Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૯)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૯)

Published : 26 July, 2026 04:13 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

‘તમે જાણો છોને, આ વાત હું સુલતાનસાહેબને કહીશ ત્યારે તેમને કેટલો ગુસ્સો આવશે?’ સામેના છેડે વાત કરી રહેલા માણસનો સૂર બદલાયો.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


શુજા જ્યારે વિશ્વપ્પાના કમ્પાઉન્ડમાં દાખલ થયો ત્યારે પોતાના પગનું વજન અચાનક વધી ગયું હોય એવું તેને લાગ્યું. વિશ્વપ્પાનું શબ તેના વિશાળ ઘરના આંગણામાં અર્થી પર ગોઠવવામાં આવ્યું હતું. તેની પત્ની ચોધાર આંસુએ રડી રહી હતી. પિતા સૂનમૂન બેઠા હતા. તેનો ૧૨ વર્ષનો દીકરો હજી શું થયું છે એ સમજવાની કે પિતાના મૃત્યુના આઘાતને પચાવી શકવાની, રડી શકવાની સ્થિતિમાં નહોતો. વિશ્વપ્પાના મૃત્યુ માટે પોતે જવાબદાર છે એ વિચારમાત્રથી શુજાની આંખમાં પાણી આવી ગયાં. ધીમાં ડગલે તે વિશ્વપ્પાના મૃતદેહ તરફ આગળ વધ્યો, પરંતુ ત્યાં સુધી પહોંચે એ પહેલાં તેના ફોન પર રિંગ વાગી. તેણે ફોનની સ્ક્રીન પર જોયું. સુલતાનની ઑફિસમાંથી ફોન હતો. શુજાએ થોડું વિચારીને ફોન ઉપાડ્યો. ‘હુઝૂર પૂછે છે કે વિશ્વપ્પાનું ખૂન કોણે કર્યું?’ સુલતાનનો ખાસ માણસ પૂછી રહ્યો હતો. સુલતાન સુધી આ સમાચાર પહોંચી ગયા હતા. તેના વિશ્વાસુ માણસે પગેરું શોધવાનું શરૂ કરી દીધું હતું.

‘મેં!’ શુજાએ ભારે અવાજે કહ્યું, ‘મેં કર્યું છે વિશ્વપ્પાનું ખૂન.’ સુલતાનનો માણસ આઘાતમાં ચૂપ થઈ ગયો. શુજા કહેતો રહ્યો, ‘તેણે ના કહી હતી મને. કરગર્યો હતો. તેને ખાતરી હતી કે અઝીઝ તેને નહીં છોડે. મેં મજબૂર કર્યો તેને. ખુદા મને માફ નહીં કરે.’ થોડીક ક્ષણો બન્ને જણ મૌન રહ્યા પછી શુજાએ કહ્યું, ‘હું આ કેસ છોડું છું. હવે અઝીઝ જે કરે એ, હું આમાં કંઈ કરી શકું એમ નથી. મારી હાર, મારી નિષ્ફળતા સ્વીકારું છું. સુલતાનસાહેબને કહો કે કોઈ બીજાને આ કામ સોંપી દે. આટલાં બધાં મોતની જવાબદારી હું મારા ખભા પર નહીં લઉં.’



‘તમે જાણો છોને, આ વાત હું સુલતાનસાહેબને કહીશ ત્યારે તેમને કેટલો ગુસ્સો આવશે?’ સામેના છેડે વાત કરી રહેલા માણસનો સૂર બદલાયો.


શુજાના મન પર નજમા અને વિશ્વપ્પાના ખૂનનો બોજ વધવા લાગ્યો હતો. ગુલનોરાની જિંદગી બરબાદ થઈ ગઈ એ વાતે પણ શુજા બેચેન હતો, ‘સુલતાનસાહેબ મને નોકરીમાંથી કાઢી મૂકશે. શારજાહ છોડાવશે? સજા કરશે? ફાંસી આપશે?’ અંતિમ પગલાં માટે તૈયાર હોય એમ શુજાએ કહ્યું, ‘હું તેમની ખફગી માટે તૈયાર છું, પણ હવે એક પણ બેગુનાહના મોતનો બોજ નહીં સહેવાય મારાથી.’ તેણે ફોન ડિસકનેક્ટ કરીને સ્વિચ્ડ-ઓફ કર્યો. ચૂપચાપ આગળ વધીને વિશ્વપ્પાના મૃતદેહ પાસે બેસીને જમીન પર શુજા તેને શૂન્ય આંખોથી જોતો રહ્યો.

શારજાહ ઍરપોર્ટ પર જ્યારે અઝીઝનું પ્રાઇવેટ જેટ લૅન્ડ થયું ત્યારે એના ઍરસ્ટેર ડોરની સીડી પરથી ઊતરી રહેલી ગુલનોરા મનોમન તેના ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. પહેરેલાં કપડે શારજાહથી નીકળેલી ગુલનોરા આવા અચાનક દેશનિકાલ માટે તૈયાર નહોતી, પણ જે થયું એમાં ખુદાનો કોઈ સંકેત છે એમ માનીને તેણે શારજાહની જેલમાંથી છૂટવાનો રસ્તો કાઢવા બદલ ખુદાનો આભાર માન્યો. અઝીઝના મહેલમાંથી કોઈ રીતે નીકળી શકાયું ન હોત, પરંતુ હવે કોઈક રીતે અહીંથી બચીને નીકળી શકાય એ માટે તેનું મગજ રસ્તા શોધવા લાગ્યું હતું. ગુલનોરાને લેવા માટે અઝીઝના બે ગાર્ડ પહેલેથી જ આવીને ઊભા હતા. ગુલનોરાનો પાસપોર્ટ, તેની ટિકિટ અને બીજાં પેપર્સ સાથે બન્ને ગાર્ડ તેને લઈને શારજાહ ઍરપોર્ટના ડિપાર્ચર પર પહોંચી ગયા. ઍરપોર્ટના ગેટ-નંબર 21 પર પહોંચ્યા ત્યારે ગુલનોરાએ જોયું કે ફ્લાઇટ શારજાહથી મિલાનની હતી. ગુલનોરા સમજી ગઈ કે તેને સેરેના પાસે મોકલવામાં આવી રહી છે. ગુલનોરાને મૂળ તો વેચવાના ઇરાદાથી જ લાવવામાં આવી હતી. એ વખતે ગુલનોરા શારજાહમાં સેરેનાને મળી ચૂકી હતી. અઝીઝનો યુરોપનો હ્યુમન ટ્રાફિકનો બિઝનેસ સેરેનાને હવાલે હતો એ વાત ગુલનોરા જાણતી હતી, ‘મને સેરેના પાસે મોકલો છો?’ તેણે સાથે આવેલા ગાર્ડને પૂછ્યું. કોઈ બહેરા-મૂંગા માણસની જેમ ગાર્ડના કાન પર શબ્દો અથડાયા અને વિખરાઈ ગયા, ‘શેખ અઝીઝ તેની બેગમને બજારમાં બેસાડશે?’ તેણે પૂછ્યું. જવાબ આપ્યા વગર, પણ બન્ને ગાર્ડ કોઈ પૂતળાની જેમ અદબવાળીને ગુલનોરાની બે બાજુ ઊભા રહ્યા. હવે અહીંથી તો મિલાનની ફ્લાઇટમાં બેસે જ છૂટકો થશે, પરંતુ મિલાન ઍરપોર્ટ ઊતરીને જો થોડીક ક્ષણો મળે તો ત્યાંથી છટકીને ઉઝબેકિસ્તાન પહોંચી જવાય... તેણે વિચાર્યું. અહીં ધમપછાડા કરવાથી કોઈ ફાયદો નહોતો, કારણ કે શારજાહ ઍરપોર્ટ પર અનેક માણસો અઝીઝને ઓળખતા હતા, કોઈ ને કોઈ રીતે અહીં ઘણા અઝીઝના અહેસાન નીચે દબાયેલા હતા. અઝીઝ તેમના શોખ અને જરૂરિયાતો પૂરી કરતો એટલે અહીંથી તો ફ્લાઇટમાં બેસવામાં જ ડહાપણ હતું એ વાત ગુલનોરાને સમજાઈ ગઈ. તે ચૂપચાપ મિલાનની ફ્લાઇટમાં ચડી ગઈ. બન્ને ગાર્ડ્સને લાગ્યું કે તેમની જૉબ પૂરી થઈ ગઈ.


શારજાહથી મિલાનની ઍર અરેબિયાની ડાયરેક્ટ ફ્લાઇટ સાડાછ કલાકમાં મિલાન પહોંચી ગઈ. આ બધા સમય દરમ્યાન પોતે કઈ રીતે છટકી શકે એના અનેક પ્લાન ગુલનોરાએ બનાવ્યા અને રિજેક્ટ કર્યા. તે અઝીઝને, તેના નેટવર્કને બરાબર જાણતી હતી. યુરોપમાં ક્યાંય પણ અઝીઝ તેને શોધી જ લેશે એ હકીકતથી વાકેફ ગુલનોરા ડરતી હતી. મિલાનના બર્ગામો ઍરપોર્ટ પર ફ્લાઇટ લૅન્ડ થઈ ત્યારે ફ્લાઇટની અંદર બ્લૅક સૂટ પહેરેલા, કાનમાં નાનકડાં ઍરપોડ ભરાવેલા, કડક ચહેરો ધરાવતા બે જર્મન છોકરાઓ દાખલ થયા. બિઝનેસ ક્લાસમાં બેઠેલી ગુલનોરાની પાસે જઈને બેમાંથી એકે કહ્યું, ‘અમે આપને લેવા આવ્યા છીએ મદામ.’ કશું જ બોલ્યા વિના ગુલનોરા ઊભી થઈ ગઈ. જરાય વિરોધ કર્યા વગર તેણે ચૂપચાપ તેમની સાથે ચાલવા માંડ્યું. ઍરો બ્રિજ પર થઈને મિલાન ઍરપોર્ટ પર દાખલ થયા ત્યારે ડિપ્લોમેટ વીઝાના કાઉન્ટર પર ગુલનોરાનો પાસપોર્ટ આપીને તેને ૧૦ જ મિનિટમાં બહાર કાઢી લેવામાં આવી. ‘મારે વૉશરૂમ જવું છે...’ ગુલનોરાએ કહ્યું.

‘હમ્...’ બે ગાર્ડમાંથી એકે ડોકું ધુણાવ્યું. બન્ને જણ લેડીઝ વૉશરૂમની બહાર ઊભા રહ્યા. ગુલનોરા વૉશરૂમમાં ગઈ. તેણે ચારે તરફ તપાસી જોયું. ક્યાંયથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. વૉશરૂમની બારીઓ એટલી નાની હતી કે એમાંથી એક માણસ બહાર ન નીકળી શકે. ગુલનોરાને આ બધું તપાસતાં વાર લાગી એટલે એક ગાર્ડ લેડીઝ વૉશરૂમમાં ધસી આવ્યો. તેના હાથમાં રહેલી રિવૉલ્વર જોઈને ત્યાં ઊભેલી ગોરી-કાળી, ચાઇનીઝ અને ભારતીય સ્ત્રીઓ શિયાવિયા થઈ ગઈ, ‘મદામ...’ ગાર્ડે બૂમ પાડી. ગુલનોરા વૉશરૂમનો દરવાજો ખોલીને બહાર આવી, ‘શેલ વી?’ ગાર્ડે અદબથી છતાં પૂરા હુકમના સૂરમાં પૂછ્યું. ત્યાં ઊભેલી સ્ત્રીઓ ગુલનોરાને જોતી રહી. તેમની આંખોમાં ભય અને કુતૂહલ હતાં. ગુલનોરા સમજી ગઈ કે અત્યારે છટકવાનો પ્રયત્ન કરવામાં ભયાનક ખતરો છે. તે ચૂપચાપ ગાર્ડની સાથે બહાર નીકળી ગઈ. બહાર ઊભેલી કાળી મર્સિડીઝ વૅનમાં ગુલનોરાને બેસાડી દેવામાં આવી. એક માણસ આગળ અને બીજો ગુલનોરાની બાજુમાં ગોઠવાયો. ગુલનોરાની બાજુમાં બેઠેલા માણસે પૂરા આદર સાથે છતાં હુકમના સૂરમાં કહ્યું, ‘વી વિલ હૅવ ટુ બ્લાઇન્ડ યુ મદામ.’ ખિસ્સામાં મૂકેલો રેશમી સ્કાર્ફ કાઢીને તેણે ગુલનોરાની આંખ પર પટ્ટી બાંધી દીધી. ગાડી ચાલતી રહી. લગભગ એક કલાક સુધી કોઈ કશું બોલ્યું નહીં. ગુલનોરાને ગૂંગળામણ થતી હતી. આ લોકો ક્યાં લઈ જઈ રહ્યા છે એ વિશે આછો અંદાજ પણ મળતો નહોતો. લઈ જઈને બંધ કરી દેશે તો પોતે કઈ રીતે છટકશે એ વિચારે ગુલનોરા અત્યંત બેચેન હતી. અંતે ગુલનોરાએ અચાનક પૂછ્યું, ‘આપણે કેટલે દૂર જવાનું છે?’ ગુલનોરાની બાજુમાં બેઠેલા માણસે અંગ્રેજીમાં છતાં જર્મન ઉચ્ચારોમાં કહ્યું, ‘૧૫ મિનિટ લાગશે.’ તેણે ધીમેથી કહ્યું, ‘હવે આપણે બહુ દૂર નથી.’

‘મને ઊલટી જેવું થાય છે. ગાડી રોકો.’ ગુલનોરાએ છેલ્લો, મરણિયો પ્રયત્ન કરી લીધો.

‘તમે ગાડીમાં જ ઊલટી કરી શકો છો.’ તેની બાજુમાં બેઠેલા માણસે તેને પ્લાસ્ટિક-કોટેડ કાગળની એક બૅગ આપી, ‘અમને ગાડી રોકવાનો હુકમ નથી.’ તે માણસના અવાજમાં ફોલાદી સખ્તી હતી. ગુલનોરા અકળાતી રહી. ત્યાં અચાનક ગાડીએ વળાંક લીધો. કોઈ હોટેલ કે રિસૉર્ટ જેવી જગ્યાએ ગાડી પહોંચી હશે એનો અંદાજ ગુલનોરા લગાવી શકી. ગાડી ઊભી રહી, ગુલનોરાને હાથ પકડીને ઉતારવામાં આવી. તેને દોરીને લઈ જતી વખતે થોડાં પથ્થરનાં પગથિયાં આવ્યાં. નાની ગલીઓ વટાવવામાં આવી રહી હતી, પરંતુ આજુબાજુમાંથી પસાર થતા કોઈ માણસનો પગરવ સંભળાતો નહોતો એની ગુલનોરાએ નોંધ લીધી. એક દરવાજો ખૂલ્યો. નાનકડા ઘરમાં ગુલનોરાને દાખલ કરવામાં આવી. પછી ગુલનોરાની આંખ પરથી સ્કાર્ફ હટાવી લેવામાં આવ્યો.

તેણે આજુબાજુ જોયું. એક નાનકડું ઘર હતું જેની બારીઓની બહાર એક ભૂરું સરોવર હતું. બીજી તરફ ભૂખરા જાંબુડી પહાડો દેખાતા હતા. નિરભ્ર ભૂરું આકાશ હતું. ‘આપણે ક્યાં છીએ?’ તેણે પૂછ્યું.

‘જાણીને શું કરવું છે?’ જર્મન માણસે કહ્યું, ‘રિલૅક્સ, ખાઓ-પીઓ ને મજા કરો. બે દિવસમાં તમારા બધા સવાલના જવાબ મળી જશે.’

‘સેરેના ક્યારે આવશે?’ ગુલનોરાએ પૂછ્યું. તેણે ધાર્યું હતું એમ જ પેલા જર્મન માણસની આંખો બદલાઈ. અચાનક પુછાયેલા સવાલના જવાબમાં તે કશું બોલ્યો નહીં, પણ આ માણસ સેરેનાને ઓળખે છે એ વાત ગુલનોરા સમજી શકી. તેણે બારી ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાઉન્ડ-પ્રૂફ બારીઓ સીલ્ડ અને લૉક્ડ હતી. બહાર દેખાતું દૃશ્ય મનોરમ હતું; પરંતુ ગુલનોરાનો અવાજ બહાર ન પહોંચી શકે, તે બહારની કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ન કરી શકે એવી જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુલનોરાએ ચિડાઈને કહ્યું, ‘શું છે આ બધું? મારી અઝીઝ સાથે વાત કરાવો.’ તેણે ઉશ્કેરાટમાં બારીઓ પર મુક્કા માર્યા, નાનકડા અપાર્ટમેન્ટના રૂમનો ખૂણેખૂણો બેબાકળા થઈને તપાસી જોયો. ગુલનોરાના ધમપછાડાથી ત્યાં ઊભેલા બેય માણસના ચહેરા પર કોઈ ફેરફાર ન થયો. તેઓ શાંત અને સ્વસ્થ, અદબ વાળીને ઊભા રહ્યા. અંતે બન્ને જર્મન માણસો ગુલનોરાને એ ઘરમાં મૂકીને વિદાય થયા. ફોન વગર ગુલનોરા આ ઘરમાં કેદ હતી. અહીં ખાવા-પીવાનો, મનોરંજનનો બધો જ સામાન હતો. હોમ થિયેટર હતું. ફ્રિજ, બાથરૂમ અને વૉર્ડરોબ પૂરેપૂરાં ભરેલાં હતાં. બે દિવસ તો શું, એક મહિનો અહીં રહેવું પડે તો પણ કશું ખૂટે નહીં એવી વ્યવસ્થા કરીને પોતાને કેદ કરવામાં આવી હતી એ વાત ગુલનોરાને સમજાઈ ગઈ. તે હતાશ થઈ ગઈ. અહીંથી બહાર કાઢવામાં આવશે ત્યારે એ રસ્તો સેરેનાના બજારમાં ખૂલશે એ સત્ય હવે સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. ગુલનોરાની સ્વતંત્રતાની ઝંખના તેને આ કેદમાં લઈ આવી હતી.

અક્ષરા તૈયાર થઈને બહાર નીકળી ત્યારે સંપૂર્ણ કાળા કાચ ધરાવતી જિમીની વૅન તેની પ્રતીક્ષા કરી રહી હતી. પાછળ બેસવા જતી અક્ષરાએ દરવાજો ખોલ્યો. ત્યાં તેણે જોયું કે ગાડી જિમી પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. આશ્ચર્યચકિત થઈને અક્ષરા આગળની સીટમાં જિમીની બાજુમાં ગોઠવાઈ. જિમી મુગ્ધ નજરે બે ક્ષણ માટે અક્ષરાને જોતો રહ્યો. ‘બહુ જ સુંદર લાગે છે તું.’ જિમીએ કહ્યું. અક્ષરાએ માત્ર આંખો નમાવીને જિમીનાં કૉમ્પ્લિમેન્ટ્સનો સ્વીકાર કર્યો. સફેદ રંગના શિફોનના ડ્રેસમાં અક્ષરા સાચે જ કોઈ પરી જેવી દેખાતી હતી. હળવા, ફરફરતા ડ્રેસની સાથે તેણે ગળામાં એક નાનકડો ડાયમન્ડ વાઇટ ગોલ્ડની ચેઇનમાં પહેર્યો હતો. તેના કાનમાં ડાયમન્ડના મોટા સ્ટડ્ઝ હતા. આછા મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક સાથે અક્ષરા કોઈ વિદેશી મૅગેઝિનના મૉડલ જેવી દેખાતી હતી. તેના ઘૂંઘરાળા વાળ ખુલ્લા થઈને તેની પીઠ પરના ટૅટૂને છુપાવી રહ્યા હતા. જિમીએ નજાકતથી અક્ષરાના વાળ થોડા હટાવ્યા. પતંગિયાના ટૅટૂ પર પોતાની આંગળી હળવેકથી ફૂલ પરના ઝાકળને સ્પર્શતો હોય એમ ઘુમાવી. અક્ષરાના આખા શરીરમાં એક તરંગ, એક લહેર દોડી ગઈ. તેને જે સિહરન જિમીના સ્પર્શથી થતી હતી એવા સ્પર્શનો અનુભવ અક્ષરાને પહેલાં ક્યારેય નહોતો થયો. જિમીએ અક્ષરાની ચિબુક પકડીને એક હળવું ચુંબન લીધું ને પછી ગાડી ડ્રાઇવ મોડમાં નાખી.

ગાડી જ્યારે સેરેનેબીઓની ‘ઇલ ગાટ્ટો નેરો’ રેસ્ટોરાં પાસે આવીને ઊભી રહી ત્યારે વૅલે-પાર્કિંગ માટે બે જણ દોડી આવ્યા. પૂરા આદર સાથે અક્ષરાની તરફનો દરવાજો ખોલીને તેને ઉતારવામાં આવી. બીજી તરફથી જિમી ઊતર્યો. જિમીએ પોતાનું બાવડું આગળ કર્યું. અક્ષરા પોતાનો હાથ જિમીના બાવડે લપેટીને તેના આશ્ચર્ય વચ્ચે સીડી ચડતી વખતે બન્ને તરફ વાયોલિન અને સુંદર વાદ્યો સાથે લાઇવ સંગીત વાગી રહ્યું હતું. આખી સીડી ફૂલોથી સજાવવામાં આવી હતી. બન્ને જ્યારે ટેરેસ પર પહોંચ્યાં ત્યારે નજારો જોઈને અક્ષરા અભિભૂત થઈ ગઈ. ઝીણી-ઝીણી લાઇટોથી આખી ટેરેસ સજાવવામાં આવી હતી. ત્યાંના પ્લાન્ટ્સ પર લાઇટ્સ હતી જેને કારણે પ્લાન્ટ્સ પોતે ચમકતા હોય એવો આભાસ થતો. દૂર દેખાતા લેક કોમોની આસપાસનાં મકાનોની ઝીણી લાઇટ્સ અદ્ભુત દેખાતી હતી. લેક પર પડતા લાઇટના પડછાયા ઝિલમિલ થતા હતા. આખી ટેરેસમાં ફક્ત એક જ ટેબલ હતું જેની આસપાસ સેંકડો મીણબત્તી ઝળહળી રહી હતી.

સ્નેહ અને આદરપૂર્વક અક્ષરાની ખુરસી પાછળની તરફ ખેંચીને જિમીએ તેને બેસાડી. સહેજ ઠંડકને કારણે અક્ષરાએ પોતાના બન્ને હાથની અદબ વાળીને શરીરની આસપાસ હાથ લપેટી દીધા. જિમીએ માત્ર પાછળ જોયું. એક માણસ ૩ રંગની શૉલ પોતાના હાથ પર લટકાવીને હાજર થયો. કાળી, સફેદ અને ભૂરા રંગની ૩ શૉલમાંથી જિમીએ સફેદ શૉલ ઉઠાવી, અક્ષરાની આસપાસ લપેટીને તેને પોતાના બાહુપાશમાં લીધી, ‘આ બધું મારા માટે છે?’ અક્ષરાએ પૂછ્યું. જિમી હસી પડ્યો. તેણે હળવેકથી અક્ષરાના ગાલ પર ચુંબન કર્યું, ‘ઑફકોર્સ’.

અક્ષરાની આંખો અજાણતાં જ ભીની થઈ ગઈ. ‘આ બધું મારા માટે કોઈ પરીકથા જેવું છે. કોઈ સિન્ડ્રેલા અને રાજકુમાર મળે એવું...’

‘પણ અહીંથી તારે સિન્ડ્રેલાની કથાની જેમ ૧૨ વાગ્યે પાછા જવાની જરૂર નથી. મેં રેસ્ટોરાં આખી રાત માટે બુક કરી છે. તું કહીશ ત્યાં સુધી બેસીશું અહીં. આ બધા આપણી સાથે આખી રાત અહીં જ રહેશે.’

‘તું આ બધું મારા માટે શું કામ કરે છે?’ અક્ષરાએ પૂછ્યું. તેની આંખોમાં રહેલાં ઝળઝળિયાં હવે આંસુ બનવાની તૈયારીમાં હતાં. કશું જ કહ્યા વગર જિમીએ તેનો હાથ પકડ્યો, અક્ષરાને ફરી એ જ સિહરન થઈ. આખા શરીરમાં ઝણઝણાટી પસાર થઈ ગઈ, ‘હું એસ્કોર્ટ છું. કાલે અહીંથી જતી રહીશ. પછી કોઈ બીજું, કોઈ ત્રીજું...’ તેણે ગાલ પર સરી પડેલાં આંસુ આંગળીઓથી લૂછી નાખ્યાં, ‘શું કામ મારી ઝંખનાઓ વધારે છે? તું તો જતો રહીશ, પણ અહીંથી ગયા પછી મને વધુ તકલીફ થશે.’

‘તને જવા કોણ દેશે?’ જિમીના અવાજમાં એક વિચિત્ર પઝેશન હતું. પ્રેમમાંથી જન્મેલો માલિકીભાવ, ‘હું તને મારી સાથે મુંબઈ લઈ જઈશ.’

અક્ષરા ફિક્કું હસી, ‘હવે વધુ વચનો નહીં આપતો. હું જાણું છું કે આમાંથી કશું જ સાચું નથી. એક રોમૅન્ટિક સાંજ ઊજવવા માટે તું મને અહીં લાવ્યો છે. હું તારી સાંજને યાદગાર બનાવી દઈશ.’ તેની આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં, ‘પણ હું તો સપનું સમજીને આ સાંજને ભૂલી જઈશ.’ તેણે ટેબલ પર પડેલું ટિશ્યુ ઉપાડીને બન્ને આંખો પર દબાવી દીધું, ‘હવે કંઈ જ એવું નહીં કહેતો જે મારી અંદર મરી ગયેલી એક સ્ત્રીને શ્વાસ લેતી કરી નાખે... હું એક લાશ છું... લાશને જેમ વધુ રાખી મૂકો એમ એનું વજન વધતું જાય, વાસ આવે, કીડા પડે...’ અક્ષરાએ ટિશ્યુ હટાવીને મજબૂત, શુષ્ક અવાજે કહ્યું, ‘વ્યક્તિ ગમે એટલી વહાલી હોય તેની લાશને તો ઠેકાણે પાડવી જ પડે છે. ચાહે દફનાવો કે બાળો, તેને ખભે ઊંચકીને કોઈ ફરતું નથી.’ તેણે જિમી સામે જોયા વગર કહ્યું, ‘તમે જીતી ગયા. એક એસ્કોર્ટને ઇમોશનલ કરી શક્યા. ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી. આઇ લૉસ્ટ બટ એન્જૉય્ડ.’

‘પ્રેમથી ડરે છે તું...’ જિમીએ કહ્યું, ‘પ્રેમમાં પડીને જ અહીં પહોંચી છે એટલું તો સમજી જ શકું છું.’

‘ના...’ અક્ષરાએ કહ્યું, ‘પ્રેમને તરછોડીને પહોંચી છું અહીં. વિશ્વાસ કર્યો એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. ભૂલ એક જ વાર થાય... બીજી વાર કરીશ તો ગુનો બની જશે.’ અક્ષરાએ તદ્દન શુષ્ક અવાજે કહ્યું, ‘તમે મારો સમય અને શરીર ખરીદ્યાં છે, પણ મારી સ્મૃતિ નહીં વેચું તમને... કોઈ કિંમતે નહીં.’ અક્ષરાએ કહ્યું.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 04:13 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK