Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માત્ર કહેવા માટે

ભારતમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માત્ર કહેવા માટે

06 May, 2024 06:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંશોધનપત્રમાં જણાવાયા મુજબ બિઝનેસ કરનારી કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું હોય છે. કુલ મળીને ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં હોય છે અને વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવાનાં હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં જેઓ વેપાર-ધંધા કરે છે તેમને જ ખબર છે કે આ કામ કેટલું સહેલું છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અર્થાત્ વેપાર-ધંધા કરવામાં સરળતા વધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમ છતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સરકાર ભલે ગમે એ નક્કી કરે, પરંતુ એનો અમલ આખરે અમલદારોના હાથમાં હોય છે અને હકીકત એવું કહે છે કે સરકારી તંત્ર હંમેશાં હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા જેવું હોય છે.  વડા પ્રધાને ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પર ખરેખર ઘણો ભાર આપ્યો છે, પરંતુ ટીમલીઝ રેગટેક નામની પુણેની કંપનીએ હાલમાં પ્રગટ કરેલું સંશોધનપત્ર કંઈક જુદી જ પરિસ્થિતિ દર્શાવે છે. આ એક કમ્પ્લાયન્સ મૅનેજમેન્ટ સૉફ્ટવેર કંપની છે જે નિયમનકારી અનુપાલનમાં સહાય કરે છે.

સંશોધનપત્રમાં જણાવાયા મુજબ બિઝનેસ કરનારી કંપનીઓએ ૧૫૩૬ કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું હોય છે. કુલ મળીને ૬૯,૨૩૩ પ્રકારનાં અનુપાલન કરવાનાં હોય છે અને વર્ષે ૬૬૧૮ ફાઇલિંગ્સ કરવાનાં હોય છે. જોકે અહીં જણાવવું રહ્યું કે દરેક કંપનીએ આટલાં બધાં અનુપાલન એટલે કે કમ્પ્લાયન્સ કરવાનાં નથી હોતાં. બિઝનેસનું સ્વરૂપ, બિઝનેસનું સ્થળ, એનો વ્યાપ અને કર્મચારીઓની સંખ્યા એ બધાં પરિબળોને આધારે અનુપાલનોની સંખ્યા વધતી-ઓછી થતી હોય છે. ટીમલીઝના સંશોધનપત્રમાં જણાવાયું છે કે કૉર્પોરેટ્સ માટે મોટા ભાગનાં કમ્પ્લાયન્સ તેમના કર્મચારીઓને લગતાં હોય છે. કૉર્પોરેટ્સે કર્મચારીઓ સંબંધે કાયદાઓ અને નિયમોની સંખ્યાની દૃષ્ટિએ ૩૦.૧ ટકા, કમ્પ્લાયન્સની સંખ્યાની દૃષ્ટિએ ૪૭ ટકા, ફાઇલિંગ્સની સંખ્યાની દૃષ્ટિએ ૪૬ ટકા અનુપાલન કરવાનાં હોય છે. એમણે જેટલાં કમ્પ્લાયન્સ કરવાનાં હોય છે એમાંથી ૬૮ ટકા કમ્પ્લાયન્સ એવા છે જેમાં ચૂક થઈ જાય તો કેદની સજા થવાની જોગવાઈ છે. 



સરકારે અનુપાલન સંબંધે સુધારા લાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ વાસ્તવિક જીવનમાં એનો હજી અમલ થયો નથી. સરકારે શ્રમસંબંધી ચાર કાયદાઓ ઘડ્યા છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા એનો અમલ કરવામાં આવ્યો નથી. કેટલાંક રાજ્યો આ સુધારાઓ લાવવામાં સહકાર આપતાં નથી. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે નવી સરકારે બીજાં બધાં કામ બાજુએ મૂકીને સૌથી પહેલાં શ્રમસંબંધી સુધારાઓ અમલી બનાવવાની જરૂર છે. નિયમોનું અનુપાલન સહેલું કરવું એટલે માત્ર એની સંખ્યા ઘટાડવી એવું નથી. અનુપાલનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી હોવી જોઈએ એટલું જ નહીં, એની પાછળ થતો ખર્ચ પણ ઓછો હોવો જોઈએ. આજની તારીખે એવા કાયદાઓ અને ધારા-ધોરણો છે કે જેમાં આંકડાઓની માયાજાળ રચાઈ જાય છે. કર્મચારીઓ સંબંધિત અનુપાલનો માટે કૉર્પોરેટ્સને મદદ કરનારા કન્સલ્ટન્ટ્સે મોટી સંખ્યામાં સ્પ્રેડશીટ્સ બનાવવી પડે છે અને શૅર કરવી પડે છે. 


ભારત અને ડિજિટલાઇઝેશન હવે એકબીજાના પર્યાય બની ગયા હોય એવી સામાન્ય સમજ છે છતાં કહેવું પડે કે અનુપાલનની પ્રક્રિયામાં હજી સુધી મર્યાદિત પ્રમાણમાં જ ડિજિટલાઇઝેશન આવ્યું છે, એને હજી ઘણું વધારવાની જરૂર છે. અનુપાલનનું કાર્ય જ્યારે મહત્તમ પ્રમાણમાં ઑટોમેશન હેઠળ આવી જશે ત્યારે કહી શકાશે કે ખરા અર્થમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ થયો છે. અનુપાલનનો ખર્ચ ઘટાડવા માટે ઑટોમેશન ખૂબ જ આવશ્યક છે. 

ટીમલીઝ રેગટેકનું કહેવું છે કે શ્રમસંબંધી કાયદાઓમાં હજી પણ ઘણી બધી વસ્તુઓ નિરર્થક છે તથા એકનું એક અનુપાલન અલગ અલગ રીતે કરાવવામાં આવે છે. ટીમલીઝ રેગટેકનું સૂચન છે કે કંપનીઓએ અને સરકારે ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ કરીને ડેટાનું આદાનપ્રદાન સરળતાથી કરાવવા પર લક્ષ આપવાની જરૂર છે. એના માટે ઓપન ઍપ્લિકેશન પ્રોટોકોલ ઇન્ટરફેસ (API)ને ઉપયોગમાં લેવાવી જોઈએ. આવી વ્યવસ્થામાં નિયમનકારો અનુપાલનને લગતા ફેરફારોની જાણ ઝડપથી કરી શકે છે અને કૉર્પોરેટ્સ એનું ઝડપી અનુપાલન કરી શકે છે. વિવિધ પ્રકારનાં ફાઇલિંગ્સ માટે રેગટેક કંપનીઓની મદદ લઈ શકાય છે. એનો ફાયદો એ થાય છે કે કાગળ સ્વરૂપે દસ્તાવેજો સુપરત કરવાની જરૂર પડતી નથી. વળી અનુપાલનમાં ક્યાંય ત્રુટિ રહી ગઈ હોય તો તરત જ ધ્યાનમાં આવી જાય છે.


1536
બિઝનેસ કરનારી કંપનીઓએ આટલા કાયદા અને નિયમોનું પાલન કરવાનું 
હોય છે.

69,233
બિઝનેસ કરનારી કંપનીએ 
આટલા પ્રકારનું અનુપાલન કરવાનાં હોય છે

6618
બિઝનેસ કરનારી કંપનીઓ વર્ષે આટલાં ફાઇલિંગ્સ કરવાનાં હોય છે

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK