છેલ્લા ૪ મહિનામાં આદિત્યને ચાલીસથી વધુ ફિલ્મ ડિરેક્ટ કરવા માટેની ઑફર આવી ગઈ છે તો ફૉરેનના બે પ્રોડક્શન હાઉસે આદિત્ય સાથે પ્રોજેક્ટ કરવાની તૈયારી દેખાડી છે, પણ આદિત્યએ એક પણ પ્રોજેક્ટ માટે તૈયારી નથી દેખાડી. કારણ તેનો સ્વભાવ.
આદિત્ય ધર
પોતાની જ ફિલ્મ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકનો આ પૉપ્યુલર ડાયલૉગ જો આજે આદિત્ય ધર બોલે તો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે એકદમ લાઉડ અવાજમાં કહેશે, ‘હાઈ સર!’ એક સમયે ઇન્ડસ્ટ્રીમાં ધુરંધરના હુલામણા નામે ઓળખાતા થઈ ગયેલા આદિત્યની આ જ ટાઇટલની ફિલ્મે દેશને જ નહીં, દુનિયાભરની આંખો પહોળી કરી નાખી. આ આંખો વધારે મોટી ત્યારે થશે જ્યારે તમે તેની આજ સુધીની જર્ની જાણશો
ફિલ્મનું બૉક્સ-ઑફિસ કલેક્શન તોતિંગ હોય ત્યારે તરત ઇન્ડસ્ટ્રીના બિગ શૉટ્સ એવું બોલવા માંડે છે એ તો મૅનિપ્યુલેટ કરેલું કલેક્શન છે પણ ‘ધુરંધર’ને એ વાત લાગુ પડતી નથી. પહેલી ફિલ્મને અને હમણાં રિલીઝ થયેલી એ જ ફિલ્મની સીક્વલને ઑડિયન્સે જે પ્રકારનો રિસ્પૉન્સ આપ્યો એણે માત્ર ‘ધુરંધર’ અને ‘ધુરંધર-ધ રિવેન્જ’ ફિલ્મ કે એની સ્ટારકાસ્ટને જ નહીં પણ ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર એવા આદિત્ય ધરને પણ લાઇમલાઇટમાં લાવવાનું કામ કરી દીધું. ૪૪ વર્ષના આદિત્યને આની સહેજ પણ આદત નહોતી અને એટલે જ આજે જ્યારે ઇન્ટરવ્યુ આપવાની વાત આવે છે ત્યારે તે તરત બૅકફુટ થઈ જાય છે, પૂરેપૂરી નમ્રતા સાથે ના પાડે છે અને કાં તો પછી એ વાતને ટાળી દે છે. આદિત્ય કહે છે, ‘હું સ્ટોરી નથી, મારું કામ સ્ટોરી કરવાનું છે અને એ કામ હું સારી રીતે કરું એટલી જ મારી ઇચ્છા છે.’
ADVERTISEMENT
છેલ્લા ૪ મહિનામાં આદિત્યને ચાલીસથી વધુ ફિલ્મ ડિરેક્ટ કરવા માટેની ઑફર આવી ગઈ છે તો ફૉરેનના બે પ્રોડક્શન હાઉસે આદિત્ય સાથે પ્રોજેક્ટ કરવાની તૈયારી દેખાડી છે, પણ આદિત્યએ એક પણ પ્રોજેક્ટ માટે તૈયારી નથી દેખાડી. કારણ તેનો સ્વભાવ. આદિત્ય મલ્ટિ-ટાસ્કિંગમાં નથી માનતો. એક સમયે તે એક જ કામ કરવાનું પસંદ કરે છે, જેની પાછળ ડિસ્લેક્સિયા નામની તકલીફ પણ જવાબદાર છે. હા, ‘તારે ઝમીન પર’ના પેલા બચ્ચાને જે પ્રૉબ્લેમ હતો એ જ પ્રૉબ્લેમ આદિત્ય પણ નાનપણથી ભોગવે છે. અલબત્ત, ડિસ્લેક્સિયાને લીધે આદિત્યએ પોતાની જર્ની ક્યાંય અટકવા નથી દીધી, પછી વાત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની હોય કે ક્રિકેટની. આંખ મોટી કરવાની જરૂર નથી. આ હકીકત છે. એક સમયે આદિત્ય ક્રિકેટર બનવા માગતો હતો. તેનું સપનું હતું કે તે ટીમ ઇન્ડિયા વતી રમે. આંખોમાં આ સપનું વાવીને મહેનત કરતો આદિત્ય જુનિયર લેવલની ટીમમાં ધુરંધર જ કહેવાતો. ક્રિકેટનો આ ઊગતો ધુરંધર ઊગે એ પહેલાં જ કેમ અસ્ત થઈ ગયો એ જાણવા જેવું છે.

રિટાયર્ડ હર્ટ...
૨૦૦૨માં અન્ડર-19 વર્લ્ડ કપ માટે આદિત્ય ધરનું સિલેક્શન ઑલમોસ્ટ નક્કી હતું. જોકે ૮ વર્ષ સુધી એકધારું જુનિયર લેવલ પર ક્રિકેટ રમનારા આદિત્યને ક્રિકેટથી દૂર કરે એવી બે ઘટના બની. સ્કૂલ-લેવલની એક મૅચમાં આદિત્ય પર એક બાઉન્સર એવો આવ્યો કે હેલ્મેટ વિના બૅટિંગ કરતાં આદિત્યને માથાના પાછળના ભાગ પર બૉલ લાગ્યો. આદિત્યએ એકથી દોઢ મહિનો ક્રિકેટ છોડવું પડ્યું અને આ જ દરમ્યાન આદિત્યના સ્થાને કોઈક વગદાર વ્યક્તિના દીકરાનું સિલેક્શન કરી લેવામાં આવ્યું. પહેલાં સીઝન બૉલનો બાઉન્સર અને પછી સિલેક્શનમાં બાઉન્સર. આદિત્યનું મન ક્રિકેટમાંથી ઊઠી ગયું અને રિટાયર્ડ હર્ટ થયેલી અવસ્થામાં જ આદિત્યએ ક્રિકેટ છોડ્યું. અફકોર્સ એ પહેલાં તેણે ટીમમાં એન્ટ્રી લેવા માટે અથાગ મહેનત કરી પણ મનથી થાકી ગયેલા આદિત્યને પછી કિસ્મતે પણ સાથ આપ્યો નહીં.
ઑલરેડી સ્કૂલમાં પણ આદિત્ય ડિસ્લેક્સિયાને લીધે સ્લો લર્નર હતો. જોકે એ જ આદિત્ય આર્ટની બાબતમાં સહેજ પણ ઓછો ઊતરતો નહોતો. જીવનમાં મળેલી પછડાટને લીધે આદિત્ય એવી વાર્તાઓ લખવાના રવાડે ચડ્યો જેમાં તેનો હીરો હાર સામે ઘૂંટણિયા નહોતો ટેકવતો. સ્ટોરી લખતા આદિત્યએ દિલ્હીમાં જ થિયેટરની શરૂઆત કરી. ‘પંદર પંચા પંચોતેર’ જેવું સામાન્ય ગણિત જેને યાદ નહોતું રહેતું એ જ આદિત્ય નાટકની આખેઆખી સ્ક્રિપ્ટ કંઠસ્થ કરી લેતો. નાટકમાં રહેલા સાતથી ૮ કલાકારોમાંથી દરેકના ડાયલૉગ્સ તેને મોઢે યાદ હોય. આદિત્ય કહે છે, ‘મારી આ ખૂબીને લીધે જ મને ઍક્ટરો પણ નાટકમાં સાથે રાખતા. તે ડાયલૉગ ભૂલે કે તરત હું તેને હિન્ટ આપી દઉં અને બધું સચવાઈ જાય. આર્ટ માટે લગાવ અને સ્ટ્રૉન્ગ યાદશક્તિ મને મારી મમ્મી પાસેથી ગિફ્ટ મળી છે.’
આદિત્યની વાત સાચી પણ છે. કાશ્મીરી પંડિત ફૅમિલીમાંથી આવતા આદિત્યની મમ્મી ડૉ. સુનીતા ધર દિલ્હી યુનિવર્સિટીમાં મ્યુઝિક ઍન્ડ આર્ટ્સ ફૅકલ્ટીનાં હેડ અને પછી ડીન રહી ચૂક્યાં છે. ડૉ. સુનીતા ધરને નાટકો જોવાનો ખૂબ શોખ. તે નાના દીકરા આદિત્યને લઈને નાટકો જોવા જતાં અને એ સમયથી આદિત્યને ક્રિકેટ અને નાટકનો શોખ લાગ્યો. આગળ કહ્યું એમ બૉલીવુડના સદ્નસીબે આદિત્યની ક્રિકેટ-કરીઅર અટકી ગઈ અને આદિત્ય એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં આગળ વધ્યો.
જૂજ લોકોને ખબર છે કે આદિત્ય ધર પહેલાં ઍક્ટર બનવા માગતો હતો અને એના માટે તેણે ૧૯૯૮માં કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માટે ઑડિશન પણ આપ્યું હતું અને હૃતિક રોશનના નાનપણના રોલ માટે સિલેક્ટ પણ થયો, પણ પર્સનલ કારણોસર તેણે એ ફિલ્મ છોડી પણ કરણ જોહરના મનમાં તે રહી ગયો. આ જ કારણ હતું કે કરણ જ આદિત્યને ડિરેક્ટર તરીકે લૉન્ચ કરવાનો હતો, પણ એ સદ્ભાગ્ય રૉની સ્ક્રૂવાલાને મળ્યું. જોકે એ વાત પર આવતાં પહેલાં આદિત્યની આપણે મુંબઈ જર્ની જોઈએ.
પહલા પહલા પ્યાર હૈ...

‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં ઇન્ટેલિજન્ટ ઑફિસર પલ્લવી શર્માનો રોલ કરતી યામી ગૌતમ અને આદિત્ય ધર વચ્ચે સેટ પર જ પ્રેમની શરૂઆત થઈ. યામીને આદિત્યની સારપ અને સાદગી પસંદ આવી તો આદિત્યને યામીની સિમ્પ્લિસિટી ગમી ગઈ. મજાની વાત તમે જુઓ, બન્ને વચ્ચે શરૂ થયેલા આ અફેરની સેટ પર કોઈને ગંધ સુધ્ધાં નહોતી આવી અને એમ ને એમ બન્ને રિલેશનશિપમાં આગળ વધતાં રહ્યાં. આ રિલેશનશિપ ત્રણ વર્ષ ચાલી અને મીડિયાવાળાઓને ખબર સુધ્ધાં પડી નહીં. લૉકડાઉન દરમિયાન બન્ને એકબીજાને વધારે સારી રીતે સમજી શક્યાં અને બન્નેએ નિર્ણય લીધો કે તેઓ હવે મૅરેજ કરશે. ૨૦૨૧ની ૪ જૂને આદિત્ય અને યામીએ યામીના હિમાચલ પ્રદેશમાં આવેલા ફાર્મહાઉસમાં મૅરેજ કર્યાં. એ મૅરેજમાં માત્ર ૨૦ લોકો હાજર હતા.
યામી અને આદિત્યને બે વર્ષનો દીકરો છે, જેનું નામ વેદાવિદ છે.
ડેવલપમેન્ટ હેલ
હા, આદિત્ય પોતાના સ્ટ્રગલ પિરિયડને આ નામે ઓળખાવે છે. કોઈ પણ જાતના ગૉડફાધર કે અન્ય કોઈ ઓળખાણ વિના આદિત્ય ૨૦૦૬માં ફરી મુંબઈ આવ્યો અને ૧૨ વર્ષ, હા લગાતાર ૧૨ વર્ષ સુધી તે સતત સંઘર્ષ કરતો રહ્યો. શરૂઆતનાં વર્ષોમાં આદિત્યએ રેડિયોમાં રેડિયો-જૉકી (RJ) તરીકે કામ કર્યું પણ તેની ઇચ્છા અને આંખો તો હિન્દી ફિલ્મો પર જ હતી. પોતાના આ સંઘર્ષકાળમાં આદિત્યએ મુંબઈનાં ખર્ચાપાણી કાઢવા માટે અઢળક ઘોસ્ટ-રાઇટિંગ કર્યું. આ જ પિરિયડમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આદિત્યનું નામ ધુરંધર પડ્યું. અલબત્ત, લોકો મજાકમાં એ બોલતા પણ આદિત્યને એ શબ્દ સાથે લગાવ થઈ ગયો. મનથી થયેલો લગાવ કેવું રિઝલ્ટ આપે એ ‘ધુરંધર’ ફિલ્મના રિઝલ્ટ પરથી ખબર પડે છે.
રાઇટર કે ડિરેક્ટર સ્ક્રિપ્ટમાં ક્યાંય પણ અટવાય કે તરત આદિત્યને બોલાવતા અને આદિત્ય ચપટી વગાડતાં તે સ્ક્રિપ્ટમાં તોડ કાઢી આપતો. ઑન-ધ-સ્પૉટ આદિત્ય ડાયલૉગ્સ પણ લખી નાખતો. આદિત્યની આ જે ઝડપ હતી એને લીધે તેને ધુરંધર કહેવાનું શરૂ થયું અને આદિત્ય આ રોકડિયો ધંધો કરીને પોતાનો મુંબઈનો જીવનનિર્વાહ આગળ વધારતો. પોતાના આ પ્રયાસો વચ્ચે આદિત્યએ પોતાના નામ સાથે સૌથી પહેલું કામ જો કંઈ કર્યું હોય તો એ હતું ‘કાબુલ એક્સપ્રેસ’નાં ગીતો લખવાનું. એ પછી તેણે ‘હાલ-એ-દિલ’, ‘ડૅડી કૂલ’ જેવી કેટલીક વાહિયાત ફિલ્મોનાં પણ ગીતો લખ્યાં, પણ આદિત્યના કામની નોંધ લેવાઈ ફિલ્મ ‘આક્રોશ’ના ડાયલૉગ્સથી. અજય દેવગનની આ ફિલ્મના ડાયલૉગ્સ વખણાયા અને આદિત્યને ડાયલૉગ્સ માટે ફિલ્મ ‘તેઝ’ મળી, જેના સ્ક્રીનપ્લેમાં પણ આદિત્યએ અમુક સૂચનો કર્યાં એટલે તેને સ્ક્રીનપ્લે લખવાનો પણ ચાન્સ મળ્યો.
આ જ સમયગાળામાં આદિત્ય રાહુલ ધોળકિયા સાથે ‘પરઝાનિયા’ સાથે પણ જોડાયો અને ફિલ્મમેકિંગની બારીકીઓ શીખ્યો તો ખ્યાતનામ સિનેમૅટોગ્રાફર અને ડિરેક્ટર સંતોષ સિવન સાથે જોડાઈને તે વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગમાં પણ માસ્ટર બન્યો. પ્રિયદર્શન માટે તો ઑલરેડી બે ફિલ્મ લખી લીધી હતી એટલે તેણે નિયમિત ફ્લોર પર જવું પડતું અને તે સેટ પરથી પણ ઘણું શીખ્યો. કહેવાનો મતલબ એ કે આદિત્ય બધું શીખ્યો અને એ પછી પણ તે કોઈનો ચીફ અસિસ્ટન્ટ કે અસોસિએટ ડિરેક્ટર બન્યો નહીં. આદિત્ય કહે છે, ‘હું જે પણ શીખ્યો એ બધું અનુભવે શીખ્યો. હું ક્યારેય અસિસ્ટન્ટની ચૅર પર બેઠો નહીં અને એટલે જ કદાચ હું ટિપિકલ ડિરેક્ટર જેવું વિચારી નહીં શકતો હોઉં.’
આદિત્યને જો તેની ફેવરિટ ફિલ્મનું નામ પૂછો તો તે તરત જ કહેશે, ‘ગર્દિશ’. આ ફિલ્મની આદિત્ય ધર પર ખાસ્સી અસર પડી છે. ફિલ્મ જોયા પછી આદિત્યએ મનોમન નક્કી કર્યું હતું કે તે પ્રિયદર્શનની જેમ આ પ્રકારની અર્થસભર ફિલ્મો લખશે-બનાવશે.
શીખવાની દાનત હોવાને લીધે ફિલ્મ પૂરી થયા પછી આદિત્ય એડિટિંગ પર પણ જતો અને ત્યાંથી ફિલ્મ-કટિંગની માસ્ટરી શીખતો થયો. નાનામાં નાની વાતો અને એ પણ પ્રૅક્ટિકલ રીતે શીખ્યો હોવાને લીધે આદિત્ય જ્યારે પહેલી વાર ડિરેક્ટરની સીટ પર બેઠો ત્યારે તેણે ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં કમાલ દેખાડી દીધી. અલબત્ત, એ કમાલ પહેલાં આદિત્યના જીવનમાં એક ઘટના એવી ઘટી જેને લીધે તેને કાશ્મીરના ઉરીમાં સૈનિકો સાથે બનેલી દુર્ઘટના અને એ પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં રસ પડ્યો.
આર યુ મૅડ?
હા, ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે આદિત્ય ધરે જ્યારે રૉની સ્ક્રૂવાલાને વિકી કૌશલનું નામ આપ્યું ત્યારે રૉનીએ તેને આ જ શબ્દો કહ્યા હતા. એનું કારણ પણ છે. વિકી કૌશલનો ચૉકલેટી બૉય લુક જ ત્યાં સુધી લોકોના ધ્યાનમાં હતો, જ્યારે આ ફિલ્મમાં તેણે સોલ્જર બનવાનું હતું. આદિત્ય સાથે કામ કરવાની તૈયારી ઑલરેડી વિકીએ દેખાડી હતી એટલે આદિત્યની ઇચ્છા હતી કે તે વિકી સાથે આગળ વધે. રૉની સ્ક્રૂવાલાનું રીઍક્શન જોયા પછી આદિત્યએ નક્કી કર્યું કે તે લવર-બૉય વિકીનું સોલ્જરમાં ટ્રાન્સફૉર્મેશન કરશે અને એવું જ બન્યું. આર્મી-ઑફિસરની સ્ટ્રૉન્ગનેસ લાવવા વિકીએ હાર્ડ ટ્રેઇનિંગ લીધી. ટ્રેઇનિંગ દરમ્યાન વિકી એકલો ન પડી જાય એટલે આદિત્ય પણ એ ટ્રેઇનિંગમાં જોડાતો. રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને આદિત્ય અને વિકી બન્ને મુંબઈના નેવલ બેઝ પર આર્મી ટ્રેઇનિંગ માટે પહોંચી જતા અને ત્યાં વિકી ગન-લોડિંગથી લઈને માર્ચિંગ, ક્રાવ માગા નામની ફાઇટિંગ ટેક્નિક શીખતો. ફિલ્મના મેજર વિહાન સિંહ શેરગિલના રોલ માટે વિકીએ અઢી મહિના આ ટ્રેઇનિંગ લીધી અને સ્ટ્રક્ચર્ડ બૉડી બનાવવાની સાથોસાથ ૧પ કિલો વજન પણ વધાર્યું. ફિલ્મમાં જે ટેક્ટિક્સ અને સ્ટ્રૅટેજી દેખાડી છે એ ક્યાંય આર્ટિફિશ્યલ ન લાગે એ માટે આદિત્ય ધર સેટ પર સ્પેશ્યલ ફોર્સના રિટાયર્ડ ઑફિસરને ખાસ હાજર રાખતો. આ ઑફિસરોને પણ સ્ટાર જેવી જ ટ્રીટમેન્ટ મળે એનું ધ્યાન આદિત્ય પોતે રાખતો, જેનો બેનિફિટ આદિત્યને એ થયો કે આજે તેની પાસે હિન્દુસ્તાનની શાન વધારે એવી આઠથી વધારે સ્ટોરી છે જે દેશભક્તિથી ભરેલી છે.
ટ્રિગર પૉઇન્ટ
બન્યું એવું કે આદિત્યએ એક ફિલ્મ લખી, જેનું ટાઇટલ હતું ‘રાત બાકી’. આ ફિલ્મ તે ડિરેક્ટ કરવા માગતો હતો, જેના માટે તેણે અલગ-અલગ પ્રોડક્શન હાઉસનો કૉન્ટૅક્ટ કર્યો. દરેક જગ્યાએથી તેની ક્ષમતા પર શંકા કરવામાં આવતી અને પછી આદિત્યએ તેના એક સમયના કૉન્ટૅક્ટ એવા કરણ જોહરનો કૉન્ટૅક્ટ કર્યો. કરણે તેને નરેશન માટે બોલાવ્યો અને આદિત્યએ ‘રાત બાકી’નું નરેશન સંભળાવ્યું. રાઇટિંગ, ડાયલૉગ્સ અને એકેક ફ્રેમની ક્લૅરિટી જોઈને કરણ ખુશ થયો અને તેણે નક્કી કર્યું કે તે પોતાની કંપની ધર્મા પ્રોડક્શન્સમાં ‘રાત બાકી’ પ્રોડ્યુસ કરશે.
આ ફિલ્મ માટે કરણ જોહરના મનમાં બે સ્ટાર હતા. એક તો પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાન અને બીજો વિકી કૌશલ. હિરોઇન ઑલરેડી લૉક થઈ, કૅટરિના કૈફ. આદિત્યએ ફવાદ અને વિકી કૌશલ બન્નેને સ્ટોરી સંભળાવી અને કરણે ફવાદ ખાન ફાઇનલ કર્યો. શૂટિંગની તૈયારીઓ શરૂ થવામાં હતી અને ત્યાં જ ઉરીમાં સેના પર હુમલો થયો અને ભારત સરકારે પાકિસ્તાની કલાકારો પર બૅન મૂકી દીધો. વાત આવી વિકી કૌશલની, પણ હવે વિકીને આ ફિલ્મ નહોતી કરવી કારણ કે તેને ઑપ્શન તરીકે ફિલ્મ ઑફર થતી હતી. વિકીએ એ સમયે આદિત્યને કમિટમેન્ટ આપ્યું કે એક ઍક્ટર તરીકે તે આદિત્ય સાથે કામ કરશે, પણ ‘રાત બાકી’ તો તે નહીં જ કરે.
આદિત્ય માટે એ તબક્કો પીડાજનક હતો. બધું રેડી હોવા છતાં પણ તેની ફિલ્મ અટકી ગઈ હતી અને આદિત્યનું દિમાગ કામ પર લાગ્યું કે ઉરીમાં એવું તે શું બન્યું કે તેની આખી કરીઅર ફરી એક વાર ચોપટ થઈ ગઈ. આદિત્યએ ઉરી ઘટના વિશે વધારે જાણવાનું શરૂ કર્યું. શરૂઆત પેપર-કટિંગ્સ અને ઇન્ટરનેટથી કરી અને આ બધું ચાલતું હતું એ વખતે સર્જિકલ સ્ટ્રાઇક પણ થઈ ચૂકી હતી એટલે એ સ્ટ્રાઇકનું સાહિત્ય પણ એકઠું કરીને તેણે વાંચવાનું શરૂ કર્યું અને જેમ-જેમ આદિત્ય એમાં ઊંડો ઊતરતો ગયો એમ-એમ તેને ‘રાત બાકી’ની લવસ્ટોરી ફાલતુ લાગવા માંડી. આદિત્ય કહે છે, ‘ઉરીની ઘટનાએ મારી અંદર એક નવો લેખક જગાડ્યો, જેને એ સમજાતું હતું કે લેખક માત્ર મનોરંજન પીરસવા માટે નહીં પણ એની સાથોસાથ તે સોસાયટીને કંઈક શ્રેષ્ઠ આપવાનું કામ પણ કરતો હોવો જોઈએ.’
આદિત્યના ડ્રીમ પ્રોજેક્ટનું ગર્ભમાં જ મરણ થયું અને આદિત્યએ છાજિયાં લેવાને બદલે ઉરીની ઘટના પર કામ કરવાનું શરૂ કરી દીધું. પોતાના રિસર્ચ દરમ્યાન આદિત્યને દિલ્હીનું બૅકગ્રાઉન્ડ ખૂબ કામ લાગ્યું અને આદિત્ય સેનાના એવા-એવા અધિકારીઓને મળ્યો જેણે તેને અંદરની વિગતો આપવાનું કામ કર્યું અને આમ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું લેખન શરૂ થયું.

દેશે એક ક્રિકેટર ગુમાવ્યો, પણ ધુરંધર ફિલ્મમેકર મેળવ્યો.
હાઉ’ઝ ધ જોશ?
આદિત્યની આ પહેલી ફિલ્મ હતી. એ લઈને આદિત્ય ફરી કરણ જોહર પાસે ગયો અને કરણે નીરસ રિસ્પૉન્સ આપ્યો. કારણ સિમ્પલ હતું. પહેલી વાર ડિરેક્શન કરતો ડિરેક્ટર અને વૉર-ફિલ્મ. વૉર-ફિલ્મનો આમ પણ સમય નથી રહ્યો એવું ટ્રેડના બિગ શૉટ્સ બકવા માંડ્યા હતા. કરણ જ નહીં, અન્ય ત્રણથી ચાર સારાં અને મોટાં પ્રોડક્શન હાઉસે પણ આ સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી નાખી અને આદિત્યને ખબર પડી કે ડિઝની સ્ટુડિયોઝને યુટીવી વેચ્યા પછી હવે રૉની સ્ક્રૂવાલા ફરીથી ફિલ્મ-પ્રોડક્શનમાં પાછા આવવા માગે છે. આદિત્યએ કૉન્ટૅક્ટ કર્યો રૉનીની અસિસ્ટન્ટ એવી સોનિયા કનવારનો અને સોનિયાને સ્ક્રિપ્ટ આપી.
રૉની સ્ક્રૂવાલા કોઈ પણ સ્ક્રિપ્ટ વાંચવામાં ૧૫ દિવસ ઓછામાં ઓછા લે, પણ આદિત્યની આ સ્ક્રિપ્ટ રૉનીએ ઓવર-ધ-નાઇટ પાસ કરી. બન્યું એમાં એવું કે રૉની ફૉરેન જતા હતા. સોનિયાએ સ્ક્રિપ્ટની પ્રિન્ટ રૉનીને આપી અને ફ્લાઇટની જર્નીમાં રોની એ સ્ક્રિપ્ટ વાંચી ગયા. તેમને સ્ક્રિપ્ટ ખૂબ ગમી. ફ્લાઇટ લૅન્ડ થઈ અને રૉનીએ ફોન કરીને સોનિયાને કહી દીધું કે આદિત્ય સાથે મીટિંગ કરીએ છીએ, આદિત્યને એટલું કહી દેજે કે હવે તે આ સ્ક્રિપ્ટ કોઈને નરેટ ન કરે. નૅચરલી આદિત્ય ખુશ હતો પણ અહીં એક એવું કનેક્શન ઊભું થવાનું હતું જે તેને ગુજરાતીઓ સાથે જોડવાનું કામ કરવાનું હતું.
રાઇટર-ડિરેક્ટર અને હવે પ્રોડ્યુસર પણ...
આદિત્ય ધરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મ રાઇટર-ડિરેક્ટર તરીકે કરી છે અને આટલી જ ફિલ્મો તેણે પ્રોડ્યુસ પણ કરી છે. વાઇફ યામીને લઈને તેણે ‘આર્ટિકલ 370’ અને ‘ધૂમધામ’ નામની ફિલ્મો લખી પણ ખરી અને પ્રોડ્યુસ પણ કરી. ‘ધૂમધામ’માં આદિત્યએ યામી ગૌતમ સાથે આપણા ગુજરાતી ઍક્ટર પ્રતીક ગાંધીને કાસ્ટ કર્યો હતો તો ટીવી-સ્ટાર માનવ કૌલને લઈને ‘બારામુલા’ પણ લખી અને પ્રોડ્યુસ કરી. નેટફ્લિક્સ અને જિયો સ્ટુડિયોઝ સાથે કૉન્ટ્રૅક્ટ મુજબ આદિત્ય ધરે હજી બન્ને માટે એકેક ફિલ્મ કરવાની છે.
કનેક્શન ગુજ્જુભાઈ
પાછા આવીને રૉની સ્ક્રૂવાલાએ આદિત્યને રૂબરૂ નરેશન માટે મળવા બોલાવ્યો અને એ મીટિંગમાં તેણે સાથે બેસાડ્યા ગુજરાતી નાટકોના જાણીતા પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલાના દીકરા અમર બુટાલાને. રૉની સ્ક્રૂવાલાની કંપનીમાં અમર બુટાલા ચીફ પ્રોગ્રામિંગ ઑફિસર અને પ્રોડક્શન હેડ હતા. અગાઉ અમરે અનેક સુપરહિટ ફિલ્મનું પ્રોડક્શન સંભાળ્યું હતું. અમર અને રૉનીએ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સાંભળી અને બન્ને એ જ મીટિંગમાં એક મત પર આવી ગયા કે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવી જોઈએ, કારણ કે એ દુનિયાને ‘નયા હિન્દુસ્તાન’ દેખાડવાનું કામ કરે છે.
હવે એક પ્રશ્ન યક્ષ બન્યો. પહેલી ફિલ્મ ડિરેક્ટ કરતા આદિત્ય ધરને આવડો મોટો પ્રોજેક્ટ હાથમાં આપવો કે પછી આદિત્યની સ્ક્રિપ્ટ માટે બહારથી કોઈ અનુભવી ડિરેક્ટર લાવવો? હવે રોલ શરૂ થયો અમર બુટાલાનો. બુટાલા અને આદિત્ય ફિલ્મમેકિંગને કેવી રીતે લિમિટેડ બજેટમાં સમાવી શકાય એના પર કામ કરવા બેસી ગયા અને અમરે આદિત્યમાં રહેલા ડિરેક્ટરને ઓળખી લીધો. લિમિટેડ બજેટ સાથે કામ કરવા માટે આદિત્ય ધર અને અમર બુટાલાએ યુરોપના સર્બિયાની કડકડતી ઠંડીમાં કાશ્મીર ઊભું કર્યું, જેણે પ્રોડક્શનનો ૪૦ ટકા ખર્ચ કાપી નાખ્યો અને રેસ્ટ ઇઝ હિસ્ટરી. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મે ૧૦૦ કરોડથી વધારે બિઝનેસ કર્યો. ફિલ્મે આદિત્યને નૅશનલ અવૉર્ડ પણ અપાવ્યો અને ફિલ્મનો એક ડાયલૉગ દરેક ટીમલીડર બોલતો થઈ ગયો : હાઉ’ઝ
ધ જોશ?
તમને જાણીને નવાઈ લાગશે પણ આ ડાયલૉગમાં વિકી કૌશલને ખાસ કંઈ નૉવેલ્ટી નહોતી દેખાઈ. તેણે આદિત્યની સાથે એ વિશે વાત પણ કરી હતી અને અમર બુટાલા-આદિત્ય ધરે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો કે આપણે એ ડાયલૉગને શૂટ કરીએ છીએ પણ જો ફિલ્મ જોતી વખતે એની ઇમ્પૅક્ટ નહીં આવતી હોય તો એડિટ-ટેબલ પર એ કાપી નાખીશું અને વિકી તૈયાર થયો. આ વર્ષોમાં ‘હાઉ’ઝ ધ જોશ?’ ડાયલૉગ એ લેવલ પર લીડર્સમાં પૉપ્યુલર થયો હતો કે ટીમ ઇન્ડિયાને લીડ કરતો મહેન્દ્રસિંહ ધોની પણ મૅચ શરૂ થતી એ પહેલાં ટીમને પૂછતો અને ટીમ કહેતી, ‘હાઈ સર!’
ધ બિગ બ્રેક
‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી આદિત્ય ધરને એ સ્તરનો બ્રેક મળ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી અને એને લીધે જ એવું બન્યું કે બધાના આઇબૉલ્સ આદિત્ય પર લાગી ગયા. મોટા ભાગના જલકૂકડાઓનું માનવું હતું કે આદિત્ય ધર ‘વન ફિલ્મ વન્ડર’ બનીને રહી જશે પણ આદિત્ય પોતાના કામ પર લાગેલો રહ્યો. તેણે એક સ્ક્રિપ્ટ પર કામ કર્યું, જેનું નામ હતું ‘ધી ઇમ્મૉર્ટલ અશ્વત્થામા’.
આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે રૉની સ્ક્રૂવાલા આગળ આવ્યા અને વિકી કૌશલે ફિલ્મ સાઇન કરી. ફિલ્મ એક સાયન્સ-ફિક્શન હતી તો સાથોસાથ એમાં પૌરાણિક વાતોને પણ સાંકળી લેવામાં આવી હતી જેને લીધે ફિલ્મમાં VFXનો ચિક્કાર ઉપયોગ હતો. આદિત્ય આ ફિલ્મમાં ક્યાંય કચાશ રાખવા માગતો નહોતો, તે ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની ફિલ્મ બનાવવા માગતો હતો જેને લીધે ફિલ્મનું બજેટ વધતું ગયું અને રૉનીની એવી તૈયારી નહોતી એટલે રૉની સ્ક્રૂવાલાની સાથે આ ફિલ્મમાં જિયો સ્ટુડિયોઝ જૉઇન થયો. જોકે નસીબ ખરાબ હોય ત્યારે ઊંટ પર બેઠા હોય ને કુરકુરિયું કરડી જાય એવો ઘાટ સર્જાયો અને કોરોનાકાળ શરૂ થયો.
લૉકડાઉન પછી નવેસરથી ફિલ્મ પર કામ તો શરૂ થયું પણ હવે કોઈ એ ફિલ્મ જૂની પ્રાઇસ સાથે કરવા રાજી નહોતું એટલે નવા બજેટ પર બેસવું પડ્યું અને ફિલ્મનું નવું બજેટ પહોંચી ગયું પાંચસો કરોડને પાર. લૉકડાઉન પછીની મંદી અને OTTનું આક્રમણ. પ્રોડ્યુસરોએ પીછેહઠ કરી અને ‘ધી ઇમ્મોર્ટલ અશ્વત્થામા’ અભેરાઈએ ચડી ગઈ.
આદિત્યના પેટમાં તેલ રેડાયું પણ ઇન્ડસ્ટ્રીમાં અઢળક લોકો હતા જેને હૈયે ટાઢક થઈ હતી. જોકે આદિત્ય અટક્યો નહીં અને તેણે નવા સબ્જેક્ટ માટે રિસર્ચ ચાલુ રાખ્યું અને એ રિસર્ચ દરમ્યાન તેને સ્પાય-થ્રિલર એક એવી સ્ટોરી મળી જેમાં અન્ડરકવર એજન્ટની વાત હતી. અન્ડરકવર એજન્ટની વાત નવી નહોતી. બૉલીવુડમાં ‘એક થા ટાઇગર’ના નામે ફિક્શનલ અન્ડરકવર એજન્ટ આવી ગયો હતો તો ‘પઠાન’ની અનાઉન્સમેન્ટ પણ થઈ ગઈ હતી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના માંધાતાઓને ખબર પણ પડી ગઈ હતી કે યશરાજ ફિલ્મ્સ ઑલરેડી પોતાની એક સ્પાય-ફૅન્ચાઇઝી ઊભી કરવાની દિશામાં આગળ વધે છે અને બીજી બે ફિલ્મ લખાવી રહ્યા છે. એવામાં અન્ડરકવર એજન્ટની વાર્તામાં કોણ હાથ નાખવાનું?
કહેવત છેને, આપ મૂઆ વિના સ્વર્ગ નહીં. બસ, આદિત્યએ આ જ કહેવતનું પાલન કર્યું.
ઓપનિંગ ઑફ B62
આદિત્ય ધરે પોતાના ભાઈ લોકેશ સાથે પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું, જેનું નામ રાખ્યું B62. આ નામ પાછળની કહાની પણ ઇન્ટરેસ્ટિંગ છે. આદિત્ય જે ઘરમાં મોટો થયો એ દિલ્હીના ઘરનો નંબર આ જ B62 છે. આદિત્યએ એ ઘરમાં ઍક્ટર-ડિરેક્ટર બનવાનાં સપનાં જોયાં હતાં એટલે તેણે ઘરના એ નંબરને જ પ્રોડક્શન-હાઉસનો નંબર બનાવ્યો અને કામ શરૂ થયું.
અત્યાર સુધી બૉલીવુડમાં જે રીતે અન્ડરકવર એજન્ટની સ્ટોરી કહેવાઈ હતી એ સ્ટોરીથી આદિત્યના રિસર્ચમાં મહત્ત્વનું યોગદાન દેનારાઓ ખુશ નહોતા. તેમને લાગતું હતું કે એ ફિલ્મોને એટલી ગ્લૉરિફાઇ કરી નાખવામાં આવી છે કે એમાં દૂર-દૂર સુધી વાસ્તવિકતાનો છાંટો રહ્યો નથી, જ્યારે અન્ડરકવર એજન્ટ એકદમ સામાન્ય કહેવાય એવો કૉમન મૅન હોય છે નહીં કે ટાઇગર કે પઠાન જેવાં કૅરૅક્ટર. આદિત્યએ નક્કી કર્યું કે તે રિયલિસ્ટિક લેવલ પર જ કામ કરશે અને અન્ડરકવર એજન્ટની સાચી દુનિયા દેખાડશે.
હવે ઓપન સીક્રેટ છે કે આદિત્યને ‘ધુરંધર’ની કથા નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર એવા અજિત ડોભાલ પાસેથી મળી છે. આખી સ્ટોરી ડેવલપ કરીને આદિત્ય રણવીર સિંહને સૌથી પહેલાં મળ્યો અને રણવીર આ સ્ટોરી સાંભળતાં જ ઊછળી પડ્યો. અરે હા, કહેવાનું રહી ગયું કે આ સ્ટોરી જ્યારે રણવીરને સંભળાવવામાં આવી ત્યારે એનું ટાઇટલ હતું ‘ધ કૉમન મૅન’. સ્ટોરી સંભળાવ્યા પછી રણવીર અને આદિત્ય ધર એમ જ બેઠા વાતો કરતા હતા, જેમાં જૂની વાતો નીકળી અને આદિત્યના મોઢે રણવીરે ‘ધુરંધર’ શબ્દ સાંભળ્યો અને રણવીરે સજેસ્ટ કર્યું કે આ જ ફિલ્મનું ટાઇટલ હોવું જોઈએ.
ઘણાને મનમાં પ્રશ્ન છે કે ‘ધુરંધર’ લઈને આદિત્ય શું કામ પોતાના પહેલા પ્રોડ્યુસર એવા રૉની સ્ક્રૂવાલા પાસે ગયો નહીં. એનો જવાબ છે રૉનીનો જ ટ્રૅક-રેકૉર્ડ. રૉની સ્ક્રૂવાલાએ પોતાની ફિલ્મ-કરીઅરમાં હંમેશાં અન્ડરવર્લ્ડની ફિલ્મથી ડિસ્ટન્સ રાખ્યું છે. જિયો સ્ટુડિયોઝની જ્યોતિ દેશપાંડેએ સ્ક્રિપ્ટ અને રણવીર સિંહ લીડ રોલ કરવા તૈયાર છે એ સાંભળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની તૈયારી દર્શાવી અને ધરનું ‘ધુરંધર’નું કામ શરૂ થયું.
હાઈ સર!
આદિત્ય ધર સાથે જોડાયેલા લોકોની વાત માનીએ તો ‘ધુરંધર’ પહેલાં બે ભાગમાં નહોતી બનવાની, પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું એ દરમ્યાન બધાને લાગવા માંડ્યું કે ફિલ્મની લેન્ગ્થ લાંબી છે અને બે શેડ્યુલ વચ્ચેના ગૅપમાં આદિત્યએ નિર્ણય લીધો કે તે ફિલ્મને બે ભાગમાં બનાવશે. બીજા ભાગ માટે સ્ક્રિપ્ટમાં જરૂરી હતા એ ઍડિશન કરવામાં આવ્યા અને નક્કી થયું કે પહેલી ફિલ્મ રહેમાન ડકૈતના મોત પર પૂરી કરવી. જોકે ફિલ્મ બે ભાગમાં બનાવવાના વિચારને એક જ મોટી અડચણ નડતી હતી અને એ હતું બજેટ. જિયો સ્ટુડિયોઝને આ વાત સાથે કન્વિન્સ કરવાનું કામ રણવીર સિંહે કર્યું પણ એ કરતાં પહેલાં રણવીરે શૂટ થયેલી ફિલ્મ જોઈ. આદિત્યના કામ પર તેને વિશ્વાસ આવ્યો અને જિયોની જવાબદારી તેણે લીધી.
