આ જ રીતે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍલ્બનીઝે વિદેશી હૂંડિયામણની બચત કરવા અને ઈંધણની ખપત ઓછી કરવા સરકારી કાફલાઓને ઈંધણનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અને શક્ય હોય ત્યાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની અને વિદેશપ્રવાસોમાં કાપ મૂકવાની સૂચના આપી છે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈ કાલે હરિયાણાના કુરુક્ષેત્રમાં સાઇકલ ચલાવીને ઈંધણ બચાવવા માટે હાકલ કરી હતી
છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ઇઝરાયલ અને અમેરિકા જે રીતે ઈરાનની સામે યુદ્ધે ચડ્યાં છે અને ઈરાન પણ અકલ્પનીય તાકાતથી ઝીંક ઝીલી રહ્યું છે અને ઉગ્રતાથી વળતા હુમલા કરી રહ્યું છે એ જોઈને આ સમગ્ર દુનિયાને આર્થિક, પર્યાવરણીય અને વિકાસની દૃષ્ટિએ કેટલું ભયંકર નુકસાન સહેવું પડી રહ્યું છે એ વાત કોઈ પણ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિને પણ સમજાય છે. દુનિયામાં ઉપયોગ લેવાતા ક્રૂડ તેલનો મહત્તમ હિસ્સો જે દેશોમાંથી આવે છે અને જે માર્ગે આવે છે એ બે મહિનાથી બંધ કરી દેવાયા હોય તો આજના જમાનામાં કોઈ પણ રાષ્ટ્ર માટે એ કેટલી કપરી પરિસ્થિતિ હોય એ સમજવા માટે કોઈ રૉકેટ સાયન્ટિસ્ટ જેટલો IQ (બુદ્ધિઆંક) ધરાવવાની પણ જરૂર નથી. ફ્યુઅલ કે આંધણ દુનિયા માટે આજે હવા અને પાણી જેવો અગત્યનો ઘટક છે. એક તરફ દુનિયાના દેશોને પોતાની જરૂરિયાત જેટલો તેલનો પુરવઠો પહોંચી નથી રહ્યો. ઈંધણની ખેંચને પરિણામે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. કમ્બોડિયા, મલેશિયા, વિયેટનામ જેવા દેશોમાં પેટ્રોલના ભાવમાં પચાસ ટકા જેટલો વધારો થયો છે તો અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, જર્મની જેવા દેશોમાં પણ ઈંધણના ભાવમાં વીસથી ૪૫ ટકા જેવો વધારો થયો છે. UAEમાં ડીઝલના ભાવમાં ૮૫ ટકા જેટલો વધારો થયો છે! ભારતના પાડોશી દેશો ચીન, પાકિસ્તાન, શ્રીલંકા કે બંગલાદેશમાં પણ ઈંધણના ભાવમાં આગ લાગી છે. જોકે ભારતમાં હજી સુધી સરકારે ઈંધણની ખેંચ અને એના વધતા ભાવની ઝાળ જનતા સુધી પહોંચવા દીધી નથી, પરંતુ એ માટે દેશની તિજોરીએ રોજની આકરી ખોટ ખમવી પડી રહી છે. મોંઘા મૂલનું વિદેશી હૂંડિયામણ એમાં ખર્ચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં વડા પ્રધાને તાજેતરમાં ઉપરાઉપરી બે દિવસ – ગયા રવિવારે હૈદરાબાદમાં અને બીજા દિવસે સોમવારે ગુજરાતમાં - ભારતવાસીઓને ઈંધણના વપરાશમાં કરકસર કરવાની શીખ આપી; ઈંધણની બચત કરવા જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની, વિદેશપ્રવાસો ટાળવાની અને એક વર્ષ પૂરતી સોનાની ખરીદી પર સંયમ રાખવાની શીખ આપી.
આમાં શું અસામાન્ય છે? દુનિયા આખીના દેશોની અર્થવ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દે એવા આ યુદ્ધના અંતનાં કોઈ એંધાણ નથી અને અત્યારે સર્જાયેલી પરિસ્થિતિનાં પરિણામો ખાસ્સાં દૂરગામી બનવાનાં છે ત્યારે કોઈ પણ દેશનો વડો પોતાના દેશવાસીઓને આવી સલાહ કે શીખ આપે એ સહજ છે.
ADVERTISEMENT
સિંગાપોર જેવા સમૃદ્ધ દેશના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગે પોતાના દેશવાસીઓને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખૂલશે એટલે આ કટોકટી પૂરી થઈ જશે એવું બિલકુલ માનશો નહીં. ખાસ કરીને એશિયાના દેશો માટે જેઓ પોતાની ઈંધણની જરૂરિયાતના મોટા હિસ્સા માટે ખાડી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) પર આધાર રાખે છે. કેટલાંય એશિયાઈ રાષ્ટ્રોએ વિમાનસેવામાં કમી કરી નાખી છે, કેટલીયે ફૅક્ટરીઓ બંધ થઈ રહી છે અને હા, આ ખેંચ માત્ર ઈંધણસ્રોતો સુધી સીમિત નહીં રહે. આગળ જતાં ઊર્જા, વાહનવ્યવહાર, અન્નપુરવઠો, સમગ્રતયા મોંઘવારી અને ફુગાવામાં પરિણમશે. તેમણે લોકોને આવનારી વધુ ભયાવહ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની તાકીદ કરી હતી.
આ જ રીતે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍલ્બનીઝે વિદેશી હૂંડિયામણની બચત કરવા અને ઈંધણની ખપત ઓછી કરવા સરકારી કાફલાઓને ઈંધણનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અને શક્ય હોય ત્યાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની અને વિદેશપ્રવાસોમાં કાપ મૂકવાની સૂચના આપી છે. જૉર્ડન અને પાકિસ્તાનમાં સરકારી અધિકારીઓની વિદેશ-મુલાકાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુરોપના અનેક દેશોમાં તો સરકારે ઘરેલુ વપરાશકારોનું રક્ષણ કરવા ઈંધણની કિંમત પર મર્યાદા લાદી છે અને નફાખોરી રોકવા તથા વિદેશી હૂંડિયામણ અને ઈંધણની બચત માટે કરકસરનાં કડક પગલાં ભર્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને અને સરકારી ખાતાંઓને ઈંધણ બચાવવાની તેમ જ મોંઘા ભાવનું વિદેશી હૂંડિયામણ વેડફાય નહીં એ માટે આયાત થકી પ્રાપ્ત થતી ચીજોના વપરાશ પર લગામ રાખવાની શીખ આપી છે.
આગળ જોયું એ બધા દેશોમાં પણ સરકારવિરોધી લૉબીએ સરકારનાં પગલાંને વખોડ્યાં હશે, પરંતુ ભારતમાં વિપક્ષોએ તો વડા પ્રધાનનાં યુદ્ધના માહોલની ગંભીરતાનાં ચેતવણીસૂચક સૂચનો સાંભળીને ગોકીરો શરૂ કરી દીધો છે.
જોકે શાસક પક્ષના દરેક નિર્ણય અને પગલાનો વિરોધ કરવાની પોતાની પવિત્ર ફરજનો ગજબની નિષ્ઠાથી ઉપયોગ કરતા ભારતના વિપક્ષોએ તો વડા પ્રધાનની હાકલ સાંભળતાંવેંત ગોકીરો શરૂ કરી દીધો છે. એમાંય રાહુલ ગાંધીનો ઉત્સાહ તો અમર્યાદ છે! વડા પ્રધાનની જનતાને અપીલ સાંભળીને તરત તેમણે તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર લખી નાખ્યું : ‘વડા પ્રધાનનાં આ કરકસરનાં ૭ પગલાંની અપીલ તેમની નિષ્ફળતાનો પુરાવો છે. ૧૨ વર્ષમાં તેમણે દેશને એ સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે કે તેમણે કહેવું પડે છે કે જનતાએ શું ખરીદવું ને શું ન ખરીદવું; ક્યાં જવું અને ક્યાં ન જવું.’ (વાહ, માણસના શબ્દો અને ભાષા જ તેનો કેટલો સરસ પરિચય આપી દે છે!) છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં વિવિધ સ્તરે યોજાયેલી ચૂંટણીઓમાં ૧૦૦ વાર પરાજિત આ રાજકારણીએ વડા પ્રધાનને વધુ એક વાર ‘કૉમ્પ્રોમાઇઝ્ડ પ્રાઇમ મિનિસ્ટર’ ગણાવીને જાહેર કરી દીધું કે તેઓ દેશ ચલાવવા માટે સક્ષમ નથી રહ્યા. ખેર...
વડા પ્રધાને કરેલી હાકલ એક જવાબદાર નેતૃત્વને છાજે એવી છે. એના સમય બાબત વિપક્ષે ઉઠાવેલો મુદ્દો સહજ છે, પરંતુ રાજકારણમાં રહેલી દરેક વ્યક્તિ સમયનું ગણિત સમજે છે. બાકી પરિવાર કઠિન સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ઘરના વડીલ કોઈ સાચી સલાહ આપે તો એ ચાહે જેટલી અણગમતી હોય તો પણ વડીલના ઇરાદા પર શક નથી કરવામાં આવતો. એના પર ભરોસો જ મુકાય છેને? અને હા, વડા પ્રધાનની સલાહ માનીને આપણે તેલ ખાવાનું ઓછું કરીશું તો આપણને કોઈ જ નુકસાન નથી થવાનું અને એકાદ વરસ સોનું લીધા વગર વીતી જાય તો એમાં કંઈ આકાશ તૂટી ન પડે. કેમ, શું કહો છો?
અલબત્ત, જનતા તરીકે આપણે ચોક્કસ એવી અપેક્ષા રાખીએ કે વડા પ્રધાને સૂચવેલાં કરકસરનાં પગલાંનો અમલ તેમના સહિત તમામ રાજકારણીઓ અને અધિકારીઓ તથા સરકારી ખાતાંઓ દ્વારા પણ થશે. જેમ કે વડા પ્રધાન પોતે પણ પોતાના વિદેશપ્રવાસો રદ કરીને વર્ચ્યુઅલ મીટિંગ્સ કરે અને સભાઓ ભરે કે વાહનોના કાફલા પર કાપ મૂકે.
