Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્ત્રી માત્ર ઘરની જ નહીં, સમાજની પણ શ્રેષ્ઠ મૅનેજર

સ્ત્રી માત્ર ઘરની જ નહીં, સમાજની પણ શ્રેષ્ઠ મૅનેજર

Published : 28 April, 2026 12:39 PM | Modified : 28 April, 2026 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે જ્યારે આપણે માતૃસમાજ દ્વારા તૈયાર થયેલાં અથાણાં, મસાલા, પાપડ કે ખાખરા જોઈએ છીએ ત્યારે એ માત્ર ખાણી-પીણીની વસ્તુઓ નથી હોતી

દર્શના દફ્તરી માતૃસમાજ ઉદ્યોગગૃહનાં પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી છે

What’s On My Mind?

દર્શના દફ્તરી માતૃસમાજ ઉદ્યોગગૃહનાં પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી છે


આપણે ઘણી વાર મૅનેજમેન્ટ શબ્દ સાંભળીએ એટલે મોટી કૉર્પોરેટ ઑફિસ, સૂટ-બૂટમાં સજ્જ લોકો અને જટિલ ગણતરીઓનાં દૃશ્યો નજર સામે આવે. જોકે ખરેખર તો મૅનેજમેન્ટનો સાચો અને સૌથી જૂનો પાઠ આપણા ઘરની સ્ત્રીઓ ભણાવે છે. હું દૃઢપણે માનું છું કે સ્ત્રીઓમાં રહેલી મૅનેજમેન્ટ શક્તિ અદ્વિતીય છે.

એક સ્ત્રી જ્યારે મર્યાદિત સંસાધનોમાં આખા ઘરની જરૂરિયાતો પૂરી કરે છે, મુશ્કેલીના સમયે પોતાની આંતરસૂઝથી રસ્તો કાઢે છે અને પરિવારના દરેક સભ્યને એક તાંતણે બાંધી રાખે છે ત્યારે તે કોઈ મોટા CEOથી ઓછી નથી હોતી. આ જ કુદરતી આવડત અને દૈવી શક્તિને જ્યારે યોગ્ય દિશા અને મંચ મળે ત્યારે માતૃસમાજ ઉદ્યોગગૃહ જેવું મોટું પરિવર્તન જન્મે છે.



આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં પૂજ્ય શ્રી સંતબાલજીએ એક સપનું જોયું હતું નારી ઉત્કર્ષનું. તેમણે જે માતૃસમાજની સ્થાપના કરી એનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે સ્ત્રીની આ આંતરિક શક્તિઓને ઓળખીને એને સમાજના આર્થિક અને સામાજિક વિકાસમાં જોડવી.


આજે જ્યારે આપણે માતૃસમાજ દ્વારા તૈયાર થયેલાં અથાણાં, મસાલા, પાપડ કે ખાખરા જોઈએ છીએ ત્યારે એ માત્ર ખાણી-પીણીની વસ્તુઓ નથી હોતી. એમાં જોડાયેલી હોય છે અનેક બહેનોની મહેનત, તેમની ચોકસાઈ અને શ્રેષ્ઠ ક્વૉલિટી આપવાની તેમની નિષ્ઠા. ક્વૉલિટી એ માત્ર એક શબ્દ નથી, લોકોનો અમારા પરનો અતૂટ ભરોસો છે. અમે ક્યારેય હલકી કક્ષાની વસ્તુ કે ભેળસેળને સ્થાન આપ્યું નથી, કારણ કે એક ગૃહિણી જ્યારે રસોઈ બનાવે ત્યારે તે શુદ્ધતાનો જે આગ્રહ રાખે છે એ જ આગ્રહ માતૃસમાજની દરેક પ્રોડક્ટમાં હોય છે.

જે સમાજમાં સ્ત્રી આત્મવિશ્વાસથી ભરપૂર અને આર્થિક રીતે પગભર હોય તે પરિવાર અને સમાજ કાયમ સુખી બને છે. માતૃસમાજમાં અમે માત્ર કામ જ નથી શીખવતા, એક પરિવારની જેમ રહીને એકબીજાની મુશ્કેલીઓમાં હૂંફ પણ આપીએ છીએ. અહીં કાર્યરત બહેનો માટે PPF જેવી બચતયોજનાઓ અને હવે તેમનાં બાળકોના શિક્ષણ તથા પરિવાર માટે મેડિકલ ફૅસિલિટી જેવી સુવિધાઓ ઊભી કરવાના અમારા પ્રયત્નો છે. ટેક્નૉલૉજીનો સાથ લઈને અમે આ બહેનોના ગ્રોથને નવી ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ.


મારું માનવું છે કે સમાજમાંથી મળેલું સમાજને સુપરત કરવું એ જ જીવનનું સાચું ધ્યેય છે. સ્ત્રીઓમાં રહેલી મૅનેજમેન્ટ શક્તિને જો યોગ્ય દિશા મળે તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. આજે હું સમાજની એવી તમામ બહેનોને વિનંતી કરું છું જેઓ આર્થિક કે સામાજિક રીતે સક્ષમ છે કે તેઓ પણ આગળ આવે અને આ સંસ્થામાં જોડાઈને અન્ય બહેનોના વિકાસમાં સહભાગી બને. આપણી પાસે જે કૌશલ્ય છે, જે આવડત છે એ બીજાના જીવનમાં ઉજાસ ફેલાવવા માટે વાપરીએ.

પૂજ્ય સંતબાલજીની આ પંક્તિ હંમેશાં મારા હૃદયની નજીક રહી છે : ‘સકલ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેડું!’ ચાલો, આપણે સૌ સાથે મળીને નારીશક્તિનો આ દીપ પ્રજ્વલિત રાખીએ અને એક સશક્ત સમાજનું નિર્માણ કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK