શું માત્ર લોકોની વાતો સાંભળીને અને તેમની સાથે વાતચીત કરીને કમાણી કરી શકાય? બદલાતા સમયમાં `લિસનિંગ જૉબ્સ` અને સંવાદ આધારિત કામોની માંગ ઝડપથી વધી રહી છે. જાણો આ નવા પ્રકારની કારકિર્દી વિશે.
વાતો સાંભળવા અને કરવા માણસો (ભાડે) જોઈએ છે
શું તમારી પાસે કોઈ નોકરી નથી? કામ જોઈએ છે? પાર્ટટાઇમ કે છૂટક કામ પણ ચાલશે? જો તમારી પાસે સમય હોય તો કામ રેડી છે. કામ છે વાતો સાંભળવાનું અને વાતો કરવાનું. નવાઈ લાગી? પણ આ હકીકત છે. બહુ જલદી આવાં કામોની મોટી ડિમાન્ડ નીકળવાની છે. હાલ આ કામ નાના પાયે છૂટુંછવાયું ચાલુ થયું છે, પરંતુ નજીકના ભવિષ્યમાં આ કામની ડિમાન્ડ વધવાની છે
વિદેશોમાં જે કૉમન છે અને ભારતમાં જે અનકૉમન છે એવી બાબતો હવે ભારતમાં પણ કૉમન થવા લાગી છે. આમ તો વિદેશી અનુકરણમાં આપણે નંબર વન કહેવાઈએ, પરંતુ હવે તો વાત કલ્પના બહાર જઈ રહી છે. આપણા સમાજમાં માણસો એટલા વિખૂટા પડી રહ્યા છે કે તેમની સાથે વાતો કરવા-સાંભળવા પણ માણસોની જરૂર પડે એવો સમય આવ્યો છે. યસ, માનો યા ન માનો, હવે સમાજમાં વાતો સાંભળવા અને કરવા માટે ભાડે (પેઇડ) માણસો નીમવાનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે.
જપાન, કોરિયા, ચીન સહિતના કેટલાક દેશોમાં માણસો સાથે વાત કરવા-સાંભળવા માણસો ભાડે રાખવામાં આવે છે. તેમને કલાક મુજબ ચાર્જ ચૂકવવામાં આવે છે. ભારતમાં આ ટ્રેન્ડ વિકસવાને હવે બહુ સમય નથી. હાલ આવું ઘણુંખરું કાર્ય ભારતમાં સમાજસેવાના રૂપમાં થઈ રહ્યું છે, પરંતુ એક સમય આવશે જેમાં આ કામ પ્રોફેશનલ-વ્યવસાય સ્વરૂપે ફેલાવા લાગશે. અમુક અંશે વ્યાવસાયિક ધોરણે એ શરૂ થઈ પણ ગયું છે - ખાસ કરીને સંપન્ન પરિવારોમાં. આમ પણ આ વર્ગ વૃદ્ધ થવા સાથે વધુ એકલવાયો થઈ જતો હોય છે. કામકાજ માટે નોકર-ચાકર હોય, પણ વાતો કરવા માટે કોઈ નહીં. મિત્રો અને સગાંસંબંધીઓ ક્યારેક-ક્યારેક આવે તો આવે.
ADVERTISEMENT
સંયુક્ત પરિવારોના વિભાજન બાદ
પરિવાર વિભાજિત થયા બાદ આ સમસ્યા વધી છે. વિદેશોની જેમ વરિષ્ઠ નાગરિકો એકલા પડતા જાય છે. તેમનું વૃદ્ધાવસ્થા અને સ્વાસ્થ્યને કારણે ઘરની બહાર નીકળવાનું કઠિન થઈ જાય છે અને તેમને મળવા આવનારાઓની સંખ્યા ઘટતી જાય છે, ક્યાંક તો નામશેષ પણ થઈ જાય છે. વૃદ્ધાશ્રમો માત્ર અલગ સ્થળ રહ્યાં નથી. ઘરમાં પણ વૃદ્ધાશ્રમ થતા જાય છે, જ્યાં બે વૃદ્ધો કે પતિ-પત્ની કે એક જ વૃદ્ધ રહી ગયા હોય છે. ક્યાંક એવું પણ બને કે વૃદ્ધોના પરિવારમાં સભ્યો ઘણા હોય, પણ દરેકની પોતાની દુનિયા હોય. વૃદ્ધો સાથે વાત કરવા બેસવાનો કોઈની પાસે સમય ન હોય. આમ પણ આ વૃદ્ધો સાથે પોતે વાત શું કરવી? કેટલી કરવી? આજના ટીનેજર્સ કે યુવાનોને આવા સવાલ હોય છે. આમાં ક્યાંક વૃદ્ધો પણ પોતાના સ્વભાવ યા દૃષ્ટિકોણને કારણે જવાબદાર બનતા હોય છે.
કામ કરાવવાનો ટ્રેન્ડ
એક સમય હતો જ્યારે ઘરનાં કામો, મોટા ભાગે સ્ત્રીસભ્યો જ કરતી. ત્યાર બાદ વાસણ-કપડાં માટે હાઉસહેલ્પ રાખવાની શરૂઆત થઈ. એ પછી સમય એવો આવ્યો કે રસોઈ બનાવવા માટે પણ હાઉસહેલ્પ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો. સ્ત્રીઓ પણ નોકરી કરવા લાગી એટલે સમયની મારામારી તેમને પણ થતી ગઈ. એ જ રીતે બાળકોના ઉછેર-સંભાળની જવાબદારી પણ બીજાઓને કામ પર રાખીને સોંપવાનું ચલણ શરૂ થયું. અગાઉ સંતાનોને સ્કૂલ ઉપરાંત મમ્મી-પપ્પા ભણાવતાં. હવે પ્રાઇવેટ ક્લાસિસ કે ટ્યુશન ધૂમ મચાવી રહ્યાં છે. ઇન શૉર્ટ, ઘરનાં મોટા ભાગનાં કામો માટે બહારના માણસો રોકાવા લાગ્યા. એક જબરદસ્ત બિઝનેસ ફેલાઈ ગયો જે વિદેશોમાં નથી પણ ભારતમાં પુરજોશમાં છે. આ ટ્રેન્ડ સંપન્ન વર્ગથી મધ્યમ વર્ગ સુધી સરળતાથી વિકસતો ગયો અને આજે એ અનિવાર્ય બની ગયો છે. હાઉસહેલ્પ વિના કોઈને ચાલતું નથી.
કૅરટેકર્સની ડિમાન્ડ
આ ઉપરાંત ઘણા સમયથી ઘરમાં બીમાર અને વૃદ્ધોની સેવા-કાળજી માટે કૅરટેકર રાખવામાં આવે છે કારણ કે પરિવારમાં ન કોઈની પાસે સમય છે, ન આ પ્રકારની આવડત (ન ઇચ્છા, ન ભાવના, ન લાગણી). કૅરટેકર્સની સર્વિસિસ આજે બહુ મોટો બિઝનેસ બનતી ગઈ છે. સંપન્ન સોસાયટીઓમાં રહેતા અમીર લોકો તો હવે પોતાનાં વૃદ્ધ માતા-પિતાને બહાર આંટો મારવા લઈ જવા માણસો રાખે છે, ઘણા તો વ્હીલચૅરમાં હોય છે. એટલું જ નહીં, અમુક લોકો તો પોતાના ડૉગીને આંટાફેરા કે શૌચક્રિયા કરાવવા બહાર લઈ જવા સારી રકમ ચૂકવીને માણસો ભાડે રાખે છે. પૉશ એરિયામાં આ ટ્રેન્ડ જબરો છે. કલાક પ્રમાણે પૈસા મળે છે. માણસોની ડિમાન્ડ છતાં માણસો મળતા નથી.
બે વ્યક્તિનો સંયુકત પરિવાર
હવે વાત પહોંચી છે વૃદ્ધો અથવા એકલા રહેતા માણસો સાથે વાત કરવાની અને સાંભળવાની. આને શું કહેવું? સમાજની પ્રગતિ, દુર્ગતિ કે કરુણતા? ૩ પેઢી સાથે રહેતી હતી એ બે પેઢીમાં પરિવર્તિત થઈ, હવે એક જ પેઢી રહી. ક્યાંક તો મજાક યા કટાક્ષમાં એમ પણ કહેવાય છે કે હવે સંયુક્ત પરિવાર એટલે પતિ અને પત્ની. સંતાનો કાં તો દેશમાં જ દૂર થઈ ગયાં છે, પરદેશ ચાલ્યા ગયાં છે અથવા તો છે જ નહીં. અનેક લોકો મોબાઇલને અને ટીવીને કંપની બનાવીને સમય પસાર કરી રહ્યા છે, પરંતુ માણસ આખરે તો માણસોનો તરસ્યો રહે છે. સ્વજનો, પ્રિયજનો નહીં તો અજાણ્યા જનો પણ ચાલે; પરંતુ કોઈ હોય જેની સાથે વાતો કરી શકાય, દિલ ખોલી શકાય, વ્યથા કે આનંદ યા વિચારો વહેંચી શકાય.
વાતો સાંભળવાની સર્વિસ કોને-કોને?
અલબત્ત, બગીચાઓમાં કે સોસાયટીઓમાં અનેક સિનિયર સિટિઝનો રોજ ભેગા થઈને વાતોના ગપાટા મારીને હળવા થતા હોય છે, પણ જેઓ ઘરની બહાર નીકળી શકવાની સ્થિતિમાં નથી તેમની કથા અને વ્યથા ઘરે-ઘરે નોખી છે. આ સર્વિસ માત્ર વરિષ્ઠો-બીમારને જોઈએ છે એવું નથી; બલ્કે પોતાના ઘરથી દૂર શહેરોમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓને, કામના સ્ટ્રેસ હેઠળ રહેતા લોકોને, અતિ ઇમોશનલ લોકોને, વિધવા કે વિધુરોને, ઊંડી પીડાનો સામનો કરી રહેલા લોકોને પણ વાતો કરવા માણસો રાધર બહેતર કંપની જોઈતી હોય છે. જોકે આપણા સમાજમાં આવું આર્થિક દૃષ્ટિએ પોસાય એવી વ્યક્તિઓ ઓછી હોય છે, બીજું, આપણો સમાજ આ બાબતે સંકુચિત રહ્યો હોવાથી એને અજાણી વ્યક્તિઓ સાથે આવો વ્યવહાર કરવામાં સામાજિક ભય પણ લાગે છે.
એકલતા એક માનસિક રોગ યા પીડા બનતી જાય છે. કેટલીક એકલતા પરિવાર હોવા છતાં પણ માણસોને લાગતી હોય છે. તેમને પોતાની વાતોને કોઈ સમજે એવા માણસો જોઈતા હોય છે. હેલ્થકૅર સાથે મેન્ટલકૅરને આવરી લેતી એક કૅર ઇકૉનૉમી વિકસી રહી છે યા હવે પછી વિકસે તો નવાઈ નહીં. સમાજ કે દુનિયા ગમે એટલાં ડિજિટલ થઈ જાય, અમુક બાબતમાં કે વિષયમાં ફિઝિકલ રહેવામાં જ સાચો સંતોષ અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
