કન્ટેન્ટમાં હાલ-ભાઈનો ધડો નો હોય ને તોય ચૅનલુ ચાલુ કરી દેનારાઓનો એવો રાફડો ફાટ્યો છે કે આપણને આખા શરીરે ખંજવાળ ઊભી થઈ જાય
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભિખારી હોવું, ભિખારી દેખાવું અને ભિખારી ન હોવા છતાં ભિખારીવેડા કરવા આ ત્રણેય વસ્તુમાં જમીન-આસમાનનો ફરક હોય છે.
રોડ પર મળેલા ભિખારીને ‘માફ કરો’ કહીને ટાળી શકાય છે, પરંતુ આજકાલ ‘ઑનલાઇન ભિખારીઓ’ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ‘મારી ચૅનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો’ આ વાક્યમાં અને ‘ભગવાનના નામ પર કાંઈક આપોને બા...!’ આ વાક્યમાં મને તો કોઈ ફરક નથી લાગતો.
ADVERTISEMENT
બસ, સોશ્યલ મીડિયામાં ભિખારીઓ પાસે ટોકરીની જગ્યાએ લાઇકનો અંગૂઠો હોય છે. ટોલનાકા કે ટ્રાફિક-સિગ્નલ પર ભીખ માગતા ભિખારીઓ મેલાંઘેલાં કપડાંમાં અને રડતી આંખે (ભલે ગ્લિસરીનવાળી) દૃશ્યમાન હોય છે, જ્યારે ‘ઑનલાઇન બૅગર્સ’ એકદમ સૉફિસ્ટિકેટેડ લુકમાં મેકઅપ સાથે વિડિયો મૂકે છે. કેટલાકને તો ‘સબસ્ક્રાઇબ’ બોલતાં નથી આવડતું તો પણ આવી-આવીને લાઇકુ માગે છે. કેટલાક પોતાની ચૅનલનું પોતાનાં બાળકો કરતાં વધુ ધ્યાન રાખે છે. કેટલાક એટલા નમ્ર અને વિવેકી થઈને ફૉલો કરવાની વિનંતી કરતા હોય કે આપણને એમ થાય કે જાણે આપણે આની ચૅનલને લાઇક નહીં કરીએ તો આના છોકરા ભૂખ્યા મરી જશે.
મારો મિત્ર અતુલ જ્યારે પણ મોબાઇલનાં દ્વાર ઉઘાડે એટલે સૌપ્રથમ ક્રમે પોતાનો જ વિડિયો જુએ. મેં પૂછ્યું તો અતુલ કહે, ‘આપણા વ્યુઝ વધેને!’
બોલો લ્યો! મેં કીધું, ‘અલ્યા પણ તારી GB ઘટે એ નહીં જોવાનું?’
જવાબમાં અતુલે સામો લોકસાહિત્યનો દુહો ફટકાર્યો કે ‘સાંઈ, આ દુહો સાંભળ...’
ધન વધે એનું મન વધે,
મન વધે એનાં માન વધે
અને બધું વધત-વધત વધ જાય
આ દુહો હવેના યુગમાં બદલાઈ જાય તો કહેવું પડે...
લાઇક વધે એના વ્યુઝ વધે
વ્યુઝ વધે એના સબસ્ક્રાઇબર્સ વધે
સબસ્ક્રાઇબર્સ વધે એના રેટિંગ વધે
અને રેટિંગ વધે એના સેટિંગ વધે
બધું વધત-વધત વધ જાય...!
તમને જ્યારે પણ જોક વગર હસવાનું મન થાય તો યુટ્યુબ પર અમુક સવાલ સર્ચ કરજો. હસી-હસીને ગોટા વાળી દે એવી ભેજાફ્રાય ચૅનલો અમુક ભેજાબાજો ચલાવે છે. ઉદાહરણ આપું તો ‘તમારી ઑનલાઇન ચૅનલ ચાલતી નથી? તો અમારી ચૅનલ સબસ્ક્રાઇબ કરો...!’ (એટલે શું અમારું તો હાલે!) ‘પંખાની સ્વિચ કેમ બંધ કરવી?’, ‘ઘરનો દરવાજો કેમ બંધ કરવો?’, ‘ઓઢીને કેમ સૂવું?’
હસો નહીં, સાચે જ આવા વિષયોની પણ ચૅનલો ચાલે છે અને બોલો, લોકો એ જુએ પણ છે. અરે, હમણાં મેં ટાઇમપાસ કરતાં જોયું કે બટાટાનું શાક કેમ બનાવવું એનો વિડિયો હતો અને એ વિડિયો લાખો લોકોએ જોયો હતો! જોકે આવા અપવાદને બાદ કરતાં આપણે આપણા વિષય પર આવી જઈએ તો એક વિડિયો મેં જોયો જેનું ટાઇટલ હતું, ‘એક દિવસમાં એક લાખ વ્યુઝ કેવી રીતે મેળવશો?’
આ ટાઇટલ સાથે મૂકેલા વિડિયોને ૩ વરસથી ૮૭૬ વ્યુઝ મળ્યા છે. હવે આપણે તે ભાઈની ટિપ્સને કેવી રીતે સિરિયસ્લી લેવી?
‘એવું તે શું બોલ્યા __!’
આ ખાલી જગ્યામાં દર અઠવાડિયે પાત્રોનાં નામ બદલાયા કરે છે. આવી પણ એક ચૅનલ છે. તમે વિડિયોમાં અંદર જાઓ તો ખબર પડે કે જે નામ આપ્યું હોય તે ભાઈ કે બેન એવું કશું બોલ્યાં જ ન હોય એવું પણ બને છે.
‘કબજિયાતનો રામબાણ ઇલાજ’ના નામે લગભગ હજારેક વિડિયો છે.
સાલ્લુ, આપણને એમ થાય કે રામના બાણે રાવણને માર્યો હતો. શું આપણું પેટ રાવણ કરતાં પણ વધુ ખતરનાક હશે? ‘આ રાશિના માણસો બને છે કરોડપતિ’ આવા થમનીલ સાથે બારેબાર રાશિના વિડિયો મળશે. વળી મજાની વાત એ કે રૂપિયાવાળો તો એ ચૅનલ બનાવનાર જ બને છે.
‘દુનિયા કા સબસે ખતરનાક વાઇરસ’ નામના વિડિયોમાં તમે અંદર ઘૂસો તો ફળિયામાં ઊડતો મચ્છર દેખાડે છે.
‘સંયમ કેવી રીતે રાખશો?’ આવા ધાર્મિક વિડિયોમાં પણ સંયમ પર બુલડોઝર ફેરવી દે એવી ઍડ આવે છે. વળી કોઈ સ્કિપ પણ નથી કરતું. આપણને સમજાય જ નહીં કે ઍડને લીધે વિડિયો ચાલે છે કે વિડિયોને લીધે ઍડ!
સદીઓથી સંત અને શાસ્ત્રો શીખવી રહ્યાં છે છતાં એક માણસ બીજા માણસને દિલ ખોલીને લાઇક નથી કરી શક્યો તે બીજાની ચૅનલને શું લાઇક કરવાનો?
‘ઑનલાઇન બૅગર્સ અસોસિએશન’ એક એવી સંસ્થા છે જેના લાખો ડિરેક્ટરો છૂટાછવાયા છે. વળી સૌ માગ-માગ જ કરે છે. સોશ્યલ મીડિયાની શૂર્પણખાનાં નાક તમે ગેમ એટલી વાર કાપો તોય ઊગતાં જ જાય છે. નવી સદીમાં નકટાઓના નાકે પણ જબરો વિકાસ કર્યો છે નંઈ? હા, આ બધાયમાં એક વર્ગ એવો પણ છે જે પોતાની ચૅનલુ ચલાવે છે, પણ વિડિયોની શરૂઆતમાં કે એના એન્ડમાં હરામ બરાબર એવું કે’તો હોય કે ચૅનલ સબસ્ક્રાઇબ કરજો. આ પ્રકારના જે લોકો છે એ બધાય મને ફૉરેનના બૅગર્સ જેવા લાગે છે. યુરોપ-અમેરિકામાં તમે જુઓ તો એક ખૂણે બૅગર બેઠો હોય અને બેઠો-બેઠો તે ગિટાર વગાડતો હોય. આગળ તેણે ટોપી રાખી હોય. જો તમને ગમે તો એમાં ડૉલર-પાઉન્ડ નાખવાના ને નઈ તો આગળ વધી જવાનું. મને આવા બૅગર ખાનદાની લાગ્યા છે એટલે આવા વિડિયોવાળા પણ મને ખાનદાની લાગે છે.
બીજું બધુંય ઠીક, હવે તમે આ લેખ લાઇક કરી દેજો એટલે શું આપણું હાલતું રયે!
