Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માણસ મજબૂત ખભાવાળો હોય, પણ હું મજબૂત બગલવાળો છું

માણસ મજબૂત ખભાવાળો હોય, પણ હું મજબૂત બગલવાળો છું

Published : 07 December, 2025 05:33 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

સાવ સાચેસાચ, મારી બગલે બેફામ પાઉડરનો માર તો સહન કર્યો પણ સાથોસાથ એવા સ્પ્રેનો પણ અનુભવ કર્યો છે જે લગીરે લગાડવાનું મન ન હોય

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

લાફ લાઇન

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


આજે છેતાલીસ વરસે હું અરીસા સામે ઊભો રહું છું ત્યારે મારાં કેટલાંક ઉટપટાંગ પરાક્રમો અરીસામાં મને દેખાય. ૧૯૯૩ની સાલમાં કૉલેજની પિકનિક માટે ભાઈબંધ સુનીલનું લ્યુના ભાડે માગેલું. ગોંડલથી રાજકોટ જતાં ઑઇલ નખાવાનું ભૂલ્યો અને લ્યુનાનો પિસ્ટન ચોંટાડી દીધો’તો. મેં ભાઈબંધને પાંચ હજારનો ઘૂંબો આપેલો. અહીં નોંધનીય છે કે એ મેં આપેલો પ્રથમ ને અંતિમ ઘૂંબો હતો. એ પછી આજીવન મેં જ ઘૂંબા ખાધેલા છે.
મને દી’માં ત્રણ વાર નહાવાની ટેવ અને ખાવાની પણ! નાહીને તરત જ આખા ડીલે ‘પાઉડરાભિષેક’ની પણ આદત. ટ્રાવેલિંગમાં પાઉડર ન હોય તો હું નહાવાનું ટાળું! (એટલે કે થોડી વાર માટે લ્યા... પાઉડર આવી જાય પછી નાહી નાખું) ૧૯૯૯ની સાલ એ મારી કારકિર્દીની હજી શરૂઆત. રાજકોટમાં ડાયરો હતો. ભાઈબંધ સુનીલનું ઘર બાજુમાં હતું એટલે ગોંડલથી રાજકોટ ગાડી લઈને પહોંચી ગયો. ગરમ પાણીએ નાહ્યા બાદ સુનીલે બંધ ઓરડામાં પાઉડરનો ડબ્બો આપ્યો. સુનીલ સાથે વાતો કરતાં-કરતાં આખા ડીલ પર પાઉડર છાંટતો ગયો. એમાં ‘ટક’ કરીને અવાજ આવ્યો, જે પહેલાં તો મને સમજાયો નહીં પણ અડધી મિનિટમાં જ આખું ગંજી પાઉડરથી ભરાઈ ગયું. પાઉડરના ડબ્બાનું ઢાંકણું જરા વધુ પ્રેશર આવતાં સ્વચ્છંદી બનીને વિહાર કરી ગયું.
આખા વરસનો પાઉડર એકસાથે છંટાઈ ગયો. ગંજી કાઢ્યું તો આખા રૂમમાં સફેદ ભભૂત છાંટ્યું હોય એવું વાતાવરણ થઈ ગયું. પ્રોગ્રામ શરૂ કરવાનો હોવાથી બીજી વાર નહાવાનો સમય નહોતો. ફટાફટ ગંજી બદલાવ્યું. ઝડપથી ચાલવા જતાં મારી જ છાતી પરથી પડેલા પાઉડર પર હું જ ભફાંગ કરતો લપટ્યો. ગુસ્સો તો બહુ આવ્યો પણ આખી ઘટનામાં મારા સિવાય કોઈનો વાંક હતો નહીં તેથી ઝટપટ સ્ટેજ સુધી પહોંચ્યો. બધા પોતાની આળસ ખંખેરે, મેં રોમરોમમાંથી પાઉડર ખંખેરી પ્રસ્થાન કર્યું. સ્ટેજ પર અંતિમ ઘટના ઘટી. મારા સન્માનનો હાર પહેરવા હું ઊભો થયો ત્યારે મારા જમણા પગની ઘૂંટી પાસેથી પાઉડરના ડબ્બાનું ઢાંકણું ચોયણીમાંથી નીકળ્યું. બોલો લ્યો! મારા પાઉડરાભિષેકની ચાડી ખાતું મેં નફ્ફટ ઢાંકણું ગુપ્ત માર્ગે મંચ સુધી કેવી રીતે આવ્યું? કોઈને ખબર ન પડે એમ એ ઢાંકણું મેં ગજવામાં મૂકી દીધું. એ ડાયરામાં આખી રાત મારામાંથી પાઉડરની સુગંધ સાથી કલાકારોએ પણ અનુભવી હતી. સુનીલ સાથે ત્રીસ વર્ષની જિગરી ભાઈબંધી અકબંધ છે. હજી સુનીલના ઘરે જાઉં છું પણ ખરો, નહાઉં છું પણ ખરો; બસ સુનીલનો પાઉડર નથી અડતો!
સુનીલ સાથે જોડાયેલો હજી એક જોખમી પ્રસંગ યાદ આવે છે. ૨૦૦૧માં દીપાલી સાથે મારાં લગ્ન થયાં. મારાં લગ્ન વિશે બહુ લખતો નથી, કારણ કે આ હાસ્યની કૉલમ છે. કોઈના પર્સનલ દુઃખ લખવાની અહીં મને તંત્રીશ્રી તરફથી પરવાનગી નથી.
લગ્ન પછી તરત જ હનીમૂન પર જવાની અમને બહુ હોંશ નહોતી (સાચું કહું તો બજેટને લીધે). એટલે હું મારી પત્નીને લઈ ગોંડલથી રાજકોટ સુનીલના ઘરે આવ્યો. ઘરે રાત રોકાયાં. નાહ્યા બાદ પાઉડરના ડબ્બાને જૂના અનુભવોના આધારે અડ્યો નહીં પણ સુનીલના ડ્રેસિંગ ટેબલ પરથી એક લાલ કલરનું સ્પ્રે મેં ઉપાડ્યું અને ગીત ગાતાં-ગાતાં બન્ને બગલમાં છાંટ્યું. ત્યાં તો ચીસ નીકળી ગઈ. ‘ઓય મા... સુનિયા...! ઉપર આવ...!’
દેકારો કરતો હું સેટી પર ફસડાઈને બેસી ગયો. બગલમાં કાળી બળતરા થતી હતી. સુદીલ રૂમમાં આવતાવેંત પરિસ્થિતિ પામી ગયો. ‘પ્રશાંતિયા, આ રિલીફ સ્પ્રે છે, બૉડી સ્પ્રે નથી! દુખાવા ટાણે છાંટવાનું સ્પ્રે તેં ફરવા ટાણે છાંટી લીધું છે, હવે ફરી નાહી લે!’
સુનીલનાં આજ્ઞાર્થ વાક્યોથી હું દોડીને ફરી બાથરૂમ તરફ દોડ્યો. મેં બન્ને બગલોને ફરી નવડાવી. એક બગલ પર આશરે ૧૪ જેટલાં ઠંડા પાણીનાં ડબલાં રેડ્યાં ત્યારે પેલા રિલીફ સ્પ્રેની તમતમાટી શાંત થઈ. થોડો હાશકારો થયો. સુનીલને વિનંતી કરેલી કે ‘દીપાલી નીચેના રૂમમાં છે તેને કહેતો નહીં, પાંચસો રૂપિયા આપીશ!’ પણ જિગરજાન ભાઈબંધો આદિકાળથી અળવીતરા હોય છે. મારા પાંચસો લઈને સુનીલે રિલીફ સ્પ્રેવાળી વાત બધાને કહી દીધી.
બધા ખડખડાટ હસી પડ્યા. કોઈ પણ માણસના ખભા મજબૂત હોય તો તેણે ઘણુંબધું સહન કરેલું છે એમ કહેવાય. જ્યારે હું તો એમ પણ કહી શકું કે મારી બન્ને બગલે પણ ઘણું સહન કરેલું છે. ઝાઝા ભાગે જીવનમાં ભયંકર તાવ વખતે થર્મોમીટર પકડવા સિવાય બગલે બીજું કશું કામ નથી કર્યું હોતું. નાનપણમાં બગલમાં હાથ ભરાવીને એક વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ પેદા કરવાની કળા પણ હવે મૃતઃપ્રાય છે.
આ ગોઝારી ઘટના પછી સુનીલના ઘરના પાઉડર, સ્પ્રે ન અડવાની મેં આજીવન પ્રતિજ્ઞા લીધી છે. જોકે આ પ્રતિજ્ઞા મનોમન લીધી ત્યારે ક્યાંય વાદળાં, હવા ને પંખીઓ થંભી નથી ગયાં. ભીષ્મપ્રતિજ્ઞા વખતે જે જગત ક્ષણભર સ્તંભી ગયું હતું એ જ જગત આ ‘હાસ્યપ્રતિજ્ઞા’ સાંભળી બે ઘડી ખડખડાટ હસી જરૂર ગયું હશે. હવે જ્યારે કોઈ સ્પ્રે હાથમાં લઉં છું ત્યારે પહેલાં હાથ પર છાંટું છું. બળે નહીં તો જ એ સ્પ્રેને બગલ સુધી લઈ જઉં છું. જીવનના સાવ સાચકલા પ્રસંગોની રિવાઇન્ડ કૉપી સાંભળી અરીસો પણ ખડખડાટ હસી પડ્યો છે.
આવી ઘટનાઓની ફલશ્રુતિ એ થઈ કે દીપાલીએ ઘરમાં રિલીફ સ્પ્રે છેલ્લાં વીસ વર્ષમાં ન ખરીદ્યો અને પાઉડરના નવા ડબ્બાના ઢાંકણાને ટેપથી પહેલાં ફિક્સ કર્યા બાદ જ મને સુપરત કરવામાં આવે છે. મને સુધારવાની જગ્યાએ મારા પરિવારજનો મારી આજુબાજુની પરિસ્થિતિ સુધારે છે. 
સૌનો ભગવાન હોયને, બાપલા!


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 05:33 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK