Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવરા​ત્રિ: અંતરનાં અમી (પ્રકરણ-૧)

નવરા​ત્રિ: અંતરનાં અમી (પ્રકરણ-૧)

Published : 19 October, 2026 04:42 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

ક્યારેક મને હોમવર્કનો કંટાળો આવે ને હું ફ્રેન્ડને મારું લેસન કરી લેવા પટાવતી હોઉં ત્યારે ભાઈ વચ્ચે કૂદે : નો આકુ, તારું હોમવર્ક તારે જ કરવાનું.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ડફલીવાલે...

દૂર ક્યાંક ગુંજતા ગીતે તેના પગ આપોઆપ થિરકવા લાગ્યા. એ લતાજીના કંઠે સજીવન થઈ ઊઠતી સંગીતના લયની કમાલ તો ખરી જ. પગમાં નર્તન ઝબૂકવાનું બીજું કારણ એટલે ઢૂંકડો આવેલો નવરાત્રિનો તહેવાર.



‘ગરબે ઘૂમવાનો શોખ તો મારી આકૃતિને નાનપણથી... અને દીકરી બાપને વહાલી એનાથી વધુ મોટા ભાઈને નાની બહેની વહાલી. એટલે મારો ઉત્ક્રાંત તેના પપ્પા આગળ જીદ કરીને બહેન માટે નવરાત્રિના નવેનવ દિવસ માટે જુદાં-જુદાં ચણિયાચોળી ખરીદાવે અને તેને ખુદને ગરબાનો શોખ નહીં તોય બહેન જોડે
હોંશે-હોંશે જાય.’


સંતાનો માટેનો માનો પોરસ પડઘાતાં આકૃતિના વદન પર ઘડીક ભાઈના હેતનું લીંપણ થયું અને પછી હળવો નિ:શ્વાસ સરી ગયો.

મારાથી પાંચ વર્ષ મોટા ઉત્ક્રાંતભાઈએ મને હેતવર્ષામાં તરબોળ રાખી છે. મને પણ મમ્મી-પપ્પાથી વિશેષ મારો ભાઈ વહાલો. એક સંભારણું તો મારાં સગુણામા હજીયે વાગોળતાં હોય છે કે ભઈલો યુનિફૉર્મ પહેરીને સ્કૂલમાં જવા નીકળે એટલે બે વર્ષની થયેલી હું ભેંકડો તાણતી અને તે આવે એટલે ઠુમ્મક કરતી ખીલ-ખીલ હસી પડતી. પપ્પા તો અમને કદી વઢ્યા જ નથી, પણ મા મારાં તોફાનો સામે ક્યારેક આંખ કાઢે કે ક્વચિત ધોલધપાટ કરી લે ત્યારે ભાઈ નારાજ થઈ જાય : આકુના ભાગનું તું મને મારી લે, વઢી લે; પણ તેને કશું બોલીશ નહીં.


બોરીવલીની અમારી ગુજરાતી સોસાયટીનાં બાળકો ભેગાં મળીને રમતાં હોઈએ એમાં કોઈએ મને રડાવી તો તેનું આવી જ બન્યું. ભાઈ બધાનો એવો ઊધડો લે કે ફરી મને વતાવવાની કોઈની હિંમત જ ન થાય. આમાં પોતાનાથી મોટી વયના છોકરાઓ આવે તો પણ ભાઈ ડરે કે ડગે નહીં.

પણ પછી એ જ ભાઈ આકરા પણ બની જાણે. મને શરદી-ઉધરસ થયાં હોય ને હું આઇસક્રીમની જીદ કરું, રડું તો મમ્મી પીગળી જાય પણ ભાઈ પહાડ જેવો અડગ રહે : નો આકુ, ડૉક્ટરે કહી એ પરેજી તો તારે પાળવાની જ, આપણે ઝટ સારા થવાનુંને?

ક્યારેક મને હોમવર્કનો કંટાળો આવે ને હું ફ્રેન્ડને મારું લેસન કરી લેવા પટાવતી હોઉં ત્યારે ભાઈ વચ્ચે કૂદે : નો આકુ, તારું હોમવર્ક તારે જ કરવાનું.

મને હૈયાફાડ હેત કરતા ઉત્ક્રાંતભાઈ મારા હિત માટે હૈયે પથ્થર પણ મૂકી જાણતા એ ગુણ મારી પ્રણયયાત્રામાં અંતરાયરૂપ બનશે નહીંને એની મને ધાસ્તી છે.

આકૃતિ વાગોળી રહી:

પોતે કૉલેજમાં આવી ત્યાં સુધીમાં તો ભાઈ માસ્ટર્સ પતાવીને મલ્ટિનૅશનલમાં ઊંચા હોદ્દાએ આરૂઢ થઈ ચૂકેલા.
જૉબ-પ્રોફાઇલને કારણે તેમણે દેશ-વિદેશ ઘૂમવું પડતું. હમણાં પણ ભાઈ ૪ દિવસ માટે દિલ્હી ગયા છે. ભાઈએ અમને પણ બહુ ફેરવ્યા છે. ભાઈએ મને ક્રેડિટ કાર્ડ પણ આપી રાખેલું શૉપિંગ માટે. મારે હવે મમ્મી-પપ્પાને પણ પૂછવાનું રહેતું નહીં.

‘ભાઈના હેતને પૈસાથી તોલાય નહીં. તારે તો એટલું જ જોવાનું કે ઉત્ક્રાંતે તને ઘડી છે, તેણે સીંચેલા સંસ્કાર તારે ઉજાળવાના.’

માની શીખ સામે હું સંકલ્પ ઘૂંટતી : મોટા ભાઈને નીચાજોણું થાય એવું ક્યારેય હું કરીશ નહીં.

‘આકુ, તું હવે પુખ્ત વયની છે, તારું સારું-નરસું વિચારી શકે કે સમજી શકે એટલી સમજદાર છે...’ કૉલેજના આગલા દિવસે ભાઈએ મમ્મી-પપ્પા સાથેની
લંચ-બેઠકમાં કહેલું, ‘કૉલેજમાં એક નવી જ દુનિયા ઊઘડશે. ત્યાં એક તરફ જ્ઞાનનો સાગર છે, લાઇફટાઇમ ટકે એવાં સખીપણાં બંધાશે. બીજી બાજુ પ્રણયજાળમાં છોકરીને ફસાવીને લપસાવનારાઓની પણ કમી નહીં હોય.’

પ્રણયજાળ. હું સહેજ શરમાયેલી. અંગે પુરબહાર યૌવન હતું, કૉલેજમાં જવાનો થનગનાટ હતો એમાં હૈયે કોઈની દસ્તક પડે એ કલ્પના જ કેટલી રોમાંચક હતી!

‘આ મુગ્ધતામાં જ છોકરીઓ ભાન ભૂલતી હોય છે...’

મારા વદનની સુરખી નિહાળીને ભાઈએ ટકોરવાની ઢબે કહેલું. મેં ઝડપથી ઘેલાં સમણાં સંકેલી લીધાં.

‘કૉલેજના બધા જ છોકરાઓ ખરાબ હશે એવું નથી કહેતો. સારા-ખરાબની પરખ તારામાં કેળવાય પછી જ બૉય્ઝ જોડે મિત્રતામાં આગળ વધવું.’ ઉત્ક્રાંતભાઈ ગંભીર બનેલા, ‘બાકી લવ-લફરાંમાં આપણે પડવાનું નથી.’

લવ-લફરાં.

અને મને ઝબકારો થયો. ખરેખર તો ઉત્ક્રાંતભાઈ કૉલેજમાં હતા એ અરસામાં ગામમાં રહેતા અમારા પિતરાઈ ભાઈ વેદાંતે પ્રણયમાં નાસીપાસ થઈને નદીમાં પડતું મૂક્યું એ કરુણાંતિકાની ભાઈ પર ગહેરી અસર પડી હતી. વેદાંતભાઈ ઉત્ક્રાંતભાઈથી વરસેક મોટા, પણ બેઉ વચ્ચે ભાઈથી વધુ ભાઈબંધીનો સંબંધ હતો. તેમના અણધાર્યા પગલાએ ઉત્ક્રાંતભાઈને મૂઢ કરી દીધેલા : કૉલેજમાં સાથે ભણતી અરુણા નામની છોકરી જોડે વેદાંતને પ્રેમ થયો, પેલી પણ વેદાંતને પ્રેમના ભરમમાં રાખી મોંઘી ગિફ્ટ્સ પડાવતી રહી ને પછી વેદાંતથી માલદાર મુરતિયો મળતાં સગાઈ કરતાં હૈયાભંગ થયેલા વેદાંતે ખુદકુશી કરી લીધી. આ બધું તેની અંતિમ ચિઠ્ઠી દ્વારા જાણ્યું. કાશ, તેણે મને કહ્યું હોત, મહોબતનો અણસાર તો આપ્યો હોત...

ઉત્ક્રાંતભાઈને આનો ખટકો રહી ગયો. વેદાંતે અરુણા પ્રત્યે રંજિશ ન રાખવાની વિનંતી કરેલી એટલે પોલીસ-ફરિયાદનો અર્થ નહોતો. ઉત્ક્રાંતભાઈ પણ તેની ભાળ કાઢવાથી દૂર રહ્યા, પણ પ્રણયના નામે થતી બનાવટનો દાખલો એવો ઘા આપી ગયો કે તેમણે કૉલેજના તેમના સર્કલમાં પણ છોકરીઓથી દૂરી બનાવી લીધેલી. 

મારા કૉલેજમાં આવવા સાથે ભાઈની એ જૂની અણખટ ફરી સપાટીએ આવી હતી. ભાઈ આવા રૂપમાં હોય ત્યારે દલીલનો અવકાશ રહેતો નહીં.

જોકે તેમની કોઈ વાતનો ઇનકાર હોય જ કેમ! ભાઈથી કે ઘરનાથી કશું છુપાવવું પડે એવું હું કરું જ નહીંને!

- ત્યારે ક્યાં ખબર હતી કે આવું કૉલેજમાં નહીં, નવરાત્રિમાં બનવાનું હતું.

સ્મિતમાં વંકાતા હોઠને રોકી આકૃતિ સંભારી રહી:

કૉલેજનું એ બીજું વર્ષ. નવા માહોલમાં હું ગોઠવાઈ ગઈ હતી. બે-ચાર પાક્કી સહેલીઓ બની હતી. છોકરાઓ જોડે ખપ પૂરતી જ વાતો કરતી. ઘરે આની પૂછ-પૂછ થતી હોય કે પછી ભાઈ અચાનક કૉલેજ આવીને મારી સોબત ચકાસે એવું ક્યારેય બન્યું નહીં. તેમનો આ વિશ્વાસ જ મને વધુ સચેત રહેવા પ્રેરતો.

‘આ તારા નવરાત્રિના પાસ.’

ગઈ નવરાત્રિની વાત. મારા મનગમતા તહેવાર માટે મારો ભાઈ હજી પણ એવો જ ઉત્સાહી. ૯ દિવસનાં ૯ નવાં ચણિયાચોળીની ખરીદીથી માંડીને જ્વેલરી સુધીનું ભરચક શૉપિંગ હું કરું. આમ તો મુંબઈભરમાં નવરાત્રિનાં એકથી એક ચડિયાતાં આયોજનો થતાં હોય છે, પણ મને પ્રમાણમાં ઓછા જાણીતા એવા જુહુની અંધેરી ક્લબના ગ્રાઉન્ડ પર થતા ગરબા ફાવી ગયા છે. ત્રણ હજારની લિમિટેડ એન્ટ્રી, મોટો ચકરાવો લઈ શકાય એવી જગ્યાની છૂટ, અફલાતૂન સાઉન્ડ-સિસ્ટમ... બીજી ખાસિયત એ કે આજે ફલાણો
ટીવી-સ્ટાર આવ્યો કે ઢીંકણી ઍક્ટ્રેસ આવી એવી કોઈ VIP વિઝિટ નહીં. ખેલૈયાઓ બસ રાસગરબામાં ઝૂમતા રહે એ રીતનું આયોજન મને એવું ગમેલું કે પાછલાં ત્રણેક વર્ષથી હું ત્યાં જ જતી. મર્યાદિત પ્રવેશને કારણે ટિકિટના દર થોડા વધુ, પણ બહેનની ખુશી સામે ખર્ચની પરવા ભાઈએ ક્યારેય કરી છે? ‘તારે રોજ બોરીવલીથી ઠેઠ જુહુ જવું છે?’ એવી કોઈ કચકચ પણ નહીં. મારા પહેલાં ભઈલો તૈયાર થઈ જાય. યસ, મને લેવા-મૂકવા તે જ આવે.
ટ્રાફિક-પાર્કિંગના નામે મોઢું ચડાવ્યા વિના. AC ડોમમાં શ્રોતાગણની ખુરસી પર ગોઠવાઈને ગરબે ઘૂમતી બહેન પર બાજનજર રાખવાની એવી કોઈ માનસિકતા નહીં. બસ, બહેન પોતાને ગમતો આનંદ માણે એટલી જ ખેવના.

ગરબાના બ્રેકમાં હું તેમને તંગ પણ કરું : ભાઈ, આટલી સુંદર કન્યાઓમાં કોઈ તો તમને ગમી કે નહીં? ક્યાં સુધી મારે ભાભી માટે રાહ જોવી? જુઓને, પેલી યુવતી તમને કેવા ધ્યાનથી નિહાળી રહી છે! કેવી રૂપાળી છે!’

ખરેખર મારાથી બે-ચાર વર્ષ મોટી લાગતી તે યુવતી ચોરીછૂપી અમને જોઈ લેતી. તે પણ જોકે ભાઈની જેમ સાદાં વસ્ત્રોમાં હતી. કદાચ ગરબા રમવા નહીં, જોવા જ આવી હશે. પણ તેનું તેજ તો જુઓ. રૂપાળી એવી કે મારા ભઈલા સાથે શોભી ઊઠે.

પણ ભાઈએ તો તેના તરફ જોયું ન જોયું ને નજર વાળી લીધી : મેં કહ્યુંને આકુ, નો લવ-લફરાં. તું ગરબા રમ, જો બીજો રાઉન્ડ શરૂ થવાનો.

ભાઈને વધુ પડતા ગંભીર બનેલા જોઈને હું પણ તે યુવતીથી અલિપ્ત
થઈ જતી. 

આમાં ગઈ નવરાત્રિએ જુદું બન્યું. ઉત્ક્રાંતભાઈએ મને પૂછીને ઇવેન્ટના પાસ તો મેળવી લીધા, પણ તે ખુદ આવી શકે એમ નહોતા. ઑફિસના કામે તેમણે પખવાડિયું લંડન જવાનું હતું. ભાઈ નવરાત્રિ ટાણે હાજર નહીં હોય એવું પહેલી વાર બનવાનું.

‘એમાં તારે ચિંતિત થવાની જરૂર નથી...’ ભાઈએ હસીને મારા ગાલે ટપલી મારી, ‘તને લેવા-મૂકવા માટે મારી કંપનીની કૅબ આવી જશે.’

‘એ તો ખરું ભાઈ, પણ તમે તો નહીં જ હોને. મને નહીં ગમે.’

અને ખરેખર પહેલા નોરતે મેં ભાઈને બહુ મિસ કર્યા. વારે-વારે શ્રોતાસમૂહમાં મારી નજર ભટકીને નિરાશ થતી. ભાઈ હોત તો ગરબાના બે રાઉન્ડ વચ્ચેના બ્રેકમાં પાણી લઈને દોડી આવત...

‘તમે કોને શોધો છો?’

બીજી રાતે તેણે પૂછી લીધું, ‘ગઈ કાલે પણ તમે ખોવાયેલાં હો એમ તાલ ચૂક્યાં હતાં.’

મારું આટલું ધ્યાન રાખનારો છે કોણ!

મારી નજર ઊંચકાઈ અને ઓહ... કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે? માથે પાઘડીમાં શોભતું મોરપીંછ, અંગે ભરતકામવાળું કેડિયું-ધોતી, પગમાં મોજડી, હાથમાં દાંડિયાની જોડ. નખશિખ પૌરુષથી ઓપતો જુવાન તો તે જ – જેને ગઈ કાલે બેસ્ટ પર્ફોર્મરનું ઇનામ મળ્યું હતું! શું નામ? યા, આકાર દવે!

ગઈ કાલે પોતે તેને બહુ નોટિસ ન કર્યો, પણ આજે તે નજીક આવીને કાળજી દાખવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પચીસેક વર્ષના લાગતા જુવાનમાં કેટલું આકર્ષણ છે!

અત્યારે પણ તેની મુગ્ધતા ફરી વળે એ પહેલાં માનો સાદ સંભળાતાં આકૃતિએ વિચારમેળો સમેટી લેવો પડ્યો.

lll

‘વન સ્નૅપ?’ તિલકે પૂછ્યું. ઉત્ક્રાંતે ખભા ઉલાળીને પોઝ આપ્યો.

ઑફિસના કામે ૪ દિવસ માટે દિલ્હી આવેલો ઉત્ક્રાંત મૅરિયટમાં ઊતર્યો હતો. દિલ્હી ઘણી વાર આવવાનું થતું. આખું શહેર પોતે ટૂરિસ્ટ તરીકે પણ બે-ત્રણ વાર ફરી ચૂકેલો એટલે હવે આવવાનું થાય ત્યારે આખા દિવસના કામ પછી તે હોટેલમાં જ રિલૅક્સ થતો. સ્વિમિંગ કરતો, પ્લે-ઝોનમાં ટેનિસ રમતો કે સોનાબાથ લેતો.

આમાં આ વખતે તિલકનાથની કંપની મળી ગઈ. તે પણ પાછો ગુજરાતી. સોલો ટ્રાવેલર તરીકે દેશનું પાટનગર ઘૂમવા આવેલો તિલક વયમાં થોડો મોટો, પણ જૉલી માણસ હતો. સાંજ પછી તે પણ હોટેલમાં જ જોવા મળે : દિવસ આખો ફર્યા પછી હોટેલનું મોંઘું ભાડું પણ વસૂલ કરવાનુંને!

‘તમે પરિણીત છો તોય એકલા ફરો છો... તમારી પત્ની આનો વાંધો નથી લેતી?’

ઉત્ક્રાંતે પૂછતાં તેણે સ્મિત ફરકાવેલું : પત્ની પતિનો પૈસો જોઈને પરણી હોય પછી શાની ચૂં-ચાં કરે!

ઉત્ક્રાંતના ચિત્તમાં ત્યારે અરુણા ઝબકી ગયેલી : તે પણ વેદાંતને તરછોડીને કોઈ શ્રીમંતને જ પરણેલીને! સારું છે, આવી છોકરીઓને તો આવો માથાનો જ વર મળવો જોઈએ.

તિલકને વિડિયો-ફોટો લેવાની લત જેવી છે એ કદાચ તેના ટ્રાવેલિંગની પોસ્ટ્સ માટે...

- અત્યારે પણ તેને પોઝ આપીને ઉત્ક્રાંત સ્વિમિંગ-પૂલના પાણીમાં ડૂબકી મારી ગયો ને પૂલમાંથી બહાર નીકળતાં તિલકના ચહેરા પર હળવું સ્મિત ફરકીને અદૃશ્ય થઈ ગયું. 

આ તિલક જ પેલી અરુણાનો પતિ છે એની ઉત્ક્રાંતને ત્યારે ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:42 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK