આજની તારીખે સપરિવાર એકફિલ્મ જોવા જાય તો ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચ વ્યક્તિને થિયેટરથી દૂર લઈ જઈ રહ્યો છે અને એની સામે OTT અને પાઇરસીની નજીક લાવી રહ્યો છે. આ સિનેમાની પ્રગતિ છે કે અધોગતિ એ વિચારવું રહ્યું.
પ્રતીકાત્મક તસવીર
લેખકોના જીવનમાં સોશ્યલ મીડિયા ઘણા બદલાવ લાવ્યું છે. ગુજરાતી લેખકો છાપાંઓ દ્વારા જન-જન સુધી પહોંચે છે, પરંતુ એક સમયે વાચકો લેખકો સુધી સરળતાથી પહોંચી શકતા નહીં. આજે સોશ્યલ મીડિયા દ્વારા એ માર્ગ ખુલ્લો થયો છે. લોકોને શું ગમ્યું અને શું ન ગમ્યું એ તરત પોતાના લેખક સુધી તેઓ પહોંચાડી શકે છે. સાચું કહું તો ખૂબ આનંદ થાય છે. વન-વેને બદલે ટુ-વે કમ્યુનિકેશન સધાય ત્યારે એ કમ્યુનિકેશનની અસર વધુ થાય છે. કોવિડ પછી ગુજરાતી છાપાંઓ વૉટ્સઍપ દ્વારા પણ ઘણાં વંચાઈ રહ્યાં છે. લેખ ફોન પર વાંચનારા લોકોનો વર્ગ પણ વધી રહ્યો છે. ‘લિમિટેડ ટેન પોસ્ટ’ જેવાં પ્લૅટફૉર્મ આજે આપણી પાસે છે જેના દ્વારા હજારો લોકોને વૉટ્સઍપ પર ગુજરાતી લેખો મોકલવામાં આવે છે. આ જ રીતે મારો એક લેખ કોઈ વાચક સુધી પહોંચ્યો. હાલમાં જ્યારે ‘આલ્ફા’ રિલીઝ થઈ ત્યારે મેં એ વાત ઉજાગર કરી હતી કે રિવ્યુ જોઈને ફિલ્મ જોવી કે ન જોવીનો નિર્ણય લેવા કરતાં ટ્રેલર જોઈને એવું ખુદ કેમ નક્કી ન કરી શકાય કે મારે ફિલ્મ જોવી છે કે નહીં. અહીં રિવ્યુ જોવાને કારણે થતા નુકસાનની મેં વાત કરેલી. મેં કહેલું કે દરેક કલામાં એટલું કૌવત છે કે એમાંથી દરેક વ્યક્તિને પોતાની પાત્રતા મુજબ, તેની પસંદગી મુજબ કંઈક ને કંઈક મળી જ રહેવાનું. તો કોઈ પણ વ્યક્તિએ આપેલા રિવ્યુથી આપણે આપણો અનોખો અનુભવ ગુમાવવો ન જોઈએ કે ખરાબ ન કરવો જોઈએ. આ વાત સાથે સહમત થતાં અઢળક મેસેજ વચ્ચે ઘાટકોપરથી બાળકોને ટ્યુશન ભણાવતાં એક વાચક અને સિંગલ મધર એવાં નેહાબહેનનો એક લાંબોલચક વૉઇસ મેસેજ આવ્યો હતો. ‘જિગીષા, તમે કહો છો કે કોઈના રિવ્યુ સાંભળીને ફિલ્મ જોવા જઈએ તો કલાનું અને આપણા અનુભવનું નુકસાન થાય છે, પણ જો રિવ્યુ જોયા વગર જઈએ તો જાતમહેનતે કમાયેલા રૂપિયાનું નુકસાન થાય છે એનું શું? હું મહિને માંડ પચાસ હજાર રૂપિયા કમાઉં છું. એક ફિલ્મ જોવા જવાનું વિચારું તો એક દિવસના ૨૦૦૦ રૂપિયા મારે ખર્ચ કરવા રહ્યા. મારે શનિ-રવિમાં રજા હોય ત્યારે જ ફિલ્મ જોઈ શકાય, પણ એ દિવસોમાં જ ટિકિટોના ભાવ આસમાને હોય છે. ૩૫૦થી લઈને ૭૦૦ સુધીની ટિકિટ ખરીદતાં જીવ કેવો ખેંચાય છે! પૉપકૉર્ન જેવી સસ્તી વસ્તુ થિયેટરવાળા ૪૨૦ રૂપિયામાં વેચે છે ત્યારે તમને ખબર છે કે તમારી જોડે ચારસોવીસી થઈ રહી છે છતાં કેટલીક વાર બાળકના શોખ ખાતર પણ એ મોંઘા પૉપકૉર્ન ખરીદવા પડે છે. જ્યારે બાળકને ખિજાઈને કહેવું પડે કે થિયેટરમાં કશું ખાવાનું નથી, આપણે અહીંથી નીકળીને જ ખાઈશું ત્યારે તેના પડી ગયેલા મોઢાને જોઈને કેટલું દુખ થાય મને કે શું કહું? ઘણી વાર તો એ ગીલ્ટમાં તેમનો અતિ મોંઘો પીત્ઝા પણ મેં ખરીદ્યો છે. આ બધામાં એ ફિલ્મ ખરાબ નીકળી તો એ ૨૦૦૦ રૂપિયા વેડફવાના મારા દુઃખનું હું શું કરું? ફિલ્મ સારી નીકળે તો ખર્ચેલા ૨૦૦૦ આખરે ઓછા. એટલે હું તો રિવ્યુ જોઈને જ ફિલ્મ જોવા જાઉં છું.’ એક સમયે આંખ બંધ કરીને ફિલ્મોને પ્રેમ કરતી ભારતીય પ્રજાનો પ્રેમ આજના સમયમાં કેમ રિવ્યુ પર આધારિત થઈ ગયો છે એ પ્રશ્નનો જવાબ નેહાએ પોતાની વાતમાં આપી દીધો હતો.
દાદાસાહેબ ફાળકેએ વધુ લોકો સુધી એકસાથે પહોંચવા માટે જ ફિલ્મ-મેકિંગની શરૂઆત કરી હતી. આ કલા એવી તો લોકપ્રિય થઈ કે હિન્દુસ્તાનના જન-જન સુધી એ પહોંચી. રિક્ષાચાલકથી લઈને કરોડપતિ વ્યાપારી સુધી, ગામડાની ગોરીથી લઈને શહેરીની છોરી સુધી, ૩ વર્ષના નાના બાળકથી લઈને ૯૦ વર્ષનાં માજી સુધી, એક નાચતા-ગાતા એક્સ્ટ્રોવર્ટથી લઈને રૂમમાં પુરાઈ રહેનારા ઇન્ટ્રોવર્ટ સુધી બધા લોકો ફિલ્મોના ચાહકો છે. ફિલ્મોએ આ દેશના દરેક યુવાનને પ્રેમ કરતાં શીખવ્યો છે, પોતાની કપરી જિંદગીને હિંમતથી જીવી લેવાનું બળ આપ્યું છે, બધાં જ દુખોને બાજુ પર મૂકીને પેટ પકડીને હસાવ્યા છે અને મનના કોઈ ખૂણે દબાવી રાખેલાં ઇમોશન્સને આંસુરૂપે બહાર લાવીને થેરપીનું કામ પણ કર્યું છે.
આજે પણ ભારતમાં સિનેમા માટેનો પ્રેમ અઢળક છે, અદ્ભુત છે; પણ ઘણાં બધાં જુદાં-જુદાં કારણોસર એક સામાન્ય માણસથી આ આર્ટ ફૉર્મ દૂર થઈ રહ્યું છે જેમાં સૌથી મોટો વાંક મલ્ટિપ્લેકસની ટિકિટોના તોતિંગ ભાવનો છે. એક સમયે ૧૦-૨૦ રૂપિયાની ટિકિટોમાં ગરીબ વ્યક્તિને પણ ફિલ્મો જોવાનો હક હતો. આજે એક મિડલ-ક્લાસ વ્યક્તિ પણ દરેક ફિલ્મ જોઈ નથી શકતી, કારણ કે ૨૫૦-૫૦૦ રૂપિયાની એક ટિકિટ તેને કઈ રીતે પોસાય? હિન્દુસ્તાનની પ્રજા જે લગભગ દર અઠવાડિયે એક ફિલ્મ જોતી હતી એ આજે રાહ જોતી થઈ ગઈ છે કે મારે આ ફિલ્મ જોવી તો છે, પણ OTT પર આવશે ત્યારે જોઈ લઈશ. દર અઠવાડિયે તેનો તૈયાર થઈને બહાર જવાનો, ફિલ્મો જોવાનો ચાર્મ ખોવાઈ ગયો. આજે આપણે રડીએ છીએ કે ઑડિયન્સ થિયેટરમાં આવતું નથી, પણ એનું કારણ એ છે કે એક માસ મીડિયમને આજે એક લક્ઝરી મીડિયમ બનાવી દેવામાં આવ્યું છે.
શાસ્ત્રીય સંગીત એક સમયે ફક્ત રાજાના દરબારની શાન ગણાતું ત્યારે હિન્દુસ્તાનનું સંગીત હોવા છતાં સામાન્ય પ્રજાથી એને દૂર રાખવામાં આવ્યું હતું. આજે આપણે આપણા આ સંગીતની ધરોહરને બચાવવા માટે જે સ્ટ્રગલ કરી રહ્યા છીએ એની પાછળનાં કારણોમાં આ એક મહત્ત્વનું કારણ ગણી શકાય છે. આ સાંભળીને કોઈ કહે કે શાસ્ત્રીય સંગીતનો જન્મ મનોરંજન માટે નહોતો થયો તો એ પણ સ્વીકારીએ, પણ ફિલ્મોનો તો જન્મ જ લોકોના મનોરંજન માટે થયો હતો. એ એનો એકમાત્ર હેતુ હતો અને છે. હા, માની શકાય કે આ એક બિઝનેસ છે અને એમાંથી કમાણી કરવી જરૂરી છે, પણ ઓછા ગ્રાહકો સુધી પહોંચીને થતી આ કમાણી આ આર્ટ ફૉર્મને કઈ રીતે ટકવામાં મદદરૂપ થશે? આજે આપણી ફિલ્મો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ધૂમ મચાવી રહી છે, ૧૦૦-૧૦૦૦ કરોડ સુધી કમાઈ રહી છે; પણ એક સામાન્ય ભારતીય પાસેથી તેનું મનગમતું મનોરંજન છીનવી લીધા પછી મળેલી આ કહેવાતી સક્સેસ ફિલ્મોની પ્રગતિ દર્શાવે છે કે અધોગતિ એ વિચારવું રહ્યું.
