બાળકોને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે. વર્ષમાં એક વખત તેમને પોતાની બચતમાંથી કોઈ વસ્તુ ખરીદવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ પોતાની પસંદગી અને ભૂલમાંથી શીખી શકે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક સમયે પૈસા એટલે માત્ર ખિસ્સાખર્ચ અથવા ગલ્લામાં જમા કરવામાં આવતી રકમ એવી સમજ હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. આજના યુગમાં બાળકો પૈસાની ગણતરી કરતાં શીખે એ પહેલાં QR કોડ સ્કૅન કરવાનું શીખી જાય છે. આવી પરિસ્થિતિમાં મમ્મી-પપ્પાએ બાળકોને નાણાંનો યોગ્ય ઉપયોગ કરવા વિશેની સમજણ આપવી ખૂબ જરૂરી છે.
આજકાલ વધતી જતી નાણાકીય છેતરપિંડીને જોતાં બાળકોને પૈસાની સમજ આપવી માત્ર જરૂરી જ નહીં પણ સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. નાણાકીય શિક્ષણમાં હવે કમાણી, ખર્ચ, બચત, બૅન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવાનું જરૂરી છે.
ADVERTISEMENT
નાણાકીય વિષયોમાં સૌથી પહેલાં આવે છે બાળકોને ‘કમાણીનું મૂલ્ય’ સમજાવવું. બાળકો અમુક નાનાં ઘરકામ કરી આપે ત્યારે જ તેમને ખિસ્સાખર્ચ મળે એવું રાખવું જોઈએ. આ રીતે તેઓ સમજવા માંડે છે કે પૈસા આપમેળે નથી મળતા, કમાવા પડે છે.
બીજો રસ્તો છે બાળકોને નાણાંની બચત, ખર્ચ અને બીજાઓ સાથે વહેંચવાનું જ્ઞાન આપવું. તેમને જ્યારે ખિસ્સાખર્ચ પેટે પૈસા આપવામાં આવે છે ત્યારે આ ત્રણે રીતે પૈસાનો ઉપયોગ કરવાનું શીખવવાની જરૂર હોય છે. એના પરથી તેમનામાં એવી સમજણ વિકસે છે કે પૈસા ફક્ત ખર્ચ કરવા માટે નહીં, પરંતુ એની બચત પણ કરવાની હોય છે અને બીજાઓ સાથે વહેંચી લેવાની પણ જરૂર હોય છે.
બાળકોને ‘જરૂરિયાત અને ઇચ્છા’ વચ્ચેનો તફાવત સમજાવવો એ પણ ખૂબ અગત્યનું છે. ઉદાહરણ તરીકે શાળા માટેની વસ્તુઓ જરૂરિયાત છે, જ્યારે રમકડાં અથવા ગેમ્સ ઇચ્છા છે એ સમજ તેમના ભવિષ્યના નાણાકીય નિર્ણયો માટે પાયારૂપ હોય છે. આ ઉપરાંત તેમને પોતાના ખર્ચની નોંધ રાખવા વિશેની સમજણ પણ આપવી જોઈએ.
પાસેના પૈસા આજે ને આજે ખર્ચી કાઢવાને બદલે જો એનું રોકાણ કરવામાં આવે તો ભવિષ્યમાં આજના કરતાં પણ વધુ સારો ઉપયોગ કરવા માટે નાણાં મળી શકે છે એ સમજ આપીને તેમને ઇચ્છાઓ પાછળ ઠેલવાનું શીખવી શકાય છે. એ ઉપરાંત નિયમિત રોકાણ અને ચક્રવૃદ્ધિ દ્વારા રોકાણના મૂલ્યની વૃદ્ધિ અને એનું મહત્ત્વ પણ સમજાવી શકાય છે.
બાળકોને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે. વર્ષમાં એક વખત તેમને પોતાની બચતમાંથી કોઈ વસ્તુ ખરીદવાની છૂટ આપવી જોઈએ જેથી તેઓ પોતાની પસંદગી અને ભૂલમાંથી શીખી શકે.
સાથે જ બૅન્કિંગની પ્રાથમિક સમજ પણ આપવી જરૂરી છે. બાળકોના નામે બૅન્ક-અકાઉન્ટ ખોલીને તેમને જમા અને ઉપાડ કરવાની પ્રક્રિયા શીખવવી જોઈએ એથી તેઓ નાણાંનું સંચાલન શીખી શકે.
ડિજિટલ પેમેન્ટના યુગમાં બાળકોને UPI અને કાર્ડ વગેરેનાં ફાયદા અને જોખમો સમજાવવાં પણ જરૂરી છે. મમ્મી-પપ્પા અમુક મર્યાદાઓ સાથેની મોબાઇલ-ઍપ્સ દ્વારા આ સમજ આપી શકે છે.
બાળકોને પરિવારનું બજેટ બનાવવાના કાર્યમાં પણ સાંકળવાં જોઈએ. નાના પગલાથી શરૂઆત કરીને તેમને પ્રવાસ અથવા નાના પ્રસંગોનું આયોજન કરવામાં સાથે રાખવાં જોઈએ. ઉક્ત બધા પ્રયોગો ભાવિ મજબૂત આર્થિક પાયો નાખવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.
