રીવા રાઠોડની અદ્ભુત ગાયકી, પિયાનોવાદન અને સંગીત રચનાથી પ્રભાવિત લતા મંગેશકરે તેમને ‘મ્યુઝિકલ જિનીયસ’ ગણાવ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય મંચથી લઈને લતાજીના વિશેષ સન્માન સુધીની તેમની સંગીતયાત્રા જાણીએ.
લતા મંગેશકર સાથે રિવા રાઠોર.
એ હકીકત છે કે મનુષ્યની ૩ મુખ્ય જરૂરિયાત એટલે રોટી, કપડાં અને મકાન. હું એમ માનું છું કે એમાં સંગીત પણ ઉમેરવું જોઈએ. ફ્રૅડરિક નિત્શે કહે છે, ‘Without music life would be a mistake.’ ક્યાંક વાંચ્યું હતું, ‘One good thing about music is, when it hits you, you feel no pain.’
એટલે જ રીવા રાઠોડની ગાયકીથી ઘાયલ થયેલા ઉસ્તાદ ઝાકિર હુસેને તેણે ગાયેલી બંદીશ ‘સાંવલ મોર મોહારા’નું મ્યુઝિક કમ્પોઝ કર્યું. એ બંદીશને ઇન્ટરનૅશનલ ફ્લેવર આપવા એમાં સ્પૅનિશ અને ઇંગ્લિશ verses ઉમેર્યા. તબલાં અને સેક્સોફોનની અનોખી જુગલબંધીએ સોનામાં સુગંધ ઉમેરી. આ ગીત ઝી મ્યુઝિક દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. રીવાની ગાયકી અને તેની રજૂઆતની વિદેશી મ્યુઝિક કંપનીઓએ નોંધ લીધી.
પૅરિસની Budhdha Bar Lounge મ્યુઝિક કંપનીના હેડ ડી. જે. રેવિને રીવાને ઑફર આપી, ‘અમારા હવે પછીના આલબમમાં તારે જ ગાવાનું છે, લખવાનું છે અને કમ્પોઝ કરવાનું છે.’ આમ રીવાના ૧૪થી ૧૫ ટ્રૅક રેકૉર્ડ થયા જે લોકપ્રિય થયા.
૨૦૨૦માં કોવિડના સમય દરમ્યાન Jasmine Flower (એક ચાઇનીઝ લોકગીત જે વિશ્વભરમાં પ્રખ્યાત છે) નામની ઑનલાઇન કૉન્સર્ટમાં રીવાએ પોતાના સ્વરમાં ગીતોની રજૂઆત કરી જેમાં વિદેશના અનેક દિગ્ગજ મ્યુઝિશ્યન્સ જેવા કે Lang Lang (ચાઇનીઝ પિયાનોવાદક), Kenny g (અમેરિકન સેક્સોફોન વાદક), Eldbjorg (નૉર્વેના વાયોલિનવાદક), Anna Hu (ચેલોવાદક) અને Rose Chan (કમ્પોઝર અને પિયાનોવાદક)એ તેની સાથે સંગત કરી હતી.
રીવા ઇન્ટરનૅશનલ સ્ટાર બની ગઈ. કેવળ ભારતીય સંગીત જ નહીં, વિશ્વસંગીતમાં તેણે પોતાની ઑલ-રાઉન્ડ પ્રતિભા દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિની ભારતીય સંગીતની દુનિયાએ ભાગ્યે જ નોંધ લીધી છે.
એક આડ વાત કરવી છે. અમારા બન્ને પરિવાર વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે એટલે નહીં, એક સંગીતપ્રેમી તરીકે ઇન્ડસ્ટ્રીના સંગીતના માંધાતાઓ સામે મારી એક ફરિયાદ છે. ફિલ્મ ‘બૉર્ડર’નું ‘સંદેસે આતે હૈં’ રૂપકુમાર અને સોનુ નિગમના સ્વરમાં રેકૉર્ડ થયું. આશ્ચર્યની વાત એ છે કે આ ગીત માટે કેવળ સોનુ નિગમને અવૉર્ડ મળ્યો અને રૂપકુમાર રાઠોડની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. આ વાત મારી નહીં, સૌની સમજની બહાર છે. સોનુ નિગમે પણ આ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો. આ ગીતની અંતિમ પંક્તિ છે ‘મૈં વાપસ આઉંગા’. અને એવું જ બન્યું. ૨૦૨૫માં આવેલી ‘બૉર્ડર 2’માં ‘ઘર કબ આઓગે’ રેકૉર્ડ થયું (જે આગલા ગીતનું એક્સ્ટેન્શન હતું). સોનુ નિગમ અને રૂપકુમાર રાઠોડે ફરી એક વાર આ ગીતમાં ધૂમ મચાવી.
ફરી પાછા રીવા રાઠોડના સંગીતની વાત કરીએ. રાઠોડ પરિવાર અને એમાં પણ રીવા પ્રત્યે લતાજીને અનહદ પ્રેમ અને લગાવ હતો. એની વાત કરતાં રૂપકુમાર રાઠોડ કહે છે, ‘હૃદયનાથજી થોડાં વર્ષોથી પુણે શિફ્ટ થયા છે. નાદુરસ્ત તબિયતને કારણે તેમનું મુંબઈ આવવાનું ઓછું થાય. કોઈ વાર અચાનક ઘરે આવી ચડે અને કલાકો સુધી ગપ્પાંગોષ્ઠિ થાય.’
એક દિવસ આવ્યા અને રીવાને પૂછ્યું, ‘કેવો ચાલે છે તારો રિયાઝ? કંઈક સંભળાવ.’ રીવા એ દિવસોમાં લૉસ ઍન્જલસમાં વેસ્ટર્ન ક્લાસિકલનો કોર્સ પૂરો કરીને આવી હતી. તેની ગાયકી સાંભળીને હૃદયનાથજી ખૂબ પ્રભાવિત થયા. તેમણે દીદીને (લતાજીને) વાત કરી. ‘આવી કમાલની ગાયકી મેં સાંભળી નથી.’ દીદીએ રિવાને ઘરે બોલાવી. રીવાએ તેમની સમક્ષ સલામત અલી ખાનની ઠૂમરીની રજૂઆત કરી. દીદી તેમના મોટા ફૅન છે. રીવાની ગાયકી સાંભળીને દીદી અભિભૂત થઈને બોલ્યાં, ‘આ તો ઈશ્વરનું વરદાન છે. રીવા એક મ્યુઝિકલ જિનીયસ છે. હું આને દુનિયા સમક્ષ રજૂ કરીશ.’
તેમણે હૃદયનાથજીને કહ્યું, ‘રીવાની પ્રતિભાને ઉજાગર કરવા એક કાર્યક્રમનું આયોજન કરીએ.’ આ સન્માન પ્રાપ્ત કરનાર રીવા પ્રથમ અને આખરી કલાકાર છે. ૨૦૧૯ની ૧૭ જાન્યુઆરીની રાત્રે દિનાનાથ મંગેશકર ઑડિટોરિયમમાં આજ સુધી ન થયો હોય એવા ‘Lata Mangeshkar presents Reeva Rathod’ કાર્યક્રમનું આયોજન થયું. નાદુરસ્ત તબિયતને કારણે તેમણે વિડિયો-કૉલ દ્વારા શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું...
‘નમસ્કાર, આજ મૈં આપકે સામને એક ગુણી કલાકાર કો પેશ કર રહી હૂં જિનકા નામ હૈ રીવા રાઠોડ. યે બહુત સુંદર પિયાનો બજાતી હૈં, હર ભાષા મેં ગાતી હૈં ઔર ખુદ મ્યુઝિક બનાતી હૈં. ઇસમેં હર તરહ કે ગુણ હૈં. યે એક બેહતરીન કલાકાર હૈં. મૈં ઉમ્મીદ કરતી હૂં આપ ઇસે પસંદ કરેંગે. રીવા, મૈં તુમ્હેં આશીર્વાદ દેતી હૂં કી તુમ હમેશા યશસ્વી રહો.’
હૃદયનાથજી અને ઉષા મંગેશકર સહિત સંગીતના દિગ્ગજ કલાકારો અને ઇન્ડસ્ટ્રીના સંગીતકારોની આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હતી. રીવાએ લતાજીના વિશ્વાસને સાર્થક કરતાં ઠૂમરી, ભાવગીત, કર્ણાટક સંગીત, હિન્દી ફિલ્મી ગીતો, ગઝલ, પૉપ સૉન્ગ્સની રજૂઆત કરી. આ ઉપરાંત પિયાનો પર પર્ફોર્મન્સ આપ્યો.
ત્યાર બાદ લતાજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, ‘મારી આપને વિનંતી છે કે ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે રીવા લંડનના આલ્બર્ટ હૉલમાં એક કાર્યક્રમ પ્રસ્તુત કરે. રીવા આજના યુવાન ભારતનું પ્રતીક છે. તેને મોકો આપવા હું આપને ખાસ આગ્રહ કરું છું.’
રીવાના નાનપણનો લતાજી સાથે સંકળાયેલો એક કિસ્સો રૂપકુમારે મારી સાથે શૅર કર્યો એ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...
રીવા ૧૨-૧૩ વર્ષની હતી ત્યારની આ વાત છે. મારો અને સુનાલીનો જયહિન્દ કૉલેજમાં કાર્યક્રમ હતો. શરૂઆત થાય એ પહેલાં જ સમાચાર મળ્યા કે હૉર્સરાઇડિંગ કરતાં તેનો અકસ્માત થયો છે અને રીવા બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને નાનપણથી આ શોખ એટલે ઘણી વાર સવારે ટ્રેઇનિંગ લેવા રેસકોર્સ જાય. એ દિવસે સાંજે ગઈ અને તોફાની ઘોડાએ નીચે પટકી દીધી. સમાચાર સાંભળીને સુનાલી કાર્યક્રમ છોડીને તરત હૉસ્પિટલ જવા રવાના થઈ. ત્યાં પહોંચીને તેણે મેસેજ મોકલાવ્યો કે ઈજા ગંભીર નથી. એટલે શો મસ્ટ ગો ઑન સમજીને મેં કાર્યક્રમ પૂરો કર્યો.
હું બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યારે રીવા ભાનમાં નહોતી. થોડા સમય બાદ તે કોમામાં સરી ગઈ. એ સમય ઘણો કઠિન હતો. લતાદીદી પણ ખૂબ પરેશાન હતાં. નસીબજોગે ચાર-પાંચ દિવસ પછી તે ભાનમાં આવી. ડિસ્ચાર્જ કરતાં પહેલાં MRI કરાવ્યો. ડૉક્ટર કહે, ‘સારા સમાચાર નથી. મગજમાં એક ગાંઠ લાગે છે. ઑપરેશન કરાવવું પડશે. સાંજે ડીટેલમાં રિપોર્ટ આવે પછી નિર્ણય લઈએ.’
આટલું સાંભળતાં જ અમે બન્ને ભાંગી પડ્યાં. હવે શું થશે? એવા અનેક વિચારો મગજમાં ચાલતા હતા ત્યાં જ દીદીનો ફોન આવ્યો. અમારી વાત સાંભળીને તેમણે કહ્યું, ‘મને પાંચ મિનિટ આપો. હું ફોન કરું છું.’
જમ્મુમાં એક સંતપુરુષ છે જેના પર દીદીને ખૂબ શ્રદ્ધા હતી. તેમને ફોન કરીને દીદીએ પૂરી વાત કરી, ‘સ્વામીજી, બચ્ચી ઠીક તો હો જાએગી ના?’ સ્વામીજીએ ધ્યાન ધર્યું અને ઉત્તર આપ્યો, ‘આપ ફિકર મત કરો. જો ગાંઠ હૈ વો બ્રેઇન મેં નહીં, સ્કલ મેં જો ફ્લુઇડ હૈ ઉસમેં હૈં. ધીરે-ધીરે નિકલ જાએગી. ઑપરેશન કી કોઈ ઝરૂરત નહીં હૈ.’
તરત દીદીનો ફોન આવ્યો. અમને ધરપત આપી. અમે હળવા થઈ ગયા. સાંજે ડૉક્ટરે બાબાના શબ્દો રિપીટ કરતાં કહ્યું, ‘ઑપરેશનની જરૂર નથી. ગોળીઓથી બધું સારું થઈ જશે.’ અમે નસીબદાર છીએ કે દીદી સંકટના સમયમાં અમારા માટે એક મોટો સધિયારો હતાં.
રાઠોડ પરિવાર અને લતાજીના સંબંધના અનેક રસપ્રદ કિસ્સાઓ છે. એ વાતો આવતા રવિવારે શૅર કરીને આ શ્રેણી સમાપ્ત કરીશું.
