૧૦૦ ટકા બ્લાઇન્ડનેસ ધરાવતી માટુંગાની કચ્છી જૈન કોમલ દેઢિયાએ દિવ્યાંગો માટેના મૅટ્રિમોનિયલ પ્લૅટફૉર્મ વૉઇસ વિઝન પર પોતે જ નામ નોંધાવ્યું અને ૧૫ ટકા વિઝન ધરાવતા સાંતાક્રુઝના બ્રાહ્મણ યુવાન જુગલ પંડ્યાને જીવનસાથી તરીકે જાતે જ સિલેક્ટ કરી લીધો.
કોમલ અને જુગલના વેડિંગ ડેના ફોટો
માટુંગામાં રહેતી કોમલ દેઢિયા જન્મથી જ જોઈ નથી શકતી, એમ છતાં પોતાનાં કામ જાતે કરી શકે છે અને રૂટીન કાર્યો કરવામાં તે આત્મનિર્ભર છે. ૩૨ વર્ષની કોમલ એટલી સ્વનિર્ભર છે કે તેણે શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટેનાા મૅટ્રિમોનિયલ પ્લૅટફૉર્મ વૉઇસ વિઝનમાં પોતે જ નામ નોંધાવીને, પોતાનો જીવનસાથી શોધીને ગયા અઠવાડિયે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિની, મૂળ ગઢશીશા ગામની કોમલ ચેતના મહેન્દ્ર દેઢિયાએ ૧૫ ટકા દૃષ્ટિ ધરાવતા ૩૨ વર્ષના બ્રાહ્મણ યુવાન જુગલ મમતા તુષાર પંડ્યા સાથે લગ્ન કર્યાં છે. સાંતાક્રુઝમાં રહેતો જુગલ મૂળ જામનગરનો છે. દિવ્યાંગ હોવું જીવનની મર્યાદા નથી; યોગ્ય સાથ, સમજણ અને પ્રોત્સાહન મળે તો જીવનને વધુ ઊંચાઈએ લઈ જઈ શકાય એ વાત કોમલના જીવન પરથી સ્પષ્ટ થાય છે. આ વાતમાં માનતાં કોમલનાં મમ્મી ચેતના દેઢિયા કહે છે, ‘કોમલ પ્રીમૅચ્યોર બાળક હતી અને આ સંજોગોમાં રેટિના સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. ઑપરેશન કરાવ્યું, પરંતુ દૃષ્ટિ આવી શકી નહીં. શરૂઆતમાં અમને ભારે આઘાત લાગ્યો હતો, પરંતુ ધીમે-ધીમે હિંમત રાખીને પરિસ્થિતિ સ્વીકારી. આટલી નાની છોકરીનું આખું જીવન અંધકારમય છે, તે કંઈ જોઈ નહીં શકે એ બધા વિચારોએ અમને બહુ નકારાત્મક બનાવી નાખ્યા હતા પણ ધીરે-ધીરે હિમ્મત રાખી. અમને દાદરમાં આવેલી શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડના પ્રિન્સિપાલે બહુ સપોર્ટ કર્યો. બધા પેરન્ટ્સના ભાગ્યમાં દિવ્યાંગ બાળક નથી હોતું. એ સ્પેશ્યલ ચાઇલ્ડ એ જ લોકોના નસીબમાં આવે છે જે લોકો તેનો મજબૂત મનથી અને સમાજની વિચારધારાઓને મનમાં ન રાખીને ઉછેર કરી શકે. અમે નક્કી કર્યું કે કોમલને ભણાવવી છે, તેના શોખ પૂરા કરવા છે અને ક્યાંય પાછી ન પડે એટલી મજબૂત બનાવવી છે. કમલા મહેતા સ્કૂલ મરાઠી મીડિયમ હતી અને મુંબઈમાં બ્લાઇન્ડ છોકરીઓ માટે આ સ્કૂલ સારી હોવાથી અમે ત્યાં ભણાવી. એ દરમિયાન જ ખબર પડી કે કોમલને સંગીતમાં પણ બહુ રસ છે. સ્કૂલમાં કોમલ ગીત અને પ્રાર્થના ગાતી હતી. આ શોખને ધ્યાનમાં રાખીને અમે ઘરે એક ટીચરને બોલાવતા જે હાર્મોનિયમ વગાડતાં શીખવાડે અને ગાયનની તાલીમ આપે. તેણે સ્ટેજ-પર્ફોર્મન્સ પણ આપ્યા છે. કોમલ ૩૨ વર્ષની છે. તેનું લગ્ન કરવાનું સપનું હતું. છેલ્લાં બે વર્ષથી તે લગ્ન કરવા તત્પર હોવાથી તેણે ક્યાંય ધ્યાન આપ્યું નહોતું. તેણે જાતે જ વૉઇસ વિઝનનો કૉન્ટૅક્ટ શોધ્યો જ્યાં દિવ્યાંગ યુવકો-યુવતીઓનાં પરિચય સંમેલન યોજાય છે. અમને પણ તેણે સાથે આવવા કહ્યું.’
અડચણો આવી, પણ અડગ રહી
ADVERTISEMENT
કોમલની નાની બહેન તન્વી દેઢિયા કહે છે, ‘અમારું તો કોઈ મન નહોતું કે કોમલ વૉઇસ વિઝનના પરિચય મિલનમાં જાય, કારણ કે અગાઉ પણ અમે અમારા સમાજના અને બીજા છોકરાઓ જોયા હતા પણ ગુજરાતી નહોતા એથી આગળ વધવા માટે મન માન્યું નહોતું. મારા પપ્પા તો લગ્ન કરાવવા જ રાજી નહોતા, કારણ કે કોમલને સાસરે યોગ્ય કાળજી મળશે કે નહીં એ વિશે તેમને ચિંતા હતી. જોકે અમે કોમલનું મન રાખવા ત્યાં જવાનાં હતાં, પણ અમુક કારણોસર સંમેલન ઑનલાઇન થઈ ગયું. અમારું મન તો હજી ઊતરી ગયું હતું. ઑનલાઇન કોઈ વ્યક્તિને જોઈને કેવી રીતે પસંદ કરવી? તોય કોમલ તો ટસની મસ ન થઈ. તેણે આ સંમેલનમાં ઑનલાઇન ભાગ લીધો અને ત્યાં દેખાયો જુગલકુમારનો બાયોડેટા. જુગલ ગુજરાતી હતો અને મુંબઈનો જ હોવાથી કોમલને ઇન્ટરેસ્ટ આવ્યો. કૉઇન્સિડન્ટ્લી કોમલે જ નહીં, જુગલે પણ કોમલના બાયોડેટામાં રસ દેખાડ્યો હતો. એ વખતે પણ પપ્પાનો વિચાર એવો જ હતો કે આપણે કોમલનું મન રાખવા જુગલના ઘરે જઈએ, જો વાત ન જામે તો આપણે ના પાડીને આવતાં રહીશું.’
પપ્પા સાથે છે સ્પેશ્યલ કનેક્શન
કોમલ સાથે તેના પપ્પા મહેન્દ્રભાઈનું સ્પેશ્યલ કનેક્શન છે. દીકરીને પોતાના જીવથી વધુ પ્રેમ કરતા મહેન્દ્રભાઈને દીકરીને વળાવવી નહોતી, આજીવન પોતાની જ સાથે રાખવી હતી. આ વિશે વાત કરતાં ભાવુક સ્વરે તેઓ કહે છે, ‘૩૨ વર્ષ સુધી જેને મેં દરેક પગલે સંભાળી તેને વિદાય આપવી મારા માટે સહેલી વસ્તુ નહોતી, પણ અમે જ્યારે જુગલને મળવા તેમના ઘરે સાંતાક્રુઝ ગયા ત્યારે બહુ પૉઝિટિવ વાઇબ્સ આવી. એ સમયે એવું ફીલ થયું કે મારી દીકરી અહીં ખુશ રહેશે. જ્યારે કોમલની વાત નક્કી થઈ ત્યારે એવું ફીલ થયું કે આ વિધિના વિધાને જ બધું કરાવ્યું. સાચું કહું તો અમે મેન્ટલી રેડી નહોતાં, પણ ૨૪ નવેમ્બરે તેનાં લગ્ન થયાં અને એ વખતે તેના ચહેરા પર જે ખુશી હતી એ જોઈને મન શાંત થયું. હજી પણ ઘરમાં તેની કમી આંખો ભીની કરી દે છે.’
ફેરા ફરવાનો પડકાર
કોમલ તો ૧૦૦ ટકા બ્લાઇન્ડ છે, પણ જુગલને ૧૫ ટકા જેટલું વિઝન છે ત્યારે વેડિંગ ડેની વાત કરતાં ચેતનાબહેન કહે છે, ‘અમને મેઇન ટેન્શન એ હતું કે બન્ને ફેરા કેવી રીતે ફરશે. પંડિતજીએ યોગ્ય રીતે માર્ગદર્શન આપ્યું અને તમામ વિધિઓ સરળતાથી પાર પડી. લગ્ન બહુ સરસ રીતે થયાં. મેં નક્કી કર્યું હતું કે કોમલનું સપનું પૂરું થાય છે તો મારે તેને હસતા મોઢે વિદાય આપવી છે, પણ તેને જતાં જોઈને હું અને મારી નાની દીકરી તન્વી બહુ રડ્યાં. દીકરીને વળાવવાની વેળા આવે ત્યારે તેનાં માતા-પિતાના મનની વેદના કોઈ સમજી શકે નહીં, પણ કોમલ? તે તો હસતાં-હસતાં ગઈ. તેનું તો ડ્રીમ પૂરું થયું. તેનાં લગ્ન થયાં પણ અમને તેની કમી બહુ સાલે. તેનો અવાજ, તેની વાતો. ઘરમાં કામ કરાવતી. તેના પપ્પાની તો સૌથી લાડલી. રાત્રે બાર વાગ્યે પણ કહે કે પપ્પા મને બૉલ જોઈએ છે તો તેના પપ્પા ગમે ત્યાંથી લાવી આપે. તન્વીએ કોમલની મોટી બહેનનો રોલ પ્લે કર્યો છે. તે કોમલની અને કોમલ તેની સપોર્ટ-સિસ્ટમ બની છે. કોમલને જીવનમાં જે મળવું જોઈતું હતું એ તેને મળ્યું. એક સમજદાર, શાંત સ્વભાવનો, સંસ્કારી જીવનસાથી. અમારા સમાજમાં મારી દીકરીનાં લગ્નને ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે. બાળકો દિવ્યાંગ હોય તો શું થયું, તેમને પોતાનું જીવન જીવવાનો પૂરો અધિકાર છે એનો જીવંત દાખલો છે મારી દીકરી. આનાથી વિશેષ જીવનમાં બીજું શું જોઈએ? આવા બ્લાઇન્ડ લોકોની બનતી મદદ કરવા અમે તત્પર છીએ.’
વેડિંગ ડ્રીમ
પોતાના જીવન અને ડ્રીમ વિશે કોમલ દેઢિયા કહે છે, ‘મારે જીવનભર મજબૂત મનોબળ રાખીને આગળ વધવું એમ શીખવવામાં આવ્યું છે. ઘરનાં મોટા ભાગનાં કામ હું જાતે જ સંભાળી લઉં છું; પણ બહાર જવાનું હોય, ખાસ કરીને અજાણી જગ્યાએ જાઉં તો હું કોઈને સાથે લઈ જાઉં. ઘણી વાર કૉલેજ જતી હોઉં ત્યારે રસ્તામાં સારા લોકો પણ મળે અને ખરાબ પણ મળે. સારા લોકો મને રસ્તો દેખાડે, મારી પ્રશંસા કરે અને કેટલાક લોકો એવા પણ હોય જે આપણને ફક્ત ડીમોટિવેટ કરવાનું કામ કરે. નથી દેખાતું તો ઘરે જ રહેવાનું, શા માટે બહાર નીકળીને હાથે કરીને હેરાન થવાનું? આવું કહેનારા લોકોથી હું નિરાશ થતી નથી. મને ખબર જ છે કે આ બધું ફેસ કરવાનું છે, પણ દૃષ્ટિકોણ સકારાત્મક રાખવાનો છે. મને સંગીતમાં બહુ રસ હોવાથી હાર્મોનિયમ શીખ્યું. કૅસિયો પણ વગાડી લઉં અને ગાઈ પણ લઉં. મને હંમેશાં યોગ્ય સાથી શોધીને તેની સાથે પરણવાની ઇચ્છા હતી. મારા એક બ્લાઇન્ડ ફ્રેન્ડ તુષાર અને ગીતા ગોસર પાસેથી મને વૉઇસ વિઝન વિશે ખબર પડી અને ત્યાં મેં જુગલનો બાયોડેટા જોયો. તેમને મળ્યા બાદ મને લાગ્યું કે આ વ્યક્તિ સાથે હું જીવન પસાર કરી શકું એમ છું. તેમનો સ્વભાવ, વિચાર અને સપોર્ટ મને બધું જ બહુ ગમ્યું. ૨૪ નવેમ્બરે બારાત આવી, ફેરા ફર્યા, સાંજે રિસેપ્શનમાં એન્જૉય કર્યું. દિવસભર બસ લાઇફના નવા ચૅપ્ટરને આવકારી રહી હોવાથી હૅપી ફીલ થતું હતું અને ડ્રીમ પૂરું થયાની લાગણી ઓવરવ્હેલ્મિંગ હતી, જે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.’
જુગલનો નજરિયો બદલાયો
જુગલ કહે છે, ‘કોમલને મળ્યા બાદ મારી લાઇફમાં ઘણા પૉઝિટિવ ચેન્જિસ આવ્યા છે. જીવન પ્રત્યેની થૉટ-પ્રોસેસ બદલાઈ છે. કોમલ સ્વભાવે શાંત અને બહુ સમજુ છોકરી છે. તેને મળ્યા બાદ મને એવી લાગણી આવી કે મારે લાઇફમાં કોમલ સાથે આગળ વધવું જોઈએ. પહેલાં હું કરીઅર-ઓરિએન્ટેડ હતો, હવે લાઇફ અને વાઇફ ઓરિએન્ટેડ બન્યો છું. અત્યારે હું બૅન્ક ઑફ બરોડામાં ક્લૅરિકલ વર્ક કરું છું, પણ મારી તૈયારી ઑફિસર લેવલ સુધી પહોંચવાની છે અને મૅનેજર બનવાની છે. હું મારી કરીઅરમાં આગળ વધવાના બનતા પ્રયાસો કરી રહ્યો છું અને કોમલને પણ આગળ વધવામાં પૂરેપૂરી મદદ અને સપોર્ટ કરવા તત્પર છું અને રહીશ.’
જુગલ જન્મ્યો ત્યારે નૉર્મલ જ હતો. ૬ વર્ષની ઉંમર સુધી તેની આંખોમાં ૧૦૦ ટકા વિઝન હતું, પણ સ્કૂલમાં રમતી વખતે તે પડી ગયો. એ દિવસ શુક્રવારનો હોવાથી એની પછીના દિવસો વીક-એન્ડના હતા તેથી ટ્રીટમેન્ટ મળવામાં વિલંબ થયો. તેના માથામાં ફ્લુઇડ જમા થયું હતું. જ્યારે ઑપરેશન થયું ત્યારે આંખોમાં પ્રેશર આવી ગયું હતું. એને કારણે તેની ઑપ્ટિક નર્વ ડૅમેજ થઈ અને પછી ત્રણ મહિના સુધી તે કોમામાં જતો રહ્યો. આ બધું થયા છતાં જુગલની આંખોમાં થોડું વિઝન બચ્યું છે. તેને ૧૫ ટકા જેટલું વિઝન હોવાથી થોડું જોઈ શકે છે.
જુગલનાં મમ્મી મમતા પંડ્યા કહે છે, ‘નાની ઉંમરમાં આટલું સહન કરવું કઠિન હોય છે પણ મારા દીકરાએ હિમ્મતથી એનો સામનો કર્યો. જુગલને તો લગ્ન કરવાં જ નહોતાં, પણ અમે તેના માટે છોકરી શોધતા હતા. કોમલને જુગલનો પ્રોફાઇલ ગમ્યો એમ અમને પણ કોમલનો પ્રોફાઇલ ગમ્યો હતો. અમારી એટલી ઇચ્છા હતી કે બહાર કોઈ રેસ્ટોરાંમાં મળવા કરતાં ઘરે છોકરીવાળા મળે, વાતચીત થાય અને બધું પારદર્શક રહે. કોમલને ભલે દૃષ્ટિ નથી પણ તેનાં હ્યુમર અને બુદ્ધિ અને સમજણશક્તિથી અમે પ્રભાવિત થયાં. એટલે જુગલને પણ તે ગમી. કોમલને જોતાં જ અમે સ્વીકારી લીધી હતી. એ દિવસથી મને લાગ્યું કે તે અમારા ઘરને પ્રકાશથી ભરી દેશે.’


