મીરાએ કુટુંબની જવાબદારીઓ સંભાળવાની સાથે-સાથે પોતાનો બિઝનેસ ઊભો કર્યો હતો. ગ્રાહકોની સંખ્યા વધતી હતી, વેચાણમાં વૃદ્ધિ થતી હતી અને સોશ્યલ મીડિયા પર પણ તેના કામની પ્રશંસા થતી હતી.
પ્રતીકાત્મક તસવીર
મીરાએ કુટુંબની જવાબદારીઓ સંભાળવાની સાથે-સાથે પોતાનો બિઝનેસ ઊભો કર્યો હતો. ગ્રાહકોની સંખ્યા વધતી હતી, વેચાણમાં વૃદ્ધિ થતી હતી અને સોશ્યલ મીડિયા પર પણ તેના કામની પ્રશંસા થતી હતી. આમ છતાં તેને વિચાર આવ્યો કે શું આ બધી સફળતા ખરેખર તેના વ્યવસાયને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે? આ સવાલ ઉપસ્થિત થતાં જ તેણે આ દિવાળીએ માત્ર ઘરની સફાઈ જ નહીં, પોતાના વ્યવસાયની ખામીઓ દૂર કરવાનો પણ સંકલ્પ કર્યો.
સૌપ્રથમ તેણે નક્કી કર્યું કે હવેથી તે વેચાણના આંકડા જોઈને જ સંતોષ નહીં માને. આવકની સાથે ખર્ચ અને વાસ્તવિક નફાની પણ નિયમિત સમીક્ષા કરશે. ઑર્ડરનો ઢગલો હોય, પરંતુ વધતા ખર્ચને કારણે નફો ઘટતો હોય તો એનો કોઈ અર્થ નથી.
બીજું, તેણે ઘરખર્ચ અને બિઝનેસની મૂડી વચ્ચે સ્પષ્ટ ભેદ રાખવાનું નક્કી કર્યું. પોતાના માટે યોગ્ય મહેનતાણું નક્કી કરવું, કરવેરા માટે નાણાં અલગ રાખવાં અને વ્યવસાયના વિકાસ માટે નફાનો અમુક હિસ્સો બચાવી રાખવો એ બાબતોને તેણે પોતાની પ્રાથમિકતા બનાવી. આમ કરીને તેણે બિઝનેસની વર્કિંગ કૅપિટલ પરથી બિનજરૂરી બોજ હટાવવાનું કામ કર્યું.
ત્રીજું, સોશ્યલ મીડિયા પર મળતી લોકપ્રિયતાને સફળતાનો એકમાત્ર માપદંડ ન ગણવાનું તેણે નક્કી કર્યું. વ્યુઝ અને ફૉલોઅર્સથી પ્રસિદ્ધિ મળી શકે; પરંતુ વફાદાર ગ્રાહકો, ઉપયોગી સંપત્તિ અને જરૂરિયાતના સમયે કામ આવે એવું રોકડ ભંડોળ વ્યવસાયને સાચી તાકાત આપે છે.
સમયસર ચુકવણી પણ તેની યોજનાનો મહત્ત્વનો ભાગ બની. ગ્રાહકોને ઉધારની શરતો સ્પષ્ટ જણાવવી અને સમયસર ચુકવણીની યાદ અપાવવી જરૂરી છે. એ જ રીતે કર્મચારીઓ અને સપ્લાયરોને વચન મુજબ ચુકવણી કરવાથી વિશ્વાસ જળવાય છે અને બીજાની આર્થિક મુશ્કેલીઓનું કારણ બનવાનું ટાળી શકાય છે.
બિઝનેસના વિસ્તરણ માટે પણ મીરાએ સમજદારીપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું. બીજા કોઈનો ધંધો ઝડપથી વિકસી રહ્યો છે એટલે પોતે પણ મોટું રોકાણ કરે એ યોગ્ય નથી. વેચાણ ઘટે તો પણ નવું રોકાણ પોસાય એમ છે કે નહીં એ તપાસ્યા પછી જ નિર્ણય લેવો જોઈએ.
મીરાને એ પણ સમજાયું કે બિઝનેસ માત્ર માલિકની રોજિંદી હાજરી પર આધારિત ન રહેવો જોઈએ. કામકાજની પ્રક્રિયાઓ, માલિકી અને નાણાકીય દસ્તાવેજો વ્યવસ્થિત રાખવા; સક્ષમ સહયોગીઓ તૈયાર કરવા અને ભવિષ્યમાં જવાબદારી કોને સોંપવી એનું આયોજન કરવું પણ જરૂરી છે.
ભારતમાં નોંધાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME એટલે કે માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ)માંથી 3૭.૬ ટકા મહિલા માલિકીના છે; જ્યારે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP)માં આ ક્ષેત્રનો ફાળો ૩૧.૧ ટકા છે. આ આંકડા દર્શાવે છે કે મહિલા ઉદ્યોગસાહસિકો માત્ર પોતાનું ગુજરાન ચલાવતી નથી, રોજગારસર્જન અને દેશની આર્થિક પ્રગતિમાં પણ યોગદાન આપે છે.
આ દિવાળીએ લક્ષ્મીપૂજનની સાથે એવો સંકલ્પ કરીએ કે આપણો બિઝનેસ ગ્રાહકોને સારું મૂલ્ય આપે, કર્મચારીઓને સન્માન આપે અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવે; કારણ કે સાચી સમૃદ્ધિ માત્ર વધુ કમાવામાં નથી, કમાયેલી સંપત્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને વ્યવસાયને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં છે.
