Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અતિસુંદર પિચાઈ

અતિસુંદર પિચાઈ

06 May, 2024 06:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૂગલમાં આવ્યા બાદ કંપનીનો સ્ટૉક ૪૦૦ ટકા વધ્યો, પોતે પણ લગભગ ૧ અબજ ડૉલરની કમાણી કરતા થયા

સુંદર પિચાઇની તસવીર

સુંદર પિચાઇની તસવીર


આપણામાં કહેવાય છે કે કોઈ વ્યક્તિનાં પગલાં ઘણાં સારાં હોય તો બરકત આવે. ગૂગલમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બન્યા બાદ સુંદર પિચાઈની કામગીરી પણ ઘણી સુંદર રહી છે. તેમના આ ગુણને લીધે હવે તેઓ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા છે. કંપનીના સ્થાપકોમાં જેઓ સામેલ નથી એવી કોઈ વ્યક્તિની કમાણી લગભગ ૧ અબજ ડૉલર જેટલી થઈ ગઈ હોવાનો સુંદર પિચાઈનો પ્રથમ કિસ્સો હશે. ૫૧ વર્ષના સુંદર પિચાઈ વર્ષ ૨૦૧૫માં ગૂગલના CEO બન્યા હતા. એમના આવ્યા પછી કંપનીના શૅરનો ભાવ ૪૦૦ ટકા વધી ગયો છે. આ વૃદ્ધિ એસઍન્ડપી 500 અને નૅસ્ડૅક ઇન્ડેક્સમાં થયેલા વધારાની તુલનાએ નોંધપાત્ર રીતે વધારે છે. ગયા શુક્રવારે કંપનીએ જાહેર કરેલાં નાણાકીય પરિણામોને પગલે સ્ટૉક નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. કંપનીનાં પ્રથમ ક્વૉર્ટરનાં પરિણામો બજારની ધારણા કરતાં ઊંચાં આવ્યાં છે. 

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કામ કરી રહેલા કંપનીના ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટની કામગીરી અસાધારણ રહી હોવાનું પરિણામો પરથી જોઈ શકાય છે. સુંદર પિચાઈનાં પગલાંનો જ પ્રભાવ કહી શકાય કે કંપનીના ઇતિહાસમાં પહેલી વાર ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ CEOને ડિવિડન્ડ દ્વારા પણ કમાણી થશે અને એને લીધે તગડી કમાણી કરનારા ઉચ્ચાધિકારીઓની હરોળમાં સુંદર પિચાઈને પણ સ્થાન મળી ગયું છે. આ વાત બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ પરથી સ્પષ્ટ થાય છે. 



અહીં જણાવવું રહ્યું કે ગૂગલના સહ-સ્થાપક લૅરી પૅજે CEO પદે વર્ષ ૨૦૧૫માં પિચાઈની પસંદગી કરી હતી. લૅરી પોતે ગૂગલની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટના CEO બન્યા હતા. વર્ષ ૨૦૧૯માં પૅજ ઉપરાંત અન્ય સહ-સ્થાપક સર્જે બ્રિન કંપનીના રોજબરોજના વહીવટની જવાબદારીમાંથી મુક્ત થયા ત્યારે પિચાઈને આલ્ફાબેટના CEO બનાવવામાં આવ્યા હતા. પૅજ અને બ્રિન વિશ્વના ટોચના ૧૦ ધનિકોમાં સ્થાન ધરાવતા હોવાનું પણ બ્લૂમબર્ગના વેલ્થ ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે. 


પિચાઈએ નસીબથી નહીં, પરંતુ પોતાની મહેનતથી કંપનીનું વિસ્તરણ કર્યું છે. તેમણે ગૂગલ અસિસ્ટન્ટ, ગૂગલ હોમ, ગૂગલ પિક્સેલ, ગૂગલ વર્કસ્પેસ જેવી અનેક નવી પ્રોડક્ટ્સ શરૂ કરી છે અને વિકસાવી છે. એમ તો AI ક્ષેત્રે માઇક્રોસૉફ્ટે પ્રારંભિક કામગીરી બજાવી હતી, જેમાં હવે ગૂગલ આગળ નીકળી ગઈ હોય એવું જોવા મળે છે અને આના માટે પિચાઈની જ મહેનત કારણભૂત છે. 

ગૂગલના સ્થાપકો સિવાયની વ્યક્તિનો સુપર પર્ફોર્મન્સ
સુંદર પિચાઈને ૨૦૧૫માં ગૂગલના CEO બનાવવામાં આવ્યા બાદ કંપનીના સ્ટૉકમાં ૪૦૦ ટકા વૃદ્ધિ થઈ છે. એની સામે એસઍન્ડપી ઇન્ડેક્સમાં ૧૪૦ ટકા અને નૅસ્ડૅકમાં ૨૮૦ ટકા જ વૃદ્ધિ થઈ છે. ગૂગલની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટનો સ્ટૉક પ્રથમ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામોને પગલે નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. કંપનીએ AI ક્ષેત્રે નોંધનીય કામગીરી કરી છે, જેને પગલે એનો ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસ ધમધોકાર ચાલી રહ્યો છે. 


કંપનીના શૅરના ભાવમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત કંપનીએ પોતાના ઇતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ડિવિડન્ડને પગલે પિચાઈની કમાણી લગભગ ૧ અબજ ડૉલર થઈ ગઈ છે.
છેલ્લા થોડા વખતમાં કેટલાક રોકાણકારોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે AIના ક્ષેત્રે ચૅટજીપીટીની તુલનાએ ગૂગલની કામગીરી નબળી રહી છે. જોકે હવે નાણાકીય પરિણામોએ એ ટીકાનો જવાબ આપી દીધો છે. કંપનીએ AI ક્ષેત્રે કરેલો ખર્ચ સાર્થક નીવડી રહ્યો છે.

નોંધનીય છે કે ઍપલના CEO ટિમ કૂક પણ ઍપલના સ્થાપકો સિવાયના ઉચ્ચાધિકારી છે. તેમની નેટવર્થ બે અબજ ડૉલર થઈ હોવાનું ફોર્બ્સે જણાવ્યું છે. ગૂગલના સહ-સ્થાપકો - લૅરી પૅજ અને સર્જે બ્રિન બન્નેની કુલ નેટવર્થ આશરે ૩૦૦ અબજ ડૉલર થાય છે. તેઓ બન્ને વિશ્વના ટોચના ૧૦ ધનિકોમાં સ્થાન ધરાવે છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK