Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૧)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૧)

Published : 22 March, 2026 11:30 AM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

સ્ત્રી પોતાના બન્ને હાથે પુરુષના હાથ પકડીને તેને આગળની તરફ લઈ આવી. તેણે ખૂબ વહાલથી બન્ને હાથ પકડીને કહ્યું, ‘હું ખુશનસીબ છું કે તારા જેવો શૌહર મળ્યો.’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


અંધેરી-વેસ્ટના યારી રોડ વિસ્તારમાં રાત ઢળી ગઈ હતી. બાર માળના એક બિલ્ડિંગમાં ત્રણ BHKના ફ્લૅટમાં એક સ્ત્રી ટેબલ પર ઢગલો પુસ્તકોની પાછળ બેસીને ટેબલલૅમ્પના સહારે પોતાનું કામ કરી રહી હતી. પુસ્તકો ઊથલાવતી, નોંધ ટપકાવતી ને વચ્ચે-વચ્ચે તેની બાજુમાં બેઠેલા નવ વર્ષના દીકરાના મૅથ્સના હોમવર્કમાં પણ તેનું ધ્યાન હતું. થોડી વાર પછી નાનકડા કિચનમાંથી એક માણસ બે કપ કૉફી સાથે બહાર આવ્યો. હૅન્ડસમ દેખાતા એ માણસની આંખોમાં કામ કરી રહેલી આ સ્ત્રી પરત્વેનો આદર અને સ્નેહ છલકાતાં હતાં. તેણે એક કપ કૉફી વર્કિંગ ટેબલ પર મૂકી, ‘ચલ! કૉફી પી લે.’ તેણે કહ્યું. બીજો કપ થોડે દૂર મૂકીને તેણે બન્ને હાથે એ સ્ત્રીના ખભા, ગરદન અને પીઠના ભાગ પર હળવો મસાજ કરવા માંડ્યો.

‘આહ! ઓહ...’ એ સ્ત્રીના ઉદ્ગાર સાંભળીને પુરુષ હસી પડ્યો.



‘અમ્મી સાંભળશે તો કંઈ બીજું જ સમજશે!’ બન્ને હસ્યાં.


સ્ત્રી પોતાના બન્ને હાથે પુરુષના હાથ પકડીને તેને આગળની તરફ લઈ આવી. તેણે ખૂબ વહાલથી બન્ને હાથ પકડીને કહ્યું, ‘હું ખુશનસીબ છું કે તારા જેવો શૌહર મળ્યો.’

‘એવું તો હું પણ કહી શકું.’ પુરુષે કહ્યું, ‘આયરા ખાન, તું જ્યારે લૉ કૉલેજમાં મારી સાથે ભણતી હતી ત્યારે અડધી કૉલેજના છોકરાઓ તને પરણવા માગતા હતા. તેં મને પસંદ કર્યો. બૅક બેન્ચરને. સેલ્સમૅન. ન કારકિર્દીમાં કંઈ કમાલ કરી શક્યો, ન જિંદગીમાં...’ કહેતાં-કહેતાં તેણે કૉફીનો કપ ઉપાડી લીધો. કદાચ ભરાયેલા ડૂમાને તેણે કૉફીના ઘૂંટડા સાથે ધકેલી દીધો.


આયરા ઊભી થઈ ગઈ. તેણે વહાલથી પતિના ગળામાં હાથ પરોવ્યા, ‘ઑબ્જેક્શન! મિસ્ટર શૌકત મન્સૂરી, તું જે કમાલ કરે છે એ તો કોઈ કરી શકતું નથી. મારાં બે બાળકોને તેં કેટલો સરસ ઉછેર આપ્યો છે, મારી અમ્મીને કેટલા વહાલથી રાખે છે... ને મને સહન કરે છે, એ ઓછું છે?’ પતિ-પત્નીના આ મધુર પ્રણયદૃશ્યનો સાક્ષી બનેલો નવ વર્ષનો દીકરો ઊભો થઈને માતા-પિતા સાથે ગ્રુપ-હગમાં જોડાઈ ગયો.

આયરા ખાન મન્સૂરી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કંઈ કમાલ કરી ચૂકી હતી. નીડર, હોશિયાર અને પોતાના કામમાં માહિર આયરા ખાનના નામનો સિક્કો પડતો. જે કેસમાં આયરા પબ્લિક પ્રોસિક્યુટર નિમાય એ કેસમાં ડિફેન્સના વકીલનો આત્મવિશ્વાસ પહેલેથી જ હલી જતો. નવ વર્ષનો દીકરો ઝિશાન, પતિ શૌકત મન્સૂરી અને પોતાની મા નિખત સાથે આયરાનો સંસાર શાંતિ અને સ્નેહથી ભરેલો હતો. શૌકત એક ઇન્શ્યૉરન્સ કંપનીમાં સેલ્સનું કામ કરતો. જુઠ્ઠું બોલવાની આવડત નહીં અને બાટલામાં ઉતારવાની કુનેહ નહીં એટલે દર મહિને તેના સેલ્સ ટાર્ગેટમાં પાછો પડતો. વર્ષમાં એક-બે વાર મેમો મળતા, પણ તેની ભલમનસાઈ અને સજ્જનતાને કારણે તેના બૉસે તેને ટકાવી રાખ્યો હતો. શૌકત બરાબર સમજતો હતો કે તેની પત્નીની સફળતા અને પ્રસિદ્ધિ પણ તેની નોકરીને ટકાવી રાખવાનું એક કારણ હતી. પણ એ વાતનો ઈગો પ્રૉબ્લેમ બનાવ્યા વગર શૌકત સહજતાથી એ વાતને સ્વીકારી લેતો.

‘સહન હું નહીં, સહન તો તું કરે છે. તારા જેવી હોનહાર અને નીડર છોકરીને જો તેના જેવો જ શૌહર મળ્યો હોત તો કદાચ બે જણ આસમાનને અડતાં હોત!’

‘હું જમીન પર જ ખુશ છું.’ આયરાએ કહ્યું. એ પછી બન્ને જણ કોણ વધુ નસીબદાર છે એની ચર્ચા કરવામાં એકમેકનો સ્નેહ માપતાં રહ્યાં. ઝિશાનનું હોમવર્ક પૂરું થયું એટલે આયરા તેને લઈને સુવડાવવા ગઈ. કૉફીના કપ અને રસોડાનું છેલ્લું કામ આટોપીને શૌકત જ્યારે બેડરૂમમાં પહોંચ્યો ત્યારે રાતના સાડાઅગિયાર થયા હતા. આયરા પલંગમાં પડી ત્યારે તેના મગજમાં આવતી કાલ સવારે શરૂ થનારા અચ્યુત ગોહિલના કેસની વિગતોનું ડેટા-પ્રોસેસિંગ શરૂ થઈ ચૂક્યું હતું.

‘મુજરા હૉલ’ કોઈ દુલ્હનની જેમ શણગાર્યો હતો. ઍમ્ફીથિયેટરની જેમ વચમાં સ્ટેજ અને આજુબાજુ પ્લૅટફૉર્મ્સ બનાવવામાં આવ્યાં હતાં. એક ટેબલ અને બે ખુરસી રહી શકે એટલી પહોળાઈના આ પ્લૅટફૉર્મ્સ પર ટેબલ-ખુરસી ગોઠવવામાં આવ્યાં હતાં જેમાં ચારે તરફ દેશ-વિદેશથી આવેલા મહેમાનો ગોઠવાયા હતા. ટેબલ પર આલા શરાબ, હુક્કા હતા. જાતભાતનાં સ્ટાર્ટર્સ લઈને વેઇટર્સ ફરી રહ્યા હતા. સામે લટકાવેલી મોટી ઘડિયાળ સાત વાગવામાં દસ મિનિટ બતાવી રહી હતી. ટેબલો ખીચોખીચ ભરાઈ ગયાં હતાં. બે બૉડીગાર્ડ‍્સ સાથે અઝીઝ દાખલ થયો. તેના આવવાથી વાતાવરણમાં એક ગરમાહટ આવી ગઈ. નીચેના પ્લૅટફૉર્મના સેન્ટરમાં ઊભા રહીને અઝીઝે બોલવાનું શરૂ કર્યું, ‘જેન્ટલમેન... બસ, હવે દસ મિનિટની વાર છે. તમારે માટે પસંદ કરેલા નાયાબ નગીના થોડી મિનિટોમાં તમારી સામે રજૂ કરવામાં આવશે. બિડ માટેનાં પ્લૅકાર્ડ તમારા ટેબલ પર મૂક્યાં છે. ડસ્ટર અને પેન પણ સૌને આપી દેવાયાં છે. આ સાઇલન્ટ બિડ હશે. જે શબ્દોમાં કિંમત બોલશે તેને ફાઉલ ગણીને અહીંથી માનપૂર્વક રવાના કરવામાં આવશે. દરેક છોકરી જ્યારે દાખલ થશે ત્યારે બે તરફ મૂકેલા LED ઉપર તેનાં વાઇટલ સ્ટૅટિસ્ટિક્સ અને વિગતો ડિસ્પ્લે થશે. મિનિમમ પ્રાઇસથી બિડ શરૂ થશે અને ફાઇનલ પ્રાઇસ માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ...’ સૌએ તાળીઓ પાડી. અઝીઝ સહેજ ઝૂકીને છેક ઉપરના પ્લૅટફૉર્મ પર મૂકેલા સ્પેશ્યલ ટેબલ અને રજવાડી ખુરસી પર ગોઠવાયો.

પિસ્તા રંગના પેપર સિલ્કના ગાઉન અને એમરલ્ડનો નેકલેસ પહેરીને, મોંઘા પરફ્યુમથી મહેકતી અક્ષરા જ્યારે મુજરા હૉલમાં દાખલ થવા ગઈ ત્યારે તેની સાથે આવેલી ગાર્ડે તેને અટકાવી, ‘અહીં નહીં, મૅમ. આ તરફથી.’ તેણે કહ્યું. અક્ષરાને સહેજ આશ્ચર્ય તો થયું, પણ તે ગાર્ડની પાછળ-પાછળ ચાલવા લાગી. ગાર્ડ તેને લઈને મુજરા હૉલની પાછળના ભાગમાં આવેલા એક ગ્રીનરૂમ–મેકઅપરૂમ જેવા વિસ્તારમાં પહોંચી. લાઉન્જ જેવા આ વિશાળ ઓરડામાં ગોઠવાયેલા ઇટાલિયન સોફા પર અનેક સ્ત્રીઓ બેઠી હતી. સુંદર વસ્ત્રો, આભૂષણો, જાત-જાતના પરફ્યુમની મહેકથી વાતાવરણ જાણે માદક બની ગયું હતું.

અક્ષરાને નવાઈ લાગી, ‘અહીં કેમ?’ તેણે પૂછ્યું, ‘અઝીઝ ક્યાં છે? મારું રિઝર્વેશન તેના ટેબલ પર હશે.’ તેણે આત્મવિશ્વાસ સાથે કહ્યું. ગાર્ડના ચહેરા પર સ્મિત આવી ગયું. ત્યાં બેઠેલી બધી સ્ત્રીઓ અંગ્રેજી નહીં સમજતી હોય પણ એક-બે સ્ત્રીઓ પોતાનું સ્મિત છુપાવી શકી નહીં. તેમના સ્મિતમાં એક મજાકનો ભાવ હતો. અક્ષરાને સમજાયું નહીં, પણ કંઈક વિચિત્ર લાગ્યું. તે કશું પૂછે એ પહેલાં ગાર્ડ ત્યાંથી ચાલી ગઈ. આજુબાજુ જોઈ રહેલી અક્ષરા પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં તેના ખભે એક હાથ મુકાયો. અક્ષરાએ ચોંકીને પાછળ જોયું. તેની આંખો પહોળી થઈ ગઈ. એ મહઝબીન હતી. મૉરિશ્યસમાં અઝીઝે જેની ઓળખાણ પોતાની ત્રીજી બેગમ તરીકે કરાવી હતી એ છોકરી અહીં લગભગ પારદર્શક કહી શકાય એવાં વસ્ત્રોમાં સજી-ધજીને ઊભી હતી, ‘તમે? અહીં શું કરો છો?’ અક્ષરાએ પૂછ્યું.

‘હું એ જ કરી રહી છું જે કરવા તને અહીં લાવવામાં આવી છે.’ મહઝબીનના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની ઉદાસી હતી. તેના ખુલ્લા ખભા પર લાલ રંગનાં નિશાન હતાં, મૂઢમાર વાગ્યો હોય એવાં.

‘શું કહો છો?’ હવે કશુંક ભયાનક બનવાનું છે એ વાતની ગંધ અક્ષરાને આવવા લાગી હતી.

‘તું ફસાઈ ગઈ છે.’ મહઝબીને કહ્યું, ‘થોડી મિનિટોમાં તને નિલામ કરશે. દુનિયાભરમાંથી આવેલા ઇન્ટરનૅશનલ ગ્રાહકોમાંથી કોઈ તને ખરીદીને પોતાની સાથે લઈ જશે.’

‘નો...’ અક્ષરાના પગ ધ્રૂજવા લાગ્યા, ગળું સુકાઈ ગયું. તેની આંખોમાં આતંક છવાઈ ગયો, ‘અઝીઝ નિકાહ કરવાનો છે મારી સાથે. તે એવું ન કરી શકે.’

મહઝબીન હસી પડી. અંગ્રેજી સમજતી બે-ચાર બીજી સ્ત્રીઓ પણ ખડખડાટ હસવા લાગી. મહઝબીને જે રીતે અક્ષરાની આંખોમાં જોયું એ નજર અક્ષરાને આરપાર વીંધી ગઈ, ‘તેણે મારી સાથે પણ એ જ કર્યું.’ મહઝબીને ત્યાં બેઠેલી સ્ત્રીઓ તરફ હાથ કરીને કહ્યું, ‘અહીં બેઠેલી આ બધી સ્ત્રીઓ સાથે આ જ કરીને તેમને અહીં લાવવામાં આવી છે.’

‘અઝીઝ? આ બધી સાથે...’ અક્ષરાને લાગ્યું કે જાણે કોઈકે તેના માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી દીધી હોય. તેનો શ્વાસ ગૂંગળાવા લાગ્યો. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે ચારે તરફ જોયું. મહિલા ગાર્ડ ઊભી હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો.

‘ના, ના... એકલો અઝીઝ નહીં. તેના જેવા કેટલાય માણસો છે જે કોઈ ને કોઈ રીતે આ સ્ત્રીઓને પ્રેમજાળમાં ફાંસીને અહીં લાવ્યા છે. મૂર્ખ સ્ત્રીઓ પ્રેમના નામે તેમની વાતમાં વિશ્વાસ કરીને અહીં ફસાઈ છે.’ મહઝબીનની આંખો છલકાઈ પડી, ‘કોણ જાણે હવે અહીંથી નસીબ ક્યાં લઈ જશે...’

અક્ષરા કશું બોલે એ પહેલાં એક ગૉન્ગનો અવાજ ગુંજ્યો. મેકઅપને આખરી ટચ આપી રહેલી કે ઉદાસીમાં ઢગલો થઈ ગયેલી સ્ત્રીઓમાં અચાનક જીવનનો સંચાર થયો. ચારેય બાજુ ખૂણામાં ઊભેલી મહિલા ગાર્ડ્‍સ નજીક આવી ગઈ. સૌ સ્ત્રીઓને એક લાઇનમાં ઊભા રહેવાનો નિર્દેશ કરી એક લિસ્ટમાં લખેલા નામ અને નંબર પ્રમાણે સૌને ડાબા ખભા પર બૅજ પહેરાવવામાં આવ્યો. આ બૅજ પર એક નંબર લખેલો હતો... સૌને એ નંબર પ્રમાણે લાઇનમાં ઊભાં રાખવામાં આવ્યાં. બહાર કંઈક અનાઉન્સમેન્ટ કરી રહેલા અઝીઝનો અવાજ સંભળાતો હતો, ‘તમારું દિલ ધબકારો ચૂકી જાય એવી નાયાબ, કમસીન અને સુંદર સ્ત્રીઓ થોડી વારમાં તમારી સામે આવશે. અદ્ભુત ચીજોની કોઈ કિંમત નથી હોતી, એ અમૂલ્ય હોય છે. અમે તમારી ખિદમતમાં જે પેશ કરી રહ્યા છીએ એની જે કિંમત લગાવશો એ ઓછી જ છે. તો હવે 9... 8... 7... 6...’ જેવું અઝીઝે ‘વન’ કહ્યું કે તરત પહેલી ઊભેલી વિયેટનામીઝ છોકરીને મહિલા ગાર્ડે ધક્કો મારીને બહાર જવાનો ઇશારો કર્યો. સુપરવાઇઝર જેવી દેખાતી એક મહિલા ગાર્ડે કહ્યું, ‘સ્માઇલ ઍન્ડ સ્ટૅન્ડ સ્માર્ટ...’ એ છોકરી પોતાના ચહેરા પર પરાણે સ્મિત લઈને સેન્ટરના પ્લૅટફૉર્મ પર બનાવેલા એક દરવાજામાંથી પ્રવેશી. ગોરી–પીળચટ્ટી ત્વચા ધરાવતી ઝીણી આંખો અને સીધા વાળવાળી એ છોકરી જેવી પ્રવેશી કે સ્ટેજની બે તરફ આવેલી LED સ્ક્રીન પર તેનાં સ્તન, નિતંબ અને કમરના આંકડા, ઊંચાઈ, શિક્ષણ અને દેશનું નામ ડિસ્પ્લે થવા લાગ્યું. સેન્ટરમાં આવેલા સ્ટેજની આજુબાજુમાં પ્લૅટફૉર્મ પર બેઠેલા લોકોએ મિનિમમ કિંમત વાંચીને પોતપોતાની બોલી લગાવવાની શરૂઆત કરી. પ્લૅકાર્ડ ઉપર આંકડા લખાતા જતા હતા, બદલાતા જતા હતા, વધતા જતા હતા! ‘હોઆ’ નામ ધરાવતી એ છોકરી પોતાની કિંમત લગાવતા આ ખરીદદારોને જોઈ રહી હતી. થોડી શરમ, થોડા સંકોચ સાથે તે આ પરિસ્થિતિને ગળે ઉતારવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અપમાનની આ ક્ષણ તેને માટે સહજ તો નહોતી જ...

પ્લૅકાર્ડ પર વધતો આંકડો અંતે ૮૦ હજાર ડૉલર પર અટક્યો. એથી આગળ વધવા કોઈ તૈયાર ન થયું. ‘એઇટી થાઉઝન્ડ ડૉલર્સ, વન...’ ‘એઇટી થાઉઝન્ડ ડૉલર્સ, ટૂ...’ ‘એઇટી થાઉઝન્ડ ડૉલર્સ, થ્રી...’ અઝીઝનો અવાજ સંભળાયો. તેણે પૂરા ઉત્સાહ અને જોશ સાથે કહ્યું, ‘હોઆનો અર્થ થાય છે ફૂલ... આ વિયેતનામીઝ ખૂબસૂરત ફૂલ ફ્રાન્સથી આવેલા આન્ત્વાન ગૅબ્રિયલની ઝોળીમાં પડ્યું.’

એ પછી બીજી, ત્રીજી... છોકરીઓ એક પછી એક બહાર નીકળતી ગઈ, તેમની કિંમત બોલાતી ગઈ. અક્ષરા ધડકતા હૃદયે આ તમાશો જોઈ રહી હતી. પોતાનો વારો આવશે ત્યારે એ શું કરશે એવું વિચારતાં પણ તેને શરમ આવતી હતી. એક પ્રેમાળ, સમજદાર પતિને છોડીને અહીં આવવાનો પારાવાર અફસોસ તેને ઘેરી વળ્યો હતો. પોતાનો વારો ક્યારેય ન આવે એવી નિરર્થક પ્રાર્થના તે ક્યારની કરવા લાગી હતી, પરંતુ તેનો વારો આવી જ ગયો. જવામાં આનાકાની કરવાનો તેણે પ્રયત્ન કર્યો, પણ મહિલા ગાર્ડે તેનો હાથ પકડીને પાછળ એટલા જોરથી આમળ્યો કે અક્ષરાથી બૂમ પડાઈ ગઈ, ‘સીધેસીધી બહાર જા. કોઈ પણ પ્રકારની હોશિયારી કરવાનો પ્રયત્ન કરીશ તો શેખસાહેબ તને તેના કૂતરાઓને ખવડાવી દેતાં અચકાશે નહીં.’ આંખોમાં ઝળઝળિયાં સાથે અક્ષરા બહાર નીકળી.

વહેલી સવારે આયરા ખાન મન્સૂરી જ્યારે ઘરેથી અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ જવા નીકળી ત્યારે તેણે અચ્યુત ગોહિલને ઓછામાં ઓછી જનમટીપની સજા કરાવવાની ગાંઠ વાળી લીધી હતી. આયરા ખાન મન્સૂરીનો બાપ એક મેકૅનિક હતો. આયરાની માને ખૂબ મારતો. તેણે બીજી બીવી કરી હતી, જેનાથી બે અને આયરાની અમ્મીને ત્રણ સંતાનો હતાં. ઓછી આવકમાં બન્ને પરિવારને પોષવાની તેની હેસિયત નહોતી. તેની કમજોરી બન્ને બીવીઓ પર કહેર બનીને તૂટતી. માર ખાતી, કુટાતી બન્ને પત્નીઓએ મહેનત-મજૂરી કરીને પોતાનાં સંતાનોને ઉછેર્યાં હતાં. મહોલ્લામાં, સમાજમાં આયરાએ પુરુષોનો અત્યાચાર જ જોયો હતો. તેના મગજમાં પુરુષવિરોધી વિચારધારા એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે જ્યારે-જ્યારે તે પત્ની સાથે થયેલા ગુના માટે કોઈ પુરુષની વિરુદ્ધમાં પબ્લિક પ્રોસિક્યુટર બનીને કોર્ટમાં ઊભી રહેતી ત્યારે તેને માટે એક પુરુષને સજા કરાવવાને બદલે આખા સમાજને સજા આપવાની એક વિચિત્ર કડવાશ ઊભરાવા લાગતી. આજે પણ આયરા માટે અચ્યુત ગોહિલનો કેસ ચાલે એ પહેલાં જ તે ગુનેગાર પુરવાર થઈ ચૂક્યો હતો. તેણે મનોમન કેસ ચલાવીને તેને સજા સંભળાવી દીધી હતી. હવે કોર્ટમાં જે ચાલે એ આયરા માટે એક ફૉર્માલિટી જ હતી.

ગાડી પાર્ક કરીને આયરા મેટ્રોપૉલિટન કોર્ટનાં પગથિયાં ચડે એ પહેલાં રાકેશ વિરમાણીએ તેને રોકી, ‘હાઇ, આયરા...’

‘ફરી એક વાર ગુનેગારને બચાવવા પહોંચી ગયો?’ આયરાના ચહેરા પર એક વ્યંગભર્યું સ્મિત આવ્યું, ‘તમારા જેવા લોકો જસ્ટિસને જોક બનાવી નાખે છે.’

‘આજે એક નિર્દોષ માણસની પેરવી કરું છું.’ રાકેશે કહ્યું, ‘તે ગુનેગાર નથી, વિક્ટિમ છે.’

‘અચ્છા?’ આયરાની આંખોમાં એક તિરસ્કારભર્યું આશ્ચર્ય હતું, ‘આ દેશમાં કોઈ પુરુષ ક્યારેય વિક્ટિમ હોય છે ખરો?’

‘બિલીવ મી.’ રાકેશે કહ્યું, ‘તે અને તેની પત્ની એક શેખના ઇન્વિટેશન પર શારજાહથી આગળ ખોર ફક્કાન નામની જગ્યાએ...’

‘કેસની વિગતો મેં વાંચી લીધી છે.’ આયરાએ નજર ફેરવી લીધી, ‘બાકીની વાત કોર્ટમાં કરીશું.’ રાકેશ કંઈ કહેવા જાય એ પહેલાં આયરાએ કડક અવાજમાં કહ્યું, ‘તમે અહીં કદાચ મારી સિમ્પથી કે આપણી વચ્ચે કોઈ કૉમ્પ્રોમાઇઝની આશાએ આવ્યા હો તો કહી દઉં કે હું તમારી ટોળીમાં ક્યારેય નહીં ભળું. મેં આ કાળો કોટ ગુનેગારને સજા અપાવવા અને નિર્દોષને છોડાવા માટે પહેર્યો છે, પૈસા કમાવા માટે નહીં.’ કહીને રાકેશના જવાબની રાહ જોયા વગર આયરા સડસડાટ કોર્ટના બિલ્ડિંગમાં દાખલ થઈ ગઈ.

શારજાહની એક કચેરીના બિલ્ડિંગમાં અગિયારમા માળે બેઠેલા ચાર આરબ ઑફિસર્સ સામે લગાડેલા ટેલિવિઝન પર અઝીઝના ઘરનાં ફુટેજ જોઈ રહ્યા હતા. અઝીઝની જાણ બહાર મગાવવામાં આવેલા આ ફુટેજમાં અચ્યુત ગોહિલ તેની પત્ની અક્ષરા ગોહિલ સાથે ગાડીમાં બેસીને અઝીઝના મહેલના મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરી રહ્યો હતો એ સ્પષ્ટ દેખાતું હતું. ચારે જણના ચહેરા પર ચિંતાના ભાવ હતા. ફુટેજ જોયા પછી રૂમમાં એક વિચિત્ર મૌન પથરાઈ ગયું. થોડીક ક્ષણો પછી રહમત શુજાએ કહ્યું, ‘અહીં દેખાતાં ફુટેજમાં જે સત્ય દેખાય છે એ પછી આપણે અઝીઝને બચાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.’

‘પણ જો આ વાત ખૂલશે તો ઇન્ટરનૅશનલ પ્રેસ મિડલ ઈસ્ટમાં ચાલતા ફ્લૅશ ટ્રેડની વાતો મીઠું-મરચું ભભરાવીને ચગાવશે. આપણે આપણી ઇમેજ અને સુલતાનની પ્રતિષ્ઠાનો વિચાર કરવો જોઈએ.’ ત્યાં બેઠેલા એક યુવા ઑફિસરે ધીમા અવાજે પોતાની વાત મૂકી, ‘આરબો પાસે ખૂબ પૈસા છે. એ લોકો ભારત, યુરોપ અને થાઇલૅન્ડ જેવા દેશોમાં જઈને અય્યાશી કરે છે એવો આક્ષેપ તો વારંવાર મુકાય જ છે.’

‘વાત સાવ ખોટી પણ નથી.’ એક આધેડ વયના ઑફિસરે કહ્યું, ‘બેફામ પૈસા ઉડાડવાનું આરબોને વ્યસન છે.’ પછી તેણે ઉમેર્યું, ‘આ કેસ બહાર આવશે તો આક્ષેપો પુરવાર થઈ જશે. આ કંઈ નાનોસૂનો ગુનો નથી. એક છોકરીને ગાયબ કરી છે અઝીઝે...’

‘મને ખુદ સુલતાન સાહેબે સૂચના આપી છે કે ફ્લૅશ ટ્રેડના કોઈ પણ ગુના માટે સહેજ પણ સહાનુભૂતિ રાખવાની જરૂર નથી.’ રહમત શુજાએ કહ્યું, ‘કાલે સવારે અઝીઝને મીટિંગ માટે બોલાવો.’ કહીને શુજા ઊભો થઈ ગયો, ‘તેને ગંધ પણ ન આવવી જોઈએ કે આપણે શેને માટે બોલાવ્યો છે.’ શુજા રૂમમાંથી બહાર નીકળી ગયો.

તેની પાછળ-પાછળ બહાર નીકળેલા ત્રણમાંથી યુવા ઑફિસરે એક ખૂણામાં જઈને ફોન લગાવ્યો, ‘મિન ફદલક કુલ લિશ-શેખ અય્યતહદ્દસ મઅઈ બિશક્લ આજિલ (શેખસાહેબને કહો કે તે મારી સાથે તરત વાત કરે).’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 11:30 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK