Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સાઇબર ક્રાઇમની વિસ્તરતી જતી દુનિયાનાં કારણો અઢળક, ઉપાયો સીમિત

સાઇબર ક્રાઇમની વિસ્તરતી જતી દુનિયાનાં કારણો અઢળક, ઉપાયો સીમિત

Published : 02 July, 2026 02:51 PM | Modified : 02 July, 2026 02:53 PM | IST | Mumbai
Jayesh Chitalia

સરકાર, પોલીસ વિભાગ, તપાસ એજન્સીઓ કેટલું પણ કરે, પરંતુ આ ટેક યુગના અપરાધોને ડામવા-રોકવામાં સફળતા મળવી મુશ્કેલ છે, અસંભવ નથી. જોકે લોકોની પોતાની સતર્કતા-જાગૃતિ આવા અપરાધોનો ભોગ બનતાં અટકાવી શકે, લોકોએ પોતે પણ સાઇબર ક્રાઇમ સામે સ્માર્ટ બનવું પડશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

PoV

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સાઇબર ક્રાઇમ-અપરાધોની દુનિયા સતત મોટી થતી જાય છે. દેશમાં સાઇબર ફ્રૉડ્સ અને ડિજિટલ અરેસ્ટના વધતા જતા કિસ્સા ચિંતાજનક બાબત છે. આ વિષયમાં લોકોને સતત જાગૃત કરવાની જરૂર છે અને આનો ભોગ બનનારે તેના ઉપાય માટે એક એજન્સીથી બીજી એજન્સી પાસે આંટાફેરા કે દોડાદોડ ન કરવી પડે એવું મજબૂત મેકૅનિઝમ સરકારી સ્તરે તૈયાર થવું જોઈએ... આ શબ્દો તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. આ હકીકત વડા પ્રધાન ન કહે તો પણ એક ગંભીર હકીકત જ છે, જેનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેના રોજેરોજ કિસ્સાઓ બહાર આવતા રહે છે. સાઇબર અપરાધોના પ્રકાર, સ્વરૂપ અને ગંભીરતા વધી રહ્યાં છે. ફિઝિકલ ચોરીને સ્થાને ડિજિટલ ચોરી સતત વધી રહી છે. સાઇબર ફ્રૉડ્સ-સ્કૅમના કિસ્સાઓમાં સિનિયર સિટિઝન્સ ખાસ સૉફટ ટાર્ગેટ રહે છે. આ વર્ગ માટે આમ પણ એકલા રહેવું, ફરવું અને નાણાકીય વ્યવહારો કરવાનું કઠિન બનતું જાય છે.

ફિઝિકલ કરતાં ડિજિટલ ક્રાઇમ વધુ સરળ



ફિઝિકલ ચોરીમાં રકમ નાની અને પકડાઈ જવાનાં જોખમો વધુ હોય છે, જ્યારે કે સાઇબર સ્કૅમ કે ડિજિટલ-ઑનલાઇન માર્ગે ચોરી-લૂંટના કિસ્સામાં બહુ મોટી રકમ સ્કૅમસ્ટર્સને મળી રહી હોવાથી તેમ જ તેમના માટે આવા કિસ્સાઓમાં દૂર રહીને પણ અપરાધ કરવાનું સરળ રહેતું હોવાથી આ માર્ગ અને મોડસ ઑપરૅન્ડી ક્રાઇમની દુનિયામાં એકદમથી ઇન છે. ઇન્વેસ્ટમેન્ટના નામે, બનાવટી નોકરીના નામે, QR કોડ કે OTPના નિમિત્તે, સેક્સ કે રોમાન્સના નામે છેતરપિંડી એકધારી વધતી રહી છે, આ જાળ સતત મોટી અને ગૂંચવણભરી થતી જાય છે. 


આપણી ઓળખની તફડંચી

સાઇબર અપરાધનો એક પ્રકાર આઇડેન્ટિટી (વ્યક્તિની ઓળખ)ની ચોરીનો પણ છે. આધાર કાર્ડ, બૅન્ક અકાઉન્ટ્સ, ક્રેડિટ કાર્ડ, સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ, ડીપ ફેક વિડિયો, વૉઇસ ક્લોનિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સર્જિત મેસેજીસ વગેરે મારફત લોકોને ફસાવવાના કિસ્સાઓ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સાઇબર અપરાધોના જગતમાં હેકર્સની બડી બોલબાલા છે. હેકર્સ કંપનીઓ-વિવિધ બિઝનેસ સંસ્થાઓનાં કમ્પ્યુટર હેક કરે છે, ડેટા ચોરી લે છે અને પછી તેને સરખું કરવા પૈસાની ડિમાન્ડ મૂકે છે, જેને ટેક્નિકલ ભાષામાં રેન્સમવેર કહે છે.


માનવસહજ નબળાઈઓ

મૂળ તો માણસ નામના પ્રાણીની ચોક્કસ નબળાઈઓનો આ અપરાધીઓ ગેરલાભ લેતા રહે છે. આ નબળાઈઓ એટલે લોભ, મોહ, વાસના, ભય, આંધળો વિશ્વાસ, ઉતાવળ, મૂર્ખતા, વગેરેનો સમાવેશ થાય છે. જોકે ઘણા કિસ્સાઓમાં તો આ નબળાઈઓથી પર હોય એવી સ્માર્ટ વ્યક્તિઓ પણ ફસાઈ જાય છે. ઘણી વાર માનવી પોતાની એકલતાને લીધે મહત્તમ સમય સોશ્યલ મીડિયા પર પસાર કરે છે, જ્યાં તેના ફસાવાની શક્યતા વધી જાય છે. ડેટિંગ ઍપ, રિલેશનશિપ, ઇમોશન્સ જેવાં પરિબળો માનવીને આકર્ષીને શિકાર બનાવે છે. આ શિકારીઓમાં મહિલા સ્કૅમસ્ટર્સની સંખ્યા વધતી જાય છે. આર્થિક અપરાધો વધવાનાં નક્કર કારણોમાં મોંઘવારી અને બદલાતી લાઇફસ્ટાઇલ પણ ખરી. બાકીમાં ફિલ્મો, OTT મંચ સહિતનાં નવા જમાનાનાં ટેક-મનોરંજનનાં સાધનો પણ અપરાધોની દુનિયાને મોટી કરવા માટે કારણરૂપ બને છે.

ખાટલે મોટી ખોડ કઈ છે?

જોકે સાઇબર અપરાધોના વિષયમાં ખાટલે મોટી ખોડ એ છે કે સાઇબર સેલ વિભાગ, જે પોલીસ વિભાગનો જ એક ભાગ હોય છે ત્યાંની યંત્રણા-માળખું સૌથી નબળું છે. ત્યાં બેઠેલા અધિકારીઓ પાસે સક્ષમ કુશળતા નથી હોતી, ફરિયાદીઓ ઝાઝા છે અને સાંભળનારા તેમ જ સમજનારા ઓછાં હોય છે. વાસ્તવમાં સાઇબર અપરાધોના મામલે વિવિધ એજન્સીઓ વચ્ચે મજબૂત અને ઝડપી કો-ઑર્ડિનેશન હોવું જરૂરી છે, જેમ કે બૅન્કો, ટેલિકૉમ કંપનીઓ, સાઇબર પોલીસ વિભાગ. કરુણતા તો એ છે કે અહીં ફરિયાદ કરવા આવનારાઓને પણ પૂરતી ગતાગમ હોતી નથી. આપણી પાસે ઑનલાઇન માર્ગે ટ્રાન્સફર થયેલાં નાણાંનો ફાસ્ટેસ્ટ ટ્રેક મેળવવાનું મેકૅનિઝમ નથી, એક બૅન્કથી બીજી બૅન્કમાં ગયેલા નાણાં કે સંબંધિત અકાઉન્ટ‍્સ વિશે પ્રાઇવેસી કાનૂન હેઠળ બૅન્કો પણ માહિતી આપતી નથી યા વિલંબ કરે છે. વડા પ્રધાને કહ્યું છે કે સાઇબર વિભાગ આ વિષયની ફરિયાદ સામે ફાસ્ટેસ્ટ રિસ્પૉન્સ આપે એવી યંત્રણા હોવી અનિવાર્ય છે, કારણ કે આ અપરાધોમાં નાણાંની હેરાફેરી જે ઝડપે થાય છે કે તેના ઉપાય જો એનાથી પણ વધુ ઝડપી ન થાય તો પરિણામ મળવું મુશ્કેલ બને છે.

શું તમને ખબર છે, રોજનાં કેટલાં સાઇબર અટૅક અને સ્કૅમ થાય છે?

આમ તો આ વિષયના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, તેમ છતાં એક અંદાજ મુજબ વિશ્વમાં રોજના ૬૦ કરોડ જેટલા સાઇબર અટૅકસ થાય છે. દર કલાકે અઢી કરોડ થાય છે. મિનિટદીઠ ૪ લાખથી વધુ. સેકન્ડદીઠ ૭૦૦૦ અટૅકસ.

ભારતમાં રોજેરોજના હિસાબે અંદાજિત ૧૦ લાખથી વધુ સાઇબર ક્રાઇમ્સની ફરિયાદો નોંધાય છે, ન નોંધાતી અલગ.

આ અટૅક્સ કે ફ્રૉડ્સ મારફત હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થાય છે. ગ્લોબલ સાઇબર ક્રાઇમનો આંકડો અત્યારે તો અંદાજે વાર્ષિક ટ્રિલિયન ડૉલર વટાવી ચૂક્યો છે.

સાઇબર ક્રાઇમ હાલમાં વિશ્વના સૌથી વધુ અપરાધોમાં સ્થાન ધરાવે છે.

વ્યક્તિથી લઈ કંપનીઓ, સંસ્થાઓ, સરકારી તંત્રો વગેરેને સાઇબર ક્રાઇમનું જોખમ ઊભું થઈ ગયું છે, જેનો કંઈક અંશે એકમાત્ર ઇલાજ કે ઉપાય એનું સાઇબર સિક્યૉરિટીનું આગોતરું પ્રોટેકશન છે.

પ્રિવેન્ટિવ અને પ્રિકોશનરી પગલાં

ડિજિટલ અરેસ્ટની બાબતે વધતી જતી અવેરનેસને કારણે આ અપરાધોનું પ્રમાણ વધતું અટકયું હોવાનું કહેવાય છે, પરંતુ હવે નવા પ્રકારના સાઇબર ક્રાઇમ ઉમેરાતા જાય છે. બગ ક્રાઇમ એમાંનું એક ગણાય છે, જેમાં સ્કૅમસ્ટર્સ અન્ય વ્યક્તિ કે સંસ્થાની કમ્પ્યુટર સિસ્ટમ, વેબસાઇટ્સ, ઍપ્સમાં અનઑથૉરાઇઝ્ડ એન્ટ્રી લઈને એનો ગેરલાભ ઉઠાવે છે. જેમ નવી ટેક્નોલૉજી, જેમ ઑનલાઇન અને ડિજિટલ વ્યવહારો વધશે એમ આ અપરાધોની શક્યતા અને ચાન્સિસ વધશે. સામાન્ય તો શું બુદ્ધિશાળી માણસો કે ટેક-કંપનીઓ માટે પણ એને રોકવાનું કઠિન રહેશે. જેમ કોરોનાના વાયરસને રોકવા યા ડામવા વૅક્સિનનો વ્યાપક ઉપયોગ થયો એમ સાઇબર અટૅકથી બચવા સાઇબર સિક્યૉરિટીનું પ્રોટેકશન અનિવાર્ય બની જશે. અપરાધોના ભોગ બનતાં પહેલાં (આગ લાગે તે પૂર્વે) પ્રિવેન્ટિવ અને પ્રિકોશનરી પગલાં લેવાં જ જોઈશે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 02:53 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK