Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિવૉર્સી દીકરીનું થયું સ્નેહસભર સ્વાગતઃ ભારતીય મા-બાપની બદલાયેલી માનસિકતા

ડિવૉર્સી દીકરીનું થયું સ્નેહસભર સ્વાગતઃ ભારતીય મા-બાપની બદલાયેલી માનસિકતા

Published : 10 April, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હકીકતમાં યુવતીના પિતા જેઓ એક નિવૃત્ત વકીલ છે તેમણે દીકરીના સ્વાગત માટે આ આખું આયોજન કર્યું છે. દીકરી એક દુ:ખભરી સ્થિતિમાંથી મુક્ત થઈ એનું આ સેલિબ્રેશન છે

મેરઠના રિટાયર્ડ જજ ડૉ. જ્ઞાનેશકુમાર શર્માએ દીકરી પ્રણિતાને છૂટાછેડા પછી કોર્ટથી ઘરે લાવવાના પ્રસંગને બૅન્ડવાજાં અને મીઠાઈ વહેંચીને સેલિબ્રેટ કર્યો હતો.

PoV

મેરઠના રિટાયર્ડ જજ ડૉ. જ્ઞાનેશકુમાર શર્માએ દીકરી પ્રણિતાને છૂટાછેડા પછી કોર્ટથી ઘરે લાવવાના પ્રસંગને બૅન્ડવાજાં અને મીઠાઈ વહેંચીને સેલિબ્રેટ કર્યો હતો.


ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશથી આવેલા એક સમાચારનો વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થયો છે. મેરઠ શહેરના એ વિડિયોમાં બૅન્ડવાજાંની ધૂન પર કેટલાક લોકો નાચગાન કરતા દેખાય છે. એ લોકોની વચ્ચે ગળામાં ફૂલોની માળા પહેરેલી એક યુવતી ચાલી રહી છે. તેના પર ફૂલોની વર્ષા થાય છે અને એક પછી એક જણ તેને મીઠાઈ ખવડાવે છે. સમજાઈ જાય છે કે તે યુવતીના માનમાં આ સરઘસ નીકળ્યું છે. કદાચ યુવતી કોઈ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ છે અથવા કોઈ રમતગમતની સ્પર્ધામાં કે રિયલિટી શોમાં અવ્વલ  સ્થાન હાંસલ કરીને પોતાના ઘરે પાછી ફરી રહી છે, પણ ના, તે યુવતી આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરીને નથી આવી. તો? આ ધામધૂમ શાને કારણે? એવો જોનારાને સવાલ થાય છે અને જે જવાબ સાંભળવા મળે છે એ આજના ભારતીય માનસના બદલાયેલા ચહેરાની ઓળખ આપે છે.

તે યુવતીના ડિવૉર્સ થયા છે અને તે પોતાનાં મા-બાપના ઘરે પાછી આવી રહી છે ત્યારે તેના આગમનની ઉજવણી થઈ રહી છે એની આ બધી ધામધૂમ છે. હકીકતમાં યુવતીના પિતા જેઓ એક નિવૃત્ત વકીલ છે તેમણે દીકરીના સ્વાગત માટે આ આખું આયોજન કર્યું છે. દીકરી એક દુ:ખભરી સ્થિતિમાંથી મુક્ત થઈ એનું આ સેલિબ્રેશન છે. બૅન્ડવાજાંવાળાને બોલાવાયા છે, ઉત્સવપૂર્ણ માહોલમાં તેના સ્વજનો એકઠા થયા છે અને ખુશીની અભિવ્યક્તિ કરતાં નાચગાન કરી રહ્યા છે. પિતા સહિત ઘણા સ્વજનોએ દીકરીના ફોટોવાળું ટી-શર્ટ પહેર્યું છે જેના પર લખેલું છે : વી લવ અવર ડૉટર. અને યુવતીના ટી-શર્ટ પર વંચાય છે : માય ફૅમિલી, માય લાઇફ!



જાન જોડીને વરરાજા દીકરીને પરણવા આવતા હોય કે લગ્ન પછી દીકરીને વિદાય કરતી વેળાની ઉજવણીના આપણે સૌ સાક્ષી બન્યા છીએ પરંતુ ડિવૉર્સ લઈને આવેલી દીકરીનો આ રીતે આવકાર થાય એ અસામાન્ય ઘટના છે. રૂઢિચુસ્ત માનસ ધરાવતા લોકો માટે કદાચ આ ઘટના અમુક અંશે આઘાતજનક હોઈ શકે. ‘અરે, છૂટાછેડા લઈને આવી એમાં કયો મીર મારીને આવી છે કે આમ ઢોલ-નગારાં પીટવાનાં?’ ‘આ તે કાંઈ ઉજવણી કરવા જેવો પ્રસંગ છે?’ આવાં વાક્યો પણ શક્યત: સાંભળવા મળે. દીકરીને પરણાવી એટલે હવે જીવનભર તેનું સાસરું જ તેનું ઘર અને દુનિયા એવા સંસ્કાર અને સામાજિક મૂલ્યોથી પાંગરેલી સમાજભીરુતા ધરાવતા લોકો માટે આ તો ખોટો દાખલો બેસાડવા જેવું કામ ગણાય. કારણ કે તેમણે તો પોતાની દીકરીઓને ગમે એટલું દુ:ખ કે અણગમતી પરિસ્થિતિ હોય તો પણ બધું જ સહન કરી લઈને પોતાનું લગ્ન ટકાવી રાખવાની, કોઈ પણ ભોગે પિયર (મા-બાપને ઘરે) પાછી નહીં જ આવવાની સલાહ આપી હોય છે.


પરંતુ  મેરઠની યુવતીના નિવૃત્ત વકીલ-પિતા એ બિરાદરીમાંના નથી. તેઓ પરંપરાવાદી માનસ નથી ધરાવતા. ૬ વર્ષનું લગ્નજીવન અને એક દીકરાની મા બન્યા બાદ પણ દીકરી સુખી નથી એ જાણીને પિતાનો જીવ બળે છે અને દીકરીના ડિવૉર્સની પ્રક્રિયામાં તેઓ તેને મજબૂત નૈતિક આધાર પૂરો પાડે છે એટલું જ નહીં, ડિવૉર્સ મળી ગયા પછી ઘરે પાછી ફરતી દીકરીના મનમાં દુ:ખ કે ગિલ્ટની કોઈ લાગણી ન ઊમટે એ માટે સમગ્ર માહોલને એક અવસર તરીકે ઊજવે છે!  એમાં તેઓ સાથે પોતાના સ્વજનોને પણ જોડે છે. આમ તેમની ઉદારદિલ અને સુધારાવાદી માનસિકતા સાથે પરિવાર અને સમાજના અન્ય લોકો પણ જોડાય છે.

એ યુવતીના ડિવૉર્સ શાને કારણે થયા? એમાં તેનો વાંક હતો કે તેના પતિનો? એ બધામાં નથી પડવું, પરંતુ યુવતીનું લગ્નજીવન સુખી નહોતું એટલી જ વાસ્તવિકતાને સ્વીકારીએ તો પણ એ યુવતીનો અલગ થવાનો નિર્ણય ખોટો નથી લાગતો. આજે તો વિજ્ઞાન અને તબીબી તેમ જ માનસશાસ્ત્રીય અભ્યાસ પણ સ્ટ્રેસ અને ટૉક્સિક રિલેશનશિપ્સ કોઈ પણ વ્યક્તિના જીવન પર કેટલી વ્યાપક અને ઊંડી નકારાત્મક અસર કરે છે એ વાસ્તવિકતાની પુષ્ટિ કરે છે. પારિવારિક અને સામાજિક ડરથી આવા વિષૈલા સંબંધોને ટકાવી રાખવા મથતાં કેટલાંય યુવાન-યુવતીઓ આત્મહત્યા તરફ ધકેલાઈ જાય છે. આટલી હદ સુધી વણસી ગયેલા સંબંધોને વળગી રહેવા કરતાં એનાથી મુક્ત થઈ જવામાં જ સાર છે. સાહિર લુધિયાનવીસાહેબની પેલી સદાબહાર પંક્તિઓ યાદ આવે છે :


‘વો અફસાના જિસે અંજામ તક લાના

ન હો મુમકિન

ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા...’

આ બાબત સ્ત્રી કે પુરષ બન્નેને લાગુ પડે છે. આ કિસ્સામાં જે પરિસ્થિતિનો સામનો યુવતીએ કરવો પડ્યો એ જ સ્થિતિમાં મુકાયેલા પુરુષને પણ આવો જ મુક્તિ મેળવવાનો અધિકાર છે. મૂળ વાત તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવા કપરા મુકામે પોતાના પરિવારજનો અને સ્નેહી-સ્વજનોનો સાથ કેટલો મહત્ત્વનો છે એની છે. લગ્ન થયાં એટલે લાકડે માંકડું વળગ્યા  જેવી સ્થિતિ હોય તો પણ જમાનાજૂની ઘરેડને અનુસરીને એ સ્થિતિમાં સબડ્યા કરવાને બદલે છૂટા પડીને આગળ વધવાના વિકલ્પને અપનાવવાની છે. આ વાત આપસી સમજણ અને સ્વીકારથી થાય ત્યારે એ નિર્ણય માત્ર બે ખિન્ન જીવન જ નહીં, બન્નેના પરિવારો માટે પણ ગજબની શાંતિ અને નિરાંતનો અહેસાસ લાવનારો બની રહે છે.

 વર્ષો પહેલાં ‘ક્યા કહના’ નામની ફિલ્મ જોઈ હતી. એમાં પ્રેમમાં છેતરાયેલી અને છતાં હીરોના બાળકની મમ્મી બનવાનો નિર્ણય લેતી કુંવારી હિરોઇન (પ્રીતિ ઝિન્ટા)ને તેનાં માતા-પિતા અને ભાઈઓ જે રીતે હેત અને હૂંફથી બથાવી લે છે અને સાથે મળીને બધાં તેમનું પ્રિય ગીત ગાય છે :

‘ખિલે ખિલે ચેહરોં સે આજ

ઘર હૈ મેરા ગુલે-ગુલઝાર...’

એ હૃદયસ્પર્શી દૃશ્ય આજે પણ હૃદયમાં કોતરાયેલું છે. હા, ઘર-પરિવારની ખુશીઓને બરકરાર રાખવા મથે એ જ સાચી ફૅમિલી. એને માટે જ ‘માય ફૅમિલી, માય લાઇફ’ જેવું સૂત્ર હોઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK