Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૮૨ વર્ષે પણ ચાર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, અને તમે?

૮૨ વર્ષે પણ ચાર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, અને તમે?

Published : 03 April, 2026 11:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિવૃત્ત થયા પછી જો તમે નિષ્ક્રિય થઈ ગયા અને ટાઇમપાસમાં જ લાગી ગયા તો સમજજો જીવનમાંથી મજા ખતમ

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગિરીશ કાન્તિલાલ શેઠ મોઢ વણિક મિત્ર મંડળના ઍક્ટિવ ટ્રસ્ટી હોવાની સાથે ઢગલાબંધ સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.

What’s On My Mind?

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગિરીશ કાન્તિલાલ શેઠ મોઢ વણિક મિત્ર મંડળના ઍક્ટિવ ટ્રસ્ટી હોવાની સાથે ઢગલાબંધ સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.


ઉંમર વધે એમ સમાજ માટે કામ કરવાની ધગશ વધવી જોઈએ એવું હું માનું છું અને એ જ વાતને અનુસરું પણ છું. સમાજને પાછું આપવાનો સમય હોય છે તમારો નિવૃત્તિનો સમય. નિવૃત્ત થયા પછી જો તમે નિષ્ક્રિય થઈ ગયા અને ટાઇમપાસમાં જ લાગી ગયા તો સમજજો જીવનમાંથી મજા ખતમ. તમે પોતે જ પોતાને બોજ માનવા માંડશો અને તમારા પરિવારને ખટકશો એ જુદું.

અત્યારે મારી ઉંમર ૮૨ વર્ષની છે અને મારા મનમાં ઇચ્છા છે કે ત્રણ એવા પ્રોજેક્ટ છે જેના પર મારે કામ કરવું છે. સૌથી પહેલાં ઘાટકોપરમાં દેરાસરની બાજુમાં એક ગાર્ડન છે જે નાદુરસ્ત અવસ્થામાં છે. એનું નૂતનીકરણ કરાવીએ જેથી વધુ લોકો એનો લાભ લઈ શકે. બીજું, હું નોટબુક વિતરણ કરતો રહું છું જેમાં સંખ્યા વધે એવી ઇચ્છા છે. ત્રીજા નંબરે હરખચંદ સાવલા મારા મિત્ર, જે તાતા હૉસ્પિટલમાં દરદીઓ માટે પુષ્કળ કામ કરી રહ્યા છે. મને ઘણાં વર્ષોથી ઇચ્છા છે કે તેમના એ કાર્યમાં હું પણ જોડાઉં.



આ સિવાય કેટલીક પ્રવૃત્તિઓ સાથે તો અત્યારે પણ જોડાયેલો છું. જેમ કે અમે જ્ઞાતિ હેઠળ એક દવાખાનું ચલાવીએ છીએ જેમાં કોઈ પણ જાતિભેદ વિના સહુને પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે દવા આપીએ છીએ. સાત વર્ષથી એ કાર્ય પર દેખરેખ છે. બીજા નંબરે શ્રીમદ રાજચંદ્રની એક સંસ્થા છે જેઓ મુંબઈમાં બાર જગ્યાએ રોટી કેન્દ્ર ચલાવે છે જેમાં ઘાટકોપરના સેન્ટરમાં લગભગ ૧૨૫ લોકોને દરરોજ અમે ૧૦ રૂપિયામાં શાક-રોટલી-કેળું-દાળ-ભાત વગેરે સાથે જમાડીએ છીએ. આજે પણ સમાજમાં જ્યાં જરૂર પડે ત્યાં મારી ક્ષમતામાં હોય તો હું ઊભો રહું છું. એમાં બીજાને તો લાભ થાય જ છે પણ સૌથી વધુ લાભ મને થાય છે. હું માનસિક રીતે સ્વસ્થ છું. મને જીવવાનું લેખે લાગી રહ્યું છે એનો સંતોષ હોય છે.


હું દરેક વડીલને કહીશ કે જો હાથપગ ચાલતા હોય, આર્થિક રીતે સુખી હો તો તમારે કોઈકને ઉપયોગી થવાય એવાં કાર્યોમાં જોડાવું જોઈએ. આજે ઘણા વડીલો દરરોજ ગાર્ડનમાં જઈને ગપ્પાગોષ્ઠી કરીને ટાઇમ પસાર કરતા હોય છે. હું કહીશ કે હવેનું જીવન ટાઇમપાસ માટે નહીં પણ તમારો સમય કોઈક માટે ખાસ બનાવવા માટે છે. તમે જીવનભર પોતાના માટે અને પોતાના પરિવાર માટે કામ કર્યું. જીવનના છેલ્લા તબક્કાને જનહિતમાં વાપરવો એનાથી બેસ્ટ કંઈ નથી. દરેક વડીલ પાસે એ ક્ષમતા છે જેમાં તેના અનુભવથી કંઈક બહેતર પરિણામ સમાજવ્યવસ્થા માટે લાવી શકાય એમ છે. જો સભાનતાપૂર્વક વાનપ્રસ્થાશ્રમનું પ્લાનિંગ કરાય અને અન્યના હિત માટે હું શું કરી શકું એના પર ચિંતન-મનન કરીને પગલાં લેવાય તો એનાથી સમાજનું, તમારું અને તમારા આવનારા ભવનું એમ દરેક સ્તર પર ભલું થશે એ નક્કી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK