આખું પ્રકરણ વાંચો અહીં
ઇલસ્ટ્રેશન
‘જય શ્રી વલ્લભ!’ના નારા સાથે પોથીયાત્રા નીકળી.
હિન્દુ પંચાંગમાં તિથિ મેળ પેટે દર ૩ વર્ષે અધિક મહિનો આવે છે. પવિત્ર પુરુષોત્તમ માસ ગણાતા અધિક મહિનામાં લગ્ન જેવા શુભ પ્રસંગો લેવાતા નથી, પરંતુ આ માસમાં
વ્રત-કથા-ઉપવાસનું અનેરું માહાત્મ્ય છે. જ્ઞાતિજનોને ઘેરબેઠાં ગંગાનો લાભ આપવા વલસાડના વૈષ્ણવ સમાજની જ્ઞાતિઓએ ભેગા થઈને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર ગિરિધરબાપુ પહેલી વાર વલસાડમાં કથા કરવાના છે એટલે શહેરીજનોમાં તેમને સાંભળવાની ઉત્સુકતા પણ છે.
ADVERTISEMENT
નદીના તટે વિશાળ શામિયાણો બંધાયો છે. ગરમીને ધ્યાનમાં રાખીને કથાનો સમય પણ હીટવેવને અનુલક્ષીને નિર્ધારિત થયો છે. રોજ સવારે નવથી ૧૧ અને સાંજે પાંચથી સાતના બૅચમાં ચાર હજારથી ૬૦૦૦ જેટલા ભક્તો કથાશ્રવણનો લાભ લે એવી ધારણા છે. છેવાડેના શ્રોતાને પણ વ્યાસપીઠ દેખાય એ માટે સ્ક્રીન પણ ગોઠવાઈ છે. કથા પછીના મહાપ્રસાદમાં મેદની ૧૦,૦૦૦ સુધી પહોંચી જવાની સંભાવના છે. બે દિવસ અગાઉથી પધારી ચૂકેલા ગિરિધરબાપુનો ઉતારો મોટી હવેલીમાં છે. એમાં આજે સોમના શુભ દિને કથા પહેલાંની પોથીયાત્રા નીકળી એટલે મંગળ પ્રસંગ પણ સુપેરે પાર પડ્યો જ જાણો!
‘મંગળ કાર્ય તો તમે ગુપચુપ પતાવી દીધું હોય એમ લાગે છે સ્વાતિબહેન!’
બે-ચાર બહેનોએ પોથીયાત્રામાં આરતી જોડે આગળ ચાલતાં સ્વાતિબહેનને આંતરીને પૂછી લીધું, ‘તમારી જોડે અજાણી યુવતી મલપતી ચાલે છે ને પાછળ પુરુષોમાં તમારા દીકરા જોડે ત્રણ-ચાર વરસનો બાળુડો માથે મોરપીંછથી કેવો સોહે છે! તે આ બધાનું કનેક્શન શું? આસુ તમારી જાણ બહાર પરણી આવે એવો તો નથી...’
બાઈઓ શું જાણવા માગે છે એ સ્વાતિબહેન અને આરતી બેઉને સમજાતું હતું.
કથા નિમિત્તે રુદ્રની માને તેડાવવાના પતિના પ્રસ્તાવમાં સ્વાતિબહેનને વાંધો લેવા જેવું લાગ્યું નહોતું. બલ્કે પરાણે વહાલા થઈ ગયેલા રુદ્રની માને મળવાની તેમને પણ ઉત્કંઠા હતી. એટલે આશ્રયે ફોન કરતાં તે બે-ત્રણ દિવસ અગાઉની આવી પણ ગઈ. રૂપાળી એવી જ સંસ્કારી. આવતાં જ અમને પગે લાગી. મને પાણીનો પ્યાલો પણ ધરવા ન દીધો : તમે બેસો મા, હું જાતે લઈ લઈશ. તમને એની મરજાદ તો નથીને!
તેનું મા કહેવું આસુ જેટલું જ સ્વાભાવિક લાગ્યું. ઘરનું કામ તેણે ઉપાડી લીધું. આવડી ઉંમરમાં કેટલાં દુખ જોઈ લીધાં - અનાથ, વૃદ્ધ પુરુષ સાથે સોદાથી લગ્ન અને અકાળ વૈધવ્ય... તોય હામ ન હારી, ભાંગી ન પડી. તેના આગમને રુદ્રથી વધુ આસુ ખીલી ઊઠેલો એમ થોડો નર્વસ પણ લાગ્યો એ મારા ધ્યાન બહાર ઓછું રહે!
‘તમે જોયું?’ રાતે પતિને કહેતાં સ્વાતિબહેનની અબળખા હૈયે આવી ગઈ : આસુ-આરતી અને રુદ્ર સાથે હોય ત્યારે કેવું સુખી કુટુંબ જેવું લાગતું હતું!
અને આવી જ કોઈ હિન્ટની રાહ જોતા હોય એમ નરહરિભાઈએ સીધું જ પૂછ્યું : તારી ઇચ્છા આસુને તેની સાથે પરણાવવાની થતી હોય તો અમારા બેઉની હા છે!
સ્વાતિબહેને ત્યારે દીકરાના હૈયાનો ભેદ જાણ્યો!
વળતી સવારે બધાને ઘરમંદિરમાં ભેગાં કરીને આરતીને પડખે બેસાડી, ‘મારે તને ફરી પરણાવવી હોય તો તારા કોઈ સગાને પૂછવું પડે એમ છે?’
ફરી પરણાવવી હોય તો - એટલે! ડઘાયેલી આરતીએ ડોક ધુણાવી : ના મા.
‘બસ તો.’ તેમણે ઠાકોરજી આગળ ધરેલું બૉક્સ ઉઠાવીને આરતીને દેખાડ્યું, ‘હવે તને મારો આસુ પસંદ હોય તો તેના હાથે અમારી આ ખાનદાનની નિશાની સમા કંગન પહેરી લે એટલે ઈશ્વરની સાક્ષીમાં તમારું સગપણ થઈ ગયું ગણાય...’
હેં! આશ્રયને એ ચમત્કાર જેવું જ લાગ્યું. આરતીએ જાત સાથે ઝઘડવું હતું : આશ્રયને હજી રુદ્રની સચ્ચાઈ કહેવાની બાકી છે, શી જરૂર હતી મારે આમ માને વહાલાં થવાની! એના કરતાં થોડી અતડી રહી હોત તો...
પણ ત્યાં સુધીમાં તો આશ્રય તેને કંગન પહેરાવી ચૂકેલો.
‘કાલે પોથીયાત્રામાં તારે અમારી થનારી વહુ તરીકે જોડાવાનું છે...’ સ્વાતિબહેને આગલી રાતે જ કહી રાખેલું, એ મુજબ આરતીએ શણગાર સજ્યા હતા અને લોકોએ એની નોંધ લીધી એ બદલ પોરસાયાં પણ ખરાં.
‘અમારે કાંઈ છુપાવવાનું નથી. અધિક માસ જવા દો, પછી જે છે એ જાહેર કરીશું. કથાના ત્રીજા દિવસે અમારો ચડાવો છે. હાલ તો એટલું જાણી લો કે આરતી અમારી ખાસ ગેસ્ટ તરીકે લાલાનું પારણું ઝુલાવવામાં અમારી સાથે રહેશે!’
સાંભળીને ચતુર મહિલાઓએ એક વત્તા એક કરી નાખ્યું : ત્યારે તો આશ્રયનું જ ક્યાંક લફરું હોવું જોઈએ. ત્યારે માબાપ ગાંઠ્યાં નહીં હોય એ લગ્નનો વારો હવે આવ્યો લાગે છે - પોતરાના જન્મ પછી!
‘જમાનાની હવા હવે ગામડે સુધી પહોંચી રહી છે!’
પોથીયાત્રા સંપન્ન થઈ. વ્યાસપીઠ પરથી કથાકાર સૌને આવકારે છે ત્યાં સુધીમાં પોતાના ગ્રુપમાં ગોઠવાઈને તે સન્નારીઓ કૂથલી કરવા લાગી : ન્યાતમાં જેનો દાખલો દેવાતો તે આશ્રયે લગ્ન વિના બાળક કરી દીધું ને આજના દિવસનાં મનોરથી મમતાબહેનની દીકરીને જુઓ. કરોડોનો કારોબાર સંભાળવામાં એટલી વ્યસ્ત છે કે પરણવાનું નામ નથી લેતી! તે શું હજી કુંવારી જ હશે એમ માનો છો!’
‘તેના ઍટિટ્યુડનું તો પૂછશો જ નહીં. જોતા નથી, ઘરના બધાને કેવા પોતાના કન્ટ્રોલમાં રાખે છે! ફૅક્ટરીથી નજીક રહેવાના બહાને અલગ બંગલામાં સ્વતંત્રપણે રહે છે, ત્યાં કેવા ખેલ નહીં રચાતા હોય મારી બાઈ! ને તેની મોટાઈ જોઈ? પેલા ફિલ્મસ્ટાર્સ રાખેને - બાઉન્સર્સ લઈને આવી છે. એમાંય એક ભાયડો ને બીજી ભાયડાછાપ ઓરત છે! હવે બોલો.’
શું ભાગવતની કથા કે શું ગામનો ચોતરો, પારકી પંચાત અને કૂથલી કરનારા અત્ર, તત્ર, સર્વત્ર મળવાના!
બાય ધ વે, મમતાબહેનની જે દીકરીની કૂથલી થઈ રહી હતી તે જસ્મિન હતી.
lll
‘તું બહુ સુંદર દેખાય છે.’
ગિરિધરબાપુએ કથાની શરૂઆત માંડી. શ્રોતાગણ એમાં મશગૂલ બનતો ગયો. પુરુષ વિભાગમાં બેઠેલો આશ્રય રુદ્રનો હવાલો પિતાને સોંપીને પગ છૂટો કરવા ઊભો થયો એ જોઈને સ્વાતિબહેને આરતીને ઊભી કરી : ગરમી બહુ છે, છાશ પી આવ બેન!
અને બેઉ છાશનાં કાઉન્ટર આગળ ભેગાં થઈ ગયાં. ખરેખર તો બેઉ આવું એકાંત ઝંખતાં હતાં.
‘તમે દોરેલા ચિત્ર જેવી તો નહીં...’ આરતી મલકી.
જવાબમાં કંઈ કહેવા જતા આશ્રય કેમ એકદમ પૂતળા જેવા થયા! ઓહ, પેલા ટીવીનું દૃશ્ય જોઈને તે ડઘાઈ ગયા લાગે છે.
અને આશ્રયના હોઠ ફફડ્યા : જ...સ્મિન! અહીં!
જસ્મિન!
હવે આરતીએ સ્ક્રીન પર નજર ટેકવી. પહેલી પંગતમાં બેઠેલી પાંત્રીસેકની લાગતી સ્ત્રી પર કૅમેરા ઝૂમ થયો હતો એટલે તે પણ કથાકારને સાંભળતી હોય એમ અલર્ટ બેઠી હતી. પહેલી હરોળ જે-તે દિવસના મુખ્ય દાતાઓ માટે અનામત રખાઈ છે એટલે કે જસ્મિન આજના મુખ્ય દાતા મમતાબહેનની દીકરી કે વહુ હોવી જોઈએ... પણ આશ્રય સાથે તેને શું સંબંધ? શું આશ્રયનો પણ પાસ્ટ છે જે તેણે મને કહ્યો નથી?
જસ્મિનને જોતાં જ આશ્રય નર્વસ બની ગયો. ચિત્તમાં ભૂતકાળ ગર્જવા લાગ્યો, ફરી તે બાઈ જાણે પોતાનું પૌરુષ શોષી રહી હોય એવો ઠંડોગાર થઈ ગયો તે.
lll
આશ્રયને એકાએક શું થયું! હસતો-બોલતો જુવાન એકદમ ચુપકી સાધી લે એની સાથે જરૂર પેલી જસ્મિનનું કનેક્શન છે!
આરતીને એટલું સમજાતું હતું કે આમાં પ્રણય તો ન હોય. જો હોત અને બ્રેક-અપમાં પોતાનો વાંક હોત તો આશ્રય છોભીલો પડત અને જસ્મિન જવાબદાર હોત તો દર્દની કસક અનુભવત... એને બદલે તે તો મને નર્વસ લાગ્યો... વાય!
આશ્રયના ભૂતકાળનો તાળો મેળવવા મથતી આરતીને જાણ નહોતી કે છાશના કાઉન્ટરથી પાછા વળતી વેળા પોતાને જોઈને કોઈ બીજાએ પણ ભૂતકાળનું અનુસંધાન મેળવી લીધું છે!
lll
આ...શ્ર...ય!
કથામાંથી નીકળતી વેળા જસ્મિનની નજરે તેને ઝીલ્યો. ઘડીભર તો મનાયું નહીં : કાશ્મીરમાં જેની પાસે સ્ટ્રિપ-ડાન્સ કરાવ્યો તે પેઇન્ટર આશ્રય આટલાં વરસે અચાનક સામે આવી ગયો!
lll
‘શું વાત છે સ્વીટી?’
તિથલના રિસૉર્ટના સ્વીટમાં કોચ પર લંબાવીને બૉડી-મસાજ કરાવતી જસ્મિનને આજે રોજ જેવી મજા ન આવી. એક તો માના દુરાગ્રહને કારણે પરાણે કથાના પ્રોગ્રામમાં આવવું પડ્યું. એમાં અકળાવતી ગરમી! રિલૅક્સ થવા સ્વીટીને મસાજ માટે બોલાવી તેય ઢીલી કેમ!
‘એક રિક્વેસ્ટ છે મૅમ. જો તમે રોકાઈ શકો એમ હો તો શેખરનો એક જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે.’
શેખર જસ્મિનનો સિક્યૉરિટી પ્રોવાઇડર હતો અને સ્વીટી તેની પત્ની હતી. પોતાની બાઉન્સર અને બીજું પણ કંઈક! એથી જોકે મારે મારું શેડ્યુલ બદલવાનું ન હોય... પણ જાણું તો ખરી કે વલસાડ જેવા ગામડામાં શેખરના વેરનો કયો તાંતણો નીકળ્યો?
lll
ન હોય!
શેખરના ચહેરાના ઘાની અસલી ગાથા સ્વીટીને કારણે જસ્મિનને માલૂમ હતી. બાકી બીજાને તો એવું જ કહેવાતું કે વતનમાં દીપડા સાથે ફાઇટ કરતાં પડેલા નિશાનને શેખર બહાદુરીમાં ખપાવી દેતો અને તેના ક્લાયન્ટ્સ પ્રભાવિત પણ થતા!
બટ માય-માય! એ ઘા કરનારી આરતી નન અધર ધેન આશ્રયની ગેસ્ટ નીકળે ને બેઉ પરણવાનાં કે ખાનગીમાં પરણી ચૂકેલાં એવું ગૉસિપ ન્યાતમાં ચાલતું હોય ત્યારે આશ્રયની આબરૂ ફરી ઉતાર્યા વિના તો મુંબઈ જવાય જ કેમ! અફકોર્સ, તેણે શ્રીનગરમાં મને અપમાનિત કર્યાનું વેર હું વાળી ચૂકેલી, પણ જાણીતા શિકાર પર ફરી તીર ચલાવવાનો પણ લુત્ફ હોય છેને!
lll
રાતે આઠના સુમારે રિક્ષામાંથી રિસૉર્ટનાં દ્વારે ઊતરીને આરતી મક્કમ પગલે રિસેપ્શન તરફ વળી : જસ્મિન અહીં ઊતરી છે અને તેને મળવું જરૂરી છે...
આખરે જસ્મિનને નિહાળ્યા પછી આશ્રયમાં આવેલો બદલાવ દેખીતો હતો અને આરતીને તો એ ચિંતાજનક પણ લાગ્યો. મા-બાપે તો માની લીધું કે ગરમીને કારણે માથું દુખતું હશે એટલે તે આવતાં જ રૂમમાં જઈને સૂઈ ગયો, પણ આરતીને એ બહાનું લાગ્યું હતું. વાળુ દરમ્યાન મમતાબહેનની વાત કાઢીને આડકતરી રીતે તેણે તેમની દીકરી જસ્મિન વિશે પૂછ્યું, પણ તે મુંબઈ રહે છે એ સિવાય તેમની પાસે ભાગ્યે જ કોઈ માહિતી હતી. મતલબ, ભૂતકાળમાં ક્યારેક આશ્રય જોડે તેનાં લગ્નની વાત ચાલી હોય એવું તો નથી જ...
આશ્રયને સીધું પૂછવા તે તેની રૂમ પર ગઈ, પણ તે ખરેખર ઊંઘતો હતો એટલે વળી નીચે આવી પિતાજીને કહીને જસ્મિનના રોકાયાની ભાળ કઢાવી તેને મળવા દોડી આવી... ના, ઘરે તો બહાનું જ બતાવ્યું કે જસ્મિનને મારા પતિએ ધિરાણ કરેલું એ નિમિત્તે મળવા જવું છે...
- પણ હવે તેને મળીને સત્યનો તાગ મેળવી લેવાની હું!
- અને રિસેપ્શન પરથી રસ્તો પૂછી જસ્મિનની રૂમ પર પહોંચેલી આરતી ડોરબેલ માટે નજર દોડાવે છે કે અંદરથી આવતા માદક ચિત્કારે તેને સહેમાવી દીધી. જસ્મિન એકલી નથી લાગતી... ફૅમિલીથી અલગ રિસૉર્ટમાં રહેવાનું કારણ હવે સમજાય છે! કોઈના એકાંતમાં દખલ દેવી ન હોય એમ આરતી પાછી વળે છે કે નજરને બ્રેક લાગી જાય એવું દૃશ્ય આંખે પડ્યું. રિસૉર્ટની એ રૂમનો પડદો બરાબર ઢળ્યો નહીં હોય કે પછી પંખા કે ACના પવનને કારણે હાલ્યો હોય, ગમે એમ પણ આરતીની આંખે જસ્મિનનું અંગત ચડી ગયું!
વધુ રોકાવાનો અર્થ નહોતો. નજર વાળીને આરતીએ પગ ઉપાડ્યા, પણ જે જોયું એ પછી આશ્રય સાથે જસ્મિનનું શું કનેક્શન હોય એ પ્રશ્ન વધુ રહસ્યમય બની ગયો!
(આવતી કાલે સમાપ્ત)
