Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે ૧ મેના દિવસે પ્રસ્તુત છે : ગુજરાતી વિરુદ્ધ મરાઠી

આજે ૧ મેના દિવસે પ્રસ્તુત છે : ગુજરાતી વિરુદ્ધ મરાઠી

01 May, 2024 09:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિડ-ડે’એ રંગભૂમિનાં ગુજરાતી-મરાઠી કપલ્સને મસ્તીભર્યો સવાલ કર્યો કે તેમની ડે-ટુ-ડે લાઇફમાં ગુજરાતી વિરુદ્ધ મરાઠીની કેવીક ફાઇટ થાય છે 

રંગભૂમિનાં ગુજરાતી-મરાઠી કપલ્સની તસવીર

યે જો હૈ ઝિંદગી

રંગભૂમિનાં ગુજરાતી-મરાઠી કપલ્સની તસવીર


આજે મહારાષ્ટ્ર ડે અને ગુજરાત ડે છે. મહારાષ્ટ્રના મોટા-મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં જતા રહ્યા એ મુદ્દે આજકાલ પૉલિટિકલ ગરમાગરમી ચાલી રહી છે ત્યારે ‘મિડ-ડે’એ રંગભૂમિનાં ગુજરાતી-મરાઠી કપલ્સને મસ્તીભર્યો સવાલ કર્યો કે તેમની ડે-ટુ-ડે લાઇફમાં ગુજરાતી વિરુદ્ધ મરાઠીની કેવીક ફાઇટ થાય છે 

સ્નેહા સાળવી અને વિક્રમ મહેતા
‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ નાટક વખતે ગુજરાતી, મરાઠી નાટકો, ગુજરાતી, હિન્દી ફિલ્મો અને મરાઠી ટીવી-સિરિયલોની ઍક્ટ્રેસ સ્નેહા સાળવી તથા ગુજરાતી, મરાઠી, હિન્દી ફિલ્મો, નાટકો, સિરિયલોના ઍક્ટર વિક્રમ મહેતા મળ્યાં અને શરૂ થઈ હતી તેમની જિંદગીની સુહાની સફર. બે વર્ષ પહેલાં તેમણે લગ્ન કર્યાં. સ્નેહાની ફૅમિલી મસ્તીમાં પણ જો એમ કહે કે તમે ગુજરાતીઓ તો આવા જ હો તો સ્નેહા તેમને તરત કહી દે કે ગુજરાતીઓ માટે કંઈ બોલવાનું નહીં. હિન્દી ફિલ્મ ‘રિઝવાન’ અને ટીવી-સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘ખિચડી’ ફેમ વિક્રમ મહેતા કહે છે, ‘સ્નેહા જન્મથી મહારાષ્ટ્રિયન છે. બાકી તેનામાં મહારાષ્ટ્રિયનપણું છે જ નહીં. ૧૫ વર્ષથી તે ગુજરાતી નાટકોમાં લીડ રોલ કરી રહી છે. સ્નેહા શિવાજીની વંશજ છે એથી તેનામાં કૉન્ફિડન્સ ભરપૂર છે. ખોટી વાત તે ક્યારેય સહન ન કરે. ખોટું હોય ત્યાં પોતાનો પૉઇન્ટ મૂકીને એને પ્રૂવ કરીને જ રહે. મહારાષ્ટ્રિયન પોતાના હક માટે વધુ સ્ટ્રગલ કરતા હોય છે. હકની વાત તેઓ ક્યારેય ન છોડે. આવું ગુજરાતીઓમાં નથી હોતું.’

યસ, મહારાષ્ટ્રિયન લોકોનો ઈગો મારામાં બહુ છે એમ કહીને વિક્રમની વાતને ટેકો આપતાં ‘એક ચતુર નાર ભારે હોશિયાર’ સહિત ૧૫ ગુજરાતી નાટકોની અભિનેત્રી સ્નેહા સાળવી કહે છે, ‘હા, ગમે તે થાય તો પણ હું સૉરી ક્યારેય ન કહું. એથી તે મને ઘણી વાર કહે, આ જો આવી ગઈ મહારાષ્ટ્રિયન! મરાઠીઓમાં ઈગો બહુ હોય છે. ’




ઘરમાં થતી હળવી નોંકઝોંકની બહુ મજાની વાતો શૅર કરતાં સ્નેહા કહે છે, ‘પૈસા વાપરવાનું હું ગુજરાતીઓ પાસેથી શીખી છું. ગુજ્જુસાહેબો ખર્ચા બહુ કરે હોં. શૉપિંગ માટે જઈએ ત્યારે મારે તેનો હાથ પકડી રાખવો પડે કે હવે બહુ થયું. કાઉન્ટર પરના લોકો મને કહે કે તમે પહેલાં છો કે ના કહો છો. વિક્રમ શૉપિંગથી ધરાય જ નહીં, હું આટલો બધો ખર્ચ ન કરી શકું.’ ગુજરાતી-મરાઠી કલ્ચર, બોલચાલ, પાણીપીણી, રહેણીકરણીની કેટલીક બહુ મજાની વાતો સ્નેહાએ કરી. તે કહે છે, ‘ગુજરાતીમાં શાણી ન થા એનો મતલબ ડહાપણ ન કર એવો થાય. એક વાર વિક્રમે મારી મમ્મીને મજાકમાં કહ્યું શાણપણા નકો કરુ... ત્યારે મેં તેને ટોક્યો કે તું શું બોલે છે? મરાઠીમાં એનો અર્થ થાય છે વાયડાગીરી ન કર. વિક્રમ અમારા ઘરે આવે ત્યારે તે ફૅમિલીનો ટાઇમપાસનો ટૉપિક બની જાય છે. એક વાર મારા મામાને પગે લાગતાં કહે, ‘પાયાલા લાગતો...’ ત્યારે મામા હસવા માંડ્યા હતા. મરાઠીમાં આનો અર્થ જુદો થાય, પગથી મારે છે એવા પ્રકારનો થાય. મેં તેને કહ્યું, ‘અરે આ શું બોલે છે? પાયા પડતો એવું કહેવાય!’ મામાએ હવે તેનું નામ પાયાલા લાગતો જ પાડી દીધું છે. ગુજરાતીઓમાં એક ટેવ હોય. કંઈ કહેવું હોય તો ‘એ સાંભળને’ એમ કહે. વારંવાર વિક્રમ સાંભળને કહેતો હોવાથી મારા ભાઈઓએ તેનું નામ સાંભળ પાડ્યું છે. મરાઠીમાં એ ઍનિમલ છે. બીજું, તેની કપડાંની ચૉઇસ ગુજરાતીઓ જેવી નથી એટલે તે બચી ગયો છે. ગુજરાતી ટ્રેનમાં ટ્રાવેલ કરે કે સૌરાષ્ટ્રથી મારી માસીઓ મારા ઘરે આવે ત્યારે ૧૦-૧૫ લોકો એકસાથે બોલે અને જે અવાજ થાય એ જોઈને મારા ઘરવાળાઓ કહે કે ‘તું અહીં કેવી રીતે રહી શકે છે.’

ગુજરાતીઓની ખાસિયત છે કે મુંબઈને ગુજરાત બનાવી દે. હું રત્નાગિરિની કોકણી એટલે મને નૉનવેજ વિના ન ચાલે. હું તેને કહેતી કે તારા માટે મેં નૉનવેજ છોડી દીધું તો તું મારા માટે ગળ્યું ઓછું ન કરે? પરંતુ કેરીની સીઝનમાં મને તે કહી દે કે મને રોકતી નહીં. તેને કેરી વિના ન ચાલે અને હું તો રોજ કેરી જોઈને મોટી થયેલી એટલે અમને કેરીનું બહુ લાગે નહીં. હું તીખું ખાઉં એટલે મને કહે કે તું તીખું બહુ ખાય છે એટલે તું તીખી છે, મને મીઠું ખાવા દે નહીંતર હું પણ તીખો થઈ જઈશ! કલ્ચરના ફરકને કારણે બોલવામાં પણ ફરક થઈ જાય. હું સાસુને કહું કે આ બનાવી રાખજો તો વિક્રમ ટોકે કે બનાવડાવી રાખજો એમ કહેવાય (અમારા ઘરે કુક છે), સાસુને ઑર્ડર ન કરાય. જમવાની બાબતે પણ ઘણા ડિફરન્સ હતા, પણ વિક્રમે બહુ સાથ આપ્યો અને મને સેટ થવામાં બહુ મદદ કરી.’ વાતમાં સૂર પુરાવતાં વિક્રમ કહે છે, ‘અમે એકબીજાને સંભાળી લઈએ છીએ. મને હવે મરાઠી વાનગીઓ ખાવાનું વધુ ગમે છે.’


ભક્તિ રાઠોડ અને ધીરજ પાલશેતકર 
ગુજરાતી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી-સિરિયલોની ઍક્ટ્રેસ તથા નાટ્યલેખિકા ભક્તિ રાઠોડ અને થિયેટર, સિરિયલોના રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ધીરજ પાલશેતકર એક ટીવી-ચૅનલના લૉન્ચમાં મળ્યાં અને સાડાપાંચ વર્ષ પહેલાં તેમણે લગ્ન કર્યાં. ધીરજને એક બાબતની નવાઈ લાગે છે. તે હંમેશાં ભક્તિને કહે કે ‘તુમ લોગ મેં સબ ચીઝ બડી હોતી હૈ, એક ભાખરી ક્યું ઇતની છોટી હોતી હૈ? ગુજરાતી લોગ ઇતના મીઠા કૈસે ખા સકતે હૈં? દાળ મીઠી, શાક પણ મીઠું. તમારે ત્યાં હું જમવા જાઉં ત્યારે લાગે કે હું તો જાણે મીઠાઈની દુકાનમાં આવી ગયો છું. આટલું બધું મીઠું ખાધા પછી ડિઝર્ટમાં શું ખાશો? તમારામાં રાતે ખીચડી સાથે કઢી ખાય, રાતે છાશ શું કામ ખાય?’

કોઈ વાર ભક્તિ એમ કહે કે ચાલશે તો તરત ધીરજ તેને ટોણો મારે કે આ તારો ગુજ્જુ ઍટિટ્યુડ છે, ચલતા હૈ ક્યા? યે ચલતા હૈ, બિકતા નહીં હૈ. ધીરજે દાનત શબ્દ બોલવો હોય ત્યારે તે સ્પષ્ટતા કરે કે હું ગુજરાતી અર્થવાળો દાનત શબ્દ કહું છું. મરાઠીમાં એનો અર્થ થાય દાન કરવાની ક્ષમતા. એમ તો ઘણી વાર ભક્તિના ચોક્કસ ડ્રેસિંગ પર પણ ધીરજ કહે કે આ તો ગુજ્જુ ડ્રેસિંગ છે.
આટલાં વર્ષમાં ભક્તિને ક્યારેય એવું નથી લાગ્યું કે તેઓ મરાઠી કે ગુજરાતી છે. બન્ને અલગ વ્યક્તિ છે. હા, ડિફરન્સ તો હોય જ, પણ ભક્તિનું કહેવું છે કે અમારામાં આ બાબતને લઈને કોઈ ઇશ્યુ ઊભા નથી થતા છતાં બે કલ્ચરની ભિન્નતા તો છે જ. ભક્તિ એક પ્રસંગને વાગોળતાં કહે છે, ‘ગુજરાતીઓમાં ચા અને નાસ્તો શબ્દ પણ સાથે બોલાય. કપ-રકાબીમાં છલોછલ ચા હોય અને સાથે નાસ્તો હોય. મરાઠીમાં આવું નથી હોતું. એમાં પણ અમારા ઘરમાં અમારી ફૅમિલીમાં મેં જોયું છે કે પહેલાં નાસ્તો કરે અને પછી ચા પીએ એટલે અમારા ઘરે જ્યારે પણ મહેમાનો આવે ત્યારે શરૂઆતમાં હું તેમને ચા-નાસ્તો સાથે આપી દેતી. પછી એક વાર મારી સાસુએ મને કહ્યું કે આપણામાં નાસ્તો પહેલાં આપવાનો અને પછી ચા પીરસવાની જેથી ચા ઠંડી ન થઈ જાય. બાય ધ વે, ધીરજના પરિવારજનોને મારા હાથની ચા જેને તેઓ રજવાડી ચા કહે છે એ બહુ ભાવે. રસોઈમાં પણ ઘણો ફરક પડે. મરાઠીમાં બધી રેસિપીમાં વાટણ આવે. વાટણ એટલે વાટેલો એક ટાઇપનો મસાલો. અમારું ફ્રીઝર આખું આ વાટણથી જ ભરેલું હોય. મને થાય કે આટલાં બધાં વાટણ શું કામ રાખવાં પડે? પણ પછી સમજાયું કે દરરોજ દરેક રેસિપીમાં એ નાખવામાં આવે છે. હું ભીંડાનું શાક બનાવું ત્યારે જે ક્રિસ્પી થાય એની સાસુને નવાઈ લાગતી. એ લોકો કાંદા અને કોપરાનો મસાલો નાખીને ભીંડાનું શાક બનાવે. તેમને થાય કે ભીંડા સીધા કેવી રીતે વઘારી શકાય? આપણે ધાણાજીરું નાખીને એને ક્રિસ્પી બનાવીએ. આમ માનસિકતા કરતાં ખાવા-પીવામાં નાનો-મોટો ફરક હોય, પહેરવા-ઓઢવામાં પણ કલ્ચરના હિસાબે થોડો ફરક પડે.’

ઘરપરિવારના ધાર્મિક રીતરિવાજોમાં પણ થોડો ફરક હોય, પણ એમાંય મને મજા આવે એમ જણાવતાં ભક્તિ કહે છે, ‘હું નવરાત્રિમાં આઠમના દિવસે નૈવેદ્ય કરું. મારા પપ્પાના સ્વર્ગવાસ પછી નિવેદ જુવારવા અમે કુળદેવી ગયેલાં ત્યારે હવનમાં ધીરજ બેઠા હતા. આપણે હવન વગેરે કશું હોય તો પુરુષો બેસે, જ્યારે મરાઠીઓમાં કુળદેવીને ત્યાં કે કોઈ પણ કાર્ય હોય તો સ્ત્રીઓ કરે.  અમારા ઘરે સુહાગણ આવે તો હલદીકંકુ થાય અને ઓટી તો ભરવાની જ હોય, જેની મને મજા આવે છે. ક્યારેક ગુઢી પાડવાના દિને હું પણ નાકમાં નથ પહેરીને મરાઠણ બની જાઉં છું. એ દિવસે લીમડો ચાવીને ખાવાનું મને ગમે છે. કેટલી સાયન્ટિફિક બાબત છે આ. હું ઉંબરો પૂજું છું એ બાબત મારાં સાસરિયાંને ગમે છે. ભરેલાં રીંગણાં-બટાટાનું શાક હવે ઘરમાં બધાં ખાતાં થઈ ગયાં છે. તુવેરની મીઠી દાળ પણ ખાતાં થઈ ગયાં છે.’

ગુજરાતીઓની ખાસિયત છે કે કોઈ પણ રીતે કામ થવું જોઈએ અને એ મને બહુ ગમે એમ કહેતાં ધીરજ કહે છે, ‘ગુજરાતીઝ આર કલરફુલ પીપલ. બીજું, ગુજરાતી ઑડિયન્સ બેસ્ટ 
ઑડિયન્સ છે. તેમણે ખર્ચેલા પૈસાની તેઓ વૅલ્યુ કરી જાણે છે. નાટક ન ગમે તો તેઓ રિજેક્ટ કરે. તેમનો ઍટિટ્યુડ હોય છે કે આટલા બધા પૈસા ખર્ચીને નાટક જોવા આવ્યા છીએ તો ન ગમ્યું હોય તો રિજેક્ટ કરી દો. બાકી ફૂડની બાબતમાં એક સામ્ય. કાઠિયાવાડી ફૂડ તીખું તમતમતું હોય છે એવું અમારું કોલ્હાપુરી ફૂડનું છે. K ફૉર કાઠિયાવાડી અને K ફૉર કોલ્હાપુરી. આ બાબતે હું ભક્તિને ઘણી વાર કહું કે તુમ લોગોંને હમારે કોલ્હાપુરી કા કૉપી કિયા હૈ.’

મલ્લિકા શાહ અને શૈલેશ આવટે


નાટકોની ઍક્ટર અને પ્રોડ્યુસર મલ્લિકા શાહ અને એક સમયનો ઍક્ટર, IT બિઝનેસમૅન અને હવે ફાર્મિંગ કરતો શૈલેશ આવટે મીઠીબાઈ કૉલેજમાં મળ્યાં હતાં. શૈલેશ આવટે મલ્લિકાથી સિનિયર હતો અને તેમના ક્લાસ લેવા આવતો હતો. હકીકતમાં મલ્લિકા તેની એક ફ્રેન્ડને શૈલેશ માટે ચીડવતી હતી, પણ મલ્લિકા કહે છે, ‘વાત ઊંધી થઈ ગઈ, ગાડી મારી બાજુ આવી ગઈ...’ 
તેમનાં લગ્ન ૨૦૦૪માં થયાં. હાલમાં અમેરિકામાં નાટક ‘ફાફડા જલેબી’નો શો કરી રહેલી મલ્લિકા કહે છે, ‘શૈલેશ રોજ મને ચીડવે કે તમારા ગુજરાતીઓમાં કોઈ પણ ચીજ પર ગળી ચટણી અને સેવ ભભરાવી દો એટલે રેસિપી તૈયાર. હું પણ તેને વારંવાર કહું કે તમે જેટલા પણ મરાઠીઓ છો એ બધા મહાન છો, તમારે માર્સ પર જ જવું જોઈએ, અમે ગુજરાતીઓ તો કોઈ કૉમ્પિટિશનમાં આવતા જ નથી. ખાવાની વાત કરું તો જેટલી પણ ગુજરાતી વાનગી છે એ તેને ભાવે છે અને જેટલી પણ મહારાષ્ટ્રિયન વાનગી છે એ મને ભાવે છે. હું ગુજરાતીઓ કહે એમ ‘તંબૂરો’ કે ‘પથરા’ શબ્દો બોલું ત્યારે શૈલેશ મને કહે કે તું શું આવા શબ્દો બોલે છે? આમ તો એ ગુજરાતી પણ સારું બોલે છે, પણ મિત્રો મળે ત્યારે જે મરાઠીમાં ચાલુ થઈ જાય એની છટા અલગ જ હોય છે. હું મરાઠી બોલું ત્યારે એ લોકો હસી-હસીને ગાંડા થઈ જાય. ભલે હસે, હું તો બોલવાનું ચાલુ જ રાખું. વર્ષોની રિલેશનશિપ પછી અમારે હવે લૅન્ગ્વેજની જરૂર જ નથી પડતી.’
છેલ્લાં ૭ વર્ષથી મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાનાં મળીને ૬૩ ગામડાંઓમાં ખેતીકામ કરતા શૈલેશ ડાંગર અને ટમેટાં જેવાં દેશી બીજ સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. તેની સંસ્થા ઓ ઓ ઓ ફાર્મ્સ ઇન્ડિયામાં સંવર્ધનક્ષેત્રે સૌથી મોટી સંસ્થા છે. ૨૦૦૦ ખેડૂતો તેમની સાથે સંકળાયેલા છે. 

શૈલેશને ગુજરાતીઓની એક બાબત બહુ ગમે છે. તે કહે છે, ‘હું બહુ ગુસ્સાવાળો છું. મારામારી પર ઊતરી જતો. દિમાગને ઠંડું રાખવાનું હું ગુજરાતીઓ પાસેથી શીખ્યો છું. મારામારી કે અવાજ ઊંચો કર્યા સિવાય પ્રૉબ્લેમ સૉલ્વ કરવાનો તરીકો તેમની પાસેથી શીખવા જેવો છે. ગુજરાતીઓમાં અગાઉ મહિલાઓ બહાર નીકળીને કામ નહોતી કરતી અને મરાઠીમાં કોઈ મહિલા એવી ન હોય જે બહાર કામ ન કરતી હોય એ બાબતને લઈને મલ્લિકાના પરિવાર તરફથી અમારે વાઇટ ડાવરી મતલબ કે સ્ત્રીઓને કામ પર મોકલીને કમાણી કરાવવા વિશે ઘણું સાંભળવું પડતું. તેના પરિવાર તરફથી ખાવાપીવાની બાબતમાં પણ અમારે સાંભળવું પડતું. અમે નાસ્તામાં પૌંઆ કે ચા-ચપાતી ખાઈએ તો એ લોકોને આ બધું સાઇન ઑફ પૉવર્ટી લાગતું. આવું જ અમને પણ લાગતું. ગુજરાતીઓ સેવ-ગાંઠિયા વગેરે જેવો ઠંડો નાસ્તો સવારે ચા સાથે લે ત્યારે લાગતું કે ગુજરાતીઓ આળસુ છે. ગુજરાતીઓ ઓછું-ઓછું ખાય એથી હું તેને કહેતો કે તુમ લોગ ખાના હી નહીં ખાતે હો. અમે મરાઠીઓ વધારે ખાઈએ એટલે મલ્લિકા મને કહેતી કે તુમ લોગ જંગલી જનાવરોની જેમ ખાઓ છો. શરૂઆતમાં તો મલ્લિકા ગુજરાતી ફુલકા રોટલી ૧૦થી વધુ બનાવી જ નહોતી શકતી, જ્યારે અમારા ઘરમાં ૧૦૦ જેટલી રોટલી બનતી. ગુજરાતી લોકો શાક વધારે અને રોટલી ઓછી ખાય, જ્યારે મરાઠી લોકો રોટલી વધારે અને શાક ઓછું ખાય. ત્યારે મલ્લિકા કહેતી કે શાક લેવાના પૈસા નથી એટલે તમે આમ ખાઓ છો અને હું તેને કહેતો કે તમે લોકો મહેનત નથી કરતા એટલે તમે ઓછું ખાઓ છો.’

મલ્લિકા ખૂબ સારી ઍક્ટ્રેસ છે એની વાત કરતાં શૈલેશ કહે છે, ‘મલ્લિકાને હંમેશાં અવૉર્ડ મળતા અને મેં ૧૦ વર્ષ કામ કર્યું તોય મને એકેય અવૉર્ડ નથી મળ્યો એટલે મલ્લિકા મને એ બાબતે પણ ચીડવતી. મરાઠી લોકોને સવારે પાંચ વાગ્યે ઊઠવાની આદત હોય, જ્યારે ગુજરાતી લોકો જલદી ન ઊઠે. મલ્લિકા પણ ૧૦ વાગ્યે ઊઠતી, કારણ કે શોને કારણે રાતે મોડી આવતી. ત્યારે અમારી વચ્ચે પણ થોડી નોંકઝોંક થતી. હવે મને થાય છે કે હું તેને અન્યાય કરતો હતો. હું ખોટો હતો. સેટરડે-સન્ડે હોય ત્યારે ગુજરાતી ક્યારેય ઘરે ખાય જ નહીં, જ્યારે અમે રવિવારે મનગમતું ખાવાનું બનાવીને ઘરે જ ખાઈએ. શરૂઆતમાં મલ્લિકા બટાટાને બદલે કેળાની વાનગી બનાવતી હતી એ મને નહોતી ભાવતી, પણ હવે મને એ વધારે ભાવે છે. ગુજરાતીઓએ મરાઠીઓ પાસેથી પુસ્તકો વાંચવાનું શીખવા જેવું છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK