પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો, હકીકતમાં તો પોતાની જાત પર જીત મેળવતો હોય છે કારણ કે...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો, હકીકતમાં તો પોતાની જાત પર જીત મેળવતો હોય છે કારણ કે પર્વત પર ચડવાનું શરૂ કરતાં પહેલાં પોતાની જાત માટે પોતાના જ મનમાં તેને શંકા હોય છે કે ‘હું શિખર સુધી પહોંચી શકીશ ખરો?’ અવિશ્વાસ હોય છે, ‘કદાચ તો નહીં જ પહોંચું.’ ભય હોય છે, ‘કોણ જાણે શું થશે?’ પરંતુ જ્યારે તે ઉપર પહોંચી જાય છે ત્યારે તેને લાગે છે કે ‘હું બહુ મોટો જંગ જીતી ગયો!’
બસ, અધ્યાત્મના માર્ગ પર કદમ માંડવા માગતા સાધકની મન:સ્થિતિ પણ આ જ હોય છે. ‘હું હોટેલોની મુલાકાત લેનારો તપ કરી શકીશ ખરો? ટીવી સામે બેસીને વિકારી દૃશ્યો જોનારો હું બ્રહ્મચર્યનું પાલન કરી શકીશ? રૂપિયા-રૂપિયા માટે ગમે તેની સાથે ઝઘડવા તૈયાર થઈ જતો હું લાખો રૂપિયાનું દાન કરવા તૈયાર થઈ જાઉં?’
અસંભવ!
આવી શંકા-કુશંકા-ભય અને અવિશ્વાસ વચ્ચે અટવાતો સાધક જ્યારે ‘યા હોમ’ કરીને કૂદી જ પડે છે કો’ક ચોક્કસ ધર્મારાધના કરવા અને એમાં જ્યારે સફળ બનીને જ રહે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ એ હદે વધી જાય છે કે પછી અન્ય કોઈ પણ ધર્મસાધનાની વાત આવે છે ત્યાં છલોછલ વિશ્વાસ સાથે અને ભરપૂર ઉત્સાહ સાથે તે ધર્મસાધનામાં જોડાઈને રહે છે અને એમાં તે સાંગોપાંગ પાર ઊતરીને જ રહે છે.
જોકે આમાં મહત્ત્વની શરત છે શરૂઆત કરવાની.
જો તમે પર્વતની તળેટી પર પણ કદમ મૂકવા તૈયાર થતા નથી તો પછી પર્વતના શિખરે પહોંચવાની બાબતમાં તમારે નાહી નાખવાનું જ રહે છે. જો તમે ધર્મસાધના શરૂ કરવા જેટલું પણ સત્ત્વ ફોરવવા તૈયાર નથી તો પછી ઊંચી-ઊંચી ધર્મસાધના કરી લેવાનાં અરમાનો પર તમારે પૂર્ણવિરામ જ મૂકી દેવાનું રહે છે.
ઘણા લોકોના મનમાં એક જાતની ગ્રંથિ બંધાઈ ગયેલી હોય છે કે ‘સાધુ પાસે હોય છે શું? આ છોડો અને પેલું છોડો, આ કરો અને પેલું કરો. બસ, આ સિવાય તેમની પાસે બીજી કોઈ વાત હોતી નથી. દુનિયા ક્યાં જઈ રહી છે એની તેમને સમજણ હોતી નથી. આખી જિંદગી ચાર દીવાલ વચ્ચે જ તેઓ પસાર કરતા હોય છે એટલે વ્યવહાર-કુશળતાના નામે તેમની પાસે કંઈ જ હોતું નથી.’
આપણે પૈસા જોઈએ અને તેઓ પૈસા છોડવાની વાતો કર્યા કરે. આપણે કરવા હોય જલસા અને તેઓ જલસાનો વિરોધ કર્યા કરે. આપણે જિંદગીને ‘માણવા’ માગતા હોઈએ અને તેઓ જિંદગીનો જ વિરોધ કર્યા કરે. તેમનાથી આપણે દૂર જ રહેવું. આ માન્યતા જ માણસને ધર્મજીવન સાથે ઓળખ કરાવનારાઓથી દૂર રાખે છે.
