Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઈશ્વરને મેં સાવ લગોલગ જોયા છે

ઈશ્વરને મેં સાવ લગોલગ જોયા છે

Published : 14 June, 2026 06:26 PM | IST | Mumbai
Hiten Anandpara

આપણી ભીતર એક ચોકીદાર હોય છે જે આપણી બધી ગતિવિધિ પર નજર રાખે છે. આપણે ખોટું કરીએ ત્યારે તે આપણને રોકવાનો પ્રયાસ કરે છે, પણ આપણે તેને ગણકારતા નથી. કમનસીબે આ ચોકીદાર માત્ર નિર્દેશ કરી શકે છે, દંડો પછાડીને અટકાવી નથી શકતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઈશ્વર અલગ-અલગ સ્વરૂપે આપણી સામે ઉપસ્થિત થાય છે અને આપણે એને જોવાનું ચૂકી જઈએ છીએ. ગાયમાં દેવતાઓનો વાસ છે એવું શાસ્ત્ર કહે છે. ફૂલો ઈશ્વરનું સુગંધિત સ્વરૂપ છે. નદી અને સાગર ઈશ્વરનું પ્રવાહી સ્વરૂપ છે. પવન ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે. આ બધામાં માનવતા ઈશ્વરનું સાક્ષાત્ સ્વરૂપ છે. જેના અંતરમાં શુભ અને લાભની ભાવના છે એ બધાં પરમ તત્ત્વનાં ફરિશ્તા છે. છતાં આપણી શંકા કાયમ સળવળતી રહે છે. ગૌરાંગ ઠાકર  વેધક સવાલ પૂછે છે...

તું ઈશ્વર ઉપર કેમ શંકા કરે છે?



સૂરજ આથમી રોજ ઊગ્યા કરે છે


હું મારામાં ભાળું તો લાગ્યા કરે છે

મને કોઈ અંદરથી જોયા કરે છે


આપણી ભીતર એક ચોકીદાર હોય છે જે આપણી બધી ગતિવિધિ પર નજર રાખે છે. આપણે ખોટું કરીએ ત્યારે તે આપણને રોકવાનો પ્રયાસ કરે છે, પણ આપણે તેને ગણકારતા નથી. કમનસીબે આ ચોકીદાર માત્ર નિર્દેશ કરી શકે છે, દંડો પછાડીને અટકાવી નથી શકતો. તેને ખબર છે કે મોટા શેઠ કે ખોટા શેઠ કોઈનું સાંભળવાના નથી, પોતાનું ધાર્યું જ કરવાના છે. વળી શેઠની દૃષ્ટિ ટૂંકી છે એટલે દૂરનું જોઈ શકવાની નથી. અમૃત ઘાયલ જીવનસાર તારવી આપે છે...

જોયા છે ઘણાને મેં ઘાયલ

ટોચેથી ફેંકાઈ જતા

એકાદ ઘડી તો એમ

આવીને મિનારે ઊભો છું

એકાદ ઘડી દરિયાકિનારે કે સાંજે બારી પાસે ઊભા રહીને જાત સાથે સંવાદ કરીએ તો અનેક પ્રશ્નોના હલ મળી શકે. હલ કદાચ ન મળે તો પણ કોઈ દિશાનિર્દેશ તો જરૂર મળી શકે. વિધિની વક્રતા એ છે કે આપણી પાસે વેબ-સિરીઝના પાંચ એપિસોડ એકસાથે જોવાનો સમય છે, પણ જાત સાથે બે ઘડી વાત કરવાનો સમય નથી. પ્રવીણ શાહ વિમાસણ વ્યક્ત કરે છે...

ઘડી બે થોભવું છે શ્વાસ લઈને

ઘણું ચાલ્યો અડગ વિશ્વાસ લઈને

સભાના મુખ ઉપર પણ પ્રશ્ન જોયા

ગયો જ્યાં, પ્રશ્ન એવો ખાસ લઈને

વિશ્વ ઘણા પ્રશ્નોથી ઘેરાયું છે, જેમાં મોટા ભાગના માનવસર્જિત છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશી ગયું છે. યુક્રેનને ઘણું નુકસાન થયું હોવા છતાં એ ઝૂક્યું નથી. ઊલટું રશિયાની અંદર જઈને તેની રિફાઇનરી અને એનર્જીને માળખાગત નુકસાન પહોંચાડવામાં સફળ થયું છે. ઈરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ લંબાયું પણ છે અને ગૂંચવાયું પણ છે. આ બે યુદ્ધ પરથી એ ધડો લેવાનો છે કે કહેવાતી મહાસત્તા પણ હવે દુશ્મનને ચપટીમાં રોળી નાખવાની મંછા સેવી શકે એમ નથી. કીડી હાથીને ભારી પડી શકે છે. પ્રવીણ જાદવ યુદ્ધની નિરર્થકતા દર્શાવે છે...

ભવ્યતા ખંડેરની જોયા પછી

એમ લાગ્યું, મ્હેલ ત્યાં તૂટ્યો હશે

કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?

સમયને કોઈએ લૂંટ્યો હશે

સમય પસાર થવામાં માને છે. એને આપણામાં રસ નથી અને કોઈ પડી પણ નથી. એને ખબર છે કે કરોડો લોકો આવશે અને કરોડો લોકો જશે. એથી દુનિયાને કોઈ ફરક પડવાનો નથી. બધાએ પોતાને ભાગે આવેલી જવાબદારી નિભાવીને વિદાય થવાનું છે. જીવન જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે, સાર્થક કરવાનું છે અને અંતે જવાનું છે. સફળતા કે નિષ્ફળતા નહીં, કર્મ પ્રત્યેની નિષ્ઠા મહત્ત્વની હોય છે. શ્યામ સાધુ એને વધાવે છે...

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો

આકાશી રસ્તા પર તમને માન થવાનું

સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા

કોને કહેવું? કોનું અહીં બહુમાન થવાનું

ઇચ્છાઓ રોજ જન્મે છે પણ રોજ મરે છે કે નહીં એ ભગવાન જાણે. ઇચ્છાઓનો પસારો ઘણી વાર એટલી બધો વધી જાય કે એને સંકેલવા એક જિંદગી પણ ઓછી પડે. એમાં પણ કેટલીક અવાસ્તવિક ઇચ્છાઓ સાકાર કરવાની લાહ્યમાં વાસ્તવિક જિંદગીનો નાનો-નાનો આનંદ પણ આપણે ગુમાવી બેસીએ છીએ.

લાસ્ટ લાઇન

ઈશ્વરને મેં સાવ લગોલગ જોયા છે

રોજ પિતાજીના અડવા પગ જોયા છે

અજાયબી જોવાની ઇચ્છા થાય પછી?

અંગારાથી ધગધગ મારગ જોયા છે

તમને તમારી ભલમનસાઈ મુબારક હો

સાહેબ સૌએ તમને રગરગ જોયા છે

પથ્થર પથ્થર પથ્થર ને બસ પથ્થર હો

એના પર મેં ફૂલોનાં ડગ જોયાં છે

ધૂતી લે જે સઘળી પામર વૃત્તિને

એય મુસાફર! ક્યાંક એવા ઠગ જોયા છે?

રસ્તા જેવું, કેડી જેવું ભલે હો

એના પર પણ જીવનનાં ડગ જોયાં છે

રાકેશ હાંસલિયા

ગઝલસંગ્રહ : તારું શિખર તને મળી જશે

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 06:26 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK