Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૩)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૩)

Published : 23 August, 2026 06:33 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘ગાડી રોક.’ અક્ષરાએ કહ્યું. તે જે રીતે જિમીના બાવડે હાથ લપેટીને ગાડીમાં બેસી ગઈ હતી એનાથી જિમી મુસ્તાક થઈ ગયો હતો. તેને લાગ્યું કે અક્ષરા પોતાના પ્રેમ અને પ્રપોઝલને માની ગઈ છે, પરંતુ અક્ષરાએ અચાનક ગાડી રોકવાનું કહ્યું એનાથી જિમી સહેજ ગૂંચવાયો. જોકે તેણે ગાડી રોકી તો નહીં જ. ‘સ્ટૉપ ધ કાર, આઇ સેઇડ.’ અક્ષરાએ સહેજ ઊંચા અવાજે કહ્યું.
‘પણ શું થયું?’ જિમી પોતાને મળેલી આ તકને કોઈ પણ રીતે ગુમાવવા માગતો નહોતો, ‘હજી હમણાં તો તેં કહ્યું કે હું તારો ફિયૉન્સે છું, આપણાં લગ્ન થવાનાં છે...’ અક્ષરા હસી પડી. તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની મજાક હતી. એ જોઈને જિમી સહેજ અકળાયો, ‘એટલે તેં ત્યાંથી બચવા માટે મારો ઉપયોગ...’
‘હાસ્તો!’ અક્ષરા હજી હસી રહી હતી, ‘ઇટ્સ ઓકે જિમી!’ અક્ષરાનો ચહેરો ગંભીર થઈ ગયો, ‘તું પણ જાણે છે કે મેં એવું શું કામ કહ્યું...’ કહીને અક્ષરાએ ઉમેર્યું, ‘તે અચ્યુત હતો.’
‘એટલે તે તારો પતિ હતો... તેં તેને છેતર્યો.’ જિમીએ કહ્યું, ‘મને લાગ્યું કે તું મારી લાગણીને સમજે છે. તેં ભલે મારો ઉપયોગ કર્યો, પણ હું તો એ ક્ષણને સાચી માનું છું.’ જિમીએ ગાડી રોકી નહીં. 
‘સ્ટુપિડ છે તું.’ અક્ષરાએ હળવાશથી જિમીના ગાલ પર ટપલી મારી, ‘તું જાણે છે... મારા માટે આ બધું નકામું છે. અચ્યુતથી કોઈ પણ રીતે બચવું હતું એટલે એ ક્ષણે મને જે રસ્તો સૂઝ્યો એના પર હું દોડી ગઈ.’
‘અને એટલે મને બધાની સામે ફિયૉન્સે કહ્યું?’ જિમીને હજીયે આ સંવાદ કોઈ પૉઝિટિવ સ્વરૂપ લેશે એવી આશા હતી.
‘હા, ક્લાયન્ટ કહું તો...’ ઊંડો શ્વાસ લઈને અક્ષરાએ કહ્યું, ‘મારા પતિને વધુ અપમાન લાગ્યું હોત. ફિયૉન્સે સાંભળીને ઍટ લીસ્ટ તેની પત્ની બજારમાં ઊભી છે એવો અહેસાસ તો નહીં થયો હોય... ને?’
‘ને... તને લાગે છે કે તેણે માની લીધું હશે?’ જિમીના ચહેરા પર કડવું સ્મિત આવ્યું.
‘ના! નહીં જ માન્યું હોય, ખબર છે મને. તે જાણે છે કે હું તેને છોડીને એક બીજા માણસ માટે રોકાઈ ગઈ હતી...’ અક્ષરાની આંખોમાં અજબ જેવો ખાલીપો હતો, ‘તે અહીં સુધી પહોંચ્યો એનો અર્થ જ એ કે તેને મેં કરેલા પ્રવાસનો મૅપ સમજાઈ જ ગયો હશે... હું હવે ક્યાં છું, શું કરી રહી છું એ તે જાણતો જ હશે. છતાં મને લેવા આવ્યો. તેણે મારું માન રાખવાનો પ્રયાસ કર્યો એટલે મેં તેનું માન રાખ્યું.’ અક્ષરાએ ફરી નિઃશ્વાસ નાખ્યો, ‘તેણે કોઈ જબરદસ્તી કરી નહીં, હાથ ઉપાડ્યો નહીં કે... કોઈ અપશબ્દ, ગાળ બોલ્યો નહીં તે માણસ.’ અક્ષરાએ બારીની બહાર જોયું, ‘તેણે તેના સંસ્કાર બતાવ્યા ને મેં મારા... પણ હું તેની સાથે જઈ શકું એમ નથી. મુંબઈનો રસ્તો બંધ છે મારા માટે.’
‘તું મુંબઈ નહીં જ આવે?’ જિમીએ ઍક્સેલરેટર પર પગ દબાવ્યો. સ્પીડ થોડી વધી, ‘મારા પ્રેમ માટે પણ નહીં?’
‘ના’ અક્ષરાએ કહ્યું, ‘હું તારા પ્રેમમાં નથી... ઇન ફૅક્ટ, હવે મને કોઈ સાથે પ્રેમ નહીં થાય.’ તેણે કહ્યું, ‘તારા ગયા પછી કદાચ આપણે ફરી કદી નહીં મળીએ.’
‘આ વાત તું આટલી રૂક્ષતાથી કહે છે?’ જિમીને દુઃખ થયું, ‘મારા ગયા પછી જો તને સમજાય કે તું મને પ્રેમ કરે છે તો શું કરીશ?’
‘એવું નહીં થાય...’ અક્ષરાએ કહ્યું, ‘મને ખાતરી છે. તું જેને પ્રેમ માને છે એ માત્ર ગમી ગયેલી વસ્તુ મેળવી લેવાની જીદ છે. એક-બે દિવસમાં તું ભૂલી જઈશ. હું સેરેનાને કહીશ તને હજી વધારે સારી, ખૂબસૂરત અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મોકલશે.’ 
‘મેં તને ક્યારેય વસ્તુ નથી સમજી.’ જિમીના ચહેરા પર ખેદ હતો.
‘ઓહ! ને સેરેના પાસેથી મને ખરીદી? એ શું હતું?’ અક્ષરાની આંખોમાં તલવાર જેવી ધાર હતી, ‘યુ નો વૉટ? આ ધંધામાં આવ્યા પછી મને એક વાત સમજાઈ છે. પુરુષો બકવાસ બહુ કરે છે...’ તે ફરી હસી, ‘પુરુષ જે બોલે છે એમાંનું ૧૦ ટકા પણ કરી શકતો નથી.’ સહેજ અટકીને તેણે કહ્યું, ‘ગમી ગયેલી સ્ત્રીને કિંમત ચૂકવીને ખરીદી શકે છે, પણ હિંમત કરીને તેને સન્માન કે સ્વીકાર આપી નથી શકતો.’
‘હું એવો નથી.’ જિમીના ઈગો પર સીધો ઘા થયો. ગાડી હજી રોકાઈ નહોતી.
‘એમ?’ અક્ષરાએ સામે રસ્તો જોઈ રહેલા જિમીના ગાલ પર ફરી ટપલી મારી, ‘લગ્ન કરીશ મારી સાથે?’
જિમી પાસે આ સવાલનો જવાબ નહોતો. તેણે અક્ષરાના ઘા સામે પોતાની તલવાર ઉગામી, ‘એટલે તું મને પણ તારા પતિની જેમ ઓળખવાની ના પાડી શકે. મને રસ્તા પર છોડીને કોઈ બીજાનો હાથ પકડીને નીકળી જાય...’ આહત, ઘવાયેલા જિમીએ સામો ઘા કર્યો. ગાડીની સ્પીડ વધી, ‘મને પ્રેમ નથી કરતી પણ લગ્ન કરવાં છે?’
‘કારણ કે મેં પહેલાં પણ એમ જ કર્યું હતું.’ અક્ષરાની આંખોમાં એક વિચિત્ર કડવાશ હતી, ‘પ્રેમ વગરનાં લગ્ન અને લગ્ન વગરનો પ્રેમ બન્ને જોયાં છે મેં...’ તેણે બારીની બહાર જોઈને જાણે સ્વગત કહેતી હોય એમ કહ્યું, ‘લગ્નની લાલચ આપીને કરાયેલા પ્રેમમાં અંતે હું જ બેવકૂફ પુરવાર થઈ. જો! અહીં બેઠી છું, તારી બાજુમાં. એક વેચી શકાય, ખરીદી શકાય એવી વસ્તુ બનીને.’ તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘ઍટ લીસ્ટ પ્રેમ વગરનાં લગ્નમાં ઇજ્જત હતી, માણસ હોવાનો અહેસાસ હતો...’ વધી રહેલી સ્પીડથી ડર્યા વગર અક્ષરાએ કહ્યું, ‘ડાર્લિંગ! મારી તો ઇન્શ્યૉરન્સ પૉલિસી નથી. હું મરી જઈશ તો કદાચ કોઈ રડશે પણ નહીં... તારી પત્ની છે, લાખો ફૅન્સ છે. તારો કરોડો રૂપિયાનો ઇન્શ્યૉરન્સ લઈને તારી પત્ની જલસા કરે એવું તું ન ઇચ્છતો હોય તો સ્પીડ ઓછી કર...’ અક્ષરા હસી પડી.
‘તને મારા માટે પ્રેમ નથીને, તો મરવા દે મને...’ જિમીએ ઇમોશનલ બ્લૅકમેઇલ કરવા પ્રયત્ન કર્યો.
‘પ્રેમ નથી, આદર છે... આભાર છે; પણ તું જે લાગણીની અપેક્ષા રાખે છે એ કદી નહીં થાય મને.’ તેણે ફરી બારીની બહાર જોયું. પસાર થઈ જતાં વૃક્ષો, ભૂરા આકાશમાં ઊડતા છૂટાછવાયા રૂના ઢગલા જેવાં વાદળો અને બાજુમાંથી અવાજ વગર પસાર થઈ જતી ગાડીઓને ઉદાસીન નજરે જોતાં અક્ષરાએ કહ્યું, ‘જે સ્ત્રી વફાદારીનું ઘર છોડીને ફરેબના સરનામે પહોંચવા નીકળી પડે તેની હાલત ક્યાંય નહીં પહોંચતા પરબીડિયા જેવી થઈ જાય છે.’ તેણે નિઃશ્વાસ નાખ્યો, ‘હું એ જ છું, સરનામા વગરનું પરબીડિયું.’ તેણે ફરી એક વાર ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘ગાડી રોક, પ્લીઝ! મારે ઊતરવું છે.’
‘અહીં? રસ્તા વચ્ચે?’ એમ કેવી રીતે છોડી દઉં તને? જિમી તેને કોઈ પણ ભોગે રોકવા માગતો હતો, ‘હું તને તું કહે ત્યાં પહોંચાડી દઈશ.’
અક્ષરા ખડખડાટ હસી પડી, ‘પણ મને જ નથી ખબર મારે ક્યાં જવું છે!’ તેણે ફરી કહ્યું, ‘પ્લીઝ, ગાડી રોક.’ જિમીએ ગાડી રોકી દીધી. અક્ષરા ઊતરી ગઈ. તેણે દરવાજો ધીમેથી બંધ કર્યો, કાચમાંથી ઝૂકીને કહ્યું, ‘તું વસ્તુને વ્યક્તિ સમજી બેઠો, પૈસા આપીને ખરીદી શકાય એવી સ્ત્રીને પ્રેમ કરી બેઠો... વાંક તારો નથી, વાંક મારો છે. તારું જૂઠ ગમ્યું મને. હું તો જાણતી હતી કે જૂઠ છે... તને પણ સમયસર જણાવ્યું હોત તો... આઇ ઍમ સૉરી.’ કહીને અક્ષરા સાવ સહજતાથી રસ્તાના કિનારે ચાલવા લાગી. જિમી થોડી વાર ત્યાં જ, એમ જ બેસી રહ્યો. પછી ગાડી સ્ટાર્ટ કરીને તે પણ આગળ નીકળી ગયો.
જિમીના મનમાં વિચાર આવ્યો, ‘પૈસા આપીને ખરીદેલી સ્ત્રીને પ્રેમ કર્યો એ મારી ભૂલ નહોતી... બસ, પૈસા લેવાનું બંધ કર્યા પછી પણ તે મને પ્રેમ કરશે એવું માની લીધું એ મારી ભૂલ હતી.’ તેણે આંખો લૂછી નાખી. સામે દેખાતા રસ્તા પર ફોકસ કરીને તેણે ફરી એક્સેલરેટર પર પગ દબાવ્યો. 
lll
લાલ કલરની કન્વર્ટિબલ મર્સિડીઝ એસ-ક્લાસ કૅબ્રિયોલેટ ગાડી બેલાજિયોથી નીકળીને સડસડાટ હાઇવે પર દોડી રહી હતી. ત્રણમાંથી કોઈ કશું બોલવા તૈયાર નહોતું, કારણ કે ત્રણેય જણ પોતપોતાના વિચારોમાં અટવાયેલા હતા. અચ્યુતનું દિલ તૂટ્યું હતું, વિશ્વાસ ઉઝરડાયો હતો. બારીની બહાર જોઈ રહેલો અચ્યુત 
વારે-વારે આંસુ લૂછી રહ્યો હતો. તે અપમાનિત હતો, જ્યારે મિહિર અફસોસમાં અટવાયો હતો. તે મૂળ તો પોતાની હ્યુમન ટ્રાફિકની સ્ટોરીની વધુ ડીટેલ્સ ભેગી કરવા આવ્યો હતો. અનિસાના ભયાનક મોત પછી તે કોઈ પણ રીતે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માગતો હતો, પરંતુ અક્ષરાએ જે રીતે સૌને ઓળખવાની જ ના પાડી દીધી એ પછી મિહિર માટે માહિતીનો છેલ્લો છેડો પણ હાથમાંથી સરકી ગયો. રુમી સામે રસ્તા પર જોતો ગાડી ચલાવી રહ્યો હતો, પરંતુ મનોમન અક્ષરાને દઈ શકાય એ બધી ગાળો દઈ રહ્યો હતો. બાજુમાં બેઠેલા અચ્યુતને વારે-વારે આંસુ લૂછતો જોઈને રુમી પણ ઇમોશનલ થઈ ગયો હતો. આમ તો ત્રણેય જણ એક જ વ્યક્તિનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ ત્રણેયના મનમાં એ વ્યક્તિ-અક્ષરા માટે જુદા-જુદા ભાવ હતા. 
મર્સિડીઝની પાછળ સડસડાટ આવી રહેલી કાળી હમર વિશે ત્રણેય જણ બેખબર હતા. મિહિર જો સજાગ હોત તો કદાચ પોતાની ગાડીનો પીછો કરી રહેલી હમર પર તેનું ધ્યાન ગયું હોત, પણ અત્યારે તેનું મન વિચારોમાં હતું એટલે તેને હમર દેખાઈ નહીં. રુમી પણ વિચારોમાં હતો એટલે રિઅર વ્યુમાં વારે-વારે દેખાતી ગાડી જગ્યા આપવા છતાં ઓવરટેક નથી કરતી એ વિશે તેને શંકા પડી નહીં.
ગાડીનું ભારેખમ વાતાવરણ બદલવા માટે મિહિરે ધીમેથી રુમીને કહ્યું, ‘ક્યાંક કૉફી પીવા ઊભી રાખીએ?’ રુમીએ પોતાની પાછળ બેઠેલા મિહિર તરફ જોવા માટે રિઅર વ્યુ મિરર સહેજ ઍડ્જસ્ટ કર્યો, પછી ખભા ઉલાળ્યા જાણે કે પોતાને રોકાવામાં પણ વાંધો નથી અને ગાડી ચલાવવામાં પણ વાંધો નથી! અચ્યુત હજીયે બારીની બહાર જોઈ રહ્યો હતો... મિહિરે ફરી કહ્યું, ‘બે-પાંચ મિનિટ ઊભી રાખને યાર!’ રુમીએ સામે દેખાતા બોર્ડ, ‘એરિયા ડી સર્વિઝિઓ’ તરફ ગાડી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. કોઈ કશું સમજે એ પહેલાં પાછળ આવતી હમરની સ્પીડ વધી. રુમી પોતાની ગાડીને સંભાળી શકે એટલો સમય તેને મળ્યો જ નહીં. હમર ગાડીનાં રાક્ષસી પૈડાં અને મજબૂત બૉડી રુમીની નાજુક મર્સિડીઝ સાથે ભટકાયાં. મર્સિડીઝ ઊછળી. કન્વર્ટિબલ હોવાને કારણે મર્સિડીઝને હુડ નહોતું. ગાડી ઊછળીને બે ગુલાટિયાં ખાઈને ફરી પાછી સીધી પટકાઈ. ઍરબૅગ્સ ખૂલી. હમર ફરી ભટકાઈ. મર્સિડીઝ જેવી નાજુક ગાડી રસ્તા પરથી નીચે ઊતરીને ત્યાં આવેલી કૅફેની બહાર મૂકેલા લોખંડના બાંકડા સાથે ભટકાઈ. મર્સિડીઝનો કૂચો થઈ ગયો છે એ જોઈ લીધા પછી હમર ચલાવનારા માણસે રિવર્સ લીધી, ટર્ન મારીને ગાડી ફરી મુખ્ય રસ્તા પર ચડી ગઈ. કૅફેમાંથી દોડી આવેલા મુસાફરો, કૅફેના માલિક અને બીજા લોકો મર્સિડીઝની ખબર કાઢે એ પહેલાં તો હમર સૌની દૃષ્ટિથી ઓઝલ થઈ ગઈ. એકાદ જણે એની નંબરપ્લેટ જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ કાળી હમરને નંબરપ્લેટ જ નહોતી... જોતજોતામાં ગાડી હાઇવે પર હવામાં ઊડતી હોય એમ નીકળી ગઈ.
lll
જુહુ પોલીસ-સ્ટેશનમાં દાખલ થઈ રહેલા મકબૂલને જોઈને અઝીઝે પોતાના ખિસ્સામાં રહેલી રિવૉલ્વર પર હાથ મૂક્યો. ટ્રિગર પર આંગળી રાખીને તે એવી રીતે તૈયાર હતો કે જરૂર પડે તો પલક ઝપકાવતાં ગોળી છોડી શકાય.
મકબૂલને જોઈને લોખંડેએ આપેલી સૂચના મુજબ સુશીલા પોલીસ-સ્ટેશનની બહાર આવી. મકબૂલે ગોળી છોડી, પરંતુ પહેલેથી નક્કી થયા મુજબ તેનું નિશાન ચૂક્યું. સુશીલા વાંકી વળી ગઈ. તેને બચાવવા માટે રાઘવ લોખંડે ધસી આવ્યો. રાઘવ લોખંડેને જોઈને અઝીઝે ઝડપથી રસ્તો ક્રૉસ કર્યો. તેણે દોડતાં-દોડતાં જ રિવૉલ્વરથી નિશાન લઈને રાઘવ લોખંડે પર ગોળી છોડી, પરંતુ અઝીઝની ઝડપ અને રાઘવની ચપળતાને કારણે તે બચી ગયો. અઝીઝ ત્યાં સુધીમાં જુહુ પોલીસ-સ્ટેશનના દરવાજા સુધી પહોંચી ગયો હતો. મકબૂલ સાથે પહેલેથી નક્કી થયા મુજબ પોલીસ-સ્ટેશનથી થોડાંક જ ડગલાં દૂર એક ગાડી તૈયાર રાખવાની હતી, પરંતુ અઝીઝને કોઈ ગાડી દેખાઈ નહીં. ગાડી શોધવા માટે તેની નજર હટી અને દુર્ઘટના ઘટી. રાઘવ લોખંડેની પિસ્તોલમાંથી છૂટેલી ગોળીએ અઝીઝના ઘૂંટણને વીંધી નાખ્યો. પીડામાં અને સ્વબચાવમાં અઝીઝથી ફરી ટ્રિગર દબાઈ ગયું. એ ગોળી હવામાં ક્યાંક ઊડી ને જુહુ પોલીસ-સ્ટેશનના છાપરા પર ટકરાઈ. ઓપન ફાયરનો અવાજ સાંભળીને આવતા-જતા રાહદારીઓ રોકાઈ ગયા. તમાશાને તેડું ન હોય! થોડીક ક્ષણોમાં મોટું ટોળું જમા થઈ ગયું. ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળીને પોલીસ-સ્ટેશનમાંથી કૉન્સ્ટેબલ અને ઑફિસર્સ દોડી આવ્યા. કમ્પાઉન્ડની અંદર પોલીસ-કર્મચારીઓ અને બહાર રાહદારીઓનાં ટોળાંની વચ્ચે અઝીઝ ઘેરાઈ ગયો. તેની પાસે છટકવાનો કોઈ રસ્તો ન બચ્યો. 
લોખંડેએ દોડીને રિવૉલ્વર સાથે જ અઝીઝનો હાથ પકડી લીધો. પાછળ તરત જ આવી પહોંચેલા બીજા ઑફિસર્સે અઝીઝને જમીન પર દબાવી દીધો. આ બધી ધમાચકડીમાં મકબૂલ હળવેથી સરકીને રાહદારીઓના ટોળામાં ભળી ગયો. પાછલા પગે ખસતાં-ખસતાં તે ક્યારે બહાર નીકળીને દોડતો રિક્ષામાં બેસી ગયો એની કોઈને ખબર ન પડી. જોકે આ બધું અગાઉથી રાઘવ લોખંડે સાથે ગોઠવેલી યોજના મુજબ જ બન્યું હતું. હવે જાણે ભાન આવ્યું હોય એમ સુશીલાએ બૂમો પાડવા માંડી, ‘આ જ છે... આ જ છે મારી દીકરીને ભગાડી જનાર. આણે જ મારી દીકરીને મૂરખ બનાવીને તેની જાળમાં ફસાવી છે... તેને પકડો.’ રાઘવ લોખંડે મનોમન રાજી થઈ ગયો. બધું જ તેની યોજના મુજબ બન્યું હતું. નાનકડીયે ભૂલ કે ગરબડ વગર બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી પડે એમ અઝીઝ તેની જાળમાં સપડાઈ ચૂક્યો હતો. એટલું જ નહીં, સુશીલાની બૂમાબૂમને કારણે અઝીઝની ઓળખ પણ એ જ ક્ષણે થઈ ગઈ! 
ઑફિસર્સની સાથે મળીને અઝીઝને પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો. સુશીલાએ આપેલા પુરાવા અને ફોટો મુજબ આ અઝીઝ શેખ જ છે એવું નક્કી થઈ ગયું... સુશીલાના FIRના આધારે અઝીઝની ધરપકડ થઈ. હવે આવતી કાલે સવારે અઝીઝને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવા સિવાય રાઘવ લોખંડેએ કશું કરવાનું રહ્યું નહીં. તેણે ઉત્સાહમાં તેના સિનિયર અધિકારી અનવર કુરેશીને ફોન કર્યો, ‘ઑલ ગુડ સર! અઝીઝ પકડાઈ ગયો છે...’
lll
ભાઉચા ધક્કા પહોંચીને માંડવા જનારી બોટની રાહ જોઈ રહેલા અબ્દુલ અને મકબૂલને લાગ્યું કે અઝીઝને પકડાવીને તેમણે રાઘવ લોખંડે સાથેનો સોદો પૂરો કર્યો છે. બન્ને ભાઈઓ પરના બધા કેસ રફેદફે થઈ જશે એ વિચારે આઝાદીનો આનંદ અનુભવતા બન્ને જણ બોટમાં ચડ્યા કે તેમની આંખો પહોળી થઈ ગઈ. મુંબઈ પોલીસના ઑફિસર્સ તેમનું સ્વાગત કરવા બોટ પર પહેલેથી હાજર હતા. અનવર કુરેશી અને બીજા ઑફિસર્સની સાથે રાકેશ વીરમાણી પણ ત્યાં હાજર હતો. રાકેશને જોઈને બન્ને ભાઈઓના મોતિયા મરી ગયા. અબ્દુલની નજર સામે એ દૃશ્ય ફરી તરવરી ઊઠ્યું. અબ્દુલ અને મકબૂલની ઇન્ફર્મેશન પોલીસ સુધી પહોંચાડવાના ગુના બદલ અબ્દુલે ખેતવાડીની લેનમાં બરાબર વચ્ચોવચ ઊભી રાખીને અનિસાનું ગળુ કાપ્યું હતું. અનિસા તરફડતી રહી, તેની મા બૂમો પાડતી રહી પણ ભેગાં થયેલાં ટોળાંમાં લોકો વિડિયો બનાવતા રહ્યા, કોઈ મદદ કરવા ન આવ્યું... અનિસાની બૂમો અને તેની માની વિનંતીઓ અત્યારે જાણે ફરી એક વાર અબ્દુલના કાનમાં પડઘાવા લાગી. મકબૂલ પાણીમાં કૂદી જવાનો પ્રયત્ન કરે એ પહેલાં અનવર કુરેશીએ તેને પકડી લીધો. બાકીના ઑફિસર્સે અબ્દુલને પકડીને તેના હાથ પાછળની તરફ બાંધી દીધા. માંડવા જવાની બોટ પર ચડી રહેલા બીજા પ્રવાસીઓ આશ્ચર્ય અને આઘાતમાં દૃશ્ય જોઈ રહ્યા.
અબ્દુલ અને મકબૂલને ઉતારીને ભાઉચા ધક્કા-માઝગાવ ડૉકની બહાર ઊભેલી પોલીસવૅનમાં ચડાવી દેવામાં આવ્યા. હવે અનવરે રાઘવને ફોન કર્યો, ‘બન્ને નમૂના મળી ગયા છે. અમે પહોંચી રહ્યા છીએ.’ 
lll
બેલાજિયોથી મિલાન જવાના હાઇવે પર હમરની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા મિહિર, રુમી અને અચ્યુત થોડા બેભાન અને થોડા હોશમાં હતા. કૅફેમાંથી ધસી આવેલા લોકોમાંથી કોઈએ પોલીસને અને કોઈએ ઍમ્બ્યુલન્સને ફોન કરી દીધા હતા. ત્રણેયને દબાઈ ગયેલી મર્સિડીઝમાંથી સાચવીને બહાર કાઢવામાં આવ્યા. લોહીલુહાણ અચ્યુતના ચહેરા પર ઝળૂંબી રહેલા થોડાક ચહેરાઓને પેલે પાર એની ઝાંખી થઈ રહેલી દૃષ્ટિમાં તેને એક ચહેરો દેખાયો... બેહોશ થવાની અણી પર આવેલા અચ્યુતને અચાનક જાણે ભાન આવી ગયું હોય એમ તેણે રાડ પાડી, ‘અક્ષરા... અક્ષરા...’
ટોળાની પાછળ ઊભેલો એક ચહેરો પહેલાં બે-ચાર ડગલાં પાછો ખસ્યો, પણ પછી કોણ જાણે શું બન્યું કે એક સ્ત્રી ટોળામાંથી રસ્તો કાઢતી આગળ આવી. તેણે બેહોશ થઈ રહેલા અચ્યુતના ગાલ થપથપાવીને કહ્યું, ‘વેકઅપ... અચ્યુત... યુ કાન્ટ ડાય. મરી નહીં જતો પ્લીઝ... આંખો ખુલ્લી રાખ...’ ધ્રુસકે-ધ્રુસકે રડતી, અચ્યુતને જગાડવાનો પ્રયત્ન કરતી આ સ્ત્રીને ટોળામાં ઊભેલા લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને એથીયે વધુ આશ્ચર્યથી આ જોઈ રહેલા મિહિર અને રુમીના ચહેરા પર આટલી બધી ઈજાઓ છતાં સ્મિત આવી ગયું.

(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 06:33 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK