Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૉક્રૉચ જનતા પાર્ટી : વાઇરલ યુગની વિસ્મય કથા

કૉક્રૉચ જનતા પાર્ટી : વાઇરલ યુગની વિસ્મય કથા

Published : 26 May, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા દુનિયાનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં કૉક્રૉચ પણ પબ્લિક ફિગર બની શકે છે

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


કેટલાંક નામો સાંભળતાં જ માણસ ગંભીર રહી નથી શકતો. કૉક્રૉચ જનતા પાર્ટી એવું જ એક નામ છે જે મોઢા પર તરત હાસ્ય લાવી દે છે, પણ આ વાત હસી કાઢવા જેવી તો જરાય નથી. જેને જોતાં પણ ચીતરી ચડે એના પર સિરિયસ મીમ્સ બની રહ્યાં છે. જેને જોવો પણ ન ગમે એને સૂટ-બૂટ-ટાઈ પહેરાવીને કોઈ પાર્ટીનું સિમ્બૉલ બનાવી દીધું છે. ખબર છે બધાને કે આ આભાસી/ડિજિટલ દુનિયાની પાર્ટી છે, પણ લાખો લોકો જ્યારે એને ફૉલો કરવા લાગે ત્યારે ગંભીરતાથી વિચારવું પણ પડે. આ લખાય છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર એના ૨૦.૪ મિલ્યન ફોલોઅર્સ છે. એક સમય હતો જ્યારે લોકો કોઈ વિચારધારાથી પ્રેરાઈને પાર્ટી પસંદ કરતા હતા. આજે તો પાર્ટીનું નામ જ આખા દેશનું મનોરંજન બની ગયું છે. આમાં કોઈ પ્રેરણા નથી, ફક્ત સાચી દુનિયાની કંટાળેલી જેન-ઝી જનતા આ કૉમેડી કન્ટેન્ટમાં છટકબારી શોધી રહી છે. મીમ પૉલિટિક્સમાં એને વધુ મજા આવી રહી છે. અંદરનો ગુસ્સો અસહાયતા અને મનોરંજનની ભૂખનું પ્રતિબિંબ છે. પ્રથમ વાર નામ સાંભળ્યું ત્યારે કૌતુક થયું હશે તમને પણ. પછી આશ્ચર્યજનક ફોટો જોયા, મીમ્સ બન્યાં અને પછી વિડિયો. લોકોની કલ્પનાશક્તિને દાદ આપવી પડે. દાદ એટલા માટે કે એણે 
હસતાં-હસતાં ગંભીર ચર્ચા જગાવી દીધી છે.

કૉક્રૉચ - એવું જંતુ જેને મારવા કેટલીયે દવાઓ વાપરીએ છતાં ક્યાંકથી ને ક્યાંકથી ફરી આવી જ જાય. કદાચ એ જ કારણ છે કે આ નામથી લોકો તરત કનેક્ટ થઈ ગયા. માણસ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે છતાં ટકી જાય છે. ઘરની કે ધંધાની સમસ્યાઓ હોય,‌ અધૂરાં વચનો હોય, કાયમી ટ્રાફિક હોય, વધતી મોંઘવારી હોય કે પછી સોશ્યલ મીડિયા પરના ટ્રેન્ડ્સ - આ બધા છે જાણે કૉક્રૉચ જેવા, જિદ્દી ટકાઉ પ્રજાતિ.‌ 



કૉક્રૉચ વિશે વૈજ્ઞાનિકો રસપ્રદ વાત કરે છે. કહે છે કે ડાયનોસૉરના સમયથી આ પ્રજાતિ પૃથ્વી પર ટકી રહી છે. લાખો વર્ષોના મોસમી બદલાવ, કુદરતી આફતો અને માનવજાતે કેમિકલોથી કરેલી ‘હિટ ઍન્ડ કિલ’ની અસંખ્ય કોશિશો છતાં કૉક્રૉચ હજી જીવે છે. કદાચ એ જ સર્વાઇવલ-સ્પિરિટ લોકોને આ નામ સાથે તરત જોડે છે. સોશ્યલ મીડિયા પર ટાઇ પહેરેલા કૉક્રૉચની જનતા પાર્ટીને થોડા જ સમયમાં હજારો, લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં વ્યુઝ, શૅર અને ફૉલોઅર્સ મળવા લાગ્યા છે. ના તો હકીકતની દુનિયામાં આવી કોઈ પાર્ટી છે કે ન તો હકીકતમાં કોઈ રીતે જોડાવાનું છે. છતાં મજાક, મીમ્સ અને વ્યંગના રૂપે લોકો જોડાઈ રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં કદાચ વિચારધારા કે મૅનિફેસ્ટો નહીં પણ વાઇરલ થવાની ક્ષમતા જ સૌથી મોટી રાજકીય શક્તિ બની ગઈ છે. પહેલાં ગલીને નાકે પાનના ગલ્લે ઊભા રહીને લોકો ચર્ચા કરતા હતા. આજે ઘરના એક ખૂણે બેસીને, મોબાઇલ હાથમાં લઈને દેશ આખાના પાનના ગલ્લે પહોંચી જવાય છે. અહીં દરેક પાસે અભિપ્રાય છે, અહીં દરેકને તરત જ રિસ્પૉન્સ કે પ્રતિસાદ જોઈએ છે. કૉક્રૉચ જનતા પાર્ટી એટલા માટે જ ટૂંક સમયમાં પ્રચલિત થઈ ગઈ કારણ કે એ લોકોની તાત્કાલિક પ્રતિસાદની ભૂખ સંતોષી શકી છે.


હકીકતમાં આ આખી ઘટનામાં એક ઊંડી ટ્રૅજેડી પણ છુપાયેલી છે. આજે આપણે બધી બાબતોને હળવાશથી લેવાની ટેવ પાડી દીધી છે, કારણ કે ગંભીર રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ઊઠતાંવેંત ઘડિયાળના કાંટે દોડધામ, રોજની એ જ સ્પર્ધા, એ જ સમાચાર, એ જ માનસિક-આર્થિક સંઘર્ષ. આ બધાની વચ્ચે માણસને હસવા માટે, હળવા થવા માટે કંઈક તો જોઈએ જ. ભલે પછી એ પોતાની જ પરિસ્થિતિ પરનો વ્યંગ કેમ ન હોય. તેથી હવે હાસ્ય માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, એક સર્વાઇવલ મેકૅનિઝમ બની ગયું છે. લોકો અખબારના સંપાદકીય કરતાં એક કટાક્ષભર્યા મીમથી પરિસ્થિતિને વધુ ઝડપથી સમજી જાય છે. ગુસ્સો કમેન્ટ સેક્શનમાં લખવામાત્રથી ઊતરી જાય છે. તેથી જ જ્યારે કૉક્રૉચ જનતા પાર્ટી જેવું નામ આવે ત્યારે લોકો એને વિચાર કરતાં વધુ તો એક રિલીફ તરીકે લે છે. કદાચ આજની નિરાશ, થાકેલી જેન-ઝી જનતા થોડી મજા કરી લેવા ઇચ્છે છે. આ બધામાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આ પાર્ટી આખરે છે શું? મોટો પ્રશ્ન એ છે કે આપણે એવી સ્થિતિમાં કેમ પહોંચી ગયા‌ કે માણસને ગંભીર ચર્ચા કરતાં વાઇરલ વ્યંગ વધુ યોગ્ય લાગે છે. આ પાર્ટીએ એના નામથી જ એ વ્યંગ આપ્યો છે. આજના સમયમાં કોઈ વિચાર વાઇરલ થવા માટે એ સાચો હોવો જરૂરી નથી, ફક્ત શૅર કરવા લાયક હોવો જોઈએ. આ પાર્ટીનું નામ સાંભળતાં જ મગજમાં એક વિચિત્ર, જુગુપ્સાભર્યું ચિત્ર ઊભું થઈ જાય છે‌ અને ડિજિટલ દુનિયામાં એ જ સૌથી મોટી કરન્સી છે. અજબ નામની ઇમેજિબિલિટી વધુ ઝડપે દેશભરમાં પહોંચી જાય છે અને લોકોને એમાં જ મજા આવે છે.

બાય ધ વે


તમને ખબર છે કે કૉક્રૉચ એનું માથું કપાઈ ગયા પછી પણ લગભગ એક અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે? કારણ કે એના આખા શરીરમાં છિદ્રો હોય છે જેનાથી એ શ્વાસ લે છે અને એ મગજ પર નિર્ભર નથી હોતાં. એટલે જ કૉક્રૉચને સર્વાઇવલનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે કૉક્રૉચ જનતા પાર્ટી લોકોને આટલી ઝડપથી ગમી ગઈ છે. ડાયનોસૉર લુપ્ત થઈ ગયાં, રાજવંશો બદલાઈ ગયા, સામ્રાજ્યો તૂટી પડ્યાં પણ કૉક્રૉચ હજી જીવે છે. એટલે માણસને અંદરથી લાગે છે કે આ દુનિયામાં સૌથી ટકાઉ વસ્તુઓ બે જ છે : એક સંઘર્ષ અને બીજા કૉક્રૉચ.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK