Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્યાંક આપણે આપણી છદ‍્મવીરતાના ભ્રમમાં તો નથી જીવી રહ્યાને?

ક્યાંક આપણે આપણી છદ‍્મવીરતાના ભ્રમમાં તો નથી જીવી રહ્યાને?

Published : 19 August, 2026 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ઇતિહાસમાં વીરતાની ગાથાઓ સાથે છુપાયેલી વિસંગતતાઓને સમજતો આ લેખ બતાવે છે કે સાચી વીરતા માત્ર પૂર્વજોના ગુણગાનમાં નહીં, પરંતુ એકતા, સ્વાભિમાન અને સિદ્ધાંતો પર અડગ રહેવામાં છે.

રાજેશ ચાવડા

રાજેશ ચાવડા


તાજેતરમાં જ આપણે સ્વતંત્રતાપર્વની ભવ્ય ઉજવણી કરી. અનેક મંચો પરથી દેશ માટે બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં શૌર્યરસ અને વીરરસની વાતો ગૂંજી, કાવ્યપઠન થયું. જોકે આ ગૌરવગાન વચ્ચે કદાચ એ કડવો સવાલ પુછાતો રહી ગયો કે આપણે સદીઓ સુધી ગુલામીની જંજીરોમાં કેમ જકડાયેલા રહ્યા? ખરેખર તો જ્યાં પરાક્રમની વાતો થઈ ત્યાં આપણી ‘છદ‍્મવીરતા’નું આત્મનિરીક્ષણ પણ થવું જોઈતું હતું.
એમ તો ઘણાને છદ‍્મવીરતાની વ્યાખ્યા ખબર જ હશે. પરંતુ એમ છતાં લેખની શરૂઆતમાં જ છદ‍્મવીરતાની વ્યાખ્યા જણાવી દઉં એટલે આપ સૌને લેખ વાંચવાની મજા આવે. છદ‍્મવીરતા એટલે ખોટી, બનાવટી અથવા માત્ર દાવા પૂરતી વીરતા. સરળ ભાષામાં કહીએ તો ક્યાંક વાંચેલી કે કોઈએ કહેલી વાતોના આધારે પોતાની જાતને શૂરવીર માનવાનો ભ્રમ.
આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે ભારત શૂરવીરોની ભૂમિ છે, પરંતુ વાસ્તવિકતા આ દાવાથી થોડું અલગ ચિત્ર રજૂ કરે છે. આઝાદી સમયે દેશમાં આશરે ૫૬૫ દેશી રજવાડાં હતાં, જેમાં ૪૫૦થી વધુ હિન્દુ શાસકો હસ્તક હતાં. સવાલ એ થાય છે કે જો સદીઓથી ભારતની ભૂમિ પર સેંકડો હિન્દુ રાજાઓ પોતાની સેના, અજેય કિલ્લાઓ અને રાજકીય શક્તિ ધરાવતા હતા, બહુસંખ્યક પ્રજા હિન્દુ હતી તો આપણે એક અખંડ શક્તિ તરીકે કેમ ઊભરી ન શક્યા? શા માટે મુસ્લિમ આક્રમણખોરો અને બ્રિટિશરોએ અહીં સદીઓ સુધી રાજ કર્યું? શા માટે આટલા મોટા પાયે ધર્માંતરણ થયું?
આ પ્રશ્નનો જવાબ કદાચ આપણા ઇતિહાસની કડવી વાસ્તવિકતાઓમાં છુપાયેલો છે. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, ઝાંસીની રાણી, વીર હમીરજી ગોહિલ, દુર્ગાદાસ રાઠોડ, છત્રસાલ બુંદેલા, મહારાજા રણજિત સિંહ જેવા શૂરવીરોની ગાથાઓ આપણે સાંભળી છે; પરંતુ હકીકત એ છે કે જ્યારે આ શૂરવીરો ધર્મ, સંસ્કૃતિ, સ્વાભિમાન, સ્વરાજ્ય અને નિર્બળ લોકોની રક્ષા માટે આક્રમણકારો સામે હથિયાર ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમને સાથ આપનારા રાજા-મહારાજાઓ ગણતરીના હતા. બાકીના અનેક હિન્દુ રાજવીઓએ પોતાની ગાદી, સત્તા અને રાજકીય અસ્તિત્વને વધુ મહત્ત્વ આપ્યું હતું, કારણ કે ક્યાંક ડર હતો, ક્યાંક મૌન અને ક્યાંક પોતાના રાજકીય હિત માટે દુશ્મન સાથે સમજૂતી હતી. પરિણામે મુસ્લિમ આક્રમણખોરો તથા અંગ્રેજોએ આપણા દેશ પર સદીઓ રાજ કર્યું અને હિન્દુ સમાજને નબળો પાડ્યો. આપણે જે વીરતાનાં વખાણ કરતાં થાકતાં નથી એની પાછળ છુપાયેલી આ વાસ્તવિકતાને હું છદ‍્મવીરતા કહીશ.
ચાલો, મારી આ વાતને સિદ્ધ કરવા માટે અમુક ઉદાહરણ પણ આપું છું. મહારાણા પ્રતાપે અકબરની સત્તા સ્વીકારવાનો ઇનકાર કર્યો અને સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કર્યો, પરંતુ ઇતિહાસનો એક વિસ્મયજનક વિરોધાભાસ એ પણ છે કે મહારાણા પ્રતાપ સામે હલ્દીઘાટીના યુદ્ધમાં મોગલ સામ્રાજ્ય તરફથી લડતી સેનાનું નેતૃત્વ આમેરના રાજપૂત શાસક માનસિંહે કર્યું હતું. એક તરફ મહારાણા પ્રતાપે ગાદી અને સુખસગવડ કરતાં સ્વાભિમાનને મોટું માન્યું તો બીજી તરફ કેટલાક રાજપૂત શાસકોએ મોગલ સત્તા સાથે જોડાઈને પોતાનું રાજકીય અસ્તિત્વ સુરક્ષિત કર્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજને જ્યારે અન્ય હિન્દુ સૂબેદારો કે નાનાં-નાનાં રજવાડાંઓનો સાથ ન મળ્યો ત્યારે તેમણે મરાઠાઓની વિખેરાયેલી શક્તિઓને સંગઠિત કરી, સૈન્યને શિસ્તબદ્ધ બનાવ્યું, નૌકાદળ ઊભું કર્યું અને અનેક યુદ્ધો લડીને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી. જોકે તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજે સ્વરાજ્યની ધુરા સંભાળી ત્યારે તેમનો જ સંબંધી ગણોજી શિર્કે વિશ્વાસઘાત કરીને ઔરંગઝેબ સાથે મળી ગયો હતો. પરિણામે સંભાજી મહારાજની અત્યંત ક્રૂરતા સાથે હત્યા કરવામાં આવી હતી.
સોમનાથની રક્ષા કરતાં વીરગતિ પામેલા વીર હમીરજી ગોહિલની ગાથા પણ આ જ પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે આક્રમણકારી ઝફર ખાનની સેના સોમનાથ તરફ આવી રહી હતી ત્યારે ત્યાંનાં અનેક હિન્દુ રાજા-રજવાડાંઓએ ચુપ્પી સાધી લીધી હતી. એ સમયે હમીરજી પોતાના ભેરુબંધો સાથે મુસ્લિમ આક્રાંતા ઝફર ખાનની જંગી ફોજ પર કાળ બનીને તૂટી પડ્યા હતા. અહીં પણ પ્રશ્ન એ જ છે કે જ્યારે એક વીર પોતાના પ્રાણની પરવા કર્યા વિના ધર્મના રક્ષણ માટે ઊભા થયો હતો ત્યારે કેટલા તથાકથિત શૂરવીર રાજાઓએ તેમને સાથ આપ્યો હતો?
ઇતિહાસમાં આવા અનેક પ્રસંગો મળે છે જ્યારે કોઈ શૂરવીર પોતાની પ્રજા, ધર્મ અને સ્વાભિમાન માટે લડી રહ્યો હતો અને તેની આસપાસના કેટલાક શાસકોએ પોતાની ગાદી બચાવવા માટે દુશ્મનોને સાથ આપ્યો હતો. કોઈએ શત્રુ સાથે સંધિ કરી હતી, કોઈએ શત્રુની સેવામાં સ્થાન લીધું હતું તો કોઈ પોતાના હરીફને નબળો પાડવા માટે શત્રુ વતી પણ લડ્યા હતા. સ્વતંત્રતાની લડાઈમાં પણ વીર સાવરકર, શહીદ ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય જેવા અનેક સેનાનીઓએ જ્યારે અંગ્રેજોના દમન વિરુદ્ધ બળવો પોકાર્યો હતો ત્યારે તેમના પર અંગ્રેજો વતી અત્યાચાર કરનારા, તેમને બેરહેમીથી લાકડીઓ ફટકારનારા, બંદૂકની ગોળીઓથી તેમની હત્યા કરનારા મોટા ભાગના ભારતીય સિપાઈઓ હતા.
આ ઐતિહાસિક તથ્યોને સમજ્યા વિના માત્ર ‘આપણા પૂર્વજો મહાન શૂરવીર હતા’ એવાં ગુણગાન ગાવાં એ ઇતિહાસનું અધૂરું વાંચન છે. જ્યાં એક નાયક સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હોય અને બાકીનો સમાજ કે શાસકવર્ગ પોતાના ક્ષણિક સ્વાર્થમાં ગળાડૂબ રહીને લડાઈને નબળી પાડે એને છદ‍્મવીરતા સિવાય બીજું શું કહી શકાય?
આજે આપણે પણ એ જ છદ‍્મવીરતાના ભ્રમમાં જીવી રહ્યા છીએ. છદ‍્મવીરતા એટલે પોતાના પૂર્વજોની વીરતાના નામે ગર્વ કરવો, પરંતુ અન્યાય અને અત્યાચાર સામે ચૂપ રહેવું. શિવાજી મહારાજના નામે નારા લગાવવા, પરંતુ તેમના સંગઠન અને શિસ્તમાંથી કશું ન શીખવું. મહારાણા પ્રતાપના સ્વાભિમાનની વાત કરવી, પરંતુ પોતાના સ્વાર્થ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરી લેવું. હમીરજી ગોહિલની શૌર્યગાથા કહેવી, પરંતુ ધર્મની રક્ષા કરવાની ઘડી આવે ત્યારે મિયાંની મીંદડી બની જવું. ખરેખર તો આપણે આપણા પૂર્વજો પાસેથી ઘણું શીખવા જેવું છે, પણ આપણે એ શીખવા જ તૈયાર નથી.

અંતિમ વિચાર



ઇતિહાસની ભૂલોનું પુનરાવર્તન ન કરવું હોય તો બસ એટલું જ શીખવું પડશે કે જ્યારે વાત ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્ર અને પોતાના અસ્તિત્વની આવે ત્યારે જ્ઞાતિ-જાતિ, પ્રાંત, ભાષા અને ખાસ કરીને અંગત સ્વાર્થના વાડા તોડીને એક તાંતણે બંધાઈ જવું એ જ સાચી વીરતા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK