Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૫૦ વર્ષ પહેલાંની લવ-સ્ટોરીની ધમાકેદાર ઉજવણી

૫૦ વર્ષ પહેલાંની લવ-સ્ટોરીની ધમાકેદાર ઉજવણી

Published : 18 March, 2026 06:58 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

૭૦ના દાયકામાં જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન એક પડકાર હતાં ત્યારે પ્રેમ અને મક્કમતાના સહારે ચન્દ્રિકા વોરા અને જયંતી ડોડિયાએ પોતાના સંસારનો પાયો નાખ્યો.

૧૯૭૬ની પાંચમી ફેબ્રુઆરીએ વસંત પંચમીના શુભ દિને લગ્નગ્રંથિથી જોડાયેલાં ચન્દ્રિકાબહેન અને જયંતીભાઈએ તાજેતરમાં જ તેમના સફળ લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યાં છે

૧૯૭૬ની પાંચમી ફેબ્રુઆરીએ વસંત પંચમીના શુભ દિને લગ્નગ્રંથિથી જોડાયેલાં ચન્દ્રિકાબહેન અને જયંતીભાઈએ તાજેતરમાં જ તેમના સફળ લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યાં છે


જ્યારે સંબંધોમાં નિષ્ઠા હોય અને હૃદયમાં એકબીજા પ્રત્યે આદર હોય ત્યારે સમય પણ એ જોડી સામે નતમસ્તક થઈ જાય છે. ૧૯૭૬ની પાંચમી ફેબ્રુઆરીએ વસંત પંચમીના શુભ દિને લગ્નગ્રંથિથી જોડાયેલાં ચન્દ્રિકાબહેન અને જયંતીભાઈએ તાજેતરમાં જ તેમના સફળ લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. આજના જમાનામાં જ્યાં સંબંધો કાચની જેમ તૂટી જાય છે ત્યાં આ દંપતીની લવ-સ્ટોરી કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી એમ કહી શકાય. આપણે ૭૮ વર્ષનાં ચન્દ્રિકાબહેનના શબ્દોમાં આ પ્રેમકહાણી જાણીએ...

પહેલી મુલાકાત



વાતની શરૂઆત કરું તો હું ઘાટકોપરની રામજી આસર સ્કૂલમાં જૉબ કરતી હતી. મારા પપ્પા ત્યાં ૪૩ વર્ષથી જોડાયેલા હતા અને ૨૩ વર્ષ પ્રિન્સિપાલ રહ્યા એટલે અમારી વોરા ફૅમિલીનું ત્યાં ખૂબ નામ હતું. એ સમયે મારે જૉબ કરવી નહોતી પણ પપ્પાની રેપ્યુટેશનને લીધે મને સામેથી જૉબ ઑફર થઈ હતી અને હા પાડી હતી. એ સમયે શિવાજી મહારાજને ૨૦૦ વર્ષ પૂરાં થતાં હોવાથી બાળકોને રાયગડ લઈ જવાનાં હતાં. એ પ્રવાસ દરમિયાન મારી મુલાકાત પહેલી વાર જયંતીભાઈ સાથે થઈ. જયંતીભાઈ ત્યારે વિક્રોલી રહેતા અને ગોદરેજમાં ભણાવતા. હું સ્કાઉટિંગની જૉબ પણ કરતી હતી. એ સમયે સરકારી નિયમ મુજબ શિક્ષકોએ અમુક ટ્રેઇનિંગ લેવી પડતી જે શીખવવા માટે જયંતીભાઈ અમારી રામજી આસર સ્કૂલમાં આવતા. બસ, ત્યાંથી અમારી ફ્રેન્ડશિપ થઈ. અમે કંઈ બહુ ફર્યાં નથી કે બહુ મળ્યાં પણ નથી, પણ પહેલી વાતચીત પછી અમને બન્નેને અહેસાસ થયો કે અમારે એકબીજાને જાણવાં જોઈએ અને સાથે જીવન વિતાવવું જોઈએ.


વાત લગ્ન સુધી પહોંચી

મારા હસબન્ડની મહેનત જોઈને મને હંમેશાં તેમના પ્રત્યે માન થતું. તેઓ મૂળ ગઢડા પાસેના ગુંદાળા ગામના. દસમા ધોરણમાં હતા ત્યારે તેમના મામા તેમને મુંબઈ લાવ્યા હતા. શરૂઆતમાં તો તેમને અંગ્રેજી લખતાં કે બોલતાં જરાય નહોતું આવડતું, પણ મહેનત એવી કરી કે SSCના રિઝલ્ટ વખતે તેઓ વિક્રોલીથી ભાંડુપ સુધીની તમામ સ્કૂલોમાં ફર્સ્ટ આવ્યા હતા. અમારી વચ્ચે જ્ઞાતિનો તફાવત હતો. હું વાણિયા જ્ઞાતિની અને તેઓ લુહાર. વળી હું ઉંમરમાં તેમનાથી એક વર્ષ મોટી હતી અને ત્યારે મારી ઉંમર ૨૮ વર્ષની થઈ ગઈ હતી. મારા ઘરે પણ આર્થિક પ્રૉબ્લેમ્સ હતા એટલે જૉબ તો ચાલુ જ હતી. જ્યારે લગ્નની વાત આવી ત્યારે મારા ઘરેથી વિરોધ થયો. સામે પક્ષે પણ વાંધો ઊઠ્યો કે આ છોકરી ભણેલી-ગણેલી છે, તે સંયુક્ત પરિવારમાં નહીં રહે અને અલગ થઈ જશે કારણ કે જયંતીભાઈની આખી ફૅમિલી ગામડે રહેતી હતી. પણ મેં નક્કી કર્યું હતું કે મારે આ સંબંધ નિભાવવો છે. આખરે ૧૯૭૬ની પાંચ ફેબ્રુઆરીએ વસંત પંચમીએ અમારાં લગ્ન થયાં.’


શૂન્યમાંથી સર્જન

લગ્ન કરીને હું આવી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું. અમે ૧૫ વર્ષ સુધી લીવ ઍન્ડ લાઇસન્સના મકાનમાં રહ્યાં પણ મેં હિંમત ન હારી. મેં મારી જૉબ ચાલુ રાખી અને તેમણે પીવીસી ફાઇબર ગ્લાસનો બિઝનેસ જમાવ્યો. લોકો કહેતા હતા કે હું અલગ રહીશ, પણ મેં મારાં દિયર અને નણંદને મુંબઈ તેડાવ્યાં. તેમને ભણાવ્યાં, સ્થાયી કર્યાં અને બધાનાં લગ્ન કરાવી આપ્યાં. આજે બધા જ વેલ-સેટલ્ડ છે અને સુખી છે. અમારાં બાળકો પણ અમારા સંસ્કારને વળગી રહ્યાં. દીકરી હેતલ કમ્પ્યુટર એન્જિનિયર છે. દીકરો ધર્મેશ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. વહુ બિનિતા અને જમાઈ હિરેન પણ પરિવારની શોભા છે. આજે મારો પૌત્ર મેકૅનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે.

સેલિબ્રેશનની તૈયારી

અમારા લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂરાં થવાનાં હતાં ત્યારે અમને એમ હતું કે આ ઉંમરે હવે શું ધામધૂમ કરવી? બસ, શાંતિથી ભગવાનનાં દર્શન કરીશું અને ઘરના સભ્યો સાથે સમય વિતાવીશું. પણ અમારાં સંતાનો દીકરો-વહુ અને દીકરી-જમાઈ તો જાણે કોઈ મિશન પર હતાં. છેલ્લા દોઢ મહિનાથી તેઓ અમારી પાછળ પડ્યાં હતાં કે અમારે આ દિવસને યાદગાર બનાવવો છે. અમે વારંવાર ના પાડતાં, અમને આ બધું ન શોભે પણ તેઓ હાર માનવા તૈયાર નહોતાં. મારી દીકરી હેતલે તો હદ કરી નાખી. મારા હસબન્ડ દાદરના સ્વામીનારાયણ મંદિરના નિર્દેશક છે એટલે તેઓ હંમેશાં વ્યસ્ત હોય, જરાય ટાઇમ મળે નહીં. હેતલ ખાસ તેના પપ્પાની અપૉઇન્ટમેન્ટ લઈને આવી અને કહ્યું, પપ્પા, મારે બહુ ખાસ કામ છે; તમારી પંદર મિનિટ જોઈએ છે. અમને ત્યારે જાન્યુઆરીના અંતમાં ખબર પડી કે આ લોકોએ તો બધું નક્કી કરી જ લીધું છે. છેવટે સાંજે અમે બધાં સાથે બેઠાં અને દોઢ કલાક સુધી મનાવવાની જે કસરત ચાલી એમાં અમારે નમતું જોખવું પડ્યું. અમે એક શરત સાથે ગ્રીન સિગ્નલ આપ્યું કે લોકો ભલે આવે, પણ અમે કોઈની પાસેથી ગિફ્ટ કે ફ્લાવર બુકે સ્વીકારીશું નહીં. તેઓ માની ગયાં અને પછી જે તૈયારીઓ શરૂ થઈ એની અમને કલ્પના પણ નહોતી.

‘મારાં દીકરા અને વહુએ ઘોડબંદર રોડના તમામ બૅન્ક્વેટ હૉલ તપાસ્યા, પણ મેળ ન પડ્યો. અંતે વાશીમાં કલાકેન્દ્ર ખાતે આવેલા સ્વામીનારાયણ ભગવાનના સુંદર મંદિરના પટાંગણમાં બધું ફાઇનલ થયું. ૫ ફેબ્રુઆરી માટે મને આગ્રહ કરીને એક ભારેભરખમ સાડી લેવડાવી. મેં તો બહુ આનાકાની કરી કે આ ઉંમરે આવી હેવી સાડી પહેરીને હું ક્યાં જઈશ? પણ છોકરાઓના પ્રેમ સામે મારું શું ચાલે? લગ્નના દિવસે મારી પૌત્રીએ મને તૈયાર કરી અને જ્યારે અમે ઘરની બહાર નીકળ્યાં ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. વહુ બિનિતાએ તેના પપ્પાને એટલે કે અમારા વેવાઈને કહીને અમારી ગાડીને બિલકુલ વરરાજાની કારની જેમ ફૂલોથી શણગારી હતી. ૫૦ વર્ષ પાછળ જઈને નવી વહુ બની રહી છું એવી ફીલિંગ આવી રહી હતી.

ઍક્ચ્યુઅલ સરપ્રાઇઝ

અમે હૉલ પર પહોંચ્યાં ત્યારે ખબર પડી કે આ લોકોએ તો કેટલું મોટું આયોજન કર્યું હતું. મહેમાનો આવતા ગયા અને મારી આંખો પહોળી થતી ગઈ. મારી ઑફિસનો જૂનો સ્ટાફ, અમારા બન્નેના મિત્રો, સત્સંગી હરિભક્તો જેમને બે-બે દાયકાથી જોયા નહોતા એવા લોકોને જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. સાંજે સાત વાગ્યે ભગવાનની મૂર્તિનો અભિષેક થયો. લાઇટો બંધ કરી દેવામાં આવી અને દરેક મહેમાનના હાથમાં એક-એક દીવડો આપવામાં આવ્યો. એ અંધારામાં જ્યારે સમૂહ આરતી થઈ ત્યારે વાતાવરણ એટલું દિવ્ય બની ગયું કે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

ખરું સેલિબ્રેશન તો આરતી પછી શરૂ થયું. અમને ફરીથી કારમાં બેસાડવામાં આવ્યાં અને હૉલના ગેટ સુધી રાઉન્ડ મારીને લાવ્યાં. જે રીતે વરરાજા તેની લાડીનો હાથ પકડીને ઉતારે એ જ રીતે જયંતીભાઈએ મારો હાથ પકડીને મને ઉતારી. જેવી અમારી એન્ટ્રી થઈ કે તરત જ ફાયરક્રૅકર્સ ફૂટવા લાગ્યા અને સ્પીકરમાં ગીત વાગ્યું, આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝબાન પર. આ ગીત વાગતાંની સાથે જ હું મારા પગ રોકી ન શકી અને ૭૮ વર્ષની ઉંમરે પણ હું ખરેખર ઝૂમી ઊઠી.

ત્યાર બાદ હૉલમાં જ ફરીથી જાન કાઢવામાં આવી. એક તરફ વરપક્ષ અને બીજી તરફ કન્યાપક્ષ. અમે બન્ને પક્ષના સભ્યો સાથે નાચતાં-ગાતાં સ્ટેજ સુધી પહોંચ્યાં. મારા ભત્રીજા અને તેની પત્નીએ અમારાં પોંખણાં કર્યાં. જાણે ૧૯૭૬ની એ વસંત પંચમી ફરીથી જીવંત થઈ હોય એવો અહેસાસ થતો હતો.

લગ્નજીવનના ચાર પાયા

સ્ટેજ પર મારા દીકરા અને દીકરીની આખી ફૅમિલી ઊભી રહી અને તેમણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’નું ગીત યે તો સચ હૈ કે ભગવાન હૈ ગાવાનું શરૂ કર્યું. આખા હૉલમાં અંધારું કરી દેવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોએ પોતાના મોબાઇલની ફ્લૅશ લાઇટ ચાલુ કરી દીધી હતી. એ દૃશ્ય અને બાળકોની આંખોમાં અમારા પ્રત્યેનો પ્રેમ જોઈને હું ભાવુક થઈ. અમને એવું લાગ્યું કે અમારા વર્ષોના સંસ્કાર આજે આ બાળકોમાં ફળ્યા છે. આજના જમાનામાં જ્યારે બાળકો વડીલોને ભૂલી જતા હોય છે ત્યારે આવાં સંતાનો મળવાં એ બહુ નસીબની વાત છે.

સ્ટેજ પર ઍન્કરે અમને એક પછી એક સવાલ પૂછ્યા. અમારી ફ્રેન્ડશિપથી લઈને મૅરેજ સુધીની સફર તસવીરો દ્વારા લોકોને દેખાડવામાં આવી. છેલ્લે જ્યારે ઍન્કરે મને પૂછ્યું કે સફળ અને અતૂટ લગ્નજીવનનો પાયો શું? ત્યારે મેં ગદ્ગદિત હૃદયે જવાબ આપ્યો હતો કે લગ્નજીવન એટલે માત્ર સાથે રહેવું એવું નથી. જો તમારા લગ્નજીવનમાં સહકાર, સમજણ, સંપ અને સમર્પણ આ ચાર પાયા મજબૂત હશે તો ગમે તેવાં વાવાઝોડાં આવશે તો પણ તમારો સંસાર અડીખમ રહેશે. એકબીજા માટે જતું કરવાની ભાવના હશે તો ક્યારેય છૂટાછેડાની નોબત નહીં આવે.

 

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 06:58 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK