Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૮)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૮)

Published : 10 May, 2026 01:39 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

નવલકથાનું આખું પ્રકરણ ૧૮મું વાંચો અહીં

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


જરાય અવાજ કે ઝટકા વિના ચાલી રહેલી ગાડી આવીને એક પૉર્ચમાં ઊભી રહી. ડ્રાઇવરે ઊતરીને દરવાજો ખોલ્યો. થોડા ખચકાટ સાથે અક્ષરા નીચે ઊતરી. બીજી તરફથી સેરેના ઊતરી. એક સેકન્ડ માટે અક્ષરાને લાગ્યું કે તે કોઈ યુરોપિયન ફિલ્મ જોઈ રહી છે. ઊંચા સફેદ-ક્રીમ રંગના માર્બલના સ્તંભ, એના પર એક નાજુક, શાહી ડિઝાઇનની છત... બન્ને બાજુએ પામનાં વૃક્ષો, ઊડતા ફુવારામાંથી પાણીના સિકરો હવામાં અનુભવી શકાતા હતા. ફુવારામાં નાખેલાં ફૂલોમાંથી અજબ જેવી સુગંધ રેલાતી હતી. માર્બલનાં પગથિયાં ચડીને તે જ્યારે મુખ્ય દરવાજા પાસે પહોંચી ત્યારે બન્ને બાજુએ ઊભેલા ડોરમેનમાંથી એકે દરવાજો ખોલ્યો. અક્ષરાને લાગ્યું કે જાણે તે હોટેલનો નહીં, સમયનો દરવાજો ખોલીને દાખલ થઈ છે. ઠંડા માર્બલની અનુભૂતિ, જૂના ઇટાલિયન આર્કિટેક્ચરનો એક રજવાડી અનુભવ, સાથે જ અજબ જેવી શાંતિ અનુભવી શકાઈ.

બન્ને બાજુએ કોતરેલી રેલિંગ, ટેરેસમાં લટકતા રાજાશાહી ક્રિસ્ટલ શૅન્ડેલિયરના કાચના ટુકડા ઍરકન્ડિશનરની હવાને કારણે એકબીજા સાથે ટકરાઈને મીઠો રણકાર કરી રહ્યા હતા. દીવાલ પર લગાવેલા સોનેરી ફ્રેમના અરીસાઓ, એક ખૂણામાં ધીમા અવાજે વાગતો લાઇવ પિયાનો, માર્બલનાં પગથિયાં પર લગાવેલી રેડ કાર્પેટ જોઈને અક્ષરા અવાચક થઈ ગઈ. છતમાં દેવદૂત, વાદળો અને રોમૅન્ટિક દૃશ્યોની સાથે ક્યુપિડ ચિતરાયેલાં હતાં. અક્ષરાને ડઘાઈ ગયેલી જોઈને સેરેનાએ તેના ખભે હાથ મૂક્યો, ‘આ તો પહેલું પગથિયું છે... આવી તો કેટલીયે હોટેલો અને લક્ઝરી જગ્યાઓએ જવાનું મળશે તને! ૧૮૫૦માં આ પ્રાઇવેટ વિલા હતી. ૧૮૭૩માં એને લક્ઝરી હોટેલ બનાવવામાં આવી. દોઢસો વર્ષથી વધુ સમયથી આ હોટેલ છે... અહીં એક પણ રૂમ બીજી રૂમ જેવી નથી. દરેક રૂમ યુનિક છે. પ્રાઇવેટ બીચ છે. જૉન કેનેડી અને વિન્સ્ટન ચર્ચિલ અહીં રહી ચૂક્યા છે. યુરોપના કેટલાય ફિલ્મસ્ટાર્સ અને રાજવી પરિવારો અહીં ગેસ્ટ થઈને આવ્યા છે. અહીં દરેક ગેસ્ટની એક પ્રાઇવસી છે... તારી બાજુની રૂમમાં કોણ છે એની તને પણ ખબર ન પડે એનું ખાસ ધ્યાન રખાય છે.’



સેરેના લિફ્ટ તરફ આગળ વધી. તેણે લિફ્ટમાં દાખલ થઈને પોતાની પાસે રહેલા કાર્ડથી પાંચમો માળ દબાવ્યો. તેણે અક્ષરા તરફ જોઈને કહ્યું, ‘ફક્ત ૬ માળની ઊંચાઈ ધરાવતી આ હોટેલ ૭૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે. બારથી પંદર એકર, સમજે છે?’


અક્ષરા કંઈ બોલે એ પહેલાં લિફ્ટ હળવા આંચકા સાથે પાંચમા માળે ઊભી રહી. સેરેના લિફ્ટમાંથી બહાર નીકળીને આત્મવિશ્વાસપૂર્વક સડસડાટ ચાલવા લાગી. ‘હિસ્ટોરિક રૉયલ સ્વીટ’ લખેલા એક રૂમ પાસે આવીને તેણે બે ટકોરા માર્યા. થોડી સેકન્ડ પછી દરવાજો ખૂલ્યો. સામે સફેદ યુનિફૉર્મમાં એક સ્ટુઅર્ટ પ્રકારનો માણસ ઊભો હતો. તેણે નીચા નમીને સેરેનાને આવકારી. તે કદાચ સેરેનાને ઓળખતો હતો. ‘બુઓના સેરા, સિગ્નોરા.’ તેણે કહ્યું.

બુઓના સેરા (ગુડ ઈવનિંગ) કહીને સેરેના દાખલ થઈ. પાછળ-પાછળ અક્ષરા પણ પ્રવેશી. કોઈ રાજમહેલના દીવાનખંડ જેવો મોટો રૂમ અને અદ્ભુત ઇટાલિયન ફર્નિચર જોઈને અક્ષરાનો શ્વાસ થંભી ગયો હતો. તે માણસ ટ્રેમાં બે નાની બૉટલમાં પાણી લઈને આવ્યો. સ્પાર્કલિંગ વૉટર લખેલી બૉટલ ઉઘાડીને સેરેનાએ પાણી પીધું. તેણે અક્ષરા સામે જોયું, ‘અહીંથી તારો સોલો પ્રવાસ શરૂ થાય છે. હું જઈશ.’


‘પણ...’ અક્ષરા અચકાઈ.

‘અમારા બધા જ ક્લાયન્ટ જેન્ટલમૅન છે. તારી સાથે ક્યારેય કશું ખોટું નહીં થાય એની જવાબદારી અમારી છે. જસ્ટ રિલૅક્સ ઍન્ડ એન્જૉય.’ કહીને સેરેના ઊભી થઈ ગઈ. તેણે પેલા માણસને ઇટાલિયનમાં કશુંક કહ્યું. તે માણસે સ્મિત કરીને ચહેરો ઝુકાવ્યો, ‘નૉન તી પ્રિઓક્યુપારે. સી પેન્સો ઈયો (ચિંતા નહીં કરો, હું ધ્યાન રાખી લઈશ),’ તેણે કહ્યું. સેરેના ફરી એક વાર પ્લાસ્ટિકિયું સ્મિત ફરકાવીને બહાર નીકળી ગઈ. અક્ષરા ત્યાં જ બેઠી રહી. સ્ટુઅર્ટે તેને ઇશારાથી વાઇન, કૉફી વગેરે બતાવીને પૂછ્યું, ‘વુઓલે ક્વાલકોઝા?’ સવાલ અક્ષરાને સમજાયો નહીં, પરંતુ તેણે ડોકું ધુણાવીને ના પાડી. તે માણસે ઇટાલિયનમાં કહ્યું, ‘હું જોઉં, મારા માસ્ટર તૈયાર છે કે નહીં?’ અક્ષરાએ ફરી ડોકું ધુણાવીને ‘હા’ અને ‘ના’ની વચ્ચેનો કોઈક ઇશારો કર્યો. તે માણસ ત્યાંથી ચાલી ગયો. અક્ષરા ત્યાંના ઇન્ટીરિયર, દીવાલ પર લગાવેલાં મોટાં-મોટાં તૈલચિત્રો અને ત્યાં ગોઠવેલાં ઇટાલિયન માર્બલનાં શિલ્પો જોતી રહી...

‘મી સ્કૂઝી પેર લ’અત્તેસા...’ એક ઘેરો મર્દાના અવાજ સંભળાયો, ‘રાહ જોવડાવવા માટે ક્ષમા ચાહું છું.’ તેનું અંગ્રેજી ઇટાલિયન જેવું નહોતું. ઉચ્ચારો સ્પષ્ટ હતા. અક્ષરાએ પાછળ ફરીને જોયું. પચાસથી ઉપરની વયનો એક આધેડ પુરુષ ટી-શર્ટ અને જીન્સ પહેરીને ઊભો હતો. તેના વાળ કપાળની પાછળ સુધી પહોંચી ગયા હતા. ટાલ દેખાવા લાગી હતી. પેટ સહેજ બહાર હતું, પરંતુ તેનાં વસ્ત્રો અને વ્યવહારથી તે અમીર અને કુલીન દેખાતો હતો. તેણે આગળ વધીને અક્ષરાની હથેળી પકડી એના પાછળના ભાગે ચૂમી ભરી, ‘મારા ગરીબખાનામાં તમારું સ્વાગત છે. આ જગ્યા તમારા જેટલી સુંદર નથી, પણ આશા છે કે તમને ગમશે.’ તેણે કહ્યું. તેણે હળવેથી અક્ષરાનો હાથ પકડીને તેને અંદરના ઓરડા તરફ દોરી. ધડકતા હૃદયે અક્ષરા તેની સાથે ગઈ તો ખરી, પણ તેનું મન અને શરીર ભીતરથી ચિત્કાર કરી રહ્યાં હતાં. ફોકલૅન્ડ રોડની સેક્સવર્કર અને મારી વચ્ચે માત્ર આ શાહી રૂમનો જ તફાવત છે! તેનું મન કહી રહ્યું હતું.

અંદરની રૂમ ડ્રૉઇંગરૂમ કરતાં પણ ભવ્ય અને મોટી હતી. આછા ક્રીમ રંગની દીવાલો, મોટી-મોટી બારીઓ પર લાલ રજવાડી પડદા હતા. બારીઓમાંથી લેક કોમોનો સુંદર નજારો દેખાતો હતો. કોમોના ભૂરા પાણી પર આથમતી સાંજનો સોનેરી રંગ રેલાયો હતો. વૃક્ષોના પડછાયા પાણીમાં ધીમે-ધીમે તરવરતા હતા. જમીન પર અને પાણીમાં રહેલાં વૃક્ષો જાણે એકમેકનું પ્રતિબિંબ હોય એવું દૃશ્ય રચાયું હતું. અક્ષરા બારીની બહાર જોતી રહી. તેણે આવું દૃશ્ય જીવનમાં ક્યારેય નહોતું જોયું. તેની આંખોમાં દેખાતી મુગ્ધતા જોઈને પેલા માણસે કહ્યું, ‘સુંદર છે, નહીં? પણ તું એનાથી વધારે સુંદર છે...’ અક્ષરાએ પાછળ ફરીને તેની તરફ જોયું, ‘સૅલ્વેડોર નામ છે મારું.’ તેના ચહેરા પર સ્મિત આવ્યું. અક્ષરાએ જોયું કે હસતી વખતે તેની આંખો પાસે સારીએવી કરચલી પડતી હતી. તેના કપાળમાં અંકાયેલી રેખાઓ જોઈને અક્ષરાને સમજાયું કે આ માણસની ઉંમર પંચાવન-સાઠની હોવી જોઈએ. સૅલ્વેડોરે ત્યાં મૂકેલા સોનેરી ગ્રામોફોન પર યુરોપિયન બૉલરૂમ જૅઝ સંગીત શરૂ કર્યું. અક્ષરાનો હાથ પકડીને, બીજો હાથ તેની કમરમાં નાખીને સૅલ્વેડોરે અભ્યસ્ત પગલાંથી નૃત્ય કરવાનું શરૂ કર્યું. અક્ષરા પણ તેની સાથે ડાન્સ કરવા લાગી. થોડીક ક્ષણો પછી સૅલ્વેડોરના હોઠ અક્ષરાના હોઠ પર ચંપાયા...

lll

શેન્ગેન વીઝા માટે રાહ જોઈ રહેલા મિહિર અને અચ્યુત સહેજ ચિંતામાં હતા. છેલ્લા થોડા વખતથી જે માહોલ હતો એમાં વીઝા મળવા અઘરા હતા. મિહિરને પત્રકાર તરીકે અને અચ્યુતને ઑન્ટ્રપ્રનર તરીકે વીઝા મળી જશે એવી તેમના એજન્ટે ખાતરી આપી હતી. ઇન્ટરવ્યુ પૂરો થયો, બાયોમેટ્રિક્સ કરીને બન્ને જણ બહાર નીકળ્યા ત્યારે પણ ચૂપ હતા. અલ્ટમાઉન્ટ રોડ પર આવેલી ઇટલીની એમ્બેસીમાંથી બહાર નીકળીને બન્ને જણ નજીકમાં આવેલી એક ઉડિપીમાં દાખલ થયા. ચૂપચાપ ત્યાં બેસીને કૉફી પીતા રહ્યા. ખાસ્સો સમય સુધી બન્ને કંઈ બોલ્યા જ નહીં. પછી અચ્યુતે અચાનક પૂછ્યું, ‘મારી સાથે આવવાની હા પાડી છે, પણ બહુ જોખમ છે એ તો સમજાય છેને?’

‘મારી ૨૭ વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં સત્યાવીસસો જોખમ લીધાં છે મેં... જોખમથી નથી ડરતો હું.’

‘તને કદાચ લાગતું હશે કે...’

મિહિરે અચાનક જ અચ્યુતની વાત કાપી નાખી, ‘મારી ગટ-ફીલિંગ કહી રહી છે કે અનિસાનું ખૂન, અઝીઝ, મકબૂલ કરીમ અને અક્ષરાનો કેસ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણે કંઈક મિસ કરી રહ્યા છીએ... કોઈક એવી ક્લુ જેના પર આપણી નજર નથી પડી.’ મિહિર જાણે સ્વગત બોલી રહ્યો હતો. તેના મનમાં ઊથલપાથલ ચાલી રહી હતી. વીઝા થઈ જાય એટલે તરત ઇટલી નીકળવાનું હતું, પણ ત્યાં પહોંચીને શું કરવું એ હજી તેમને સમજાયું નહોતું, ‘મિલાનમાં મારો એક દોસ્ત છે. ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. સિંધી છે... આઇ થિન્ક હી વિલ હેલ્પ અસ.’

‘તે શું મદદ કરશે?’ અચ્યુતે પૂછ્યું.

‘ફૅશન-ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો હિસ્સો પ્રીમિયમ એસ્કોર્ટ તરીકે કામ કરે છે. છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ...’ અચ્યુતનાં ભવાં ઊંચકાયાં અને આંખો પહોળી થઈ ગઈ. તેના માટે આ સમાચાર હતા. બીજા લોકોની જેમ અત્યાર સુધી અચ્યુત પણ એમ જ માનતો હતો કે મૉડલિંગ અને ફૅશન-ઇન્ડસ્ટ્રી જબરદસ્ત ગ્લૅમર અને ઝાકઝમાળથી ભરેલી છે. મિહિરના ચહેરા પર સ્મિત આવ્યું, ‘કંઈ રોજ-રોજ ફૅશન-શો કે એન્ડોર્સમેન્ટનાં અસાઇનમેન્ટ ન હોય... લાઇફસ્ટાઇલ મેઇન્ટેઇન કરવા માટે તેમની પાસે નોકરી તો છે નહીં! શું કરે? બ્રૅન્ડેડ કપડાં, ઍક્સેસરીઝ અને રોજિંદા ખર્ચા ક્યાંથી કાઢે? ચહેરો જરા જાણીતો થાય એટલે ભાવ પણ...’

‘તો આ...’ અચ્યુતે અચકાઈને પૂછ્યું, ‘તારો દોસ્ત પણ...’

‘ના, ના.’ મિહિર હસી પડ્યો, ‘તે તો ડિઝાઇનર છે. જ્યૉર્જિયો અરમાનીમાં કામ કરે છે. છેલ્લાં ૨૦ વર્ષથી મિલાનમાં રહે છે એટલે તેને ઘણાબધા લોકો ઓળખે છે.’ મિહિર સહેજ અચકાયો. તેણે ક્ષણેક માટે વિચાર્યું, પછી કહી જ નાખ્યું, ‘આવા પ્રીમિયમ એસ્કોર્ટને હાયર કરનારા લોકો પણ બહુ અમીર અને શોખીન હોય... અક્ષરા જો મિલાનમાં હશે તો કદાચ આવા જ કોઈ ક્લાયન્ટને ભટકાઈ હોય...’

‘તમને ખરેખર લાગે છે કે તેને દેહવ્યાપારમાં...’ પૂછતાં-પૂછતાં અચ્યુતનું ગળું રૂંધાઈ ગયું, ‘મારી અક્ષરા... બિચારી...’

‘બિચારી?’ મિહિરનો અવાજ ઊંચો થઈ ગયો, ‘તું ત્યાં જઈને આવી જ રીતે પીગળી જવાનો હોય તો હું તારી સાથે નહીં આવું.’ અચ્યુત તેની સામે જોઈ રહ્યો, ‘એક વાત સમજી લે, તેની હાલત ખરાબ જ હશે. આપણે ત્યાં દયા ખાવા નથી જતા... તેને પાઠ ભણાવવા જઈએ છીએ.’ અચ્યુત ચૂપચાપ કૉફી પીતો રહ્યો, ‘ને બીજી વાત. તે રડે, કકળે, હાથ-પગ જોડે તો પણ હું તેને પાછી લાવવા માટે કોઈ પ્રયત્ન નહીં કરું...’ મિહિર કંઈ બોલે એ પહેલાં અચ્યુતે હાથ ઊંચો કરીને તેને રોક્યો, ‘ને તને કંઈ કરવા પણ નહીં દઉં. તેણે તેનાં કર્યાં ભોગવવાનાં છે.’ અચ્યુત કશું બોલ્યો નહીં, પણ તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મિહિરે તેની સામે જોવાનું ટાળ્યું. અચ્યુતે આંખો લૂછી નાખી, ગળા સુધી આવી ગયેલા ડૂમાને તેણે કૉફીના ઘૂંટડા સાથે પાછો ધકેલ્યો.

lll

નજમા તેના ઘરમાં બેચેનીથી આંટા મારી રહી હતી. તેનું મન ઉદ્વેગમાં હતું. તેણે આટલા વખતમાં જે જોયું હતું, જાણ્યું હતું એ પછી રહમત શુજા જેવા માણસને સત્ય કહેવું જોઈએ એવું તેનું ઝમીર તેને કહી રહ્યું હતું. બીજી તરફ તેણે અઝીઝનું નમક ખાધું હતું એ વાતે તેનું મન પાછું પડતું હતું. અઝીઝની પહોંચ અને તેનો ખૌફ એટલાં બધાં હતાં કે કોઈ તેની વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત ન કરી શકે... ઘણી ઉધેડબુન પછી નજમાએ રહમત શુજાનો નંબર જોડ્યો... નજમાએ ભેગી કરેલી હિંમત અચાનક જ વિખરાઈ ગઈ. બે રિંગ વગાડીને તેણે ફોન કાપી નાખ્યો.

રહમત શુજા છેલ્લા કેટલાય કલાકોથી આ જ ફોનનો ઇન્તેજાર કરી રહ્યો હતો. તેણે નજમાનો નંબર જોયો. પછી તેના ટેબલના ડ્રૉઅરમાં રહેલા નાના-મોટા અનેક ફોનમાંથી એક ફોન ઉપાડીને એના પર નજમાનો નંબર ડાયલ કર્યો. અજાણ્યો નંબર જોઈને ફોન ઉપાડવો કે નહીં એ વિશે વિચારી રહેલી નજમાએ અંતે લીલા નિશાન પર આંગળી ઘુમાવી, ‘અલ્લાહ બધું સાંભળે છે, કંઈ કહેવાની જરૂર નથી. મૌલાનાને મળવા કાલે સવારે ઇમામ બરગાહ અલી રઝાની દરગાહ પર આવી જજે. તારી બધી સમસ્યા હલ થઈ જશે.’ શુજાએ કહ્યું. નજમા સમજી ગઈ. તેણે ફોન કાપી નાખ્યો. બીજા દિવસે વહેલી સવારે સુબહ સાદિકના સમયે અમ્મી ફજરની નમાજ પઢી રહી હતી ત્યારે નજમા બુરખો પહેરીને તૈયાર થઈ. તેની અમ્મીએ નમાજ પૂરી કરીને પૂછ્યું, ‘અત્યારમાં ક્યાં જાય છે? આજે તો બપોરની શિફ્ટ છેને?’

નજમાએ શાંતિથી જવાબ આપ્યો, ‘દરગાહ જાઉં છું. અલ નબા. ઇમામ બરગાહ અલી રઝાને ચાદર ચડાવવા.’

‘ખૈરિયત?’ માએ ચિંતાથી પૂછ્યું.

‘હા, હા...’ નજમાએ ડોકું ધુણાવ્યું, ‘રાત્રે સપનામાં ડરી ગઈ હતી. સવારે ઊઠીને પહેલો વિચાર આવ્યો કે ઇમામની દરગાહ પર જઈ આવું...’ તેણે સાવ સહજતાથી પૂછ્યું, ‘તારે આવવું છે અમ્મી?’

‘રાતે કહ્યું હોત તો સવારે તૈયાર થઈ જાત. હજી રસોડાનાં કામ બાકી છે. નાહી પણ નથી... બધું કરવામાં બે કલાક થઈ જશે. ત્યાં તો તું પાછી આવી જઈશ. મારા વતી દુઆ કરજે.’ નજમાએ વહાલથી ડોકું ધુણાવ્યું. પછી અમ્મીને ભેટીને સ્નેહથી તે ઘરની બહાર નીકળી. તેનું હૃદય ધક-ધક કરી રહ્યું હતું. બુરખામાં તેના કપાળ પર, ગળામાં પરસેવાના રેલા ઊતરતા હતા.

અલ નબા મહોલ્લામાં આવેલી દરગાહ પર તે પહોંચી ત્યારે ત્યાં ખાસ માણસો નહોતા. અરેબિયન ગલ્ફ સ્ટ્રીટની પાછળ જૂના શારજાહના ગીચ ઇલાકામાં આવેલી આ દરગાહ પર ચાદર ચડાવી, દુઆ માગીને નજમા એક ખૂણામાં બેઠી. થોડી વાર પછી ત્યાં એક બીજી સ્ત્રી બુરખો પહેરીને તેની બાજુમાં બેઠી. તે સ્ત્રીએ ધીમા ફુસફુસાતા અવાજમાં કહ્યું, ‘કહે, શું જાણે છે?’ અવાજ સ્ત્રીનો નહીં, પુરુષનો હતો. નજમા સમજી ગઈ કે રહમત શુજા પોતે બુરખો પહેરીને આવ્યો હતો. સામાન્ય રીતે આવી છેતરપિંડીમાં પુરુષના બૂટ કે પગ ઓળખાયા વિના રહેતા નથી એવું નજમાએ ફિલ્મોમાં જોયું હતું. કોઈ આસપાસમાં હશે તો રહમત શુજા પકડાઈ જશે એવા ભયથી રહમતના પગ તરફ જોયું. નજમાના ચહેરા પર સ્મિત આવી ગયું... રહમત આવી ભૂલ ન જ કરે. તે ગુલાબી રંગનાં લેડીઝ ચંપલ પહેરીને આવ્યો હતો, ‘બહુ સમય નથી. જે કહેવું હોય એ જલદી કહે.’ રહમતે ફરી ધીમા ફુસફુસાતા અવાજે કહ્યું.

‘દર વર્ષે અઝીઝ કેટલીયે છોકરીઓને લાવે છે. તેમનું બજાર ભરાય છે. દેશ-વિદેશથી ખરીદદારો આવે છે.’ કહેતાં-કહેતાં નજમા હાંફી ગઈ. તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘તમે જેને શોધી રહ્યા છો તે છોકરી પણ અહીં જ હતી. તેના શૌહર સાથે આવી હતી. તેના શૌહરને રડતો-રડતો બહાર જતો મેં જોયો છે... તેના ગયા પછી થોડા દિવસ તે છોકરી અહીં હતી. છેલ્લે એક ગોરાને વેચી.’

‘ગોરો એટલે? અમેરિકન, યુરોપિયન?’ શુજાએ પૂછ્યું.

‘એ મને કેવી રીતે ખબર હોય? શેખસાહેબના મહેલમાં આવનારા મહેમાનોની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. હું તે છોકરીને મહેમાનના ઓરડામાં મૂકવા ગઈ હતી એટલે મને ખબર છે...’

‘પછી?’ શુજાએ પૂછ્યું.

‘બીજા દિવસે સવારે તે ગોરા સાથે તે છોકરી પણ ચાલી ગઈ. જતાં-જતાં તે પણ રડતી હતી... ખુદા બધું જુએ છે.’

‘કેટલી છોકરીઓ આવતી હશે દર વર્ષે?’ શુજાએ પૂછ્યું.

‘વીસ-પચ્ચીસ?’ નજમા વિચારમાં પડી, ‘ગોરી, કાળી, ચાઇનીઝ, હિન્દુસ્તાની બધી છોકરીઓ આવે છે; પણ અઝીઝ મુસલમાન છોકરીઓને નથી વેચતો.’

‘બેઈમાનીમાં પણ ઈમાન રાખે છે...’ શુજાના બુરખા પાછળ રહેલા ચહેરા પર સ્મિત આવ્યું, ‘ને ખરીદદાર કેટલા આવતા હશે?’

‘દસ-બાર... પંદર?’ નજમાને ચોક્કસ આંકડો સૂઝ્યો નહીં.

‘તેના મહેલના ઇંચેઇંચમાં CCTV કૅમેરા છે. પછી આ બધું કઈ રીતે ગોઠવે છે?’ શુજાને સમજાયું નહીં, ‘અમે જ્યારે તપાસ કરવા આવ્યા ત્યારે કશું જ મળ્યું નહીં. ફુટેજમાં પણ કંઈ નથી...’

‘આ બજાર ભરાય ત્યારે CCTV બંધ થઈ જાય છે.’ નજમાએ ધીમેથી કહ્યું. તે કહી રહી હતી ત્યારે તેની નજર પડી. સહેજ દૂર બેઠેલા એક માણસનો ચહેરો તેને જાણીતો લાગ્યો. બુરખામાં આંખ પાસે રહેલી જાળીમાંથી નજમાએ ધ્યાનથી જોયું. તે અઝીઝનો એક ગાર્ડ હતો.

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 01:39 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK