પરંતુ ગયા મહિને ગુરગાંવની ઍક્સિસ બૅન્કના મીત સભરવાલ નામના એક અધિકારીએ દાખવેલી સૂઝ અને પ્રોઍક્ટિવનેસ અસાધારણ અને આશ્ચર્યજનક છે. ૧૧-૧૨ નવેમ્બરે સભરવાલે બૅન્કના એક સિનિયર સિટિઝનના ખાતામાંથી અચાનક મોટી રકમની ટ્રાન્સફર જોઈ.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ડિજિટલ સ્કૅમ્સમાં લાખો કે કરોડો રૂપિયા ગુમાવતા સિનિયર સિટિઝન્સ વિશેના સમાચારો અખબારોમાં લગભગ રોજના થઈ ગયા છે. ફરિયાદો થાય છે પણ ગુમાવેલાં નાણાં પાછાં મળ્યાના સમાચારો ભાગ્યે જ વાંચવા કે સાંભળવા મળે છે. ડિજિટલ અરેસ્ટ એટલે કે સાઇબર સ્કૅમસ્ટર્સની ઠગાઈનો ભોગ બનતા આ સિનિયર સિટિઝન્સ કે અન્ય લોકો ડરના માર્યા અથવા તગડા નફાની લાલચમાં પોતે જ પોતાના બૅન્ક ખાતામાંથી પોતાની બચતનાં નાણાં એ ઠગીઓ કહે એ ખાતામાં ટ્રાન્સફર કરી દે છે અને પોતે ઠગાઈ ગયા છે એ ખબર તો જિંદગીભરની બચત ગુમાવી દીધા બાદ કે ગુમાવવાને આરે પહોંચી ગયા પછી પડે છે. આવામાં બૅન્કમાં અને સાઇબર સેલમાં ફરિયાદો થાય છે, તપાસ થાય છે, નાણાં પાછાં મેળવવાની આશા જાગે છે પણ એ ભાગ્યે જ સાકાર થાય છે. સવાલ થાય છે કે ડિજિટલ યુગના આ સમયમાં એક ખાતામાંથી ગયેલી રકમ બીજા કયા ખાતામાં ગઈ એ શોધવાનું બૅન્કો માટે આટલું મુશ્કેલ કેમ હશે?
પરંતુ ગયા મહિને ગુરગાંવની ઍક્સિસ બૅન્કના મીત સભરવાલ નામના એક અધિકારીએ દાખવેલી સૂઝ અને પ્રોઍક્ટિવનેસ અસાધારણ અને આશ્ચર્યજનક છે. ૧૧-૧૨ નવેમ્બરે સભરવાલે બૅન્કના એક સિનિયર સિટિઝનના ખાતામાંથી અચાનક મોટી રકમની ટ્રાન્સફર જોઈ. તેમણે તરત ખાતાધારકનો સંપર્ક કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ સંપર્ક નહીં થતાં તેમણે તેમના ખાતામાંથી ટ્રાન્સફર થયેલી રકમ જે બૅન્કોમાં ગયેલી (સદ્ભાગ્યે એ બન્ને ઍક્સિસ બૅન્કની જ શાખાઓ હતી) ત્યાં એ રકમ બ્લૉક કરીને રાખવાની સૂચના આપી દીધી. પછી એ ખાતાધારકનું પોતાની બૅન્કનું ખાતું બ્લૉક કરી દીધું. આખરે ૧૮ નવેમ્બરે એ સિનિયર ખાતાધારકનો સંપર્ક થયો ત્યારે તેમણે જાણ કરી કે તેમનું આધાર કાર્ડ કૌભાંડમાં સંકળાયેલું હોવાની ધમકી આપીને તેમની ડિજિટલ અરેસ્ટ કરાયેલી અને નાણાં ટ્રાન્સફર કરાવાયેલાં. પેલા સાઇબર સ્કૅમસ્ટર્સ પોતાના ખાતામાં આવેલી રકમો મેળવવા બૅન્કમાં સતત માગણી કરી રહ્યા હતા. પરંતુ સભરવાલની સમયસૂચકતા અને ત્વરિત પગલાંથી બૅન્કના ખાતાધારકના છ કરોડ રૂપિયા લૂંટાતા બચી ગયા! આળસુ અને બેપરવા બૅન્ક-અધિકારીઓની સાથે પનારો પડ્યો હોય તેમને માટે તો આ આઘાત લાગે એવી હકીકત છે!
- તરુ મેઘાણી કજારિયા


