Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ 3)

બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ 3)

Published : 04 November, 2026 04:21 PM | Modified : 04 November, 2026 04:42 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

મુંબઈ ઍરપોર્ટને હાઇજૅકનું સિગ્નલ આપીને કપ્તાન ઢાકામાં લૅન્ડિંગ માટે જરૂરી પરવાનગી મેળવી આપવાની વિનંતીની વિધિ પતાવે છે ત્યાં સુધીમાં હાઇજૅકરનો બીજો સાગરીત પૅસેન્જરોને ગન તાકીને હાઇજૅકના ખબર આપતાં મુસાફરોમાં અરેરાટી ફેલાઈ જાય છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મોસમ!

અચ્યુતનું એકાંત આ એક નામે ભડકે બળતું હતું.



ગાઢા શ્યામ વર્ણને કારણે પોતે સમજણો થયો ત્યારથી અનુભવ્યું છે કે સામાની આંખમાં પહેલો પ્રતિભાવ તો અણખટનો જ હોય. પરિણામે પોતે
જાણે-અજાણે અતડો-અળગો બનતો ગયેલો. કૉલેજ પછી ફ્લાઇંગ ક્લબમાં પણ છોકરીઓ હતી, પરંતુ પ્રોફેશનલ લેવલથી વધુ કોઈ જોડે વાતો ત્યાં પણ થતી નહીં.


આવામાં મોસમ પહેલી ઝલકે બહાર બનીને મારા અંતરમન પર છવાઈ ગઈ. મારો રંગ તેને ડંખ્યો નહીં. તેની સગાઈ થવાની છે એ જાણીને પણ તેના પ્રત્યે જાગેલા ભાવમાં ઓટ નહોતી આવી. શું કામ?

કદાચ ઊંડે-ઊંડે એવી આશા હતી કે હજી તો સગાઈ જ થવાનીને, લગ્ન ક્યાં થયાં છે? બની શકે તે કોઈ પણ કારણે સગાઈ ફોક થાય, લગ્ન માંડવાળ થાય તો હજી ચાન્સ રહે જ છે.


પણ તેનો મંગેતર અક્ષત છે એ જાણીને જરૂર બાજી ગુમાવવા જેવું વસમું લાગેલું.

અક્ષત સાથે ફ્લાઇંગ ક્લબના સમયની ઓળખાણ. ઑનેસ્ટ્લી તેની છાની ઈર્ષા થતી. કાયાનો ઘાટ તો મનેય સુલભ છે; બસ, રંગ અક્ષત જેવો હોત તો છોકરીઓનું ટોળું મારી પાછળ પડ્યું હોત!

અક્ષત તો બીજા સાથે હોય એટલો જ ફ્રેન્ડ્લી મારી સાથે બનવા માગતો, પણ મારો જ પ્રતિસાદ ઠંડો રહેતો. જૉબમાં અમે પાછા ભટકાઈ ગયા, પરંતુ કોઈ કનેક્શન અહીં પણ બન્યું નહીં.

અમારી વચ્ચે ક્યારેય કોઈ હરીફાઈ નહોતી છતાં મોસમની સગાઈના દિવસે અક્ષતને જોઈને લાગ્યું કે મોસમને મેળવીને તે બાજી જીતી ગયો અને હું હારી ગયો.

કાંકરિયામાં ડૂબતી યુવતી અક્ષતની મંગેતર છે એ જાણતો હોત તો પોતે તેને બચાવવા કૂદ્યો હોત ખરો?

ના.

અત્યારે ભીતર ઊઠતા જવાબથી અચ્યુતને ખુદ પર ચીડ થઈ : ત્યારે તો તારા વર્ણમાં જ નહીં, વ્યક્તિત્વમાં પણ ખોટ છે. મોસમ મૂલ્યોમાં માનનારી છોકરી છે. તું અજાણી છોકરીને બચાવવા કૂદ્યો તે ગુણમાં આવી સિલેક્ટિવિટી રાખે છે એ જાણીને તે નારાજ જ થાય કે બીજું કંઈ!

અચ્યુતે માથું ખંખેર્યું.

મોસમથી હું મારો પ્રણયભાવ છુપાવીને નથી રાખી શકતો. મોસમને એ પરખાતો નહીં હોય? આવું પૂછવાની હામ નથી થઈ. મારો ગણ યાદ રાખીને તેણે મૈત્રી સ્વીકારી છે, અક્ષત પણ
વર્ક-પ્લેસ પર ઉષ્માભેર હાય-હલો કરે છે; પણ મારો રિસ્પૉન્સ તેના પ્રત્યે તો આજેય થીજેલો છે. ઊલટું તેના માટે જલન તીવ્ર બની છે, કેમ કે હું આજેય ઇચ્છું છું કે કંઈક એવું બને જેથી મોસમના હૈયે રહેલી અક્ષતની છબિ હું તોડી શકું... પ્રણયભગ્ન બનેલી મોસમને હું મારી પ્રીતથી મહોરાવીને મહોબતની બાજી જીતી જાઉં.

પણ એવું તે શું હોય?

બહુ વિચારતાં એક અવગુણ આંખે ચડ્યો : અક્ષત રંગીલો છે, વિદેશની ધરતી પર પરસ્ત્રીગમન કરે છે એ તો સ્ટાફમાં જાણીતું છે. આ વિષયમાં મોસમને હિતેચ્છુ બનીને ચેતવી શકાય...

અહં.

લાંબું વિચારતાં અચ્યુતને આમાં કસ ન લાગ્યો : એક તો લિવ-ઇન,
બ્રેક-અપ્સના જમાનામાં જીવનસાથીનું વર્જિન હોવું વફાદારીનું પૅરામીટર જ નથી રહ્યું અને બીજું એ કે એમ તો પોતે પણ ક્યાં વર્જિન છે! બેશક, મારા માટે કોઈ આવું ધારી પણ ન શકે, પણ રખેને અક્ષત ઊંડો ઊતરવાનો થાય તો એ બૂમરૅન્ગ જેવું નીવડે.

તો શું અક્ષતને મોસમની ડોલી લઈ જવા દેવી?

નેવર! તો શું કરવું?

બસ, આનો જવાબ મળી જાય તો મોસમને મારી થતાં કોઈ રોકી ન શકે.

lll

‘આજે ગયેલા મહેમાન અવતારના અંગત હતા?’

રાતે રાજશેખરે તેના કક્ષમાં તેડાવતાં મારિયાએ પુરુષને રમાડતાં વાત કઢાવવાની કોશિશ કરી જોઈ, પણ કારી ફાવી નહીં. જમાનાનો ખાધેલ રાજશેખર એમ પેટ આપે એવો કાચો નહોતો : છોડને એ બધી પંચાત. એને બદલે...

તેના હોઠોએ મારિયાના હોઠ જકડ્યા પછી બોલવાનો અવકાશ જ ક્યાં રહ્યો?

lll

ટેબલ-ક્લૉકના ઝીણા અલાર્મે રાજશેખર ઝબકીને જાગી ગયો.

આભમાં પરોઢનો ઉજાસ હજી પૂરેપૂરો ફેલાયો નહોતો. પડખે થાકીને ચૂર બનેલી મારિયા ગાઢ નિદ્રામાં લાગી. અત્યારે અગત્યનો એક કૉલ કરવાનો છે એટલા માટે તો અલાર્મ મૂકી રાખેલું... પલંગ પરથી ઊતરી, ફટાફટ વસ્ત્રો ચડાવી, ફોન લઈને બહારની રૂમમાં ગયો એમાં દરવાજો બંધ થવાના ખખડાટે મારિયાને જાગૃત કરી દીધી છે એ ધ્યાનબહાર રહ્યું.

lll

‘સલામઆલેકુમ યુસુફભાઈજાન.’

હૉલના સોફ પર ગોઠવાઈ રાજશેખરે કૉલ જોડ્યો.

‘સર સે આપકા ડીલ ફાઇનલ કરવા દિયા ના! અભી મેરા કમિશન
સિંગાપોર કે અકાઉન્ટ મેં જમા કરવા દો...’

(ઓહ... બેડરૂમના દરવાજે કાન માંડીને ઊભેલી મારિયાને તેમની વાતો પરથી ગડ બેઠી : આ યુસુફ એટલે અહીં આવેલો દાઢીધારી આદમી. તેની સાથે અવતારે કોઈ સોદો કર્યો છે.... આ કૉલ ટ્રેસ કે રેકૉર્ડ ન થાય એવી સાવચેતી રાખ્યા વિના આવી વાતો ફોન પર કોઈ કરે નહીં.)

‘કામ સહી તરીકે સે હોના ચાહિએ... હમકો પ્લેન હાઇજૅક નહીં કરના, બ્લાસ્ટ કરકે ઉડા દેના હૈ.’

(પ્લેન. બ્લાસ્ટ. મારિયા થથરી
ગઈ : અવતાર ભારતનો રાજનેતા થઈને આતંકવાદી કાવતરાની સુપારી આપે છે અને આખો મામલો સેટ કરી આપવાનું રાજશેખર કમિશન ખાય છે!)

‘દિન ફિક્સ હે. પન્દ્રહ દિનોં મેં દીપાવલી હૈ, ઉસી દિન ધમાકા કરના હૈ. ફ્લાઇટ કી ડીટેલ્સ મૈં કલ તક ભેજતા હૂં...’

(હે જીઝસ!)

‘ડોન્ટ વરી, દરેક પાઇલટ સ્મિત નથી હોતો!’ રાજશેખરે કૉલ કટ કર્યો.

ઇઝરાયલના તેલ અવિવ પર ૯/૧૧ જેવા આત્મઘાતી વિમાનહુમલાનો પ્લાન પાઇલટ સ્મિતની બહાદુરીને કારણે નિષ્ફળ ગયો એવું આપણા કેસમાં નહીં થાય એનો આમાં પડઘો હતો.

મારિયા ચૂપકેથી પલંગ પર આવીને પોઢી ગઈ, પણ કાને પડેલી બાતમી હૈયે ટાઇમબૉમ્બની જેમ ટિક-ટિક કરવા લાગી હતી.

lll

વિમાન-દુર્ઘટના.

બહારની રૂમમાં કૉલ પતાવીને રાજશેખરે સિગારેટ પેટાવી.

પૉલિટિક્સ ઇઝ ડર્ટી બિઝનેસ!

ઊઘડતી જવાનીમાં કૉલેજમાં આંદોલનો કરતી વખતે રગોમાં વહેતો આદર્શવાદ નીતરીને ક્યારે તકવાદ ફરતો થઈ ગયો એની ગત ન રહી. બે-ચાર પૉલિટિકલ પાર્ટીમાં રૂટ-લેવલે કામ કરીને પોતે ઘડાયો. છેવટે ‘જનભારત’માં જોડાઈ, પગથિયાં કુદાવી, કઈ રીતે અવતાર સિંહના અંગત વર્તુળ સુધી પહોંચી ગયો એ ગાથા લાંબી છે અને અવતારનો ડાબો-જમણો હાથ બન્યા પછી પાર્ટીની અંદર-બહાર પોતાનું કદ વિસ્તારવા કેવાં-કેવાં કાવતરાં કર્યાં એની કથા કોઈને કહેવાય એમ નથી!

અલબત્ત, પાછલી ૩ ટર્મથી દેશનું સુકાન સંભાળતા સિત્તેરેક વર્ષના વડા પ્રધાન વિશ્વનાથ ત્રિવેદીને કોઈ રીતે પહોંચી વળવાનું અવતાર સિંહમાં પૉટેન્શ્યલ જ નથી, પણ મારામાં એટલું ચાતુર્ય છે કે ત્રિવેદીની ખુરસી ઊથલાવી શકું! ખાસ કરીને પાછલી બે-ત્રણ ચળવળના મારા આઇડિયાથી અવતારની છબિ યંગસ્ટર્સમાં સુધરી છે.

જેન-ઝીનું દિમાગ સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમથી ચાલે છે એ પેપર-લીકના કિસ્સામાં જોયું. કૉમ્પિટિટિવ એક્ઝામનાં પેપર્સ લીક થવા સામે નક્કર પગલાં લેવામાં નિષ્ફળ ગયેલી ત્રિવેદી સરકારને ઘેરી સારંગ મહાજને.

દિલ્હીની સરકારી કૉલેજમાં ભણતો મૂળ મુંબઈનો સારંગ સોશ્યલ મીડિયામાં જેન-ઝી પાર્ટી બનાવીને, પેપર ફૂટવા વિશે આંદોલન ચલાવીને લાઇમ લાઇટમાં આવી ગયો છે. છેવટે તો દરેક ચળવળનો હેતુ કોઈ ને કોઈ પદ કે ખુરસી પામવાનો જ હોય છે. બે-ત્રણ મુલાકાતોમાં સારંગની મહત્ત્વાકાંક્ષાને તાણીને, EV મશીનમાં ગરબડ કરીને, સરકાર વોટ ચોરી રહી હોવાના મુદ્દે તેને સાથે લઈને સરકારને ઘેરવાની યુક્તિ રંગ લાવી છે. ‘જનભારત’ પાર્ટીને વિદેશથી મળતા ડોનેશનમાં ઉછાળો આવ્યો છે. આમાં પ્લેન હાઇજૅકનો આઇડિયા કૉફિનના છેલ્લા ખીલા જેવો નીવડવાનો.

ખરેખર તો આમાં બેવડી ચાલ છે. એક તરફ જેન-ઝી પાર્ટીના નેતા સારંગને પ્લેન હાઇજૅક માટે મનાવ્યો છે : કોઈ એક ઇન્ટરનૅશનલ ફ્લાઇટ હાઇજૅક કરાવીને આપણે વિદેશી ધરતી પર લૅન્ડ કરીએ, જ્યાંથી તમે એલાન કરી શકો કે વોટચોરીના મુદ્દે ત્રિવેદી સરકાર લોકોને ઊઠાં ભણાવે છે, સુપ્રીમ કોર્ટ કે સંસદને પણ ગાંઠતી નથી, એ વિશે દુનિયાનું ધ્યાન ખેંચવાના આશયમાત્રથી આ હાઇજૅકનો ડ્રામા કર્યો છે. ભારતમાં લોકશાહીના નામે તાનાશાહી ચાલે છે એની રજૂઆત માટે વિમાનના પ્રવાસીઓને તકલીફ આપવી પડી, બાકી આ કોઈ આતંકવાદી કાવતરું નથી... મુસાફરો દરગુજર કરે.

સારંગ હાઇજૅકના મારા આઇડિયાથી ખુશ છે : આનાથી વિદેશની ધરતી પર ત્રિવેદીનું નાક કપાય, આપણી તરફેણમાં જનાદેશ કેળવાય...

હાઇજૅક થયેલી ફ્લાઇટમાં અમેરિકાના પૅસેન્જર હોય તો આપોઆપ ન્યુઝમાં અટેન્શન મળી રહે એટલે અમેરિકાની ફ્લાઇટ લેવાની છે. દિવાળીના દિવસે અમેરિકાની ફ્લાઇટ પકડવા સારંગ તૈયાર છે. પછી...

રાજશેખરનાં કલ્પનાચક્ષુ સમક્ષ દૃશ્ય ઊપસતાં ગયાં:

દિવાળીની રાતે મુંબઈથી ન્યુ યૉર્કની ડાયરેક્ટ ફ્લાઇટ ઊપડે છે. કલાકમાં તો પ્લેન ૪૦,૦૦૦ની ઊંચાઈ સર કરી લે છે. બધું બરાબર છે ત્યાં...

બિઝનેસ ક્લાસનો પ્રવાસી છાતીમાં દુખાવાનો ડોળ કરીને સીટ પરથી ફસડાઈ પડે છે. દોડી આવતી ઍર-હૉસ્ટેસ તેની પલ્સ ચેક કરવા ઝૂકે છે કે...

‘ખબરદાર!’ ત્વરાથી ગન કાઢીને તે ઍર-હૉસ્ટેસને હેબતાવી દે છે : મારા બીજા સાથીઓ પણ પ્લેનમાં છે અને દરેક પાસે હથિયાર છે... મને જલદી કપ્તાન પાસે લઈ જા, નહીં તો વિમાનમાં કોઈ જીવતું નહીં બચે.

ઍર-હૉસ્ટેસ પાસે બીજો વિકલ્પ નથી. તેની વિનંતીએ કપ્તાન કૉકપિટ ખોલે છે કે ઍર-હૉસ્ટેસને હડસેલીને હાઇજૅકર અંદર દાખલ થઈને પાઇલટના કપાળે ગન ટેકવે છે : અમે ફ્લાઇટને હાઇજૅક કરીએ છીએ, એને ઢાકા તરફ વાળો... ક્વિક!

મિડલ ઈસ્ટ અને યુરોપ થઈને ન્યુ યૉર્ક જવાના રસ્તામાં ઢાકા આવતું જ નથી, પણ છેવટે તો પૅસેન્જરોની સલામતીનું વિચારીને વિમાનના કપ્તાને હવાઈ જહાજ વાળ્યા વિના છૂટકો નથી...

મુંબઈ ઍરપોર્ટને હાઇજૅકનું સિગ્નલ આપીને કપ્તાન ઢાકામાં લૅન્ડિંગ માટે જરૂરી પરવાનગી મેળવી આપવાની વિનંતીની વિધિ પતાવે છે ત્યાં સુધીમાં હાઇજૅકરનો બીજો સાગરીત પૅસેન્જરોને ગન તાકીને હાઇજૅકના ખબર આપતાં મુસાફરોમાં અરેરાટી ફેલાઈ જાય છે... સારંગ ખુશ છે કે હાઇજૅકિંગ સુખરૂપ પાર પડ્યું, હવે ઢાકા લૅન્ડ થઈએ એટલી વાર...

પણ બિચારો જાણતો નથી કે હાઇજૅક તો પ્લાનનો પૂર્વાર્ધ માત્ર છે!

ઊંડો શ્વાસ લઈ રાજશેખરે ફિલ્મની પટ્ટી આગળ સરકાવી:

આ બાજુ હાઇજૅકના ખબરે
મુંબઈ-દિલ્હીમાં ગતિવિધિ તેજ થાય છે. ઢાકાને કારણે બંગલાદેશની સંડોવણીની શંકા જશે : બંગલાદેશના બળવાખોરોએ વરસેક અગાઉ ત્યાંના રાષ્ટ્રપ્રમુખ કાદિર ખાનને ભગાવ્યા, ત્યારથી તેમણે ભારતમાં રાજ્યાશ્રય લીધો છે. પરિણામે બંગલાદેશની વર્તમાન સરકાર સાથે ભારતના સંબંધ ખટાશભર્યા જ રહ્યા છે. ફ્લાઇટ હાઇજૅક કરીને તેઓ તેમના રાષ્ટ્રપ્રમુખને સોંપવાની માગણી કરે તો શું કરવું એની ચર્ચાવિચારણા ચાલુ થઈ જશે. એમાં વળી મુસાફરોની યાદીમાં સારંગ મહાજનનું નામ જોઈને ખળભળાટ મચી જશે...

અને તંગદિલી વચ્ચે ફ્લાઇટ ઢાકામાં લૅન્ડ થાય છે. હવે સારંગ આગળ આવીને કૉકપિટમાંથી પોતાનો રેડિયો-સંદેશો વહેતો મૂકે છે અને જેવો તેનો સંદેશ પૂરો થવાના આરે આવે છે કે કોઈ પણ જાતના અંદેશા વિના બન્ને હાઇજૅકર્સના શરીરે વીંટાળેલા બૉમ્બ ફૂટતાં...

ધડૂમ.. ધૂમ... ધડામ!

વિમાન ફાટી પડે છે.

પછી અમારે તો ‘હાઇજૅકના એક નિર્દોષ પ્રયાસને હિચકારો અંજામ આપવાનું કામ દેશની એજન્સીઓએ જ કર્યું છે અને આની પાછળ પોતાને વિશ્વગુરુ માનતા વિશ્વનાથ ત્રિવેદીનો જ હાથ હોય! વડા પ્રધાને પુરવાર કર્યું છે કે તેમની વિરુદ્ધ ઊઠતા અવાજને આમ જ દબાવી દેવાશે... પણ અમે નહીં ડરીએ. વી ડિમાન્ડ હિઝ રેઝિગ્નેશન, વી ડિમાન્ડ ઇલેક્શન!’ના નારા સાથે એવી હવા જમાવીશું કે ત્રિવેદીનાં સૂપડાં સાફ થઈ જવાનાં!

દિવાળીના ધડાકા પછી ઘણાની કિસ્મત પલટાવાની. એમાં હું કિંગમેકર બની કેન્દ્રમાં રહેવાનો. આમીન!

(ક્રમશઃ)

 

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 04:42 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK