ટ્રમ્પના તેવર માર્કેટની ફેવરમાં નથી ત્યારે શું કરવામાં સમજદારી?
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પ-ટૅરિફના ત્રાસવાદ સહિત ગ્લોબલ ઘટનાઓ ભારતીય શૅરબજારમાં કરેક્શનનો દોર આગળ વધારે એવી શક્યતા છે. આ દોરમાં નીચા ભાવે ખરીદી આવી શકે છે, પરંતુ બજારની ચાલ બુલિશ રહી શકે એવું જણાતું નથી. અમેરિકા-ઇન્ડિયા દ્વિપક્ષીય વેપાર-કરાર અધ્ધર છે ત્યાં સુધી માર્કેટને નિશ્ચિંત સ્ટેબિલિટી મળી શકે એમ નથી. જોકે કરેક્શનના દોરમાં પૅનિક થવાની પણ જરૂર નથી. કંઈ ન કરવું હોય તો માર્કેટ સામે દ્રષ્ટા બની રહો
ટ્રમ્પનો ટૅરિફ ત્રાસવાદ પુનઃ શરૂ થઈ ગયો છે. વૈશ્વિક અનિશ્ચિતતા માટે આ એક વધુ કારણ બની રહ્યું છે જેમાં વેનેઝુએલા સામે અમેરિકા તરફથી ભરાયેલાં પગલાં અને ભારતને ૫૦૦ ટકા સુધીના ઊંચા ટૅરિફની અપાયેલી ચીમકી બજારને વધુ કરેક્શન તરફ લઈ જવામાં નિમિત્ત બની રહ્યાં છે. આ સાથે નબળા ગ્લોબલ સંકેતો, ક્રૂડના વધતા ભાવ તેમ જ FIIની સતત વેચવાલી દુકાળમાં અધિક માસ બની છે. ટ્રમ્પના તેવર હાલ તો બદલાય એવું જણાતું નથી. એને લીધે અનિશ્ચિતતાની તલવાર લટકતી રહી શકે જે માર્કેટને અધ્ધરતાલ રાખી શકે એવો ભય છે. જોકે આ સંજોગો વચ્ચે પણ ભારતીય માર્કેટ ૨૦૨૬માં અન્ય ઊભરતાં બજારો કરતાં બહેતર કામગીરી કરે એવી આશા નિષ્ણાત વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. એથી જ પૅનિકને બદલે પેશન્સથી કામ લેવું જોઈશે.
ADVERTISEMENT
વિશેષ ટિપ
શૅરબજારમાં એક સાદો નિયમ કાયમ અનુસરવા જેવો છે; જ્યારે બધા ગભરાઈને વેચવા દોડે ત્યારે હોશિયાર ઇન્વેસ્ટર્સ હિંમત કરીને ખરીદવા માટે ચાલવાનું (દોડવાનું નહીં) શરૂ કરી દે છે. ઇન શૉર્ટ, દરેક મોટા કડાકા વિવેકબુદ્ધિ સાથે ખરીદીની બહેતર તક બની શકે.
નવા ઇશ્યુઓની કતાર
ગયા સપ્તાહમાં આપણે ૨૦૨૬માં શૅરબજાર પર અસર કે પ્રભાવ પાડી શકે એવાં પરિબળોની ચર્ચા કરી, જેમાંથી એક મુખ્ય પરિબળ વધુ ચર્ચા-વિચારણા માગી લે છે. ૨૦૨૬માં IPOની લાંબી વણઝાર આવી રહી છે. એક અભ્યાસ મુજબ આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના IPO બજારમાં આવશે જે ૨૦૨૫માં ૩૬,૦૦૦ કરોડ રૂપિયાના આવ્યા હતા. એમાંથી કેટલાક ચર્ચાસ્પદ IPOની ઝલક જોઈએ તો લેન્સકાર્ટ, ગ્રો, મીશો, પાઇન લૅબ્સ, ફિઝિક્સવાલા, ઇથર એનર્જી, અર્બન કંપની, બ્લુ સ્ટોન, વેકફિટ, કૅપિલરી ટેક વગેરેનો સમાવેશ થાય છે. હવે આ વર્ષે આવનાર ઇશ્યુઓમાં જાણીતાં-અજાણ્યાં નામો છે જેમાં ફોનપે, ઝેપ્ટો, ઓયો, ઇન્ફ્રા માર્કેટ, ફ્રેક્ટલ, શિપરૉકેટ, શૅડોફૅક્સ, બોટ, અમાગી લૅબ્સ, ક્યૉરફૂડ્સ વગેરેનો સમાવેશ થાય છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ કંપનીઓ સ્ટાર્ટઅપ્સ અથવા ન્યુએજ કંપનીઓ છે જેમાં ચોક્કસ પ્રકારનાં જોખમ ગણીને ચાલવું જોઈશે.
નવા ધંધા, નવા પ્રમોટર્સ, નવો સમય
આ સાહસો માર્કેટના બુલિશ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી મૂડીબજારમાં પ્રવેશી રહ્યાં છે. તેમની મૂડી ઊભી કરવાની પર્યાપ્ત પાત્રતા હોય કે ન પણ હોય, પરંતુ હાલ તો તેઓ સંજોગોનો લાભ લેવાનું ચૂકવા માગતા નથી. અમે એમ કહેતા નથી કે આ તમામ કંપનીઓ કે સાહસો અપાત્ર કે નબળાં છે, પણ આ બધાંમાં મોટે ભાગે નવા સમયના (ન્યુ એજ કંપનીઓ) બિઝનેસ છે, જેમના કોઈ અગાઉના નક્કર ટ્રૅક-રેકૉર્ડ નથી. ઉપરથી આ ક્ષેત્રે સતત નવીનતા અને કટ્ટર હરીફાઈ ચાલુ રહે છે, જેથી ટર્નઓવર ઊંચાં થાય તો પણ નફો ક્યારે અને કેટલો થશે એ સવાલ રહેશે. હજી ગયાં બે-ત્રણ વર્ષમાં જ આવેલા આવા IPOના શૅરના ભાવ લિસ્ટિંગ વખતે અને એ પછી કયા સ્તરે રહ્યા, ટક્યા કે તૂટ્યા એની માહિતી ઉપલબ્ધ અને જાહેર છે, રોકાણકારો આ મેળવી શકે છે. અલબત્ત, આમાં કેટલાક સફળ અને ઉત્તમ વળતરદાયી IPO પણ રહ્યા છે.
ઇશ્યુ છલકાવાની પોકળતા
જેવો રાજા એવી પ્રજાની કહેવતને યાદ કરીને આપણે વર્તમાન સમયનાં IPO અને વર્તમાન સમયના એના અરજદારોને ધ્યાનમાં લઈએ તો આજના IPO માટે ઇન્વેસ્ટર્સની ટેન્ડન્સી મહદંશે બદલાઈ ગઈ છે, મોટા ભાગના રોકાણકારો ટૂંકા ગાળા માટે અને લિસ્ટિંગ ગેઇનના અભિગમથી અરજીઓ કરે છે, જેથી IPO છલકાઈ જવાનું કૉમન થતું જાય છે. આ છલકાવામાં એનાં ફન્ડામેન્ટલ્સ કરતાં માર્કેટિંગ વધુ કામ કરે છે. પ્રીમિયમ માર્કેટની ગતિવિધિ વધુ અસર કરે છે. IPO માટે ઉપલબ્ધ ધિરાણ-સુવિધા અને પ્રવાહિતાનો પ્રભાવ પણ કામ કરે છે. અને હા, પ્રાઇસ-મૅનિપ્યુલેશન તેમ જ વૅલ્યુએશનની રમત અસરકારક ભૂમિકા ભજવે છે. આમાં સાચા-ખોટા IPO, તેમની કંપનીઓ, પ્રમોટર્સ વગેરે વિશે અંદાજ બાંધવાનું કપરું થઈ જાય છે. માર્કેટિંગ જીતી જાય છે, રોકાણકારો મોટે ભાગે હારી જાય છે. નિયમનસંસ્થા મુક્ત ભાવનીતિના નામે જે ચાલે છે એ ચાલવા દે છે. ઇક્વિટી ઇઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક લખીને કે કહીને વાત પૂરી થઈ જાય છે.
ટ્રમ્પના ટૅરિફનું ભૂત
જિયોપૉલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે ટ્રમ્પના ટૅરિફનું ભૂત ફરી ધૂણવા લાગ્યું હોવાથી માર્કેટને નેગેટિવ અસર થવા લાગી છે. એને કારણે રોકાણકારોમાં પ્રૉફિટ-બુકિંગનું ચલણ પણ વધ્યું છે. ટ્રમ્પે ટૅરિફ વિશે કરેલા નિવેદને બજારની ચાલ સામે શંકા ઊભી કરી છે, જેથી સેન્સેક્સની રેન્જ નીચામાં હવે ૮૩,૦૦૦થી ઊંચામાં ૮૬,૦૦૦ની વચ્ચે અને નિફ્ટીની ૨૩,૦૦૦થી ૨૬,૦૦૦ વચ્ચે રહેવાની ધારણા મુકાય છે. બાકી ફૉરેન ઇન્વેસ્ટર્સની નેટ વેચવાલીનું દબાણ પણ ચાલુ છે, જેને લીધે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પર પણ પ્રેશર વધે છે, એની અસર પ્રવાહિતા પર થાય છે. બાકી તેમનો ટેકો મજબૂત છે જે માર્કેટને તૂટવા દેતું નથી. એમ છતાં ભય અને શંકા વ્યક્ત થયા કરે છે. વીતેલું સપ્તાહ આવાં જ કારણોસર નબળું અને કરેક્શનવાળું રહ્યું, એક જ સપ્તાહમાં નોંધપાત્ર મૂડીધોવાણ થયું. જોકે અનુભવીઓ કહે છે કે આવા માહોલમાં હેવી કરેક્શનને ખરીદીની તક ગણી શકાય અને ઊંચા ઉછાળામાં પ્રૉફિટ-બુકિંગ કરી શકાય. અલબત્ત, આ કામ મોટે ભાગે તો સ્થાનિક રોકાણ-સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ વગેરે કરી શકશે. નાના રોકાણકારો ગભરાઈને સારા શૅર્સ વેચી ન દે તો સારું. અલબત્ત, વર્તમાન ટ્રેન્ડમાં રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ તરફ વધુ વળે એવું બની શકે.
અન્ય કરતાં ભારતીય માર્કેટ બહેતર
વર્તમાન સંજોગોમાં હાલ જ્યારે કરેક્શનનો સમય જણાય છે ત્યારે ગ્લોબલ ઇન્વેસ્ટર માર્ક મોબિયસ ભારતીય શૅરબજારના ગ્રોથ માટે આશાવાદી છે અને તેમનું કહેવું છે કે ભારતીય માર્કેટ અન્ય ઇમર્જિંગ માર્કેટ્સમાં સૌથી વધુ આકર્ષક છે. તેમણે ૩૦ ટકા પોર્ટફોલિયો ભારત માટે ફાળવ્યો છે. માર્કના કહેવાનુસાર ભારતીય બજાર ૨૦૨૬માં ૧૨થી ૧૫ ટકાનું વળતર આપશે. જોકે અમેરિકન ઇકૉનૉમી પર નજર રાખવી જોઈશે. આ પરિબળ દરેક દેશ માટે અસરકર્તા બની શકે. અમેરિકન ઇકૉનૉમીની અનિશ્ચિતતા ચિંતાજનક બાબત છે અને રહેશે. બાકી ભારતમાં મોદી સરકારના આર્થિક સુધારાનાં સારાં પરિણામ જોવા મળશે એવો અંદાજ ચોક્કસ રાખી શકાય. જ્યાં ભારત અને ચીન વચ્ચેની તુલનાનો સવાલ છે ત્યાં માર્ક માને છે કે ભારત ઘણી રીતે ફેવરેબલ સંજોગો ધરાવે છે. ગ્લોબલ કંપનીઓ-રોકાણકારો ભારતીય બજારને વધુ પસંદ કરે છે. ચીનના બજારની ઉપેક્ષા થઈ શકે નહીં, પરંતુ ચીન અને અમેરિકા વચ્ચે ઘણા ઇશ્યુ (મુદા) એવા છે જે ભારતને વધુ તકોની બાબતે વિશેષ આકર્ષક બનાવે છે.


