દુનિયામાં આગળ વધવું હોય અને સુખી-સંપન્ન થવું હોય તો કોઈ પણ બાબતે કોઈના પર પણ અવલંબિત રહેવાને બદલે આત્મનિર્ભર બનજો.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ચારેય તરફ એક જ શબ્દ ગુંજી રહ્યો છે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ટેક્નૉલૉજીનો આ ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે સવારના અલાર્મથી લઈને રાત્રે સૂવા જઈએ ત્યાં સુધીની નાની-નાની દિનચર્યામાં પણ લોકો AIનો સહારો લેવા લાગ્યા છે. અહીં મેં મદદ કે સહાયતાને બદલે સહારો શબ્દ વાપરવો વધુ યોગ્ય માન્યો છે, કારણ કે જ્યારે આપણે કોઈની મદદ લઈએ છીએ ત્યારે આપણે આત્મનિર્ભર હોઈએ છીએ, પણ જ્યારે કોઈને આપણો સહારો બનાવી લઈએ છીએ ત્યારે આપણે તેના પર નિર્ભર એટલે કે અવલંબિત થઈ જઈએ છીએ. આજે યુવાન વિદ્યાર્થીઓથી લઈને વયોવૃદ્ધ વડીલો, નોકરીયાત લોકો, નાનો-મોટો વેપાર કરતા લોકો, સામાજિક કાર્યકરો, ગૃહિણીઓ એમ સમાજનો દરેક વર્ગ AI પર સંપૂર્ણપણે અવલંબિત થઈ રહ્યો છે.
અહીં પ્રશ્ન એ નથી કે AI ખરાબ છે. ટેક્નૉલૉજી ક્યારેય ખરાબ નથી હોતી, પરંતુ તેનો વિવેકહીન ઉપયોગ એને નુકસાનકારક બનાવે છે. AI ખરેખર અદ્ભુત છે, પણ એના પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું એ ચોક્કસપણે જોખમી છે. વિચારો કે આજકાલ ડ્રાઇવર વગરની ઑટોમેટેડ કારની ખૂબ ચર્ચાઓ ચાલે છે, પણ શું તમે તમારા પરિવાર સાથે એવી કારમાં બેસવાનું પસંદ કરશો, જેનો કંટ્રોલ કોઈ માણસના હાથમાં નથી? ટેક્નૉલૉજીના નિષ્ણાતો હવે પાઇલટ વિનાના વિમાનની વાતો પણ કરી રહ્યા છે, પણ શું તમે હજારો ફુટની ઊંચાઈએ એવા વિમાનમાં મુસાફરી કરવાનું જોખમ લેશો? શું તમે એવા રેસ્ટોરાંમાં જમવાનું પસંદ કરશો જ્યાં કોઈ લાગણી વગરનો રોબો રસોઈ બનાવતો હોય? જો આ બધી મોટી બાબતોમાં આપણો જીવ મશીનના ભરોસે મૂકતાં આપણું મન ખચકાતું હોય, તો પછી રોજિંદા જીવનની નાની-નાની વાતોમાં આપણે આપણું મગજ વાપરવાનું છોડીને AIને શા માટે વચ્ચે ઢસડી લાવીએ છીએ?
ADVERTISEMENT
આજે તો સ્થિતિ એવી બની ગઈ છે કે કેટલાક લોકો પોતાના વિચારો વ્યક્ત કરવા, શુભેચ્છા સંદેશ લખવા, અભિનંદન આપવા કે સામાન્ય જવાબ આપવા માટે પણ AIનો ઉપયોગ કરવા લાગ્યા છે. અહીં એક અતિગંભીર વાત એ પણ છે કે જ્યારે પણ તમે AIને તમારી વ્યક્તિગત, કૌટુંબિક, આર્થિક કે સામાજિક બાબતો વિશે પ્રશ્નો પૂછો છો, ત્યારે તમે તમારી અત્યંત ખાનગી અને સંવેદનશીલ માહિતી અજાણતા જ ડિજિટલ દુનિયામાં ખુલ્લી મૂકી રહ્યા છો. યાદ રાખો, AI એટલે સ્ક્રીનની સામે બેસેલી કોઈ જીવતી-જાગતી કે સંવેદનશીલ વ્યક્તિ નથી. તે માત્ર એક પ્રોગ્રામ છે, એક મશીન છે, જે તમારી અંગત વાતોનો ડેટા એકઠો કરીને એના માલિકો કે મોટી કંપનીઓ સુધી પહોંચાડે છે. અને આપણે હોંશે હોંશે આપણી ગોપનીયતા એના ચરણે ધરી રહ્યા છીએ.
સૌથી મોટી અને ચિંતાજનક બાબત તો એ છે કે લોકો AIને ‘સર્વજ્ઞાની’ માની બેઠા છે, પણ વાસ્તવિકતા એ છે કે AI આખરે તો એક મશીન માત્ર છે અને એ પણ માણસની જેમ જ કે કદાચ તેનાથી પણ વધુ ભૂલો કરી શકે છે. ટેક્નૉલૉજીની ભાષામાં જેને ‘AI Hallucination’ કહે છે, જેમાં AI ઘણી વખત પૂરા આત્મવિશ્વાસ સાથે તદ્દન ખોટી, ઊપજાવી કાઢેલી કે ભ્રામક માહિતી પીરસી દે છે. જો આપણે કોઈ ક્રૉસ-વેરિફિકેશન વગર તેની વાતો સાચી માનીને નિર્ણયો લેવા માંડીએ, તો લેવાના દેવા પડી શકે છે. મશીન પાસે ગણતરીની ઝડપ હોઈ શકે, પણ સાચા-ખોટાને પરખવાનો વિવેક નથી હોતો.
આ સિવાય AIની બીજી પણ કેટલીક ગંભીર આડઅસરો છે, જે આપણા માનસિક વિકાસને રૂંધે છે. જ્યારે બધું જ ઑન-ડિમાન્ડ તૈયાર મળવા લાગે છે, ત્યારે માણસની પોતાની મૌલિક અને સર્જનાત્મક વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. પરિણામે સમજણશક્તિનો વિકાસ રૂંધાતો જાય છે. તે ઉપરાંત નાનામાં નાના નિર્ણયો માટે પણ મશીન પર નિર્ભર રહેવાથી આપણી પોતાની તાર્કિક ક્ષમતા મરી પરવારે છે, જેથી આપણી નિર્ણયશક્તિ નબળી પડવા લાગે છે. ત્રીજી આડઅસરરૂપે આપણી યાદશક્તિનો ઘટાડો થવા લાગે છે. બધું જ મશીન યાદ રાખશે એવા ભરોસાને કારણે આપણી પોતાની સ્મરણશક્તિ ઓછી થવા લાગે છે.
વિદ્યાર્થીઓ અને કૉર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે તો આ મુદ્દો ખાસ કરીને ગંભીર છે. જો વિદ્યાર્થીઓ અભ્યાસ, નિબંધ, પ્રોજેક્ટ, સંશોધન કે પ્રશ્નોના જવાબ માટે સંપૂર્ણપણે AI પર નિર્ભર થઈ જશે, તો જ્ઞાન મેળવવાની પ્રક્રિયા નબળી પડી શકે છે. તેવી જ રીતે, કૉર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકો જો દરેક વિશ્લેષણ, પ્રેઝન્ટેશન, ઈ-મેઇલ, અહેવાલ કે નિર્ણય માટે AI પર અતિશય આધાર રાખશે, તો તેમની પોતાની સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ લાવવાની ક્ષમતા અને વ્યાવસાયિક કુશળતાનો વિકાસ ધીમો પડી શકે છે. જીવનમાં સફળ થવા માટે જરૂરી સમજણ, વિશ્લેષણશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા તો પોતાના પ્રયત્નોથી જ વિકસાવી પડે છે.
AI પર સંપૂર્ણ નિર્ભર રહેવા સામે લાલબત્તી ધરતું એક મોટું કારણ એ છે કે AIનો આખો જીવ ઇન્ટરનેટમાં વસેલો છે. જ્યાં સુધી ઇન્ટરનેટ ચાલુ છે ત્યાં સુધી જ AI સ્માર્ટ છે. જે ક્ષણે ઇન્ટરનેટ બંધ, તે જ ક્ષણે AI પણ ઠપ્પ! હવે જરા કલ્પના કરો કે, તમે જેના પર તમારી બુદ્ધિ ગીરવે મૂકીને બેઠા છો, તે ટેક્નૉલૉજી પોતે જ અન્ય એક માધ્યમ પર નિર્ભર છે. ક્યારેક કુદરતી આપત્તિ, યુદ્ધ કે સાઇબર અટૅક જેવી કટોકટીની પરિસ્થિતિમાં જો દિવસો સુધી ઇન્ટરનેટ બંધ થઈ જાય, તો જે લોકો ડિજિટલી પંગુ બની ગયા છે તેમનું શું થશે?
અંતમાં... ટેક્નૉલૉજી સમય સાથે ચાલવા માટે અનિવાર્ય છે, પણ એ આપણી માલિક ન બની જવી જોઈએ. ભગવાને એકમાત્ર માણસને જ બે અણમોલ ભેટ આપી છે અને તે છે સમજણશક્તિ અને વિવેકબુદ્ધિ; તેને ક્યારેય મશીનના ભરોસે ન છોડાય. AIને આપણા જીવનનો ‘બૉસ’ બનાવવાને બદલે, તેને માત્ર એક સ્માર્ટ અસિસ્ટન્ટ તરીકે જ વાપરીએ. મગજ આપણું દોડશે અને કામ મશીન કરશે તો જ આ પ્રગતિ સાચા અર્થમાં સાર્થક ગણાશે.
આખરી વિચાર
દુનિયામાં આગળ વધવું હોય અને સુખી-સંપન્ન થવું હોય તો કોઈ પણ બાબતે કોઈના પર પણ અવલંબિત રહેવાને બદલે આત્મનિર્ભર બનજો.
રાજી રહેજો.
- રાજેશ ચાવડા
(રાજેશ ચાવડા એક સામાજિક કાર્યકર છે.)
