ડ સાથે ૮૦૦૮ લાખ રૂપિયાનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૫૯ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં કોઈ સોદા નથી. મુંબઈના અંધેરી-ઈસ્ટની મેટા ઇન્ફોટેકનો શૅરદીઠ ૧૬૧ના ભાવનો ૮૦૧૮ લાખ રૂપિયાનો BSE SME IPO બીજા દિવસના અંતે કુલ ૧૧.૭ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૪૦થી વધી હાલ ૫૪ સંભળાય છે. ગઈ કાલે વાઇટ ફોર્સ અર્થાત હૅપી સ્ક્વેર આઉટ સોર્સિસનો શૅરદીઠ ૭૬ના ભાવનો ૨૪૨૫ લાખનો SME IPO કુલ ૩.૬ ગણા તથા બરોડાની ક્રાયોજેનિક OGSનો શૅરદીઠ ૪૭ના ભાવનો ૧૭૭૭ લાખનો ઇશ્યુ કુલ ૬૮૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ક્રાયોજેનિકમાં પ્રીમિયમ ૨૬થી વધીને હાલ ૩૨ રૂપિયા બોલાય છે. વાઇટ ફોર્સમાં પાંચનો રેટ ટકેલો છે.

મંગળવારે, આજે કલકત્તાની ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૯૭ની અપર બૅન્ડમાં કુલ ૬૩૦૨ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ ૨૫ થઈ અત્યારે પણ ત્યાં જ ટકેલું છે. બુધવારે નવી મુંબઈ ખાતેની એસ્ટોન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપર બૅન્ડમાં ૨૭૫૬ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં પહેલેથી ૧૦ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.


હિન્દુસ્તાન યુનિલીવર વૉલ્યુમ સાથે ટૉપ ગેઇનર બની

હિન્દુસ્તાન યુનિલીવર સવાબે ગણા કામકાજે ઉપરમાં ૨૪૧૫ વટાવી ત્રણ ટકાની તેજીમાં ૨૪૧૦ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. નિફ્ટી ખાતે નેસ્લે સવા ટકો વધીને સેકન્ડ બેસ્ટ ગેઇનર તથા તાતા કન્ઝ્યુમર એક ટકાથી વધુની મજબૂતીમાં થર્ડ બેસ્ટ ગેઇનર બની હતી. જિયો ફાઇનૅન્શ્યલ એક ટકો વધીને ૩૨૮ વટાવી ગઈ છે. રિલાયન્સ ૦.૯ ટકાના સુધારામાં ૧૫૪૧ બંધ આપી બજારને સર્વાધિક ૭૯ પૉઇન્ટ ફળી છે. ભારતી ઍરટેલ પોણો ટકો વધીને ૨૦૩૨ હતી. ભારતી હેક્સાકૉમ ૩.૭ ટકા ગગડી ૧૮૩૬ રહી છે. ઇન્ડ્સટાવર ૪ ટકા કપાઈ હતી. બન્ને બજાર ખાતે વધેલા અન્ય શૅરમાં કોટક મહિન્દ્ર બૅન્ક એક ટકો, ટ્રેન્ટ એક ટકા નજીક, આઇટીસી તથા એશિયન પેઇન્ટ્સ પોણા ટકાથી વધુ, આઇશર એક ટકા નજીક, અદાણી પોર્ટ્સ પોણો ટકો પ્લસ હતી. અપોલો હૉસ્પિટલ્સ ૭૬૨૫ની નવી વિક્રમી સપાટીએ જઈ પોણા ટકાની આગેકૂચમાં ૭૬૧૯ થઈ છે. કંપનીનું માર્કેટકૅપ હવે ૧,૦૯,૫૦૬ કરોડ થઈ ગયું છે.

ભારત ઇલેક્ટ્રિક અઢી ટકા ખરડાઈ ૪૧૭ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. ટેક મહિન્દ્ર પોણાબે ટકાથી વધુ, અલ્ટ્રાટેક સવા ટકો, મારુતિ સુઝુકી અને એટર્નલ એકાદ ટકો, ONGC દોઢ ટકા, હિન્દાલ્કો અને ગ્રાસિમ એક ટકો ડાઉન હતી. આઇટીમાં ઇન્ફોસિસ તથા HCL ટેક્નૉલૉઝિસ એક ટકા નજીક, વિપ્રો પોણા ટકાથી વધુ તથા TCS સામાન્ય ઘટી છે. એટર્નલની હરીફ સ્વિગી પોણાબે ટકા બગડી ૩૭૬ હતી. વેચાણના ઘટાડામાં નરમાઈની હૅટ-ટ્રિક બાદ હ્યુન્દાઇ મોટર દોઢ ટકો સુધરી ૨૦૯૫ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક અડધો ટકો ઢીલી હતી.

મેઘના ઇન્ફ્રાકૉન શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ અડધો ટકો ઘટી ૧૧૨૧ બંધ થઈ છે. ઇન્ડસોયા એક્સ-રાઇટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં સાડાનવ રૂપિયા તથા એક્ઝિકૉમ ટેલિસિસ્ટમ્સ એક્સ-રાઇટ થતાં સવાત્રણ ટકા બગડી ૧૮૭ બંધ રહી છે.

લિસ્ટેડ થયેલા પાંચેપાંચ શૅરમાંથી કોઈમાં સારાવટ નહીં

જેન સ્ટ્રીટ ઉપર સેબીના સપાટાથી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વૉલ્યુમ ગગડવાની આશંકામાં શુક્રવારે છ ટકા જેવી ખરડાયેલી BSE લિમિટેડ ગઈ કાલે એકાદ રૂપિયાના પરચૂરણ સુધારામાં ૨૬૩૬ બંધ આવી છે. તો અગાઉ પોણાદસ ટકા તૂટેલી નુવામા વેલ્થ મૅનેજમેન્ટ ગઈ કાલે સવાત્રણ ટકા વધી ૭૫૦૧ હતી. ઍન્જલવન અને સન્માન કૅપિટલ પણ અડધો ટકો સુધરી છે. MCX દોઢ ટકાની નરમાઈમાં ૮૭૪૫ રહી છે. કલ્યાણ જ્વેલર્સની જૂન ક્વૉર્ટરની રેવન્યુ ૩૧ ટકા વધી હોવાના અહેવાલ છે, પણ શૅર સાધારણ ઘટી ૫૮૪ નીચે બંધ હતો. સામે પીસી જ્વેલર્સ તગડા કામકાજ સાથે તેજીની ચાલને આગળ ધપાવતાં ૧૯.૬૫ની વર્ષની ટૉપ બનાવી બાર ટકા ઝળકી ૧૮.૭૫ નજીક બંધ રહી છે. નાયકામાં જૂન ક્વૉર્ટરના બિઝનેસ અપડેટ પછી મૉર્ગન સ્ટેનલી દ્વારા ૨૨૫ની ટાર્ગેટ પ્રાઇસ જાળવી રખાઈ છે. શૅર પોણાબે ટકા વધી ૨૦૧ વટાવી ગયો છે. મઝદા લિમિટેડ ૨૦ ટકાના આગલા દિવસના ઉછાળાને પચાવી ગઈ કાલે એક વધુ ઉપલી સર્કિટે ૩૩૮ની ટૉપ બતાવી સાડાનવ ટકાના જમ્પમાં ૩૧૮ બંધ આવી છે. જેપી પાવર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૨.૭૪ થઈ છે.

સોમવારે પાંચ SME ભરણાંનું લિસ્ટિંગ થયું છે. સિલ્કી ઓવરસીઝ શૅરદીઠ ૧૬૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૨૧ના પ્રીમિયમ સામે ૧૭૧ ખૂલી નીચલી સર્કિટમાં ૧૬૨ બંધ થતાં અત્રે માંડ એક ટકાનોય લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. સિડાર ટેક્સટાઇલ શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૦ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૧૧૯ ખૂલી નીચલી સર્કિટમાં ૧૧૩ બંધ થતાં એમાં ૧૯.૩ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. પુષ્પા જ્વેલર્સ શૅરદીઠ ૧૪૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે ૧૧૨ ખૂલી ઉપલી સર્કિટે ૧૧૭ બંધ થતાં એમાં પણ ૨૦ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. વંદન ફૂડ્સ શૅરદીઠ ૧૧૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૨૫ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૧૯ નજીક બંધ આવતાં અત્રે સવાત્રણ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે માર્કલુઆ ફૅશન્સ શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૮૦ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૭૬ બંધ થતાં એમાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. ક્રીઝાકનું લિસ્ટિંગ બુધવારે છે. હાલ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૪૩ હતું એ ઘટીને ૩૯ બોલાય છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 06:59 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK